ઉત્તરકાશી : 17 દિવસ બાદ કેવી રીતે પાર પડાયું 41 મજૂરોનું રૅસ્ક્યૂ ઑપરેશન? તબક્કાવાર સમજો

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનાવાઈ રહેલ સુરંગમાં ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસની મહામહેનત બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢી લવાયા છે.

બચાવ બાદ તમામ મજૂરોને પ્રાથમિક સારવાર માટે ખસેડાયા હતા.

ટનલમાંથી બહાર કઢાયેલા તમામ મજૂરોને ઉત્તરકાશીના ચિન્યાલિસૌડ શહેરના એક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રખાયા છે.

તમામ મજૂરો અને કેટલાક મજૂરોના પરિવારજનોએ પણ હૉસ્પિટલમાં જ રાત પસાર કરી હતી.

જણાવાઈ રહ્યું છે કે મેડિકલ તપાસ બાદ મજૂરોને તેમના ઘરે મોકલી દેવાશે, જેમાં ટનલ બનાવનારી કંપની નવયુગા પણ તેમની મદદ કરશે.

ઉત્તરાખંડ સરકારે તમામ મજૂરો માટે એખ એક લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઇ તરફથી જાહેર કરાયેલ એક વીડિયોમાં આ મજૂરોની મેડિકલ તપાસ કરાઈ રહી છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મજૂરો નાસ્તો કરી રહ્યા છે.

પાછલા ઘણા દિવસથી ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારા ખાતે બની રહેલી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું અભિયાન અંતે મંગળવારે પાર પાડવામાં સફળતા હાંસલ થઈ છે.

ઉત્તરાખંડ સરકારે મંગળવારે મોડી સાંજે જણાવ્યું હતું કે ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવાયા છે.

ઉત્તરાખંડ સરકાર અનુસાર રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સેના, વિવિધ સંગઠનો અને વિશ્વના જાણીતા ટનલ નિષ્ણાતો આ કામમાં લાગેલાં હતાં.

સાંજે લગભગ 7.45 વાગ્યાની આસપાસ સમાચાર આવ્યા હતા કે ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલમાં ફસાયેલા મજૂરોમાંથી એક મજૂરને બહાર કાઢવામાં સફળતા મળી છે.

17 દિવસ ચાલેલા લાંબા રૅસ્ક્યૂ ઑપરેશન બાદ મજૂરો સુધી પહોંચી શકાયું હતું. આ પહેલાં ઝોઝિલા ટનલ પ્રોજેક્ટના પ્રમુખ હરપાલસિંહે જણાવ્યું હતું કે 'સફળતા મળી ગઈ છે. મજૂરો દેખાઈ રહ્યા છે.'

આ દુર્ઘટના દિવાળીના દિવસે ઘટી હતી. એ વખતે મજૂરો સુરંગમાં કામ કરી રહ્યા હતા. જોકે, સુરંગ ધસી પડવાની સાથે જ આ મજૂરો 70 મીટર લાંબી કાટમાળની દીવાલની પાછળ ધકેલાઈ ગયા હતા.

એ બાદ ધીરેધીરેમ કાટમાળ હઠાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

મૅન્યુઅલ ડ્રિલિંગ થકી કાટમાળ હઠાવવાના કામ માટે દિલ્હીથી ઍક્સપર્ટોને બોલાવાયા હતા. 12 લોકોની આ ટીમે રૅટ માઇનિંગ તકનીક પર કામ કર્યું હતું.

ટનલમાં કામ દરમિયાન ભૂસ્ખલનને કારણે કાટમાળ પથરાતા મજૂરો ફસાઈ ગયા હતા.

આ મુદ્દો પ્રકાશમાં આવતાં જ રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇનોમાં છવાઈ ગયો હતો.

ખુદ વડા પ્રધાન મોદી અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી બચાવ કામગીરી પર દેખરેખ રાખી હોવાનું કહેવાઈ રહ્યું હતું.

12 નવેમ્બરના રોજ સર્જાયેલા અકસ્માત બાદ ફસાયેલા મજૂરોને કાઢવામાં ઘણા તકનીકી અવરોધોને કારણે બચાવ કામગીરીમાં ઘણી વખત વિલંબ થયો હતો.

અગાઉ મશીનોની ગેરહાજરીમાં થોડા દિવસ સુધી ફસાઈ રહ્યા બાદ કામચલાઉ રસ્તાનિર્માણ અને મશીનરી એકઠી કરવાની કાર્યવાહી કરાયા બાદ મજૂરોને બહાર કાઢવા માટે કેન્દ્ર અને રાજ્યની આપત્તિ પ્રબંધન ટીમો સહિત નિષ્ણાત કામદારો અને ટેકનિશિયનો તેમજ ડૉક્ટરોની ટીમ જોડાઈ હતી.

આ સિવાય પણ કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

બાદમાં બચાવકાર્યમાં ડ્રિલિંગ માટેની મોટી મશીનરી કામે લગાડાઈ હતી. ઑગર મશીન વડે હૉરિઝૉન્ટલ ડ્રિલિંગ કરીને મોટી પાઇપો થકી રસ્તો બનાવી મજૂરો સુધી પહોંચવાની યોજના હતી. પરંતુ શુક્રવારે મશીનમાં ખરાબી આવતાં ડ્રિલિંગનું કામ અટકી પડ્યું હતું.

તે બાદ વિવિધ વિકલ્પો અનુસરીને શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસ કરાયા હતા. જેમાં વર્ટિકલ ડ્રિલિંગ, બીજા છેડેથી ડ્રિલિંગ અને રૅટ માઇનરોની મદદથી હાથ ધરાયેલી મૅન્યુઅલ ડ્રિલિંગની કાર્યવાહી સામેલ હતી.

નોંધનીય છે કે માઇક્રો ટનલિંગ અને મશીન વડે ડ્રિલિંગ કરીને નાની-મોટી પાઇપો મજૂરો સુધી પહોંચાડીને સંવાદ સ્થાપિત કરાવામાં સફળતા મળી હતી. આ સિવાય આ જ માર્ગે મજૂરો સુધી દવા, ભોજન-પાણી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડાઈ રહી હતી.

રૅસ્ક્યૂના અંતિમ દિવસે મૅન્યુઅલ ડ્રિલિંગનું કામ અતિ ઝડપે આગળ વધ્યું હતું. જે બાદ મજૂરોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

તમામ મજૂરોને તાત્કાલિક તબીબી સારવાર મળી એ રહે એ માટે મેડિકલ ટીમ અને ઍમ્બુલન્સનો કાફલો પણ સ્થળ પર તહેનાત હતો.

નોંધનીય છે કે પાછલા ઘણા દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરોના પરિવારજનોની ચિંતા દરેક પસાર થતા દિવસની સાથે વધી રહી હતી. જોકે, રૅસ્ક્યૂ ઑપરેશનમાં મજૂરો સાથે સંપર્ક પ્રસ્થાપિત થતાં અને મજૂરોને બહાર કાઢવાના પ્રયાસો તેજ બનતાં પરિવારજનોને રાહત થઈ હતી.

રૅસ્ક્યૂ ઑપરેશનના દસમા દિવસે એટલે કે મંગળવારે પ્રથમ વખત એન્ડોસ્કોપિક કૅમેરા વડે ટનલમાં ફસાયેલા મજૂરોની તસવીરો-વીડિયો સામે આવ્યાં હતાં. એ જ દિવસે પ્રથમ વખત મજૂરોને ઘણા દિવસ બાદ ગરમ ભોજન મોકલાયું હતું.

ઉત્તરકાશીમાં દુર્ઘટનાની ટાઇમલાઇન

12 નવેમ્બર

સુરંગનો એક ભાગ ધંસી પડ્યો અને 41 મજૂરો તેમાં ફસાઈ ગયા

13 નવેમ્બર

મજૂરો સાથે સંપર્ક થયો અને એક પાઇપ મારફતે તેમના સુધી ઑક્સિજન પહોંચાડવામાં આવ્યો

14 મવેમ્બર

800-900 મિલીમીટર ડાયમીટરનો સ્ટીલ પાઇપ ઑગર મશીન મારફતે કાટમાળની અંદર મોકલવાના પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ કાટમાળના સતત પડતા રહેવાને કારણએ બે મજૂરોને થોડી ઈજા પણ થઈ. આ દરમ્યાન મજૂરો સુધી ભોજન, પાણી, ઑક્સિજન, વીજળી અને દવાઓ પહોંચાડવામાં આવી

15 નવેમ્બર

ઑગર મશીનથી પૂર્ણ રીતે સંતુષ્ટ ન થવાને કારણે એનએચઆઈડીસીએલે નવી સ્ટેટ ઑફ ધ આર્ટ ઑગર મશીનની માગ કરી જેને દિલ્હીથી ઍરલિફ્ટ કરવામાં આવી

16 નવેમ્બર

નવી ડ્રિલિંગ મશીનથી કામ શરૂ થયું

17 નવેમ્બર

પરંતુ આમાં પણ કેટલીક અડચણો આવી જ્યાર બાદ એક બીજી ઑગર મશીન મંગાવવામાં આવી પરંતુ કામ ફરી રોકવું પડ્યું

18 નવેમ્બર

વડા પ્રધાન કાર્યાલયના અધિકારીઓ અને નિષ્ણાતોએ એક નવી યોજના પર કામ શરૂ કરવાનો આદેશ આપ્યો.

19 નવેમ્બર

ડ્રિલિંગ બંધ રહી અને આ દરમ્યાન પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બચાવકાર્યોનું નિરીક્ષણ કર્યું

20 નવેમ્બર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બચાવકાર્યોની માહિતી મેળવવા માટે મુખ્ય મંત્રી ધામી સાથે ફોન પર વાત કરી.

21 નવેમ્બર

મજૂરોનો વીડિયો પ્રથમ વખત બહાર આવ્યો

22 નવેમ્બર

800 એમએમનો પાઇપ સતત 45 મીટર સુધી પહોંચ્યો. પરંતુ ડ્રિલિંગમાં સાંજના સમયે બાધા આવી.

23 નવેમ્બર

તિરાડો દેખાયા બાદ ડ્રિલિંગને ફરીથી રોકવી પડી

24 નવેમ્બર

શુક્રવારના ફરીથી ડ્રિલિંગ શરૂ થઈ પરંતુ તેને ફરીથી રોકવી પડી

25 નવેમ્બર

મૅન્યુઅલ ડ્રિલિંગ શરૂ થયું

26 નવેમ્બર

સિલ્ક્યારા- બારકોટ ટનલ ઉપર પહાડ પર વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરાયું

27 નવેમ્બર

વર્ટિકલ ખોદકામ શરૂ થયું

28 નવેમ્બર

બપોરના રૅસ્ક્યુ ટીમના લોકો મજૂરો સુધી પહોંચ્યા અને ટનલમાં પાઇપ નાખવાનું કામ પૂરું થયું. ત્યાર બાદ મજૂરોને બહાર કાઢવાનું શરૂ કર્યું

'સફળતા ભાવુક કરનારી'- વડા પ્રધાન

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ટનલમાંથી 41 મજૂરોને બચાવવામાં મળેલી સફળતાને ભાવુક પળ ગણાવી હતી.

તેમણે લખ્યું કે, "ટનલમાં જે સાથીઓ ફસાયેલા હતા, તેમને હું કહેવા માગું છું કે તમારાં સાહસ અને ધૈર્ય દરેક માટે પ્રેરણા સમાન છે. આ અત્યંત સંતોષની વાત છે કે લાંબી પ્રતીક્ષા પછી હવે અમારા સાથીઓ પોતાના પરિવારોને મળશે. આ બધા પરિવારજનોએ પણ આ પડકાર ભરેલા સમયમાં સંયમ અને સાહસનો પરિચય આપ્યો છે, તેની જેટલી સરાહના કરવામાં આવે તે ઓછી છે."

બધા મજૂરોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવાયા બાદ ઘટનાસ્થળ પર પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે બધા મજૂરો અલગ વાતાવરણ અને પરિસ્થિતિમાં બહાર આવ્યા છે એટલે ડૉક્ટરોની સલાહ મુજબ તેમને મેડિકલ દેખરેખમાં રાખવામાં આવશે, કોઈની હાલત ગંભીર નથી."

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સર્માએ ટ્વીટ કરીને રૅસ્ક્યૂ ઑપરેશન સફળ થયા બાદ રાહત અને ખુશી વ્યક્ત કરી હતી.

કેન્દ્ર સરકારમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ દુર્ઘટના બાદ થયેલા રૅસ્ક્યુ ઑપરેશનથી ઘણું શીખવા મળ્યું અને ટનલ ઑડિટના આદેશ પણ આપવામાં આવ્યા છે.

બચાવ કામગીરી કેવી રીતે કરાઈ?

પ્રથમ કાટમાળમાં મશીનરી વડે માઇક્રો ટનલ બનાવી પાઇપ બેસાડી મજૂરોને બહાર લાવવાની યોજના હતી. જોકે, બાદમાં તકનીકી કારણોસર કામ અટકી પડતાં રૅટ માઇનરોની મદદથી મૅન્યુઅલ ખોદકામ કરીને બાકીના અંતર સુધીનું ખોદકામ કરાયું હતું.

આ સાથે જ ટનલની બીજી તરફથી તેમજ ઉપરની તરફથી ડ્રિલિંગ કરીને પણ મજૂરો સુધી પહોંચવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા.

જોકે, અંતે રૅટ માઇનર ટીમની મહેનત અને કાર્યદક્ષતાને બળે મજૂરોને બહાર કાઢવાના કામમાં જાણે ગજબની ઝડપ જોવા મળી હતી.

હૉરિઝૉન્ટલ ડ્રિલિંગ કરીને શ્રમિકોને બહાર કાઢવાની યોજના પાછલા અમુક દિવસથી અટકી પડી હતી. હૉરિઝૉન્ટલ ડ્રિલિંગ માટે ઉપયોગમાં લેવાઈ રહેલી મશીનમાં ખરાબી આવતાં અને કાટમાળમાં સળિયા અને અન્ય અવરોધો નડતાં કામમાં વિલંબ થયો હતો. તે બાદ હાથેથી ખોદકામ માટે નિષ્ણાત ટીમોને કામે લગાડાતાં સફળતા મળી હતી.

જોકે, આ પ્રક્રિયામાં બે-ત્રણ દિવસનો ઇંતેજાર જરૂરથી વધી ગયો હતો.

નોંધનીય છે કે અંતિમ દિવસે કાટમાળની આરપાર કરાઈ રહેલા ડ્રિલિંગના કામમાં મજૂરો સુધી પહોંચવામાં અમુક મીટરનું જ અંતર બાકી હતું. અગાઉ મશીન અટકી પડતાં તે બહાર કઢાયું હતું. જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો હતો. પરંતુ અંતે મૅન્યુઅલ ડ્રિલિંગની વ્યૂહરચના કામ કરી ગઈ.

બીબીસીના સંવાદદાતાએ ટનલમાં કામ કરતાં એક કર્મચારીએ ઘટના અંગે વાત કરતાં કહેલું કે, "અકસ્માતના થોડા દિવસ પહેલાં 200થી 270 મીટરની ટનલમાં થોડી સમસ્યા હતી. પથ્થરો પડી રહ્યા હતા, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું અને 12 નવેમ્બરના રોજ અચાનક તે ભાગ તૂટી પડ્યો.”

નિર્માણાધીન ટનલ મહત્ત્વાકાંક્ષી ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે બદ્રીનાથ, કેદારનાથ, યમુનૌત્રી અને ગંગૌત્રી સાથે કનેક્ટિવિટી વધારવા માટે રાષ્ટ્રીય માળખાગત પ્રોજેક્ટની પહેલ છે.

આ એક વિવાદાસ્પદ પ્રોજેક્ટ છે. ઘણા પર્યાવરણ નિષ્ણાતો આ પ્રોજેક્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે હાલના સમયમાં આ વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનની શક્યતા વધી ગઈ છે.

હજારો કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ 2020માં અમલમાં આવવાનો હતો પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

જોકે, 12 નવેમ્બરના અકસ્માત બાદ હજુ વધુ વિલંબ થઈ શકે છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

કેવી રીતે થયો અકસ્માત?

12 નવેમ્બરે, સાડા ચાર કિલોમીટર લાંબો બાંધકામ હેઠળનો ભાગ તૂટી પડ્યો, ત્યાર બાદ સુરંગના લગભગ 60-70 મીટર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો, જેનાથી કામદારોનો રસ્તો બંધ થઈ ગયો.

ટનલમાં ફસાયેલા મજૂરોની વાત કરીએ તો મોટા ભાગના મજૂરો ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યોના હતા. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

લાખો ભારતીયોની માફક આ લોકો પણ પોતાનાં ઘરોથી, પરિવારોથી સેંકડો કિલોમીટર દૂર કામ કરે છે. જેથી કમાણીની સાથોસાથ બચત ઘરે મોકલી શકાય.

ટનલના અકસ્માત બાદથી આ મજૂરોના સંબંધીઓ સારા સમાચારની આશામાં દિવસોથી બહાર રાહ જોઈ બેઠા હતા.

આ ઘટનાના કલાકો બાદ બીજી તરફથી અધિકારીઓ મજૂરો સાથે સંપર્ક સાધવામાં સફળ રહ્યા હતા અને તેમને જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય કરાઈ હતી.

જેમાં ટનલમાં બાંધકામ માટે મુકાયેલી પાણીની પાઇપલાઇન મારફતે ફસાયેલા મજૂરો સુધી ઓક્સિજન, ડ્રાય ફૂડ અને પાણી પહોંચાડાઈ રહ્યાં હતાં.

આ ટનલ નવયુગ એન્જિનિયરિંગ નામની કન્સ્ટ્રક્શન કંપની બનાવી રહી છે.

નોંધનીય છે કે કાટમાળ દૂર કરવા માટે જરૂરી મશીનરી પહોંચાડવા માટે ટનલ સુધી માર્ગ બનાવવા સહિતનાં જટિલ કામોને કારણે આ એક ખૂબ જ મોટો પડકાર હતો.

આ સિવાય હવાઈ માર્ગે પણ વિવિધ પ્રકારનાં સાધનો અને મશીનરી ભેગાં કરવાની કાર્યવાહી પણ ચાલુ હતી.

પાછલા ઘણા દિવસોથી શ્રમિકો સુધી પહોંચવા અને તેમને બહાર લાવવા માટે ઘણાં વિકલ્પો અને યોજનાઓ પર કામ ચાલી રહ્યું હતું.

રેસ્ક્યૂ ટીમ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓની ટીમ સમગ્ર રૅસ્ક્યૂ વર્કની દેખરેખ રાખી રહી હતી.

આ સિવાય ખુદ વડા પ્રધાન મોદી અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીની પણ રૅસ્ક્યૂ વર્ક પર સતત નજર હતી.

રૅસ્ક્યૂ વર્કરોની સાથોસાથ સ્થળ પર ઍમ્બુલન્સો, ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકોની ટીમ પણ કાર્યરત હતી, જે મજૂરો સાથે સમયાંતરે વાત કરીને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી.