આબોહવા પરિવર્તનઃ ગ્રામજનો શા માટે કરી રહ્યા છે 100 ફૂટ ઊંચા આઇસ ટાવર્સનું નિર્માણ

ઍન્વાયર્નમૅન્ટલ ફોટોગ્રાફર અને લેખિકા અરાતી કુમાર-રાવ ઉપખંડના બદલાતા પરિદૃશ્યની નોંધ માટે તમામ ઋતુઓમાં સમગ્ર દક્ષિણ એશિયાનો પ્રવાસ કરે છે. અહીં પ્રકાશિત ફોટોગ્રાફ્સમાં અને તેમના પોતાના શબ્દોમાં કહીએ તો તેમણે લદ્દાખી લોકોના જીવન તથા આજીવિકા પર વધતા જતા આબોહવા પરિવર્તનના જોખમને કંડાર્યું છે.

લદ્દાખી લોકો હિમાલયના પર્વતોમાં પીગળતી હિમશીલાઓ નીચે અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યા છે.

અરાતી કુમાર-રાવ બીબીસી 100 વીમૅનની યાદીમાં આ વર્ષે સામેલ કરવામાં આવેલાં ક્લાયમેટ પાયોનિયર્સ પૈકીનાં એક છે.

પાંચમી ઑગસ્ટ, 2010ની એ રાત લદ્દાખના લોકોની સ્મૃતિમાં હજુ પણ તાજી છે. એ રાતે રાજધાની લેહની આજુબાજુના વિસ્તારો પર વાદળ ફાટી પડ્યું હોય એવું લાગ્યું હતું.

આ ઠંડા રણમાં ગણતરીની બે કલાકમાં જ આખા વર્ષનો વરસાદ પડ્યો હતો. કાદવનો પ્રવાહ તેમના માર્ગમાં જે કંઈ આવ્યું તેને ગળી ગયો હતો. ભયભીત લોકો કાદવનાં જાડાં થર હેઠળ દટાઈ ગયા હતા.

એ ભયંકર રાત પછી કેટલાક લોકોનો પત્તો ક્યારેય મળ્યો ન હતો.

ભારતનો સૌથી ઉત્તરીય પર્વતીય લદ્દાખ પ્રદેશ સમુદ્રની સપાટીથી 9,850 ફૂટથી વધુની ઊંચાઈએ આવેલો છે. ચોમાસું ભારત માટે બહુ મહત્ત્વનું છે, જ્યારે બૃહદ હિમાલય પર્વતમાળા આ વિસ્તારને ચોમાસાથી બચાવે છે.

તાજેતરનાં વર્ષો સુધી લદ્દાખમાં વર્ષમાં 300 દિવસ સૂર્યપ્રકાશ રહેતો હતો અને ખડકો તથા પર્વતોના વિશાળ લૅન્ડસ્કેપ પર માંડ ચાર ઇંચ વરસાદ પડતો હતો. પૂર વિશે તો કોઈએ ક્યારેય સાંભળ્યું પણ ન હતું.

2010ના વિનાશક પૂર પછી 2012 તથા 2015માં અને 2018માં પણ પૂર આવ્યાં હતાં.

આવી પરિસ્થિતિ અગાઉના સાત દાયકામાં ક્યારેય સર્જાઈ ન હતી, પરંતુ છેલ્લાં દસ વર્ષથી ઓછા સમયમાં એવું ચાર વખત બન્યું હતું.

નિષ્ણાતો કહે છે કે આવી વિચિત્ર ઘટનાઓ આબોહવા પરિવર્તનનું પરિણામ છે.

હજુ દોઢ દાયકા પહેલાં લદ્દાખની ધરતીમાં એક નિયમિત લય સર્જાતો હતો. તેનાથી ગ્રામજનોને પાણીનો પૂરવઠો સતત મળતો હતો. શિયાળુ બરફ પીગળીને ઝરણામાં વહેતો હતો, હિમનદીઓમાંથી પાણી નીચે ટપકતું હતું અને વસંતઋતુમાં ખેતી માટે પાણી મળતું હતું.

જોકે, આબોહવા પરિવર્તનને કારણે લદ્દાખમાં સરેરાશ શિયાળુ તાપમાનમાં છેલ્લાં 40 વર્ષની સરખામણીએ આશરે એક સેન્ટીગ્રેડનો વધારો થયો છે.

હિમવર્ષા વધુને વધુ અણધારી બની રહી છે અને હિમનદીઓએ શિખરો તરફ પીછેહઠ કરી છે અથવા તો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે.

મેં 2018માં પહેલીવાર લદ્દાખની મુલાકાત લીધી હતી. હું 2019માં અને આ વર્ષે વસંતઋતુમાં ફરી ત્યાં ગઈ હતી. વચ્ચેના સમયગાળામાં કોરોના વાઇરસ રોગચાળાને કારણે ત્યાં જઈ શકી ન હતી. અગાઉની સરખામણીએ ત્યાં જે તફાવત જોયો તે ચોંકાવનારો હતો.

બરફ હવે ઝડપથી ઓગળે છે. તેના કારણે વસંતઋતુ સુધીમાં ગ્રામજનોને બહુ ઓછું પાણી મળશે. હિમનદીઓ પર્વતોમાં એટલી ઊંચી છે કે તે વર્ષના અંતમાં પીગળી જાય છે. એક સમયે કસદાર અને ફળદ્રુપ લદ્દાખની વસંત આ વર્ષે શુષ્ક અને શાંત હતી.

પાણીની અછતને કારણે ઘાસનાં મેદાનો ઘટ્યાં છે. અહીં ચરવા આવતાં પશ્મિના બકરીઓનાં ટોળાં માટે તે અપૂરતાં બની ગયાં છે.

ચાંગપા પશુપાલકો તેમની પરંપરાગત આજીવિકા છોડીને ભારતના અન્ય ભાગોમાં અથવા તો પશુપાલન સિવાયના કામની શોધમાં લેહમાં સ્થળાંતર કરી રહ્યા છે.

ખેડૂતોને જેમના જવ તથા જરદાળુ માટે પૂરતું પાણી મળતું નથી. તેમના ટોળેટોળાં અહીંથી રવાના થઈ રહ્યાં છે.

આબોહવા પરિવર્તને વિનાશ વેર્યો હોવા છતાં આ એકલ પ્રદેશ માટે થોડી આશા બચી છે.

માર્ચ-2019માં લદ્દાખની મારી બીજી મુલાકાત વખતે હું એન્જિનિયર સોનમ વાંગચુકને મળી હતી. તેમણે મને જણાવ્યું હતું કે 2013માં ખીણમાંથી પસાર થતી વખતે તેમણે એક પુલની નીચે બરફનો મોટો ઢગલો જોયો હતો. તે સૂર્યપ્રકાશથી દૂર હતો. બરફના એ નાના ટાવરને જોઈને એક વિચાર આવ્યો હતો.

સોનમે મારી સામે જોઈને સ્મિત કરતાં કહ્યું, “હાઈસ્કૂલનું ગણિત જણાવે છે તેમ શંકુ એ સરળ જવાબ છે.”

વાંગચુક ગ્રામવાસીઓને શિયાળામાં પાણી જમાવી રાખવામાં મદદ કરવા ઇચ્છતા હતા, જેથી તેનો ઉપયોગ વસંતમાં કરી શકાય. શંકુના આકારમાં તેને ફ્રીઝ કરવાથી સૂર્યના સંપર્કમાં આવતા સપાટી પરના બરફના ચોરસ મીટર દીઠ જથ્થામાં વધારો થશે અને તેને ઓગળવામાં વધુ સમય લાગશે.

વાંગચુકે સ્થાનિક લોકોની એક ટીમ બનાવી અને બરફના શંકુ બનાવવાની શ્રેષ્ઠ રીત શોધીને પ્રયોગ શરૂ કર્યો. આખરે તેમને યોગ્ય ફૉર્મ્યુલા મળી આવી.

પહાડી પ્રવાહમાંથી પાઇપલાઇન મારફત પાણી લાવ્યા પછી આ ટીમે તેના છેડે જોડાયેલી નોઝલ ઊભી પાઇપ વડે નીચેની તરફ વહેવા દબાણ કર્યું હતું. પાણી પાઇપમાં ઉપર ગયું અને નોઝલ મારફત ફુવારાની જેમ બહાર નીકળ્યું.

રાતના સમયના માઇનસ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં પાઇપમાંથી બહાર નીકળતાંની સાથે ફુવારો થીજી ગયો.

ધીમે ધીમે વધુને વધુ પાણી સ્પ્રે સ્વરૂપે બહાર આવ્યું અને બરફમાં ફેરવાઈ ગયું. તેનો આકાર શંકુ જેવો થઈ ગયો.

ધ્યાન માટેનાં બૌદ્ધ સ્થળોને ધ્યાનમાં રાખીને હવે તેને આઇસ સ્તૂપ એવું નામ આપવામાં આવ્યું છે. તે સમગ્ર લદ્દાખમાં લોકપ્રિય બન્યા છે. એ પૈકીના કેટલાક તો 100 ફૂટ (30 મીટર)થી વધારે ઊંચા ટાવર છે અને તે આબોહવા પરિવર્તનને કારણે જેમનાં કુદરતી સંસાધનોમાં વિક્ષેપ સર્જાયો છે એ સમુદાયને પાણીનો પૂરવઠો આપે છે.

તે મનોરંજનનો આશ્ચર્યજનક સ્રોત પણ બન્યાં છે. સૌથી ઊંચો સ્તૂપ બનાવવા માટે દર વર્ષે જોરદાર સ્પર્ધા યોજાય છે.

જોકે, પરિસ્થિતિના અન્યાયની અસર વાંગચુક અથવા તેમના સ્તૂપનું નિર્માણ કરતા દોસ્તો પર થઈ નથી. અન્યત્ર થતા કાર્બન ઉત્સર્જનની કિંમત લદ્દાખી લોકો ચૂકવી રહ્યા છે.

વાંગચુક મને કહે છે, “આપણે ટેકનિકલ નાવિન્ય લાવતા રહીએ, અનુકૂલન સાધતા રહીએ અને સમસ્યાઓનું નિરાકરણ કરતા રહીએ તે પૂરતું નથી.”

“વર્તણૂંકમાં પરિવર્તનની જરૂરિયાત બાબતે વિશ્વને જાગૃત કરવા હું બરફના સ્તૂપનો મહત્તમ ઉપયોગ કરવા ઇચ્છું છું, કારણ કે હું તેનો ઉપયોગ અમારા માટે પાણીની વ્યવસ્થાના હેતુસર કરવા ઇચ્છું છું.”

એક ફોટોગ્રાફર તરીકે મેં સમગ્ર દક્ષિણ એશિયામાં વ્યાપક પ્રવાસ કર્યો છે એટલે હું જાણું છું કે લદ્દાખ તેની આ લડાઈમાં એકલું નથી.

ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને તેના પાડોશી દેશો ચીન તથા પાકિસ્તાન આબોહવા પરિવર્તનના સમાન દુશ્મનનો સામનો કરી રહ્યા છે. તે નદીના તટપ્રદેશોના નષ્ટ કરી શકે છે અને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશો માટે જોખમી સાબિત થઈ શકે છે. અસ્તિત્વ પરના આ ખતરા સામે લવચીકતા વધારવા એકઠા થવાનો સમય કદાચ આવી ગયો છે.