બાંગ્લાદેશના ખેલાડીઓને આ વખતે IPLમાં કેમ કોઈએ ન ખરીદ્યા?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025માં બાંગ્લાદેશનો કોઈ પણ ક્રિકેટર નહીં હોય.

2022 પછી આવું પહેલી વખત એવું બન્યું છે, જ્યાંરે બાંગ્લાદેશનો કોઈ પણ ક્રિકેટર આઈપીએલનો ભાગ નહીં બની શકે. આ વખતે 13 બાંગ્લાદેશી ખેલાડી હરાજી માટે ઉપલબ્ધ હતા પરંતુ તેમના પૈકી કોઈ પણ ખેલાડીના નામ પર બોલી ના લાગી.

બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં અવિશ્વાસનો માહોલ છે, ત્યારે બાંગ્લાદેશના ખેલાડીની બોલી ન લાગવાની સ્થિતિને કેટલાક લોકો બંને દેશો વચ્ચેના તણાવ સાથે પણ જોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દક્ષિણપંથી વિચારધારા સાથે જોડાયેલા કેટલાક લોકો આ મામલાને મોદી સરકાર સાથે પણ જોડી રહ્યા છે.

બીસીસીઆઈ કે આઈપીએલે બાંગ્લાદેશના ખેલાડીઓ પર બોલી ન લાગાવવા વિશે કોઈ પણ ટીપ્પણી કરી નથી. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીએ આ મામલો કાર્યક્ષમતા સાથે જોડાયેલો હોવાનું કહ્યું છે.

એક યુઝરે લખ્યું કે, "બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે જે થઈ રહ્યું છે, તેને લઈને આઈપીએલ ટીમોના માલિકો બાંગ્લાદેશના ખેલાડીઓની બોલી લગાવવાને લઈ સજાગ હતા."

કેટલાક લોકો આ ઘટનાને આઈસીસીના અધ્યક્ષ જય શાહનો નિર્ણય હોવાનું કહે છે. જોકે, આ લોકો એ નથી જણાવી રહ્યા કે તેઓ આમ કયા આધારે કહે છે.

2024ના આઈપીએલમાં પણ મુસ્તફિઝુર રહેમાન એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી હતા, જેમને જગ્યા મળી હતી.

મુસ્તફિઝુરે ચેન્નઈ સુરપકિંગ્સ માટે નવ મૅચ રમી હતી.

2025માં આઈપીએલની હરાજી માટે 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 574 ખિલાડીઓને 10 ટીમો દ્વારા શૉર્ટલિસ્ટ કરાયા હતા. આ 574 માંથી 208 ખિલાડી વિદેશી હતા.

IPL એ વિશ્વભરના ક્રિકેટરો માટે તેમની પ્રતિભા દર્શાવવા માટેનો છે. જોકે, પાકિસ્તાની ક્રિકેટરો તેમાં ભાગ લેતા નથી. IPLની શરૂઆત 2007માં થઈ હતી અને પાકિસ્તાનના ખેલાડીઓએ માત્ર પ્રથમ સિઝનમાં જ ભાગ લીધો હતો.

કોઈએ પણ બોલી ન લગાવી

2008માં મુંબઈમાં ચરમપંથી હુમલો થયો હતો અને ત્યાર પછી ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક સબંધો સિવાય બીજા સબંધો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. આમાં ક્રિકેટ સાથે જોડાયેલા સબંધો પણ વણસી ગયા હતા.

ત્યારથી જ બીસીસીઆઈએ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાંથી બાકાત કરી દીધા હતા.

2025માં આઈપીએલની હરાજીમાં બાંગ્લાદેશના 13 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ખાલી બે રિશદ હુસૈન અને મુસ્તફિરઝુર રહેમાન શૉર્ટલિસ્ટ થયા હતા પરંતુ બંનેમાંથી કોઈની પણ બોલી લાગી ન હતી.

રિશદે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન કરી 14 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન પછી તેઓ દુનિયાની નજરમાં હતા પરંતુ તેઓ ભારત સાથેની ત્રણ ટી-20 મૅચની સિરીઝમાં માત્ર 3 વિકેટ જ લઈ શક્યા હતા. કદાચ આ જ પ્રદર્શન તેમના વિરુદ્ધમાં ગયું.

પરંતુ મુસ્તફિઝુરની બોલી ન લાગી તે થોડું આશ્ચર્ય પમાડે છે. મુસ્તફિઝુરે આઈપીએલની સાત સિઝનમાં ભાગ લીધો છે અને અલગ-અલગ પાંચ ટીમો સાથે મૅચો રમી છે. છેલ્લી આઈપીએલમાં તેઓ ચેન્નઈ સુરરકિંગ્સ વતી બૉલિંગ કરતા તેમણે 9 મૅચમાં 14 વિકેટ લિધી હતી. તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી પરંતુ કોઈએ બોલી ન લગાવી.

કહેવામાં આવી રહ્યું કે મુસ્તફિઝુર રહમાનનું દુર્ભાગ્ય રહ્યું કે હરાજીના બીજા દિવસે પણ તેમનું નામ સામે આવ્યું અને ત્યાં સુધીમાં તમામ ફ્રૅન્ચાઇઝીઓની ઝોળી ખાલી થઈ ગઈ હતી. આ ઉપરાંત, તેમને છેલ્લી IPLમાં અધવચ્ચે બોલાવી દેવામાં આવ્યા હતા જે પણ તેમની વિરુદ્ધમાં ગયું.

શાકિબ-અલ-હસન પણ શૉર્ટલિસ્ટ નહીં

બાંગ્લાદેશના શાકિબ-અલ-હસન લાંબા સમય સુધી આઈપીએલનો ભાગ રહ્યા હતા. ગત વર્ષે મિની ઑક્શનમાં કોઈએ તેમની બોલી ન લગાવી અને આ વર્ષે તો તેમને શૉર્ટલિસ્ટ પણ ન કરાયા.

બાંગ્લાદેશના કોઈ પણ ખેલાડી આઈપીએલમાં જગ્યા ન બનાવી શક્યા પણ હરાજીમાં અફઘાનિસ્તાનના ખિલાડીઓની બોલબાલા રહી.

જ્યારે બાંગ્લાદેશના ખેલાડીઓ તેની શરૂઆતથી જ IPLનો ભાગ છે. અફઘાનિસ્તાન 2007માં ICCનું સભ્ય પણ નહોતું.

આઈપીએલની 18મી સિઝન બાંગ્લાદેશી ખેલાડીઓ વગર જ થશે જ્યાંરે અફઘાનિસ્તાનના સાત ખેલાડીઓને કૉન્ટ્રેક્ટ મળ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલમાં કોઈ બાંગ્લાદેશી ખેલાડીનું ન હોવું સાબિત કરે છે કે ટી-20 ક્રિકેટમાં તેઓ નબળું પ્રદર્શન કરી રહ્યા છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(બીસીબી)ના ડાયરેક્ટર નઝમુલ અબેદીન ફહીમે પોતાના ખેલાડીઓની બોલી નહીં લગાવવા પર કહ્યું કે ક્ષમતાના આધાર પર જ આઈપીએલમાં પ્રાથમિકતા મળે છે.

ફહીમે કહ્યું કે અફઘાનિસ્તાનના ખેલાડીઓમાં ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા છે, એટલા માટે તેમને પ્રાથમિકતા મળી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શું કહ્યું?

બાંગ્લાદેશનાં અંગ્રેજી અખબાર ડેલી સ્ટાર અનુસાર, ફહીમે બુધવારે કહ્યું, "ખાનગી રીતે હું પોતે ખુબ દુ:ખી છું. આપણી ગુણવત્તા ખુબ સામાન્ય છે. જો અમને વૈશ્વિક મંચ ઉપર જગ્યા મળે છે તો અમે તેના લાયક છીએ અને જો નથી મળતી તો અમે તેના લાયક નથી. અમે અમારા ખેલાડીઓને ફ્રૅન્ચાઇઝી લીગ માટે મજબુર નથી કરી શકતા. જો તેમનામાં યોગ્યતા અને ક્ષમતા હશે તો તેની પસંદગી જરુર થશે."

ફહીમે કહ્યું, "અમારી પાસે ગયા વર્ષે પણ તક હતી પરંતુ, અમે તે ગુમાવી દીધી. અમને લાગે છે કે તકોનો લાભ ઉઠાવવાની જરૂર છે. IPLમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓની સંખ્યા વધી રહી છે જ્યારે આપણે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ."

હાલ ભારત અને બાંગ્લાદેશના સબંધમાં અવિશ્વાસ વ્યાપી ગયો છે. ચટગાંવમાં ઇસ્કૉન મંદિરના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને મંગળવારે રાજદ્રોહના કેસમાં જેલ મોકલવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ભારતએ નિવેદનમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત બીજા લઘુમતિઓ પર આ દિવસોમાં હુમલાઓ વધ્યા છે.

બાંગ્લાદેશે કહ્યું હતું કે આ તેમનો આંતરિક મામલો છે. બાંગ્લાદેશ સરકારના લોકો ભારતીય મીડિયાને પણ નિશાન બનાવી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય મીડિયા બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિરુદ્ધમાં પ્રચાર કરે છે.

બુધવારે બાંગ્લાદેશના યુવાન અને રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ મહમૂદ શોજિબ ભુઇયાંએ જણાવ્યું હતું કે "જે પણ બાંગ્લાદેશની સ્વતંત્રતા અને સંપ્રભુતા માટે ખતરારૂપ બનશે, તેમના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.