ચેન્નાઈ સુપરકિંગ્સ હંમેશાં બિનઅનુભવી બૉલરો કેમ ખરીદે છે, શું આ ધોનીની રણનીતિ છે?

    • લેેખક, બોથરાજ
    • પદ, બીબીસી માટે

આઇપીએલ 2025ની હરાજીમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ફરી એક વાર બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ચેન્નાઈની ટીમે બધાને આશ્ચર્યમાં મૂકતાં એવા બે યુવા બૉલરોને ખરીદ્યા છે જેઓ ડૉમેસ્ટિક ક્રિકેટમાં પણ રમ્યા નહોતા.

તેની પાછળ ચેન્નાઈ સુપરકિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જ રણનીતિ મનાય છે, જેમાં તેઓ સામાન્ય ખેલાડીઓને ટીમમાં સમાવેશ કરીને તેમનો યોગ્ય સમયે ઉપયોગ કરીને તેમને સ્ટાર બનાવી દે છે.

આવા એક નહીં પણ અનેક ઉદાહરણો છે. જેમ કે, શિવમ દુબેને ભારતીય ટીમમાં ખૂબ તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ ત્યાં સારું પ્રદર્શન કરી શકતા ન હતા. પરંતુ શિવમ દુબેનો ઉપયોગ ધોનીએ ‘ઇમ્પૅક્ટ પ્લેયર’ તરીકે કર્યો હતો અને પછી શિવમ દુબેના કારણે ચેન્નાઈને ઘણી મૅચમાં જીત મળી હતી.

એ સિવાય શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, મથિસા પથિરાનાને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવાનો કોઈ અનુભવ ન હતો. દીપક ચહર અને શાર્દૂલ ઠાકુરે ભારતીય ટીમ માટે જોકે ઘણી મૅચ રમી હતી. પરંતુ ત્યારે એવું કહેવાતું ન હતું કે આ ત્રણ ખેલાડીઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અન્ય ટીમોને મુશ્કેલી પડે.

એ સમયે શાર્દૂલ ઠાકુરની બૉલિંગ ઍવરેજ ત્રણેય ફૉર્મેટમાં 18 કરતાં વધારે હતી, જ્યારે દીપક ચહરની ઍવરેજ પણ 20 કરતાં વધારે હતી. પરંતુ ધોનીને એ વાતનો ખ્યાલ હતો કે બંનેનો ઉપયોગ ચેન્નાઈની ટીમમાં ક્યાં અને કેવી રીતે કરવો. તેણે બંનેનો ઉપયોગ કરીને ટ્રૉફી જીતવાનું સ્વપ્ન ફરી એક વાર પૂર્ણ કર્યું હતું.

આમ જોવા જઈએ તો દરેક આઇપીએલની મેગા ઑક્શનમાં ચેન્નાઈની ટીમ અન્ય ટીમો કરતાં અલગ અપ્રોચ રાખે છે.

ટીમમાં સેમ કરન ડાબોડી બૉલર હોવા છતાં ચેન્નાઈએ આ વખતે ગુરજપનીતસિંહને ખરીદ્યા છે તથા હરિયાણાના ફાસ્ટ બૉલર અંશુલ કંબોજ પર પણ પસંદગી ઉતારી છે.

ગુરજપનીતસિંહને બેઝ પ્રાઇઝથી સાત ગણી કિંમત આપીને ખરીદ્યા

ગુરજપનીતસિંહની બેઝ કિંમત 30 લાખ રૂ. હતી, પરંતુ ચેન્નાઈની ટીમે તેમને 2.20 કરોડમાં ખરીદ્યા હતા.

અત્યાર સુધીમાં ગુરજપનીતસિંહ તામિલનાડુ પ્રીમિયર લીગમાં મદુરાઈ પેન્થર્સ અને ડિન્ડિગુલ ડ્રૅગન્સની ટીમ તરફથી રમી ચૂક્યા છે.

પણ ઓછા અનુભવ છતાં ચેન્નાઈની ટીમે તેમને 2.20 કરોડમાં કેમ ખરીદ્યા?

ગુરજપનીતસિંહનો જન્મ નવેમ્બર 8, 1998ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો.

6.3 ફૂટની ઊંચાઈ ધરાવતા ગુરજપનીતસિંહ હરિયાણાના અંબાલામાં મોટા થયા અને 17 વર્ષની ઉંમરે તેઓ તામિલનાડુ આવી ગયા હતા.

સાત વર્ષની સખત ટ્રેનિંગ પછી ગુરજપનીતસિંહે 2021માં મદુરાઈ ડ્રેગન્સની ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

તે બાદ ગુરજપનીતસિંહ પીઠના દુખાવાને કારણે ક્રિકેટથી દૂર થઈ ગયા હતા. તેમણે સારવાર લીધી અને પછી 2023માં તેઓ ડિન્ડીગુલ ડ્રેગન્સની ટીમ તરફથી રમ્યા હતા.

જ્યારે તેઓ એ ટીમમાં હતા ત્યારે રવિચંદ્રન અશ્વિન અને યોમાકેશ તેમના મુખ્ય માર્ગદર્શક હતા, જેના કારણે તેમનું કૌશલ્ય વધુ ખીલ્યું.

ગુરજપનીતસિંહ 2024ની રણજી ટ્રૉફીમાં તામિલનાડુની ટીમ તરફથી પણ રમ્યા હતા.

સૌરાષ્ટ્ર સામેની મૅચમાં તેમણે 22 રન આપીને છ વિકેટ ઝડપી હતી. એ સિવાય તામિલનાડુ તરફથી રણજી ટ્રૉફીમાં 2005 પછી સૌથી વધુ વિકેટ લેનાર બૉલર તેઓ બન્યા હતા.

ચેન્નાઈની ટીમે તેમને બેઝ કિંમત કરતાં સાત ગણી વધુ રકમ આપીને 2.20 કરોડમાં ખરીદ્યા છે.

ગુરજપનીતસિંહે ભારતની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમના નેટ બૉલર તરીકે કામ કર્યું હતું.

ચેન્નાઈના વહીવટકર્તાઓએ તેમની બૉલિંગ સ્ટાઇલ અને ઍવરેજની પણ ચકાસણી કરી હતી.

ગુરજપનીતસિંહે ચેન્નાઈ માટે પણ નેટ્સમાં બૉલિંગ કરી છે. તેમની ઊંચાઈ 6.3 ફૂટ હોવાથી તેમની યૉર્કર ફેંકવાની ક્ષમતા, સ્પીડ અને ચોકસાઈ પણ ખૂબ સારી છે. તેમની ડેથ ઑવર્સમાં પણ બૉલિંગ કરવાની ક્ષમતા સારી હોવાને કારણે ચેન્નાઈએ તેમની પસંદગી કરી હોવાનું મનાય છે.

તેમની બૉલિંગમાં યૉર્કર ફેંકવાની ક્ષમતા મુસ્તફિઝુર રહેમાનની ગતિ અનુરૂપ જ છે. આથી જ ચેન્નાઈની ટીમે તેની પસંદગી કરી છે.

ચેન્નાઈની કાયમી યોગ્ય બૉલર ન લેવા બદલ ટીકા થતી હોય છે. એવામાં ગુરજપનીતસિંહ ડાર્ક હૉર્સ સાબિત થઈ શકે છે.

હરાજી દરમિયાન લખનૌ અને ગુજરાત ટાઇટન્સે પણ ગુરજપનીતસિંહ માટે બોલી લગાવી હતી, પરંતુ અંતે ચેન્નાઈએ તેમને ખરીદ્યા હતા.

ગુરજપનીતસિંહનું શું કહેવું છે?

ક્રિકઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં ગુરજપનીતસિંહ કહે છે, “હું જ્યારે તામિલનાડુ પ્રીમિયર લીગમાં ડિન્ડીગુલ ડ્રૅગન્સ તરફથી રમ્યો ત્યારે અશ્વિન અને યોમાકેશે મને અલગ-અલગ સલાહો આપી હતી. તેનાથી મને ઘણી મદદ મળી હતી. બંનેએ મને શીખવ્યું છે કે કઈ રીતે બૉલિંગ કરવી, કઈ રીતે ઍક્યુરસી જાળવવી અને કઈ રીતે લાઇનલૅન્થ જાળવીને બૉલિંગ કરવી.”

તેમણે કહ્યું હતું કે, “હું ભારતીય ટીમમાં નેટ બૉલર પણ હતો. મેં વિરાટ કોહલી સામે પણ બૉલિંગ કરી હતી અને તેમણે પણ સલાહ આપી હતી.”

તેમને નેટ્સમાં ધોની સામે પણ બૉલિંગ કરવાની તક મળી હતી. તેઓ કહે છે, “આવા બૉલર સામે બૉલિંગ કરતી વખતે ધ્યાન રાખવું પડે છે અને ઘણી વસ્તુઓ શીખવા પણ મળે છે. ધોની સામે ડેથ ઑવર્સમાં બૉલિંગ કરવી મુશ્કેલ બને છે. ચેન્નાઈની ટ્રેનિંગમાં જ હું શીખ્યો કે ડેથ ઑવર્સમાં બૉલિંગ કેવી રીતે કરવી જોઇએ.”

અંશુલ કંબોજની પસંદગીથી પણ આશ્ચર્ય

ચેન્નાઈએ હરિયાણાના બૉલર અંશુલ કંબોજની પસંદગી કરીને પણ નવાઈ પમાડી છે. ચેન્નાઈએ તેમને 3.40 કરોડમાં ખરીદ્યા છે. તેમની બેઝ પ્રાઇઝ 20 લાખ હતી.

તેઓ પણ અતિશય બિનઅનુભવી બૉલર છે અને ફર્સ્ટ ક્લાસ મૅચ અને લિસ્ટ-એ ક્રિકેટમાં પણ ઓછી મૅચ રમ્યા છે. ગત સિઝનમાં તેની મુંબઈએ ખરીદી કરી હતી.

તેમણે માત્ર ત્રણ મૅચ રમી હતી અને બે વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈએ તેમને ખરીદ્યા હોવાનું કારણ તાજેતરમાં તેમણે કરેલી સારી બૉલિંગ મનાય છે. હાલની રણજી સિઝનમાં તેમણે કેરળ સામે 49 રન આપીને દસ વિકેટ ઝડપી હતી. એ સિવાય તેમણે 19 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 50 વિકેટ ઝડપીને રેકૉર્ડ સર્જ્યો છે.

રણજી ટ્રૉફીની એક જ ઇનિંગમાં જ દસ વિકેટો ઝડપી હોય તેવા અંશુલ ત્રીજા ખેલાડી બન્યા છે.

હરાજીમાં દિલ્હી અને મુંબઈની ટીમે પણ તેમને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો.

અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર, 2000ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો.

તેમણે હરિયાણા તરફથી 2021-22માં રણજી ટ્રૉફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે પહેલી જ સિઝનમાં દસ મૅચમાં 17 વિકેટ ઝડપી હતી. હરિયાણા ગત સિઝનમાં વિજય હઝારે ટ્રૉફી જીતવામાં સફળ થયું તેમાં પણ તેમનો ફાળો હતો. તેમણે દુલીપ ટ્રૉફીમાં પણ આઠ વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સે તેમને આઇપીએલમાં મોકો આપ્યો હતો, પરંતુ તેમને માત્ર ત્રણ મૅચ રમવાની જ તક મળી હતી.

કંબોજે અત્યાર સુધીમાં કુલ 21 ટી-20 મૅચ રમી છે, જેમાં તેમણે 24 વિકેટ ઝડપી છે અને તેમની સરેરાશ આઠ રનની રહી છે.

ચેન્નાઈ પાસે સેમ કરન સિવાય કોઈ ફાસ્ટ બૉલર નથી કે જે મિડલ ઑવર્સમાં બૉલિંગ કરી શકે. આથી જ ચેન્નાઈએ અંશુલ કંબોજ પર પસંદગી ઉતારી હોવાનું મનાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.