ઉત્તરકાશી સુરંગ રૅસ્ક્યૂ ઑપરેશન : ટનલમાં કરવામાં આવી છે મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા

    • લેેખક, આસિફ અલી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, ઉત્તરકાશીથી

ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રૅસ્ક્યૂ ઑપરેશનો આજે 17મો દિવસ છે. ટનલમાં 57 મીટર લાંબી પાઇપલાઇન બિછાવવાનું કામ પૂરું થઈ ગયું છે.

એનડીઆરએફના કર્મચારીઓએ નારો લગાવતા ટનલની અંદર પ્રવેશ કર્યો હતો અને અત્યારે મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે.

સ્ટ્રેચરના માધ્યમથી મજૂરોને બહાર કાઢવામાં આવશે.

20થી વધારે ઍમ્બ્યુલેન્સ તહેનાત છે, પોલીસકર્મીઓ પણ હાજર છે.

જેમ જ મજૂરોને બહાર કાઢવામાં આવશે, તેમને 20 મીટર રેન્જમાં રહેલા હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે. ત્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે.

મજૂરોની સાથે તેમના પરિવારજનો પણ ઍમ્બ્યુલન્સમાં રહેશે.

ઉત્તરકાશીની સિલ્કયારા ટનલથી નીકળવાની રાહ જોઈ રહેલા મજૂરો માટે ટનલમાં અસ્થાયી મેડિકલ સુવિધાઓની રાહ જોઈ રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા બાદ આ જગ્યા પર તેમની પ્રાથમિક મેડિકલ સારવાર કરવામાં આવશે.

જો કોઈ સમસ્યા આવી તો ત્યાં ડૉક્ટરો અને નિષ્ણાતોની ટીમ પણ તહેનાત છે.

આરોગ્યવિભાગે ટનલની બહાર આઠ પથારીની વ્યવસ્થા કરી છે.

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરોના રૅસ્ક્યૂ ઑપરેશન અંગે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ તાજા જાણકારી આપતાં જણાવ્યું છે કે શ્રમિકોને બહાર કાઢવા ટનલમાં પાઇપ નાખવાનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે.

તેમણે અમુક સમય પહેલાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ અંગે જાણકારી આપી હતી.

મુખ્ય મંત્રી ધામીએ કહ્યું, “બાબા બૌખ નાગજીની અસીમ કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને રૅસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલાં તમામ બચાવ દળોના અથાક પરિશ્રમના ફળ સ્વરૂપે શ્રમિકોને બહાર કાઢવા માટે ટનલમાં પાઇપ નાખવાનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. જલદી જ તમામ શ્રમિક ભાઈઓને બહા કાઢી લવાશે.”

આ પહેલાં સિલ્ક્યારા સુરંગ બચાવ અભિયાન અંગે અધિક સચિવ તકનીકી, સડક અને પરિવહન મહમૂદ અહમદે કહેલું કે, “કુલ 86 મીટરમાંથી વર્ટિકલ ડ્રિલિંગનું કામ 44 મીટર સુધી થઈ ચૂક્યું છે. દરેક વિકલ્પ પર કામ સતત ચાલી રહ્યું છે. ટીએચડીએસે પણ સવારથી સાત બ્લાસ્ટ કર્યા છે.”

“હૉરિઝૉન્ટલ ડ્રિલિંગની વાત કરીએ તો 55.3 મીટર સુધી ડ્રિલિંગનું કામ થઈ ચૂક્યું છે. તમને ખબર જ છે કે અમે મૅન્યુઅલી કામ કરીને આ કાટમાળ બહાર કાઢી રહ્યા છે, તે બાદ પાઇપ નખાશે. પાંચ મીટરનું કામ બાકી છે. નિશ્ચિતપણે તો કંઈ ન કહી શકાય પરંતુ બધું ઠીક રહ્યું તો આજ સાંજ સુધી સારા સમાચાર મળી શકે છે.”

આમ, ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાના પ્રયત્નો મંગળવારે પણ ચાલી રહ્યા છે.

આ મજૂરો પાછલા 17 દિવસથી સિલક્યારામાં યમુનોત્રી રાજમાર્ગ પર નિર્માણાધીન સુરંગમાં ભૂસ્ખલન બાદ ફસાયેલા છે.

ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “52 મીટર સુધી ડ્રિલિંગનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને 57 મીટરે બ્રેકથ્રૂ મળી શકે છે. કાલથી મૅન્યુઅલ ડ્રિલિંગનું કામ ચાલુ છે.”

મૅન્યુઅલ ડ્રિલિંગ માટે દિલ્હીથી ઍકસ્પર્ટ બોલાવાયા છે. 12 લોકોની આ ટીમ રૅટ માઇનિગં તકનીક પર કામ કરે છે.

મંગળવાર સવાર સુધી આ ટીમે 12માંથી છ મીટર સુધી કાટમાળ કાઢી દીધો હતો.

આ ટીમનું નેતૃત્વ કરી રહેલા વકીલ હસને કહ્યું, “800 એમએમ ડાયમીટરની પાઇપમાં બે લોકો અંદર પહોંચીને હાથ વડે ખોદીને કાટમાળ બહાર કાઢે છે. બે છોકરા પોતાના હાથથી કાટમાળ કાઢવાનું કામ કરે છે, જે બાદ એ કાટમાળને બહાર હાથ વડે બનાવાયેલ ગાડીથી હઠાવાય છે.”

મૅન્યુઅલ રૅસ્ક્યૂ અને ડ્રિલિંગ 24 કલાક ચાલુ રહેવાની શક્યતા છે. આ અભિયાનમાં 24 મજૂરો સામેલ છે.

સિલ્ક્યારા ટનલ બનાવનારી સંસ્થા નૅશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (એનએચઆઈડીસીએલ)ના મૅનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહેમદે જણાવ્યું હતું કે, “સિલક્યારા તરફથી સુરંગની અંદર કાટમાળમાંથી સ્ટીલની પાઇ વડે ઍક્ઝિટ સુરંગ બનાવવાનું જે કામ ચાલી રહ્યું હતું, તેના અવરોધોને દૂર કરીને મૅન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ ચૂક્યું છે.”

આ અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે, "અત્યાર સુધી ઑગર મશીનથી ડ્રિલિંગ કરાઈ રહ્યું હતું પરંતુ હવે મૅન્યુઅલ ડ્રિલિંગ દ્વારા જ બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવશે."

સોમવારે મોડી સાંજે આ ઑપરેશન વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, “શુક્રવારની રાત્રે મશીનનો મોટો ભાગ સુરંગના કાટમાળમાં દટાયેલા લોખંડના ગર્ડરમાં ફસાઈ ગયો હતો. આ પછી કામ બંધ કરવું પડ્યું હતું. હવે આ ભાગને કાપીને અલગ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે 7.45 વાગ્યા સુધીમાં મૅન્યુઅલ ડ્રિલિંગ દ્વારા 800 એમએમની પાઇપ 0.9 મીટર અંદર ધકેલાઈ છે.”

રૅટ માઇનિંગ તકનીકનો ઉપયોગ

બચાવ કાર્ય અંગે માહિતી આપતાં વરિષ્ઠ અધિકારી ડૉ. નીરજ ખૈરવાલે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, "પાઇપમાં ફસાયેલા ઑગર મશીનના બ્લૅડ અને શાફ્ટને કાપવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઑગર મશીનનું હૅડ પણ કાપીને બહાર કાઢી લેવાયું છે."

મૅન્યુઅલ ઑપરેશન વિશે માહિતી આપતાં નીરજ ખૈરવાલે જણાવ્યું હતું કે, “ રૅટ (ઉંદર) માઇનિંગ ટેક્નૉલૉજી સાથે સંકળાયેલી ટીમ મૅન્યુઅલ કટિંગ માટે સિલ્ક્યારા ટનલ પહોંચી છે. આ ઉપરાંત ગટર લાઇનમાં કામ કરતા કામદારોને પણ દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે.”

તેમણે કહ્યું, "આ બંને ટીમોના સભ્યો સાંકડી જગ્યાઓ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે ટેવાયેલા છે. આ કામ રૅટ માઈનિંગ ટેકનૉલૉજી દ્વારા કરવામાં આવશે. રૅટ માઇનર્સ પ્લાઝમા અને લૅઝર કટર વડે આગળનો રસ્તો બનાવશે અને પાછળથી 800 મીમી વ્યાસની પાઇપોને ઑગર મશીન વડે અંદર ધકેલવામાં આવશે.”

નીરજ ખૈરવાલના જણાવ્યા અનુસાર, "ટનલના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે સિલ્ક્યારા ટનલથી કામદારોનું અંતર માત્ર દસથી 12 મીટરનું છે અને ત્યાં સુધી પાઇપ પહોંચી છે."

તેમણે વધુમાં કહ્યું, "આ યોજના હેઠળ રૅટ માઇનર્સ હૅન્ડ ટૂલ્સનો ઉપયોગ કરીને કાટમાળને દૂર કરીને ટનલ બનાવવાનું કામ કરશે. જ્યારે તેઓ એકથી બે મીટર માટી દૂર કરશે પછી તેની અંદર પાઇપ દાખલ કરનાર ઑગર મશીનનો ઉપયોગ કરીને પાછળથી બીજી પાઇપ અંદર ધકેલવામાં આવશે.”

સુરંગની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ મળવાની સંભાવના અંગે નીરજ ખૈરવાલે કહ્યું, "આ કામ સરળતાથી થઈ જશે તેવી અપેક્ષા છે. જો આગળ કોઈ લોખંડનો સળિયો, સળિયાની જાળ અથવા કોઈ અવરોધ આવશે તો, રૅટ માઇનર્સ પ્લાઝમા કટર અથવા લૅઝર કટર વડે આ અવરોધોને કાપીને આગળનો રસ્તો બનાવશે.”

તેમણે એમ પણ કહ્યું કે, "આ કામ ત્રણ-ચાર દિવસમાં પૂર્ણ થવાની આશા છે. જો કોઈ કારણોસર 800 મીમી વ્યાસની પાઇપને દબાણથી અંદર ધકેલવામાં અડચણ ઊભી થશે તો 700 મીમી વ્યાસની પાઇપને આગળ ધકેલવાના પ્રયાસો કરવામાં આવશે.”

"સુરંગના મુખ્ય પ્રવેશદ્વાર (સિલક્યારા બાજુ)માંથી કામદારોને બહાર કાઢવા માટે સ્ટીલની પાઇપોને અંદર ધકેલીને અંદાજે 49 મીટર લાંબી ઍક્ઝિટ ટનલ તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત તેમાં સાતથી દસ મીટરનું કામ પણ બાકી છે.”

હૉરિઝૉન્ટલ અને વર્ટિકલ ડ્રિલિંગ બંને પર સમાન ફોકસ

ખરેખર તો મજૂરોને બચાવવા માટે રવિવારથી જ વર્ટિકલ અને હૉરિઝૉન્ટલ ડ્રિલિંગનું કામ કરાઈ રહ્યું છે. સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરીને રૅસ્ક્યૂ ટનલ બનાવવાની જે યોજનાને 21 નવેમ્બરે હોલ્ડ પર રખાઈ હતી, તેના પર પણ કામ શરૂ થઈ ગયું છે.

આ યોજના પર સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ (એસજેવીએનએલ)એ કામ શરૂ કરી દીધું છે.

એનએચઆઇડીસીએલના પ્રબંધ નિદેશક મહમૂદ અહમદે જણાવ્યું, “સોમવારે સાંજે સાડા સાત વાગ્યા સુધી 36 મીટર ડ્રિલિંગ થઈ ચૂક્યું છે. શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 86થી 88 મીટર સુધી ડ્રિલિંગ કરવાનું છે, તેમાં લગભગ ચાર દિવસનો સમય લાગે તેવી શક્યતા છે.”

ઑગર મશીન સુરંગમાં ફસાયા બાદથી બચાવ અભિયાનની દિશા અંગે શનિવાર સાંજ સુધી અવઢવની સ્થિતિ હતી, આવી સ્થિતિમાં રવિવારે સવારે અધિકારીઓએ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને વર્ટિંકલ ડ્રિલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મહમૂદ અહમદે જણાવ્યું, “સામાન્ય રીતે આટલા કામમાં 60થી 70 કલાક લાગે છે, પરંતુ એક જ પાઇપ ડ્રિલરથી સંપૂર્ણ ડ્રિલિંગ કામ સંભવ નથી. અન્ય ડ્રિલરનો પણ ઉપયોગ કરાશે.”

બડકોટ છેડેથી સુરંગનું નિર્માણ

એનએચઆઇડીસીએલના પ્રબંધ નિદેશક મહમૂદ અહમદે જણાવ્યું, “બડકોટ છેડે (સુરંગના બીજા દ્વાર)થી સુરંગ નિર્માણના વિકલ્પ પણ એજન્સીઓ કામ કરી રહી છે. બડકોટ છેડથી ટીએસડીસી માઇક્રો સુરંગ બનાવી રહ્યું છે. તેમાં 300 મીટર કરતાં વધુ લંબાઈની માઇક્રો સુરંગ બનાવવાની છે.”

તેમણે જણાવ્યું, “તેમાં બ્લાસ્ટિંગ કરાઈ રહી છે અને પછી બ્લાસ્ટિંગથી તૂટેલા પથ્થરોને હઠાવાઈ રહ્યા છે. સુરંગને સુરક્ષિત કર્યા બાદ આગળ વધી રહ્યા છીએ. ત્યાં અત્યાર સુધી 12 મીટર સુધી સુરંગ બનાવી લેવાઈ છે, પરંતુ આ છેડેથી શ્રમિકો સુધી પહોંચવામાં વધુ 25 દિવસનો સમય લાગશે.”

આના માટે સુરંગના બંને છેડેથી હૉરિઝૉન્ટલ ડ્રિલિંગ કરીને મુખ્ય સુરંગમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચાશે.

મહમૂદ અહમદે જણાવ્યું, “આ કામ આરવીએનએલને સોંપાયું છે. તેના માટે સ્થાન નક્કી કરી લેવાયું છે. આના માટે મુખ્ય સુરંગથી 180 મીટર સુધી હૉરિઝૉન્ટલ ડ્રિલિંગ કરવાનું છે. તે માટેનાં ઉપકરણ પહોંચી ચૂક્યાં છે.”

તેમણે જણાવ્યું, “તેનું કૉંક્રિટ બૅઝ તૈયાર કરાઈ રહ્યું છે. આ ડ્રિલિંગ 28 નવેમ્બરથી કરવાનું લક્ષ્ય રખાયું છે. જેના માટે 25 દિવસનો સમય નક્કી કરાયો છે.”

ડૉક્ટરોની ટીમ સતત મજૂરોના સંપર્કમાં

ઉત્તરકાશી ટનલ રૅસ્ક્યૂમાં ડૉક્ટરોની પણ અગત્યની ભૂમિકા છે. ટનલની અંદર ફસાયેલા મજૂરો સાથે ડૉક્ટરો સતત વાત કરી રહ્યા છે.

ડૉક્ટર દર્દીના સ્વાસ્થ્યમાં થઈ રહેલા બદલાવ અને તેમને પડી રહેલી મુશ્કેલીઓ વિશે સતત ચર્ચા કરી રહ્યા છે.

ઉત્તરકાશી જનપદના સીએમઓ ડૉક્ટર આરસીએસ પવારે જણાવ્યું, “પ્રારંભે મજૂરોને થોડો ગભરાટ અને બેચની જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ ડૉક્ટરો સાથે વાત કરીને તેઓ ઘણા સંતુષ્ટ છે.”

તેમણે જણાવ્યું કે, “તેમને ગભરાટ, બેચેની અને ચિંતા માટેની દવા અપાઈ છે. ડૉક્ટરોએ તેમને શરદી કે પેટસબંધી સમસ્યાની પણ દવાઓ આપી છે. સુરંગની બહાર 20 લોકોની ટીમ તહેનાત છે. જેમાં 15 ડૉક્ટર છે અને પાંચ મેડિકલ સ્ટાફ છે. મજૂરોને તકલીફને આધારે સંબંધિત નિષ્ણાત સાથે વાત કરાવાય છે.”

તેમણે કહ્યું, “ટનલમાં મજૂરો પાછલા ઘણા દિવસોથી સૂર્યપ્રકાશથી દૂર છે, તેથી વિટામીન ડી માટે પણ વ્યવસ્થા કરાઈ છે, તેમને પ્રોટીન અને કૅલ્શિયમ પણ અપાયાં છે. જો તેમને દિવસે રૅસ્ક્યૂ કરાય તો તેમના માટે કાળાં ચશ્માંની પણ વ્યવસ્થા કરાઈ છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રમુખ સચિવ ડૉ. પી. કે. મિશ્રા અને ગૃહમંત્રાલયના સચિવ અજય ભલ્લાએ સોમવારે સિલક્યારા, ઉત્તરકાશીમાં ટનલ રૅસ્ક્યૂ ઑપરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે એ દરમિયાન સુરંગની અંદર ફસાયેલા શ્રમિકો સાથે પણ વાતચીત કરી અને તેમની હિંમત વધારી હતી.