RTI : શું અનેક લડાઈ લડ્યા બાદ મળેલો માહિતી મેળવવાનો કાયદો નબળો પડી જશે?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતનો એક ઐતિહાસિક અને મહત્ત્વનો એવો સૂચનાના અધિકારનો કાયદો નબળો પડી શકે છે. માહિતી અધિકારનો આ કાયદો જે સરકારી કામકાજમાં પારદર્શિતા લાવે છે, આ કાયદા હેઠળ સામાન્ય નાગરિકો પણ સરકારે કરેલી કામગીરીનો હિસાબ માગી શકે છે. પરંતુ હવે સંસદમાં પસાર થયેલા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટેના બિલથી માહિતી અધિકારનો કાયદો નબળો પડી શકે એવું જાણકારોનું મંતવ્ય છે.

અત્યારસુધી ભારત પાસે વ્યક્તિગત ડેટાની જાણકારી કેવી રીતે મેળવવામાં આવે છે, તેનો કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે અંગેનો નિયમન કરતો કોઈ કાયદો નહોતો. ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ કે જે આ પ્રકારે વ્યક્તિગત ડેટાના નિયમન કરવાની માગ છે, તેને પૂરી કરે છે. આ બિલ હવે સંસદે પસાર કરી દીધું છે.

પણ જાણકારોએ તેના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ કાયદો નાગરિકોની વ્યક્તિગત અને અંગત બાબતોની દેખરેખ પર રોક લગાવતો નથી. તેના ઉપયોગના મામલે તે કેન્દ્ર સરકારને વધુ પડતી સત્તા આપે છે.

આ મામલે સુચનાના અધિકારના કાયદા (રાઇટ ટુ ઇન્ફૉર્મેશન - આરટીઆઈ) પર આ નવા કાયદાને કારણે અસર થનારા ફેરફારને કારણે આરટીઆઈ કર્મશીલો સરકારની ટીકા કરી રહ્યા છે.

માહિતી અધિકારનો કાયદો સરકારી વિગતોને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. વર્ષ 2005માં આ કાયદો બન્યો હતો ત્યારથી લઈને લાખ્ખો ભારતીયોએ આ કાયદાની મદદથી સરકારી અધિકારીઓ સમક્ષ સવાલો કરીને જાણકારીઓ મેળવી છે.

પણ હવે ડેટા પ્રોટેક્શન મામલાનો કાયદો આરટીઆઈ કાયદાની માહિતી આપવાની જોગવાઈને અસર પહોંચાડશે. આ નવા કાયદામાં વ્યક્તિગત જાણકારીનો ખુલાસો કરવા મામલે આપેલી છૂટને કારણે આરટીઆઈના કાયદાને પણ અસર થશે.

સૂચનાના અધિકાર મામલાના રાષ્ટ્રીય અભિયાનનાં સહ-સંયોજક અંજલિ ભારદ્વાજ કહે છે, “સરકારોને જવાબદાર ઠેરવવા, ભ્રષ્ટાચાર સામે લડવા જેવા મુદ્દે લોકો આરટીઆઈનો ઉપયોગ કરે છે. જેમાં વ્યક્તિગત જાણકારીનું તત્વ હોય જ છે.”

જાણકારો કહે છે કે આ પ્રકારની જાણકારી મેળવવી એ આરટીઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુર કહે છે કે આ નવો કાયદો આરટીઆઈને ઘણી અસર કરશે.

જોકે આરટીઆઈ કાયદાનું પાલન સંપૂર્ણ રીતે થતું હોતું નથી. ઘણીવાર માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવે છે. સમયાંતરે સરકારે તેને હળવો બનાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો. કર્મશીલોનું માનવું છે કે હાલમાં જે કાયદો છે તેમાં નવા ડેટા પ્રોટેક્શનના કાયદાને કારણે જો પરિવર્તન આવશે તો તે માહિતી મેળવવાના અધિકાર પર તરાપ સમાન સાબિત થશે.

આરટીઆઈ કાયદો શું કહે છે?

આરટીઆઈ કાયદો એવાં સંગઠનોને લાગુ પડે છે જે સંવિધાન કે સરકારી કાયદા કે પછી અધિસૂચના હેઠળ રચાયાં હોય. એવાં સંગઠનો પણ સામેલ છે જેમને પ્રત્યક્ષરૂપે કે અપ્રત્યક્ષરૂપે સરકારી નાણાકીય સહાય મળતી હોય.

આરટીઆઈમાં રાષ્ટ્રીય સુરક્ષા જેવા અપવાદોને બાદ કરતા, નાગરિકો દ્વારા જે માહિતી માગવામાં આવી હોય તે ઉપલબ્ધ કરાવવી પડે છે.

આ કાયદામાં એક જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ જો મગાયેલી માહિતી વ્યક્તિગત હોય અને તેનું સાર્વજનિક રીતે એટલે કે જાહેર હિતનું મહત્ત્વ નહીં હોય, તો તેને આપવાનો ઇન્કાર કરી શકાય છે. જો આ પ્રકારની માહિતી સાર્વજનિક હિત માટે છે એવું લાગે તો જ આવી માહિતી આપવામાં આવે છે.

જસ્ટિસ એ. પી. શાહની આગેવાની હેઠળની ગોપનીયતા કાયદા પરની 2012માં રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે આરટીઆઈ કાયદા હેઠળની આપવામાં આવતી માહિતીમાં ગોપનીયતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ.

નવો ફેરફાર શું થઈ શકે છે?

નવા ડેટા પ્રોટેક્શન કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિગત માહિતીને આપવાનો ઇન્કાર કરી શકાય છે.

આરટીઆઈ કાયદા અંતર્ગત મળેલી ફરિયાદોનો નિકાલ કરવાની જવાબદારીનું વહન કરનારા પૂર્વ સૅન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર શૈલેષ ગાંધી કહે છે, “પહેલા અંગત માહિતી અને સાર્વજનિક હિતની માહિતી વચ્ચે એક પાતળી ભેદરેખા હતી. અંગત માહિતી કોઈ જાહેર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ન હોવી જોઈએ અને તેનાથી ગોપનીયતાનું બીનજરૂરી ઉલ્લંઘન ન થવું જોઈએ.”

શૈલેષ ગાંધી કહે છે કે આ કાયદાનો યોગ્ય રીતે અમલ કરવા માટે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ વૈધાનિક સંસ્થાને માહિતી આપવાનો ઇન્કાર ન થઈ શકે તો પછી કોઈ પણ વ્યક્તિને તે આપવાનો ઇન્કાર કેવી રીતે થઈ શકે.

જોકે, જાણકારી વ્યક્તિગત હોવાને કારણે ન આપી શકાય તેના પર પોતાનું મંતવ્ય રજૂ કરતા શૈલેષ ગાંધી કહે છે, “આ એક સમસ્યા છે. તમે કોઈ પણ જાણકારીને કોઈ પણ વ્યક્તિ સાથે સાંકળી શકો અને તેને આપવાનો ઇન્કાર કરી શકો.”

ડેટા પ્રોટેક્શન કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે તેનું પાલન ન કરનારા પર 2.5 અબજ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આટલો મોટો નાણાકીય દંડ કોઈપણ અધિકારીઓ માટે એ પ્રકારની માહિતી આપવા માટે હતોત્સાહ કરી શકે છે જે માહિતી અંગત કે વ્યક્તિગત હોય.

શૈલેષ ગાંધી સવાલ ઉઠાવતા કહે છે, “જો દંડ ઓછો હોય તો પણ કયો અધિકારી વ્યક્તિગત જાણકારીને સાર્વજનિક હિતમાં આપવાનું જોખમ ઉઠાવે?”

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે આ ફેરફાર સુપ્રીમ કોર્ટે 2017માં ગોપનીયતા મામલે આપેલા એક લૅન્ડમાર્ક ચુકાદાને આધારે કરવામાં આવ્યા છે. તેઓ કહે છે, “ચુકાદામાં કહેવાયું છે કે વ્યક્તિગત જાણકારી ન આપી શકાય, છતાં જો આ પ્રકારની જાણકારી આપવામાં આવે છે તો તે કાયદેસરતા, ઔચિત્ય અને અનુરૂપતાની તપાસમાંથી પસાર થાય છે. તેની અસર આરટીઆઈ કાયદા પર નહીં થાય.”

તેની કેવી અસર થશે?

જાણકારોનું કહેવું છે કે આ પ્રકારનું પરિવર્તન એવી માહિતીઓ મેળવવામાં અવરોધ ઊભો કરી શકે છે જેને કારણે ભ્રષ્ટાચારને પ્રકાશમાં લાવવા અને સામાન્ય અધિકારોની જાણકારી મેળવવા મામલે મદદ મળે છે.

અંજલિ ભારદ્વાજ કહે છે, “ઉદાહરણ તરીકે નેશનલ ફૂડ સિક્યોરિટી અંતર્ગત જો કોઈને કરિયાણું નહીં મળ્યું હોય અને આ મામલાની જાણકારી મેળવવી હોય, તો સસ્તા અનાજની દુકાનના વેચાણના આંકડા મેળવીને મળવાપાત્ર કરિયાણું કોને વેચવામાં આવ્યું તેની તપાસ થઈ શકે છે.”

અંજલિ ભારદ્વાજના કહેવા પ્રમાણે આ પ્રકારે મેળવાયેલી માહિતી દ્વારા સરકારી વિતરણ વ્યવસ્થાની તપાસ કરવામાં મદદ મળે છે.

તેમણે કહ્યું કે એક દલિત વિદ્યાર્થીએ આ કાયદાનો ઉપયોગ કરીને કૉલેજોમાંથી પ્રવેશ પ્રક્રિયાની માહિતી મેળવીને તપાસ કરી શકે કે તેના જરૂરી માર્ક્સ હોવા છતાં તેને પ્રવેશ કેમ નથી આપવામાં આવ્યો?

શૈલેષ ગાંધી કહે છે, “આ પ્રકારની માહિતી વગર આરટીઆઈ કાયદાથી ભ્રષ્ટાચાર પર અંકુશ રાખવામાં અને વહિવટીતંત્રને પારદર્શી બનાવવામાં મદદ નહીં મળી શકે.”

તેઓ કહે છે, “તેમના કાર્યકાળમાં એક વ્યક્તિએ સરકારી હૉસ્પિટલોમાં નિયુક્ત કરવામાં આવેલા ડૉક્ટરોની ડિગ્રીની કૉપી માગી હતી. તપાસ કરતા ખબર પડી કે નિયુક્ત કરાયેલા ઘણા લોકો પાસે બૉગસ ડિગ્રી હતી.”

તેમને ભય છે કે આ નવા કાયદા પ્રમાણે આ પ્રકારની માહિતી મળવી બંધ થઈ શકે છે. તેમનું માનવું છે કે તેને કારણે બહાનું મળશે કે આ વ્યક્તિગત માહિતી છે અને તેની જાણકારી આપવાથી ગોપનીયતાનો ભંગ થાય છે.

શૈલેષ ગાંધી કહે છે, “અત્યારે પણ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિગત હોવાના બહાના હેઠળ માહિતી આપવાનો ઇન્કાર થાય છે. હવે નવા કાયદા બાદ તેમાં વધારો થઈ શકે છે.”

કોઈ અન્ય અપવાદ પણ છે?

આ ફેરફાર આરટીઆઈના કાયદાની એ જોગવાઈને અસર નહીં કરે જેમાં કહેવાયું છે કે ભલે તે વ્યક્તિગત માહિતી હોવાનું પ્રમાણિત થાય પરંતુ અધિકારીને લાગે કે તેની સાથે જાહેર હિત સંકળાયેલું છે અને તે આપવાથી વ્યક્તિને થનારા નુકસાન કરતા સાર્વજનિક હિત વધારે જરૂરી છે તો અધિકારી આ પ્રકારની માહિતી આપી શકે છે.

જોકે, જાણકારોનું માનવું છે કે તેને કારણે માહિતી માગનારા પર બિનજરૂરી દબાણ વધશે.

અંજલિ ભારદ્વાજ કહે છે, “હવે આરટીઆઈ હેઠળ અરજદાર વ્યક્તિએ માહિતી માગવાનું કારણ વ્યાજબી ઠેરવવાનું રહેશે કે માગવામાં આવેલી માહિતી જાહેર હિત માટે છે અને તેને કારણે જેમના વિશે માહિતી માગવામાં આવી છે તેમને કોઈ નુકસાન નહીં થાય. પહેલાં આવું નહોતું.”