You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પીએમ મોદીના સેલ્ફી પૉઇન્ટ'ના ખર્ચની વિગતો આપનાર અધિકારીની બદલી, નવા નિયમો શું છે?
રેલવે સ્ટેશનો પર બનાવવામાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી પૉઇન્ટ મુદ્દે થયેલા વિવાદ પછી ભારતીય રેલવેએ માહિતીનો અધિકાર (આરટીઆઈ) હેઠળ જવાબો આપવાના ઝોનલ રેલવેના નિયમોને બદલી નાખ્યા છે અને વધુ કડક નિયમો દાખલ કર્યા છે.
‘ધ હિન્દુ’ના એક અહેવાલ પ્રમાણે જે અધિકારીએ આરટીઆઈનો જવાબ આપ્યો હતો તેમના સિનિયર અધિકારી એટલે કે મધ્ય રેલવેના ઇન્ફર્મેશન ઑફિસરની બદલી કરી દેવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં અનેક રેલવે-સ્ટેશન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ધરાવતાં સેલ્ફી બૂથ મૂકવામાં આવ્યાં હતાં.
‘ધ હિન્દુ’ના 27મી ડિસેમ્બરે છપાયેલા એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક અસ્થાયી સેલ્ફી બૂથની કિંમત 1.25 લાખ રૂપિયા અને સ્થાયી સેલ્ફી બૂથની કિંમત 6.25 લાખ રૂપિયા છે.
આ ખર્ચ સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા અનુમાનિત કરવામાં આવ્યો છે. અખબાર અનુસાર એક આરટીઆઈના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
વડા પ્રધાનનાં સેલ્ફી બૂથ પાછળ થયેલા આ ખર્ચની વિગતો બહાર આવતા જ વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે.
સમગ્ર મામલો શું છે?
આરટીઆઈના 2005ના કાયદા હેઠળ પૂછાતાં સવાલોના જવાબ આપવા માટે રેલવેએ માહિતી અધિકારી અને મુખ્ય માહિતી અધિકારી નિયુક્ત કરેલા છે.
દક્ષિણ રેલવેના સૂત્રોના હવાલેથી અખબારે લખ્યું છે કે આ કાયદા હેઠળ જીએમ કે ડીઆરએમ બંનેમાંથી કોઈની ન તો ઍપલેટ ઑથોરિટી અને ન તો સંબંધિત ઑથોરિટી સ્વરૂપે કોઈ ભૂમિકા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરટીઆઈની અરજીના જે જવાબ બાબતે વિવાદ થયો હતો તેની જાણકારી મધ્ય રેલવેના ડેપ્યુટી જનરલ મૅનેજર અભય મિશ્રાએ આપી હતી.
આરટીઆઈ રેલવેના જ એક પૂર્વ કર્મચારી અજય બોસે દાખલ કરી હતી અને સવાલો પૂછ્યા હતા.
જાણકારી આપ્યા બાદ અભય મિશ્રાના જ ઉપરી અધિકારી અને મધ્ય રેલવેના માહિતી અધિકારી શિવાજી માનસપુરેની બદલી થઈ જતાં વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે એ પદ પર કોઈ અધિકારી બે વર્ષ રહે છે, પરંતુ તેમની સાત મહિનામાં જ બદલી કરી દેવામાં આવી હતી.
રેલવેએ જાહેર કરેલા નવા નિયમોમાં શું છે?
અખબાર દાવો કરે છે કે 28 ડિસેમ્બર, 2023ના રોજ રેલવે બૉર્ડે ઝોનલ રેલવેના બધા જ જનરલ મૅનેજરોને એક ઍડ્વાઇઝરી મોકલી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, “ઝોનલ રેલવે અને અન્ય ફીલ્ડયુનિટો દ્વારા જે આરટીઆઈના જવાબો આપવામાં આવે છે તેમની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે.”
“કેટલાક મામલાઓમાં આરટીઆઈનો જવાબ આપવાની સમયસીમા પણ પૂરી થઈ ગઈ હતી. જેના કારણે એવું પણ બન્યું છે કે ફર્સ્ટ ઍપલેટ ઑથોરિટી અને કેન્દ્રીય માહિતી આયોગમાં લોકોએ મોટી સંખ્યામાં અપીલો દાખલ કરી છે. તેના કારણે કામનાં ભારણમાં પણ ખૂબ વધારો થયો અને સંસ્થાની પણ બદનામી થઈ છે.”
અખબાર લખે છે કે ઍડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાના સમાધાન માટે કાયદામાં જે સમય-સીમા આપવામાં આવી છે તેનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ.
તેમાં કહેવામાં આવ્યું છે કે, “આરટીઆઈના જવાબોની ગુણવત્તા જાળવી રાખવા માટે આરટીઆઈના તમામ જવાબો હવેથી ઝોનલ રેલવેના જનરલ મૅનેજર અથવા ડિવિઝનલ રેલવે મૅનેજર આપશે. જ્યારે આરટીઆઈ કાયદા હેઠળ ફર્સ્ટ અપીલના જવાબોને પણ તેઓ જ મંજૂરી આપશે.”
વિપક્ષે ઉઠાવ્યા સવાલો
અધિકારીના ટ્રાન્સફર સંબંધિત મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કરતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “શહંશાહ કી રઝા, સચ કા ઇનામ સજા.”
કૉંગ્રેસે પણ આ મામલે સવાલ ઊઠાવતાં કહ્યું છે કે, “અધિકારીની ટ્રાન્સફર કેમ કરવામાં આવી? આ ટ્રાન્સફર એટલે કરવામાં આવી છે કારણ કે એક અધિકારીએ પીએમ મોદીના સેલ્ફી પૉઇન્ટની જાણકારી આપી દીધી. પહેલા અધિકારીને સજા અપાઈ અને હવે આરટીઆઈના નિયમો કડક કરવામાં આવ્યા. તાનાશાહને સત્યથી ડર લાગે છે.”
એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે, “મોદી સરકાર આવાં સેલ્ફી બૂથો અનેક રેલવે સ્ટેશનો પર લગાડી રહી છે જેની કિંમત 1.25 લાખથી 6.25 લાખ રૂપિયા સુધીની છે. ભારત સરકારની તિજોરીમાં એટલું ધન નથી કે રાજાજી નરેન્દ્ર મોદીના બધાં સપનાંઓને પૂરા કરી શકાય. પરંતુ સેલ્ફીની સામે દેશનો ગરીબ શું ચીજ છે? દેશની તમામ સંપત્તિ મોદીજી માટે રેવડી છે. ઍન્જોય! ”