બરોડાની ટીમે ટી-20માં 349નો તોતિંગ સ્કોર ખડકીને રેકૉર્ડ સર્જ્યો, 51 બૉલમાં 134 રન

ભારતીય ક્રિકેટ બોર્ડની ડૉમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટી-20માં દરરોજ કોઈને કોઈ આશ્ચર્યજનક રેકૉર્ડ્સ સર્જાઈ રહ્યા છે.

હજુ થોડા દિવસ અગાઉ જ ગુજરાતના ઉર્વીલ પટેલે ઝંઝાવાતી સદી ફટકારી હતી, તો હવે બરોડાની ટીમે એવો કમાલ કર્યો છે જેની ચર્ચા થઈ રહી છે.

એક સમય એવો હતો કે ટી-20માં કોઈ ટીમ 200ની આસપાસનો સ્કોર કરે તો એ વધુ લાગતો હતો.

2008માં આઈપીએલની શરૂઆત થઈ ત્યારે પણ કોઈએ કલ્પના કરી ન હતી કે આ ટી-20 લીગમાં આટલા અવનવા રેકૉર્ડ સર્જાશે.

હવે તો ભારતની ડૉમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ 200 કે 250નો સ્કોર મોટો ગણાતો નથી. પણ બરોડાની ટીમે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 250 નહીં, 300 નહીં પરંતુ 349 રનનો સ્કોર ખડકીને ઇતિહાસ રચી દીધો છે.

ટી-20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર

ઇન્દોરના ઍમરલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે બરોડાની ટીમ સિક્કિમ સામે રમી રહી હતી. બરોડાએ પ્રથમ બેટિંગ પસંદ કરીને થોડી વારમાં જ પોતાના ઇરાદા જાહેર કરી દીધા હતા.

પાવર-પ્લે પૂરો થાય ત્યાં સુધીમાં તો ટીમનો સ્કોર 100ને પાર કરી ગયો હતો અને 11મી ઓવરમાં તો ટીમનો સ્કોર 200 સુધી પહોંચી ગયો હતો.

બરોડા માટે રમતાં મૂળ રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા ભાનુ પાનિયાએ તો કમાલ કરી દીધો હતો. તેમણે માત્ર 51 બૉલ રમીને અણનમ 134 રન ફટકારી દીધા હતા જેમાં 15 સિક્સરનો સમાવેશ થતો હતો.

ટી20 ક્રિકેટ ઇતિહાસમાં (ઇન્ટરનેશનલ અને તમામ પ્રકારની ટી20 મૅચ)માં માત્ર બે જ ટીમે આ અગાઉ એક ઇનિંગ્સમાં 300 રનનો સ્કોર વટાવ્યો હતો.

હજુ ગત ઑક્ટોબર મહિનામાં જ ઝિમ્બાબ્વેની ટીમે ઝામ્બિયા સામે નૈરોબીમાં રમાયેલી ટી-20 મૅચમાં ચાર વિકેટે 344 રન ફટકાર્યા હતા.

તો એ સિવાય 2023ની એશિયન ગેમ્સની ક્રિકેટ ઇવેન્ટમાં નેપાળની ટીમે હેંગઝાઉ ખાતે મોંગોલિયા સામે રમતી વખતે ત્રણ વિકેટે 314 રન કર્યા હતા. આ બંને ટીમ તો ઇન્ટરનેશનલ ટી-20 રમતી હતી.

પરંતુ બરોડાની ટીમ માત્ર ડૉમેસ્ટિક લેવલ પર રમે છે અને તેની સામેની સિક્કિમની ટીમ હવે બીસીસીઆઈની નિયમિત ટીમ છે. જોકે નૉર્થ-ઇસ્ટની કેટલીક ટીમો હજુ પણ ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં રમતી નિયમિત ટીમોની સરખામણીએ થોડી નબળી કહી શકાય.

આમ છતાં કોઈ પણ ટીમ સામે આવડો મોટો જંગી સ્કોર ખડકવો તે આસાન બાબત નથી. કેમ કે તેના માટે ઘણા ધૈર્યની જરૂર પડતી હોય છે. સતત પીચ પર ટકી રહેવું અને વારંવાર બદલાતા બૉલિંગ આક્રમણ સામે રમતા રહેવું તે કોઈ પણ કક્ષાના ક્રિકેટમાં આસાન નથી. હરીફ ટીમ ગમે તેટલી મજબૂત હોય કે નબળી હોય આવો સ્કોર નોંધાવવો આસાન નથી.

ભાનુ પાનિયાની ઝંઝાવાતી બેટિંગ

બરોડાએ ઇનિંગ્સની શરૂઆતથી જ આ પ્રકારની ઝંઝાવાતી બેટિંગ કરી હતી. ઓપનર શાશ્વત રાવત અને અભિમન્યુ સિંઘે 5.1 ઓવરમાં તો ટીમનો સ્કોર 92 સુધી પહોંચાડી દીધો હતો.

અભિમન્યુ સિંઘ માત્ર 17 જ બૉલમાં 53 રન ફટકારીને આઉટ થયા હતા અને તેમણે પાંચ સિક્સ ફટકારી હતી. જ્યારે શાશ્વત રાવત 16 બૉલમાં 43 રન ફટકારીને આઉટ થયા હતા.

એમના આઉટ થયા બાદ સિક્કિમના બૉલર હજુ રાહતનો શ્વાસ લે ત્યાં સુધીમાં તો ભાનુ પાનિયાએ ઝંઝાવાતી બેટિંગની શરૂઆત કરી. જોતજોતામાં તો બરોડાએ 150નો સ્કોર પાર કરી દીધો.

ભાનુ પાનિયાએ 51 બૉલમાં 134 રન ફટકાર્યા હતા જેમાં 15 સિક્સ સામેલ હતી. આ ઉપરાંત તેમણે ચાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

આમ, ભાનુએ તેમની 134 રનની ઇનિંગ્સમાં 110 રન તો માત્ર બાઉન્ડરી શૉટથી જ ફટકાર્યા હતા.

બરોડાના ટી-20 ઇતિહાસમાં આ પહેલાં કેદાર જાધવે આવી રીતે તેમની ઇનિંગ્સના 80 રન બાઉન્ડરીથી ફટકાર્યા હતા. ભાનુએ આ રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.

આ ઉપરાંત તેમણે ટી-20માં બરોડા માટેનો સર્વોચ્ચ સ્કોર પોતાના નામે કરી લીધો છે. અગાઉ દીપક હુડાએ બરોડા માટે એક ઇનિંગ્સમાં 108 રન ફટકાર્યા હતા. બરોડાના 349 રનની વાત પર આવીએ તો તે હવે ટી-20ના ઇતિહાસમાં એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોર નોંધાવવામાં વિશ્વમાં મોખરે પહોંચી ગયું છે. ત્યારબાદ ઝિમ્બાબ્વે અને નેપાળનો ક્રમ આવે છે.

જ્યારે ચોથા ક્રમે ભારત આવે છે જેણે હજી ઑક્ટોબરમાં જ હૈદરાબાદ ખાતે પ્રવાસી બાંગ્લાદેશ સામે છ વિકેટે 297 રનનો સ્કોર ખડક્યો હતો.

બરોડાએ આ મૅચમાં સિક્કિમ સામે 263 રનથી વિજય હાંસલ કર્યો હતો. ભારતીય ટી-20માં આ રેકૉર્ડમાં બરોડા મોખરે છે અને તેણે હૈદરાબાદ અને આંધ્રને ઘણા અંતરથી પાછળ રાખી દીધું છે.

હૈદરાબાદની ટીમે નવેમ્બર, 2024માં મેઘાલયને 179 રનથી અને આંધ્રની ટીમે 2019માં નાગાલૅન્ડને 179 રનથી હરાવ્યું હતું. ટી-20 ક્રિકેટમાં બરોડા હવે સૌથી મોટા માર્જિનના વિજયમાં પણ ચોથા ક્રમે છે.

અગાઉ ઉલ્લેખ કર્યો તે મૅચમાં ઝિમ્બાબ્વેનો ગામ્બિયા સામે 290 રને, નેપાળનો મોંગોલિયા સામે 273 રને અને નાઇજિરિયાની ટીમનો આઇવરી કોસ્ટ સામે 264 રનના અંતરથી વિજય થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.