You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં મહિલાને માસિકસ્રાવ દરમિયાન રજા મળી શકે?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- માસિક ધર્મ દરમિયાન થતી પીડાને ધ્યાનમાં રાખીને સ્પેનમાં મહિલાઓને દર મહિને ત્રણ દિવસની રજા લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે
- આ અંગેના બિલને આ વર્ષે 16 ફેબ્રુઆરીએ દેશની સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી
- સ્પેન યુરોપનો પહેલો દેશ છે જ્યાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓને પેઇડ લીવ આપવામાં આવશે
- સ્પેનિશ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે આ અધિકારો વિના મહિલાઓ પૂર્ણરૂપે નાગરિક નથી અને માસિક ધર્મ દરમિયાન મહિલાઓને મળતી રજાઓ માટે સરકાર ચૂકવણી કરશે
- એશિયામાં અને ભારતમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓને પેઇડ લીવ આપવા અંગે શું સ્થિતિ પ્રવર્તે છે તે જાણવા વાંચો આ અહેવાલ....
માસિકધર્મ દરમિયાન થતી પીડાને ધ્યાનમાં રાખીને સ્પેનમાં મહિલાઓને દર મહિને ત્રણ દિવસની રજા લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
સાથે જ મહિલાઓને ત્રણ દિવસની રજાને પાંચ દિવસમાં બદલવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
આ અંગેના બિલને આ વર્ષે 16 ફેબ્રુઆરીએ દેશની સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી.
સ્પેનમાં જાતીય અને પ્રજનન અધિકારો સંબંધિત ઘણા અધિકારોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે.
સ્પેન યુરોપનો પહેલો દેશ છે જ્યાં માસિકધર્મ દરમિયાન મહિલાઓને પેઇડ લીવ આપવામાં આવશે.
સ્પેનિશ મંત્રી આયરીન મોન્ટેરોએ સંસદમાં જણાવ્યું હતું કે આ અધિકારો વિના મહિલાઓ પૂર્ણરૂપે નાગરિક નથી અને માસિકધર્મ દરમિયાન મહિલાઓને મળતી રજાઓ માટે સરકાર ચુકવણી કરશે.
ડૉકટરો અને અમેરિકન કૉલેજ ઑફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ ઍન્ડ ગાયનેકૉલૉજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, અડધીથી વધુ મહિલાઓ માસિકસ્રાવ દરમિયાન દર મહિને એક કે બે દિવસ માટે પીડા અનુભવે છે અને કેટલીક મહિલાઓને એટલો ભારે દુખાવો થતો હોય છે કે તેમના માટે તેમની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે અને તેને તેઓ બરાબર કરી શકતી નથી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સ્પેનના આ નિર્ણયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પ્રગતિશીલ માનવામાં આવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે કે શું આવી જોગવાઈ ભારતમાં કરી શકાય?
એક દલીલ એવી પણ આપવામાં આવી રહી છે કે ભારતની જીડીપીમાં મહિલાઓની ભાગીદારી 18% જેટલી છે અને જો તેમને માસિકધર્મ દરમિયાન રજા આપવાની જોગવાઈ કરવામાં આવે તો તેના પર પણ અસર પડશે.
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે માસિકસ્રાવ દરમિયાન રજાની માગ માટે દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડૉ. ધનંજય યશવંત ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સર્વોચ્ચ અદાલતની બેન્ચે તેને નીતિગત વિષય ગણાવ્યો હતો.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં કાયદો ભણતાં વિદ્યાર્થીએ ઍડવૉકેટ સત્યા મિત્રા દ્વારા કોર્ટમાં કહેવાયું હતું કે આવા નિર્ણયોથી મહિલા કર્મચારીઓની રોજગાર પર અસર પડી શકે છે.
બીબીસી સાથેની વાતચીતમાં સત્ય મિત્રાએ કહ્યું, "જો પ્રાઇવેટ કંપનીમાં મહિલાઓ રજા માગશે તો કદાચ કંપનીઓ મહિલાઓને નોકરી આપવામાં ખચકાશે અને તે સરવાળે મહિલાઓ માટે જ નુકસાનકારક સાબિત થશે."
જોકે, કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરનાર ઍડવૉકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી આ વાત સાથે અસહમતિ બતાવતા કહે છે કે મૅટરનિટીના મુશ્કેલ સમયમાં મહિલાઓની સંભાળ રાખવા માટે કાયદામાં તમામ જોગવાઈઓ હોવા છતાં, મૅટકનિટીના પ્રથમ તબક્કા એટલે કે પીરિયડ્સની જાણ્યે-અજાણ્યે સમાજ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી છે.
તેમણે કહ્યું- અમે કોર્ટ સમક્ષ કહ્યું કે એવા ઘણા દેશ છે જ્યાં મહિલાઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ બિહાર રાજ્યમાં મહિલાઓને માસિકધર્મ દરમિયાન રજા આપવાની જોગવાઈ 1992માં જ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કોર્ટે તેમને મહિલા અને બાળવિકાસ મંત્રાલયનો સંપર્ક કરવા કહ્યું છે.
અલગ-અલગ મત
હૈદરાબાદમાં શાહીન વુમન્સ રિસોર્સ ઍન્ડ વેલ્ફૅર ઍસોસિયેશનનાં કાર્યકર જમીલા નિશત કહે છે, "ખાનગી ક્ષેત્રની કંપનીઓ મહિલાઓને પ્રસૂતિરજા આપવાના વિચાર પર નોકરી આપવાનું ટાળી દે છે. મહિલાઓને લઈને એવી ગેરસમજ પણ છે કે મહિલાઓ માત્ર સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી જ નોકરી કરવાનું પસંદ કરે છે. પરંતુ એવું નથી, કારણ કે આજકાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં અને દરેક પાળીમાં કામ કરે છે. પરંતુ હું દર મહિને ત્રણથી પાંચ દિવસની રજા સાથે સંમત નથી."
સેન્ટર ફૉર સોશિયલ રિસર્ચનાં ડાયરેક્ટર અને મહિલાઓના અધિકારો માટે કામ કરતાં રંજનાકુમારીનું માનવું છે કે મહિલાઓ કોઈથી ઓછી નથી પરંતુ તેઓ હજુ પણ સમાનતાના પાયા પર પુરુષોથી પાછળ છે.
તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે જાતિ સમાનતા અથવા લૈંગિક સમાનતાની વાતો તો થાય છે, પરંતુ શું તે સમાજમાં જોવા મળે છે?
તેમના મતે, "પહેલા મહિલાઓને નોકરી આપો, સંસદમાં સમાનતા આપો, બાળકના ઉછેરમાં માતા-પિતા સમાન ભૂમિકા નિભાવે. સમાજમાં સમાનતા આવી જશે ત્યારે કોઈ મહિલા અધિકારની વાત કરશે નહીં. પરંતુ પહેલા મહિલાઓ અને પુરુષો ઓછામાં ઓછા હોવા જોઈએ. સ્તર પર લાવવામાં આવે છે."
બીજી બાજુ પંજાબી યુનિવર્સિટીના મહિલા અભ્યાસ વિભાગનાં અધ્યક્ષ માનવેન્દ્રકોર બીજો પક્ષ ઉઠાવે છે.
તેઓ કહે છે, "લગભગ 90 ટકા મહિલાઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. શું તેઓ આનો લાભ મેળવી શકશે? આ મહિલાઓને ન તો મૅટરનિટી લાભ મળે છે, ન સમાન વેતન મળે છે, ન તો અન્ય કોઈ લાભ મળે છે."
તેઓ વધુમાં કહે છે કે અહીં એ પણ નોંધવું જોઈએ કે માસિકધર્મ દરમિયાન દરેક મહિલાને સમસ્યા થાય છે. દરેક મહિલાને તેની જરૂર છે. આ પણ જોવું જોઈએ.
તેમના મતે- શું મહિલાઓને રજાના બદલે ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપી શકાય? જોકે અહીં એ પણ વિચારવું પડશે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ અને કૉન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને આ દાયરામાં કેવી રીતે લાવી શકાય.
કયા દેશોમાં છે જોગવાઈ?
બિહાર ભારતનું પહેલું રાજ્ય છે, જ્યાં માસિકસ્રાવ દરમિયાન રજાની જોગવાઈ અમલમાં આવી છે.
તે સમયે રાજ્યમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ યાદવની સરકાર હતી અને તેમણે મહિલા કર્મચારીઓને માસિકધર્મ દરમિયાન દર મહિને બે દિવસની રજા લેવાની છૂટ આપી હતી.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને તાજેતરમાં જાહેરાત કરી હતી કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ યુનિવર્સિટીઓમાં છોકરીઓને માસિકધર્મ સમયે રજા આપવામાં આવશે. દરમિયાન કૉંગ્રેસના કેરળના સાંસદ હિબી ઇદને કહ્યું હતું એક પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવામાં આવશે, જેથી કામ કરતી મહિલાઓને માસિકધર્મ દરમિયાન પગાર સાથે રજા મળી શકે.
આ પહેલાં અરુણાચલ પ્રદેશના સંસદસભ્ય નિનાંગ એરિંગે 2017માં લોકસભામાં પ્રાઇવેટ મેમ્બર બિલ, મેન્સટૂરેશન બિનિફિટ 2017 રજૂ કર્યું હતું.
આ બિલમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને માસિકધર્મ દરમિયાન બે દિવસની રજા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
આ અંગે તેઓ કહે છે કે તે બિલ તો રદ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં તેઓ મહિલા અને બાળવિકાસ મંત્રાલયના સંપર્કમાં છે અને રાજ્યમાં ટૂંક સમયમાં આના પર નિર્ણય આવી શકે છે.
તેઓ કહે છે, "કેટલાંક મહિલા સંગઠનોએ મને કહ્યું હતું કે મહિલાઓને આવી છૂટ આપીને તેમને ઓછી આંકવામાં આવે છે વાસ્તવમાં એવું નથી. જો એ દિવસોમાં બે નહીં એક દિવસ પણ રજા આપવામાં આવશે તો આવી મહિલાઓ જ્યારે કામ પર આવશે ત્યારે વધુ ઉત્સાહથી કામ કરશે."
રંજનાકુમારી કહે છે કે જો એવું લાગે છે કે છોકરીઓ કારણ વગર રજા લઈ રહી છે, તો જે મહિલાઓને વધુ સમસ્યા હોય તેઓ મેડિકલ સર્ટિફિકેટ આપીને આવી રજા લઈ શકે છે, સ્પેનમાં આવું કરવામાં આવ્યું છે.
એશિયાની વાત કરીએ તો જાપાનમાં માસિકધર્મ દરમિયાન આપવામાં આવતી રજાને શ્રમ કાયદામાં સામેલ કરવામાં આવી છે. ત્યાં વર્ષ 1947થી મહિલાઓને આવી રજા આપવાની જોગવાઈ છે.
ઇન્ડોનેશિયાએ વર્ષ 1948માં મહિલાઓ માટે આવી નીતિ અપનાવી હતી.
આ દેશોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલાને માસિકધર્મ દરમિયાન સમસ્યા હોય તો તેમની પાસે કામ ન કરાવી શકાય અને બે દિવસની રજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સિવાય ફિલિપાઇન્સમાં, ઝામ્બિયા જેવા આફ્રિકન દેશોમાં મહિલાઓ માસિક દરમિયાન એક રજા લઈ શકે છે.
દક્ષિણ કોરિયાની સરકાર 1953માં આવી જોગવાઈઓ લાવી હતી. ભારતમાં એવી ઘણી કંપનીઓ છે, જે માસિકધર્મ દરમિયાન મહિલાઓને પેઇડ લીવ આપી રહી છે.
મહિલા અધિકારો માટે કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે જ્યારે મહિલાઓ વિકસિત થશે ત્યારે જ દેશ વિકસિત થશે અને તેઓ બાળ અને મહિલા વિકાસમંત્રીને પણ આ અંગે સંસદમાં બિલ લાવવાની અપીલ કરશે.