મૅક્સવેલના 201 રનની ઝંઝાવાતી ઇનિંગ્સ વચ્ચે અફઘાનિસ્તાનના આ ખેલાડીની ચર્ચા કેમ થઈ રહી છે?

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અફઘાનિસ્તાનની મૅચ વર્લ્ડકપમાં ઐતિહાસિક બની રહી.

ઑસ્ટ્રેલિયાના ગ્લેન મૅક્સવેલની શાનદાર ઇનિંગના ક્રિકેટપ્રેમીઓ વખાણ કરી રહ્યા છે. ગ્લેન મૅક્સવેલે 91 રને સાત વિકેટ ગુમાવી ચૂકેલી ઑસ્ટ્રેલિયાની ટીમને 128 બૉલમાં 201 રનની ધુંઆધાર ઇનિંગ રમી વર્લ્ડકપની મૅચમાં યાદગાર જીત અપાવી હતી.

પણ આ વચ્ચે અફઘાનિસ્તાનના ખેલાડી ઇબ્રાહિમ ઝાદરાનની પણ ચર્ચા થઈ રહી છે.

કારણ કે આ ખેલાડીએ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન તરફથી પહેલી સદી બનાવનારા ખેલાડી તરીકેનો રૅકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.

અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડકપના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલૅન્ડ્સ જેવી ટીમોને ઘૂંટણિયે પાડી દીધી હતી.

વર્લ્ડકપમાં પાંચ મૅચ જીતીને ઇંગ્લૅન્ડને હરાવીને અપસેટ સર્જનારી ટીમની સરાહના તો થઈ જ રહી છે. પણ મંગળવારની મૅચ પહેલાં વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના કોઈ ખેલાડી સદી નહોતા નોંધાવી શક્યા.

આ ટુર્નામેન્ટ પહેલાં સુધી અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં માત્ર એક- એક જ મૅચ જીતી શકી હતી. અને કોઈ જ બૅટ્સમૅન શતક નહોતો બનાવી શક્યો. પણ આ વર્લ્ડકપમાં ટીમે આ બન્ને રૅકૉર્ડ તોડી નાખ્યા છે.

સદી ઐતિહાસિક બની ગઈ

મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી મૅચમાં અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને સદી ફટકારી. તેમણે 131 બૉલમાં આ સદી પૂર્ણ કરી લીધી. જેમાં સાત ચોક્કા માર્યા. તેમણે 62 બૉલમાં અર્ધશતક સુધી પહોંચ્યા હતા.

ઝાદરાન પહેલાં વર્લ્ડકપમાં સૌથી વધુ સ્કોર સૈમુલ્લાહ શિનવારીનો હતો. જેણે 2015ના વર્લ્ડકપમાં સ્કૉટલૅન્ડ સામેની મૅચમાં બનાવ્યો હતો.

આ ઇનિંગ્સ દરમિયાન ઝાદરાન ઑસ્ટ્રેલિયા સામે વનડેમાં સદી ફટકારનારા ચોથા સૌથી ઓછી ઉંમરના બૅટ્સમેન બન્યા. આ રૅકૉર્ડ બાંગ્લાદેશના મોહમ્મદ અશરફુલના નામે છે. જેણે 2005માં 20 વર્ષ અને 282 દિવસની ઉંમરે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી બનાવી હતી. ઇબ્રાહિમે 21 વર્ષ અને 330 દિવસની ઉંમરે આ સદી ફટકારી હતી.

અફઘાનિસ્તાનની હવે પછીની મૅચ 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે છે.

અગાઉ થઈ ચૂક્યો હતો વિવાદ

અફઘાનિસ્તાનના ક્રિકેટર ઇબ્રાહિમ ઝાદરાનને પાકિસ્તાન સામેની વર્લ્ડકપની મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરાયા તો તેમણે આ ઍવૉર્ડ અફઘાનિસ્તાનના એ શરણાર્થીઓના નામે કરી દીધો જેને પાકિસ્તાન પોતાને ત્યાંથી બળપૂર્વક પાછા મોકલી રહ્યું છે.

પાકિસ્તાન સામેની મૅચમાં ઝાદરાને 87 રનોની શાનદાર રમત દાખવી હતી. અને તેમની આ રમતે અફઘાનિસ્તાનને પાકિસ્તાન સામે જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઝાદરાન જ્યારે પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ લેવા આવ્યા ત્યારે તેમને પૂછાયું કે તેઓ આ કોને સમર્પિત કરશે તો તેમણે કહ્યું કે આ ટ્રૉફી એ અફઘાની નાગરિકો માટે છે જેમને પાકિસ્તાનમાંથી બળપૂર્વક હઠાવવામાં આવી રહ્યા છે.

ઝાદરાને કહ્યું, "હું આભારી છું કે હું આ મૅચમાં સારું રમ્યો. હું સકારાત્મક અભિગમ સાથે રમવા માગતો હતો. કેટલીયવાર મેં અને ગુરબાઝે શાનદાર ભાગીદારી દાખવી છે. અમે અંડર-16ના સમયથી સાથે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. હું મારા અને મારા દેશ બંને માટે ઘણો ખુશ છું. હું આ મેન ઑફ ધ મૅચ એ અફઘાન શરણાર્થીઓને સમર્પિત કરું છું જેને પાકિસ્તાન બળપૂર્વક હઠાવી રહ્યું છે."

પાકિસ્તાનમાં આશરે 17 લાખ અફઘાનીઓ છે

પાકિસ્તાનની સરકારે અગાઉ માન્ય દસ્તાવેજો ન હોય તેવા લોકોને દેશ છોડીને જતા રહેવાનું કહ્યું હતું. અને નહીં જાય તો તેમની હકાલપટ્ટી કરાશે તેમ પમ જણાવ્યું હતું.

એક અંદાજ મુજબ પાકિસ્તાનમાં આશરે 17 લાખ અફઘાનીઓ છે. પાકિસ્તાને કહ્યું હતું કે 52,000 જેટલાં પુરુષો, મહિલાઓ અને બાળકો અફઘાનિસ્તાન પાછાં જતાં રહ્યાં છે.

સુંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના આ વલણની ટીકા કરી હતી અને આગ્રહ કર્યો હતો કે અફઘાન નાગરિકોને તે બળપૂર્વક કાઢી ના મુકે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ આને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. જોકે તાલિબાને પાકિસ્તાન સાથેની અફઘાનિસ્તાનની સરહદ પર પોતાના નાગરિકોને મદદ કરવા માટે ટેન્ટ લગાવ્યા છે અને ભોજન-પાણીની વ્યવસ્થા કરી છે.