You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંસદનું ચોમાસુ સત્ર : 23 બિલ પાસ થયાં, 20 પર એક કલાકેય ચર્ચા ન થઈ
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
સંસદની અંદર અને બહારના હંગામા વચ્ચે ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભા અને લોકસભામાં કુલ 23 બિલ પસાર થયાં.
તેમાં ‘દિલ્હી સેવા બિલ’ જેવા મહત્ત્વપૂર્ણ બિલો સામેલ છે, જેના પર લોકસભામાં લગભગ પાંચ કલાક અને રાજ્યસભામાં લગભગ આઠ કલાક લાંબી ચર્ચા થઈ.
આ બિલ પર થયેલી ચર્ચામાં બંને ગૃહોમાં કુલ 58 સાંસદોએ ભાગ લીધો.
આ સત્રમાં બંને ગૃહોમાં કુલ 25 બિલો રજૂ કરાયાં જેમાં 20 બિલ લોકસભા અને પાંચ બિલ રાજ્યસભામાં રજૂ કરાયાં.
સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવની સ્થિતિ
શુક્રવારે સાંજે ચોમાસુ સત્ર ખતમ થયું એ બાદ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ વિપક્ષનાં દળો પર સંસદની કાર્યવાહીમાં ભાગ ન લેવાનો આરોપ મૂક્યો.
તેમણે કહ્યું, "આ ગૃહમાં સંસદનાં બંને ગૃહોએ 23 બિલ પસાર કરાયાં છે. એ ખૂબ મહત્ત્વપૂર્ણ બિલ હતાં પરંતુ સતત પ્રયાસો અને આગ્રહ છતાં વિપક્ષે પોતાનાં રાજકીય કારણોને લીધે ચર્ચામાં ભાગ ન લીધો."
"વિપક્ષે માત્ર એક બિલ ચર્ચા માફોટે સંમતી દર્શાવી જે દિલ્હીના વટહુકમ સાથે સંકળાયેલ હતું, કારણ કે એ તેમની તરફથી પોતાના ગઠબંધનમાં એકતા પ્રદર્શિત કરવાની તક હતી.”
પ્રહ્લાદ જોશી અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતી વખતે વિપક્ષ પર ચર્ચામાં સામેલ ન થવાનો આરોપ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
- સંસદનાં બંને ગૃહોમાં કામકાજના દિવસો દરમિયાન જન વિશ્વાસ બિલ, મીડિયએશન, ડેન્ટલ કમિશન બિલ, આદિવાસીઓ સાથે સંકળાયેલાં બિલ, નૅશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ, કોસ્ટલ ઍક્વાકલ્ચર સાથે જોડાયેલાં બિલ સહિત ઘણાં મહત્ત્વનાં બિલો પસાર કરાયાં છે.
- આ એવાં બિલ હતાં જે આપણા માછીમારોના હક માટે હતાં, જેનો સૌથી વધુ લાભ કેરળને થવાનો હતો. કેરળના સાંસદો પર બિલ અંગેની ચર્ચામાં સારી રીતે ભાગ લેવાની ભારે અપેક્ષા હતી. પરંતુ રાજકારણ તેમના પર એટલી હદે હાવી થઈ ચૂક્યું છે કે તેમને માછીમારોની પણ ચિંતા નથી.
- નૅશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ, યુવા શક્તિની આશા અને આકાંક્ષાઓને એક નવી દિશા આપનાર બિલ હતું. ભારત એક વૈજ્ઞાનિક પાવર તરીકે કેવી રીતે સામે આવે, આ વિચાર સાથે આ બિલ લવાયું હતું, તેના પર પણ વિપક્ષને વાંધો હતો.
- ડિજિટલ ડેટા પ્રૉટેક્શન બિલ દેશના યુવાનોના જજબામાં જે વાત પ્રમુખપણે છે, તેની સાથે જોડાયેલું છે. આવનારો સમય તકનીકથી ચાલવાનો છે. પરંતુ રાજકારણ તમારા માટે પ્રાથમિકતા છે.
- ઘણાં એવાં બિલ હતાં જે ગરીબ, આદિવાસીઓ, દલિતો, ગામોના કલ્યાણની ચર્ચા કરવા માટે હતાં, તેમના ભવિષ્ય સાથે સંબંધિત હતાં. પરંતુ એ બધામાં આમને કોઈ રસ નથી. દેશનની જનતાએ જે કામ કરવા આમને મોકલ્યા છે, એ જનતા સાથે પણ વિશ્વાસઘાત કરાયો છે.
પરંતુ જ્યાં એક તરફ વિપક્ષનાં દળો ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે. ત્યાં જ વિપક્ષનાં દળો કેન્દ્ર સરકાર પર લોકશાહીની હત્યાનો આરોપ કરી રહ્યાં છે.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચોમાસુ સત્રના અંતિમ દિવસે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો સાથે મળીને સંસદ પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું.
તેમણે કહ્યું, “મોદીજી બંધારણ અંતર્ગત ગૃહ નથી ચલાવવા માગતા. તેઓ ગૃહના સભ્યોને ધમકી આપી રહ્યા છે અને તેમને નિષ્કાસિત કરી રહ્યા છે.”
પાછલા ગુરુવારે લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી અને આપના સાંસદ રાઘવ ચડ્ઢાને સંસદમાંથી સસ્પેન્ડ કરાયા.
બિલો વિસ્તૃત ચર્ચા વગર પસાર કરાય એ વાત ભારતની લોકશાહી વ્યવસ્થા અને તેમાં સંસદની ભૂમિકા અંગે શું કહે છે.
ભારતમાં લોકતાંત્રિક સુધારાની દિશામાં કામ કરનારી સંસ્થા ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એડીઆર)ના સહ-સંસ્થાપક જગદીપ છોકરે આ મુદ્દે બીબીસી સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે, "આ સિલસિલો વર્ષ 2011-12થી ચાલી રહ્યો છે. સંસદ હવે માત્ર એક મહોર મારવા પૂરતી સીમિત સંસ્થા બનીને રહી ગઈ છે. કારણ કે હવે સંસદનું કામ ત્યાં પાસ થનારાં બિલો પર ચર્ચા કરવાનું નથી રહી ગયું."
"સાંસદોને બિલ વાંચવાનો સમય પણ નથી મળતો. બિલ સંસદમાં રજૂ કરાયાની અમુક મિનિટોની અંદર જ પસાર કરી દેવાય છે. મારું માનવું છે કે સત્તાપક્ષથી માંડીને વિપક્ષ સુધી મોટા ભાગના સાંસદોને એ વાતની ખબર જ નથી હોતી કે બિલોમાં શું છે."
"સભ્યોનું કામ માત્ર હા કે નામાં મત આપવા પૂરતું રહી ગયું છે. જોકે, થવું એવું જોઈએ કે પહેલાં સાંસદોને બિલ વહેંચવામાં આવે જેથી તેઓ તેને વાંચી શકે. તે બાદ ગૃહમાં બિલ વંચાય, તેની દરેક જોગવાઈની ચર્ચા થાય છે. પરંતુ એ બધું હવે ક્યાં થાય છે."
દિલ્હી સેવા બિલ પર ભારે ખેંચતાણ
ચોમાસુ સત્ર દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ બાદ સૌથી વધુ ચર્ચા દિલ્હી સેવા બિલ પર થઈ.
આ બિલ કાયદો બન્યો એ સાથે જ દિલ્હીમાં અધિકારીઓની નિમણૂકો અને બદલીઓ પર અંતિમ નિર્ણય કરવાની તાકત મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના હાથમાંથી નીકળીને ઉપરાજ્યપાલના હાથમાં જતી રહી.
આ મુદ્દો ઘણા સમયથી દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદનો વિષય બન્યો રહ્યો છે. દિલ્હી સરકારને તાજેતરમાં જ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. પરંતુ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટ મારફતે મળેલી રાહત છીનવી લીધી. અને હવે આ બિલ કાયદો બન્યો એ સાથે દિલ્હીમાં સત્તાનાં સમીકરણ બદલાઈ ગયાં છે.
આ બિલને કાયદો બનતો અટકાવવા આમ આદમી પાર્ટીએ તમામ રાજકીય પ્રયાસો કર્યા જેના કારણે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાંસદો તેમની સાથે ઊભા રહેલા દેખાયા.
રાજ્યસભામાં જે દિવસે આ બિલ પાસ થયું એ દિવસે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ સંસદમાં હાજર હતા, જેમની ઉંમર હવે 90 વર્ષ થઈ ચૂકી છે.
પરંતુ અંતે બીજેડી અને વાઇએસઆર કૉંગ્રેસના દમે ભાજપ આ બિલ પાસ કરાવવામાં સફળ રહ્યો.આ ચોમાસુ સત્રમાં સૌથી વધુ રાજકીય રસાકસી આ બિલને લઈને જ જોવા મળી.
પરંતુ કેન્દ્ર સરકાર આ દરમિયાન ઘણાં બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવવામાં સફળ રહી.
ગત બે-અઢી દાયકાથી ભારતીય સંસદ પર નજર રાખતાં વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી આ વાતને વિપક્ષની કમજોરી સ્વરૂપે જુએ છે.
તેઓ કહે છે કે, "આ સત્ર દરમિયાન 23 બિલ પસાર થયાં છે, જેમાં ઘણાં મહત્ત્વપૂર્ણ બિલો પણ સામેલ છે. ડેટા પ્રૉટેક્શન બિલની નિંદા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. જંગલોમાં રહેતા લોકોના અધિકારથી માંડીને નકલી દવાઓ માટે સજા નક્કી કરતાં ઘણાં બિલ લાખો લોકોને પ્રભાવિત કરવાનાં છે."
" આવી સ્થિતિમાં આ સત્ર દરમિયાન વિપક્ષનાં દળો તરફથી શોરબકોરમાં સત્ર ગુમાવી દેવું, વડા પ્રધાન દ્વારા નિવેદન ન અપાયાની વાતને મુખ્ય અને એકમાત્ર મુદ્દો બનાવી દેવો, મારી સમજ મુજબ અતિ-પ્રતિક્રિયા છે. આ વિશે વિપક્ષે વિચારવું પડશે કે શું આ જ યોગ્ય વ્યૂહરચના છે."
"મને યાદ છે કે ભાજપ નેતા અરુણ જેટલી અને સુષમા સ્વરાજ કહેતાં કે ગૃહ ન ચાલવા દેવું એ પણ સંસદીય લોકશાહીનો એક ભાગ છે. એ વાત ઠીક છે, પરંતુ આનો ઉપયોગ અમુક વખત જ કરવો જોઈએ. "
"એ એક અપવાદ હોવો જોઈએ, ના કે નિયમ. કારણ કે જો આપ સંસદ પર ચર્ચા કરવાના સ્થાને ટીવી પર બોલશો તો ભવિષ્યમાં તેના મહત્ત્વ પર સવાલ ઊઠશે. આવી સ્થિતિમાં વિપક્ષે એ વિચારવાની જરૂરિયાત છે કે સરકારને કેવી રીતે સારી તૈયારી સાથે ઘેરવામાં આવે.”"
ચર્ચા વગર અને વિપક્ષની ગેરહાજરીમાં પસાર થયાં બિલ
આ સત્રમાં દિલ્હી સર્વિસ બિલ અને અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા કલાકો ચાલી. તેમજ ઘણાં બિલ અમુક મિનિટની ચર્ચા બાદ જ પસાર કરી દેવાયાં.
ભારતીય સંસદ સાથે જોડાયેલા આંકડાનું અધ્યયન કરતી સંસ્થા પીઆરએસ પ્રમાણે, ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં પસાર કરાયેલાં કુલ 22 બિલમાંથી 20 બિલો પર એક કલાક કરતાં પણ ઓછા સમય માટે ચર્ચા કરાઈ.
લોકસભામાં નવ બિલ 20 મિનિટથી પણ ઓછા સમયની ચર્ચા બાદ પસાર કરી દેવાયાં. તેમાં આઇઆઇએમ સંશોધન જેવાં બિલો સામેલ હતાં.
આટલું જ નહીં, રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી કમિશન અને રાષ્ટ્રીય ડેન્ટલ કમિશન બનાવવા માટે લવાયેલાં બિલ 30 મિનિટની અંદર પસાર થયાં.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રૉટેક્શન જેવાં મહત્ત્વપૂર્ણ બિલ જેનો ઉલ્લેખ વડા પ્રધાન મોદીએ કર્યો હતો, તેને પસાર કરવા માટે લોકસભા અને રાજ્યસભાના કુલ 14 સભ્યોએ ભાગ લીધો હતો. અને આ બિલને પાસ થવામાં બંને ગૃહોમાં કુલ 125 મિનિટનો સમય લાગ્યો.
રાજ્યસભામાં ત્રણ દિવસની અંદર દસ બિલ પસાર કરાયાં. આ સત્ર દરમિયાન રાજ્યસભામાં આઠ દિવસ વિપક્ષની ગેરહાજરીમાં બિલ પસાર કરાયાં.
વડા પ્રધાન મોદીએ પોતાના જવાબમાં કહ્યું હતું કે એક જવાબદાર વિપક્ષ સવાલ પૂછે છે પરંતુ ચોમાસુ સત્રમાં માત્ર નવ ટકા સવાલોના મૌખિક જવાબ અપાયા. તેમજ રાજ્યસભામાં 28 ટકા મૌખિક જવાબ અપાયા.
અને દરેક પ્રશ્ન પર લોકસભામાં સરેરાશ દસ મિનિટ અને રાજ્યસભામાં 17 મિનિટ સમય લાગ્યો. આ સમગ્ર સત્ર દરમિયાન માત્ર એક વખત પ્રશ્નકાળને 30 મિનિટ કરતાં વધુ સમય ફાળવાયો.
નીરજા ચૌધરી કહે છે કે, "ટેકનૉલૉજી સહિત અન્ય કારણોને કારણે આપણી શાસનવ્યવસ્થા અત્યંત જટિલ બનતી જઈ રહી છે. આવી સ્થિતિમાં સાંસદોની ભૂમિકા એ છે કે તેઓ બિલોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે જેથી તેની સાથે જોડાયેલા દરેક પાસાને તેઓ દેશ સમક્ષ મૂકી શકે અને તેની સરળ પ્રકારે વ્યાખ્યા કરે જેથી જનતા તેને સમજી શકે."
"હાલ સંસદમાં ખૂબ ઓછા એવા સાંસદો છે જે આવું કરી શકે છે. આવી સ્થિતિમાં શોરબકોરમાં સત્ર ગુમાવી દેવું એ વિપક્ષની આળસ પણ દર્શાવે છે."
"મને લાગે છે કે આ ખૂબ સરળ રીતે છે કે તમે વિરોધેય કરી લીધો અને તમારે સામાન્ય માણસને સમજાય એ બિલોની ટીકા કરવા માટે ઘરકામેય ન કરવું પડ્યું."
"આપણે હાલ એ તબક્કે આવી પહોંચ્યા છીએ જ્યારે કદાચ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની કટુતા ચરમ પર છે. અગાઉ આ બધાનું પ્રમાણ આટલું નહોતું. મને યાદ છે કે વાજપેયી સરકાર દરમિયાન પ્રમોદ મહાજન સંસદીય કાર્યમંત્રી હતા ત્યારે તેમણે એક વાર સેન્ટ્રલ હૉલમાં વિપક્ષને કહ્યું હતું કે ‘ભાઈ, હવે શોરબકોર થઈ ગયો, તમારે જનતા અને પાર્ટીના નેતાઓને જે સંદેશો આપવાનો હતો, એ આપી દીધો, હવે ગૃહ કઈ રીતે ચાલે એ અંગે વાત કરીએ.’ અને પછી રસ્તો નીકળ્યો."
"પરંતુ હાલના સમયમાં સંવાદનો જ અભાવ છે. અને લોકશાહીમાં જ્યારે સંવાદ ખતમ થઈ જાય છે એ સ્થિતિ ખતરાની ઘંટડી સમાન મનાય છે.”
કયાં બિલ પસાર કરાયાં?
ગત 20 જુલાઈથી શરૂ કરીને 11 ઑગસ્ટના રોજ ખતમ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર તરફથી કુલ 25 બિલો રજૂ કરાયાં હતાં.
આ પૈકી 20 બિલો લોકસભામાં રજૂ કરાયાં છે. તેમજ, પાંચ બિલો રાજ્યસભામાં રજૂ કરાયાં છે.
આ સાથે જ ગત સત્રો દરમિયાન રજૂ કરાયેલાં આઠ બિલ લોકસબામાં પાસ કરાયાં. અને ગત સત્રમાં
રજૂ કરાયેલાં સાત બિલ રાજ્યસભામાં રજૂ કરાયાં.
આમ ગત સત્ર અને આ સત્રમાં સંસદનાં બંને ગૃહોમાંથી પસાર થયેલાં બિલોની કુલ સંખ્યા 23 રહી.
ચોમાસુ સત્રમાં પસાર થનારાં બિલ
રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન બિલ, 2023
4 ઑગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરાયેલ આ બિલ 7 ઑગસ્ટના રોજ લોકસભા અને 9 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરાયું હતું. તેનો ઉદ્દેશ ગણિત, ઇજનેરી, ટેકનૉલૉજી, પર્યાવરણ અને ભૂ-વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન, ઇનૉવેશન અને ઉદ્યોગસાહસિકતા માટે એક ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશનની સ્થાપન કરવાનો છે.
ફાર્મસી (સંશોધન) બિલ, 2023
3 ઑગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરાયેલ આ બિલ 7 ઑગસ્ટના રોજ લોકસભા અને 10 ઑગ્સટ્ના રોજ રાજ્યસભામાં પસાર કરાયું હતું. તેનો હેતુ ભારતમાં ફાર્મસી પ્રૅક્ટિસ કરવા માટે આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવાનો છે. આ કાયદામાં જમ્મુ-કાશ્મીર ફાર્મસી અધિનિયમ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલ વ્યક્તિએ ફાર્મસી અધિનિયમ 1948 અંતર્ગત રજિસ્ટર્ડ માનવામાં આવશે. તેમજ આવી વ્યક્તિએ કાયદો સંશોધિત થયાના એક વર્ષની અંદર રજિસ્ટ્રેશન માટે અરજી કરીને ફી જમા કરાવવાની રહેશે.
ડિજિટલ ડેટા પ્રૉટેક્શન બિલ, 2023
આ બિલ 3 ઑગસ્ટના રોજ લોકસભામાં પસાર કરાયું હતું જે બાદ 7 ઑગસ્ટના રોજ લોકસભા અને 9 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં એ પસાર કરાયું.
આ બિલ મારફતે ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા એકઠો કરવાની પ્રક્રિયા પર લાગુ થાય છે. ડેટા કાં તો ઑનલાઇન મેળવાયે છે કાં તો પછી ઑફલાઇન ડેટા મેળવીને તેને ડિજિટાઇઝ કરાય છે. આની જોગવાઈઓ જો આવા ડેટા દ્વારા ભારતમાં વસ્તુઓ અને સેવાઓના ઉપયોગ માટે કરાય તો ભારત બહાર પર્સનલ ડેટા પ્રોસેસિંગ પર પણ લાગુ થશે.
રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) બિલ, 2023
આ બિલ લોકસભામાં 1 ઑગસ્ટના રોજ રજૂ કરાયું હતું, જે 3 ઑગસ્ટના રોજ લોકસબા અ 7 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરાયું છે. આ બિલને જ સામાન્ય ભાષામાં દિલ્હી સેવા બિલ કહેવાઈ રહ્યું છે જેને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ગૃહમાં ઘર્ષણ જોવા મળ્યું હતું.
આઈઆઈએમ (સંશોધન) બિલ, 2023
આ બિલ લોકસભામાં 28 જુલાઈના રોજ રજૂ કરાયું હતું જે બાદ એ 4 ઑગસ્ટના રોજ લોકસભા અને 8 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરાયું હતું. આ અધિનિયમનો હેતુ આઇઆઇએમના કામકાજનું નિયમન કરવાનો છે.
ઑફશૉર ખનિજ (વિકાસ અને વિનિયમન) સંશોધન બિલ, 2023
આ બિલ લોકસભામાં 27 જુલાઈના રોજ રજૂ કરાયું હતું જે બાદ 1 ઑગસ્ટના રોજ લોકસભામાં અને 3 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં તે પસાર કરાયું. આ કાયદો વર્ષ 2002ના કાયદામાં સંશોધન કરીને ભારતનાં સમુદ્રી ક્ષેત્રોમાં ખનનને રેગ્યુલેટ કરે છે.
જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન (સંશોધન) બિલ – 2023
આ બિલ લોકસભામાં 26 જુલાઈના રોજ રજૂ કરાયું હતું, તેમજ 1 ઑગસ્ટના રોજ એ લોકસભામાં અને 7
ઑગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરાયું હતું. આનો હેતુ વર્ષ 1969માં પસાર કરાયેલા કાયદાને સંશોધિત કરવાનો છે. આ કાયદામાં રજિસ્ટ્રાર જનરલ રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુ માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવશે.
ખાણ અને ખનિજ (વિકાસ અને વિનિયમન) સંશોધન બિલ, 2023
આ બિલ લોકસભામાં 26 જુલાઈના રોજ રજૂ કરાયું હતું જે 2 ઑગસ્ટના રોજ લોકસભા તેમજ રાજ્યસભામાંથી પસાર કરાયું હતું. તેનો હેતુ ખનિજોની શોધ અને ખનન ક્ષેત્રે સુધારો લાવવાનો છે.
રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી કમિશન (એનએનએમસી) બિલ, 2023
આ બિલ 24 જુલાઈના રોજ લોકસભા રજૂ કરાયું હતું, તેમજ 28 જુલાઈએ પસાર કરાયું હતું. જે બાદ 8 ઑગસ્ટના રોજ આ બિલ રાજ્યસભામાં પસાર કરાયું. આનો હેતુ નર્સિંગ શિક્ષણ અને પ્રૅક્ટિસના ક્ષેત્રે પરિવર્તનકારી ફેરફારો લાવવા માટે રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી કમિશન રચવાનો છે.
રાષ્ટ્રીય દંત ચિકિત્સા કમિશન બિલ, 2023
આ બિલ 24 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરીને 28 જુલાઈના રોજ પસાર કરાયું તેમજ 8 ઑગસ્ટના રોજ રાજ્યસભામાંથી પણ તે પસાર કરાયું હતું. આ બિલ 1948માં પસાર કરાયેલ ડેન્ટિસ્ટ ઍક્ટને નિરસ્ત કરીને નૅશનલ ડેન્ટલ કમિશનનું ગઠન કરે છે.
સંવિધાન (અનુસૂચિત જાતિ) આદેશ સંશોધન બિલ, 2023
આ બિલ 24 જુલાઈના રોજ લોકસભામાં પસાર કરાયું હતું. જે બાદ 1 ઑગસ્ટના રોજ લોકસભા અને 9 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં એ પસાર કરાયું હતું. આ બિલમાં છત્તીસગઢમાં મેહરા, મહરા અને મેહર સમુદાયોના પર્યાયવાચી સ્વરૂપે મહારા અને મહરા સમુદાયને સામેલ કરાયાં છે.
સિનેમૅટોગ્રાફ (સંશોદન) બિલ, 2023
આ બિલ 20 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરાયું જે બાદ 27 જુલાઈના રોજ લોકસભા અને 31 જુલાઈના રોજ રાજ્યસભામાં પસાર કરાયું. તેનો હેતુ પાઇરસીના ખતરા સામે ઝઝૂમવાનો છે.
તટીય જળકૃષિ સત્તાતંત્ર (સંશોધન) બિલ, 2023
આ બિલ 5 એપ્રિલ, 2023ના રોજ લોકસભામાં રજૂ કરાયું જે બાદ 7 ઑગસ્ટના રોજ લોકસભા અને 9 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરાયું. આ બિલ અંતર્ગત કોસ્ટલ ઍક્વાકલ્ચર ઑથૉરિટીની સ્થાપના કરાશે.
વન (સંરક્ષણ) સંશોધન બિલ, 2023
આ બિલ 29 માર્ચ, 2023ના રજ લોકસભામાં રજૂ કરાયું જે બા 26 જુલાઈના રોજ લોકસભા અને 2 ઑગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરાયું. આ બિલ જંગલોની બહાર હરિત ક્ષેત્રોનો વિસ્તાર વધારવા અને વનોને વધુ ઉત્પાદક બનાવવાની દિશામાં તકો સર્જવાના હેતુ સાથે લાવવામાં આવ્યું છે.
અંતર-સેવા સંગઠન (કમાન્ડ, નિયંત્રણ અને અનુશાસન) બિલ – 2023
આ બિલ લોકસભામાં 22 ડિસેમ્બર, 2022ના રોજ રજૂ કરાયું હતું જે 27 જુલાઈ, 2023ના રોજ પસાર કરાયું. તેમજ રાજ્યસભામાં તે 2 ઑગસ્ટના રોજ પસાર કરાયું. આનો હેતુ ખાનગી વ્યક્તિઓ અને વેપારી પ્રતિષ્ઠાનોના કામકાજને સરળ બનાવવા માટે 42 કાયદામાં સંશોધન લાવવાનો છે.
બહુરાજ્ય સહકારી સોસાયટી (સંશોધન) બિલ, 2023
આ બિલ 7 ડિસેમ્બર, 2022ના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. એ બાદ 25 જુલાઈ, 2023ના રોજ લોકસભા અને 1 ઑગસ્ટ, 2023ના રોજ રાજ્યસભામાં પાર કરાયું. તે અંતર્ગત સહકારી નિર્વાચન સત્તામંડળની સ્થાપના કરાશે.
મધ્યસ્થતા બિલ, 2021
આ બિલ 20 ડિસેમ્બર, 2021ના રોજ રાજ્યસભામાં રજૂ કરાયું હતું. તે બાદ 1 ઑગસ્ટ, 2023ના રોજ રાજ્યસભા અને 7 ઑગસ્ટ, 2023ના રોજ લોકસભામાં બિલ પસાર કરાયું હતું. આ અંતર્ગત ભારતીય મધ્યસ્થતા પરિષદનું ગઠન કરાશે.
જૈવવિવિધતા (સંશોધન) બિલ, 2021
આ બિલ લોકસભામાં 16 ડિસેમ્બર, 2021ના રોજ રજૂ કરાયું હતું જે 26 જુલાઈ, 2023ના રોજ પસાર કરાયું. તે બાદ 1 ઑગસ્ટ, 2023ના રોજ એ રાજ્યસભામાં પસાર કરાયું. તેનો હેતુ વર્ષ 2002માં લવાયેલા જૈવવૈવિધ્ય કાયદામાં સંશોધનનો છે.
આ તમામ બિલો સાથે જ એકીકૃત વસ્તુ અને સેવા કર (સંશોધન) બિલ, કેન્દ્રીય વસ્તુ અને સેવા કર (સંશોધન) બિલ, સંવિધાન (અનુસૂચિત જનજાતિ) આદેશ (પાંચમું સંશોધન) બિલ અને સંવિધાન (અનુસૂચિત જનજાતિ) આદેશ (ત્રીજું સંશોધન) બિલ સહિત કુલ 23 બિલ પસાર કરાયાં.