You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરકાશી : એ 'પ્રતિબંધિત દેશી પદ્ધતિ રૅટ-હોલ માઇનિંગ' જે ટનલમાંથી મજૂરોને બચાવવા કામ લાગી
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલમાં 12 નવેમ્બરે ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા ચલાવાયેલું 17 દિવસ લાંબું રૅસ્ક્યૂ ઑપરેશનમાં મંગળવારે સફળતા મળી હતી. બચાવ અભિયાનના અંતિમ તબક્કે અમુક મીટર કાટમાળ ખસેડવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી રૅટ-હોલ માઇનરોને અપાઈ હતી. જે તેમણે અત્યંત કુશળતા સાથે પાર પણ પાડી.
આ એક નિષ્ણાત ટીમ હતી. જેમાં 12 રૅટ માઇનર દેશી ઢબે ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી હતી.
નોંધનીય છે કે શરૂઆતના દિવસો દરમિયાન ડ્રિલિંગ માટેની મશીન બગડતાં રૅટ-હોલ માઇનરોને કામે લગાડાયા હતા.
જ્યાં પહોંચવામાં ઉચ્ચ ટેકનિકવાળું ઑગર મશીન પણ સફળ ના થયું.
મશીન વડે ડ્રિલિંગ કામ કરી મજૂરો સુધી પહોંચવાની આશા પર થોડા દિવસ પહેલાં જ્યારે ડ્રિલિંગ માટેનું ઑગર મશીન કાટમાળમાં જ તૂટી પડ્યું ત્યારે પાણી ફરી વળ્યું હતું. આ એક આધુનિક મશીન હતું. તેમ છતાં અંતે તો રૅટ-હોલ માઇનરના અનુભવ અને નિષ્ણાત દેશી ટેકનીક પર જ બચાવ અભિયાનનો મદાર આવી પડ્યો હતો.
રૅટ-માઇનરોએ ગજબની ઝડપથી બાકી રહેલું કામ ખતમ કરીને દિવસો લાંબા આ અભિયાનનો પોતાની કુશળતાથી અંત લાવી દીધો હતો.
આ રૅટ-હોલ માઇનરો દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં ‘ઇસ્ટ જયંતિયા હિલ્સ’ના કસાન વિસ્તારમાં કોલસાની ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પણ કામ કરતા આવ્યા છે.
જોકે ‘નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા આ રીતના ખાણકામ પર 2014માં જ પ્રતિબંધ લગાવી દેવાયો છે. કારણ કે તેને ખૂબ જ જોખમી માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૅટ હોલ માઇનિંગ દરમ્યાન થઈ હતી દુર્ઘટના
2018માં 13 ડિસેમ્બરે કસાનની એક કોલસાની ખાણમાં પાણી ભરાતા 15 મજૂરોનાં મૃત્યુ થઈ ગયાં હતાં, જે રૅટ-હોલ માઇનિંગ દ્વારા ખાણમાંથી કોલસો બહાર કાઢવાનું કામ કરી રહ્યા હતા.
આવી જ રીતે, ધનબાદ, હઝારીબાગ, દુમકા, આસનસોલ અને રાનીગંજની બંધ પડેલી કોલસાની ખાણમાંથી પણ રૅટ-હોલ માઇનિંગ થકી જ ગેરકાયદેસર રીતે કોલસો કાઢવામાં આવે છે.
આ વિસ્તારોમાં પણ આવી ગેરકાયદેસર રીતને કારણે ઘણી દુર્ઘટનાઓ બની છે અને બનતી પણ રહે છે.
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં રૅટ-હોલ માઇનિંગની જે નિષ્ણાત ટીમને બોલાવાઈ હતી તેનું નેતૃત્વ આદિલ હસન કરી રહ્યા હતા, જેઓ દિલ્હીની એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
કેટલું મુશ્કેલ છે આવું ખાણકામ?
મેઘાલયના શિલૉંગસ્થિત ‘નૉર્થ ઈસ્ટ હિલ યુનિવર્સિટી’માં કાર્યરત જાણીતા ભૂસ્તર વૈજ્ઞાનિક દેવેશ વાલિયાએ બીબીસીને જણાવ્યું કે ભલે ‘રૅટ-હોલ માઇનિંગ’ ગેરકાયદેસર મનાતી હોય પણ જે લોકો આ કામ કરે છે તેમને દુર્ગમ પહાડોને ખોદીને અંદર જવાનો અનુભવ છે.
તેમનું કહેવું હતું, "આ લોકો પહાડોને જાણે છે. પહાડોમાં કેવા પ્રકારની શિલાના સ્તર હોય છે તેને પણ જાણે છે. તેની બનાવટને ભેદવાનું તે જાણે છે. આ કામ આધુનિક મશીનથી નથી થઈ શકતું કારણ કે તેની પોતાની એક મર્યાદા હોય છે. ‘ઑગર’ મશીન અહીં સફળ ના થયું કારણ કે એ તકનીકથી પહાડોને ભેદી નથી શકાતા."
દેવેશ વાલિયા કહે છે કે જે લોકો ‘રૅટ-હોલ માઇનિંગ’ કરે છે તેઓ પહેલાં તો પહાડની બનાવટ પર નિર્ણય લે છે અને તે પ્રમાણે તેને કાપે છે.
પ્રતિબંધ કેમ લગાવાયો?
તો સવાલ ઊભો થાય કે ‘રૅટ-હોલ માઇનિંગ’ પર પ્રતિબંધ કેમ લગાવાયો છે?
ધનબાદસ્થિત ‘ઇન્ડિયન સ્કૂલ ઑફ માઇન્સ’ના પ્રોફેસર રહી ચૂકેલા સતીશ સિંહા કહે છે કે ‘રૅટ-હોલ માઇનિંગ’ શબ્દનો ઉપયોગ અંગ્રેજોએ સૌથી પહેલાં કર્યો હતો.
તેઓ કહે છે કે આ વાત 1920 આસપાસની છે, જ્યારે દેશમાં ખાણકામની શરૂઆત જ થઈ હતી.
પ્રોફેસર સિંહા કહે છે કે એ સમયે કોલસાની ખાણોમાં બિલકુલ આવી જ રીતે ખાણકામ થતું હતું, જેવી રીતે ઉંદરો જમીનમાં દર બનાવે છે કે જમીનમાં ઊંડો ખાડો ખોદે છે એવી જ રીતે આ કામ પણ થાય છે.
બીબીસી સાથે વાતચીતમાં પ્રોફેસર સિંહા કહે છે, "ત્યારે ખાણકામમાં મશીનોનો કે વિસ્ફોટકોનો ઉપયોગ નહોતો થતો. બસ મજૂરો હથોડી, સળિયો અને તગારા જેવી વસ્તુઓ સાથે ખોદકામ કરતાં કરતાં કોલસા સુધી પહોંચતા હતા. ત્યારે તકનીક આટલી વિકસી ન હતી. એટલે તેનું નામ ‘રૅટ-હોલ માઇનિંગ’ રખાયું."
ઉત્તરકાશીના બચાવકાર્ય પર વાત કરતાં તેઓ કહે છે કે ત્યાં બચાવકાર્યમાં મોટાં મશીનોના ઉપયોગનાં પરિણામો ઘાતક હોઈ શકે છે.
પ્રોફેસર સતિશ સિંહા કહે છે કે હિમાલયના પર્વતો ‘સૌથી કાચા’ છે. તેમનું કહેવું છે કે પૃથ્વીની સરખામણીએ આ પર્વતો બહુ નવા છે એટલે તેના ખડકો નબળા અને પોચા છે.
તેમણે કહ્યું, "જો મોટાં મશીનોથી ડ્રિલિંગ કરાય તો ઉપરનું સ્તર નીચે તરફ સરકી જવાનું જોખમ છે. એટલે માણસોની મદદથી ખોદકામ કરી ફસાયેલા મજૂરો સુધી પહોંચવાનો નિર્ણય સારો છે. મને લાગે છે કે આનાથી વધારે સારો બીજો કોઈ વિકલ્પ ન હતો."