સાત જ વર્ષના બાળકનું સેક્સ ચેન્જ કરાવવા માતાપિતાએ કોર્ટ પાસે મંજૂરી માગી, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી હિન્દી માટે, બેંગલુરુથી

શું જે બાળક સ્પષ્ટ જનનાંગ સાથે ન જન્મ્યું હોય તેની જાતિ શું મા-બાપ નક્કી કરી શકે?

આ અનોખો સવાલ કેરળ હાઇકોર્ટની સામે આવ્યો છે. સામાજિક બહિષ્કારના ભયને કારણે સાત વર્ષના એક બાળકનાં માતાપિતાએ સેક્સ ચૅન્જ સર્જરી માટે અનુમતિ માગી છે.

ન્યાયાલયે તેમની માગ ફગાવી દીધી છે પરંતુ આ સાથે જ આ વિષય પર વિચાર કરવા માટે એક કમિટીની રચના કરવાનો આદેશ પણ આપ્યો છે.

આ બાળકનાં જનનાંગો સંપૂર્ણ રીતે વિકસિત થયાં નથી. બાળકમાં ભગ્નશિશ્ન (ક્લિટરિસ)નો આકાર મોટો છે જે પુરુષ જનનાંગ જેવું દેખાય છે.

પરંતુ બાળકમાં ગર્ભાશય અને અંડાશય પણ છે. મૂત્રાશય અને યોનિની નિકાસ એક છે અને ત્યાંથી અલગ-અલગ નલિકાઓ ગર્ભાશય અને મૂત્રાશય તરફ જાય છે.

તેમજ બાળકના રંગસૂત્રો કૅરીયોટાઇપ 46XX છે. જેનો અર્થ છે કે આનુવંશિક રૂપે આ 'સ્ત્રી' રંગસૂત્રો છે.

તબીબી વિજ્ઞાનમાં તેને 'કન્જૅનિટલ ઍડ્રેનલ હાઇપરપ્લેક્સિયા' કહેવાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો, તે જનનાંગોના વિકાસમાં એક વિકૃતિ છે જે 130 કરોડની વસ્તીમાં લગભગ 10 લાખ કેસોમાં જોવા મળે છે.

ભારતમાં સ્પષ્ટ કાયદો નહીં

માતાપિતાના વકીલ ટીપી સાજિદે બીબીસીને કહ્યું, "એ લોકો ફળ વેચનારા છે. જન્મ સમયે તેઓ બાળકનું ઑપરેશન કરવા માગતાં હતા. પરંતુ બે મૅડિકલ કૉલેજો, તિરુવનંતપુરમ અને કૉઝિકોડના ડૉકટરોએ લિંગ પરિવર્તનની સર્જરી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કૉર્ટ આદેશ આપે તો જ આ સર્જરી કરી શકાશે તેવું માતાપિતાને કહેવામાં આવ્યું હતું."

સાજિદે કહ્યું, "અમે કૉર્ટનો સંપર્ક કર્યો કારણ કે માતાપિતા સામાજિક બહિષ્કારથી ડરતા હતા."

પરંતુ સિંગલ બૅન્ચના જજ વીજી અરૂણે કહ્યું કે, "બિન-સહમતિથી સૅક્સ ચૅન્જ સર્જરી માટે પરવાનગી માગવામાં આવી છે."

"કૅરીયોટાઇપ-46XXનો રંગસૂત્ર વિશ્લેષણ અહેવાલ પરવાનગી આપવા માટે પૂરતો નથી. કારણ કે કિશોરાવસ્થા સુધી આ રંગસૂત્રની પુરૂષ જનનેન્દ્રિયોની જેમ વિકસિત થવાની સંભાવનાને નકારી શકાય નહીં."

અમાઇકસ ક્યૂરી ઈન્દુલેખા જૉસેફે બીબીસીને કહ્યું હતું કે, "ભારતમાં જનનાંગોનાં પુનઃનિર્ધારણ માટેની શસ્ત્રક્રિયા અંગે સ્પષ્ટ કાયદો નથી."

તેમણે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા-પિતાની સંમતિને બાળકની સંમતિ માની શકાય નહીં.

કૉર્ટનો આ નિર્ણય ટ્રાન્સવુમનના જન્મ પ્રમાણપત્ર સાથે સંબંધિત છે જે એક પુરુષ સાથે લગ્ન કરવા માગતી હતી.

જાતિ અને લિંગ બંને અલગ ધારણાઓ

પોતાના આદેશમાં જસ્ટિસ અરુણે લખ્યું છે કે સામાન્ય ભાષામાં લિંગ અને જાતિને એક માનવામાં આવે છે. પરંતુ માનવીય ઓળખ અને જૈવિકતા સંબંધિત બાબત બે અલગ અલગ ધારણાઓ છે.

તેમણે કહ્યું, "જાતિ અથવા લિંગ એ વ્યક્તિની જૈવિક વિશિષ્ટતાનો ઉલ્લેખ કરે છે. ખાસ કરીને તેમના પ્રજનનની શારીરિક રચના અને રંગસૂત્રોના સંયોજનના સંબંધમાં તેઓ અલગ પડે છે. બીજી બાજુ, લિંગ એ એક સામાજિક અને સાંસ્કૃતિક ધારણા છે જે સ્ત્રી,પુરુષ અથવા તૃતીય લિંગ સાથે સંકળાયેલી ઓળખ, ભૂમિકાઓ, વ્યવહાર અને અપેક્ષાઓને સમાવે છે."

એક લેખને ટાંકીને કોર્ટનો આદેશ કહે છે, "ઊભયલિંગી(બાયસૅક્સ્યુઅલ) માં બંને લિંગ હોવાથી, તેઓ લિંગ તફાવતો વિશેની પરંપરાગત માન્યતાઓને પડકારે છે. તેમની બંને જાતિઓ સાથે રહેવાની ક્ષમતા હોવાથી સમલૈંગિકતાનું જોખમ વધી જાય છે."

જસ્ટિસ અરુણે કહ્યું, "જનનેન્દ્રિય પુનઃનિર્માણની શસ્ત્રક્રિયાને મંજૂરી આપવી એ ભારતના બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ આપેલા અધિકારોનું ઉલ્લંઘન છે. સંમતિ વિના સર્જરી બાળકની પ્રાઇવસી અને તેની ગરિમાનું ઉલ્લંઘન છે."

"જો બાળક કિશોરાવસ્થામાં પહોંચે ત્યાં સુધીમાં જો એક ખાસ જાતિ તરફ તેનું વલણ પેદા થાય અને જો પછી તે સર્જરી કર્યા પછીની તેની જાતિથી અલગ હોય તો આગળ જતાં તેને ગંભીર ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ થઈ શકે છે.”

જસ્ટિસ અરુણે ‘ટ્રાન્સજૅન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઑફ રાઈટ્સ એક્ટ 2019’ નો અભ્યાસ કર્યા બાદ કહ્યું કે, ‘ખુદ જે-તે વ્યક્તિ સિવાય અન્ય કોઈને પણ લિંગ પસંદ કરવાનો અધિકાર નથી, કૉર્ટને પણ નહીં.’

સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ

ઇન્દુલેખા જૉસેફે કહ્યું કે સમાન નિકાસદ્વાર હોવાથી આવી સર્જરીમાં કેટલીક તબીબી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે અને તેનાથી મૂત્રાશય અને મૂત્રમાર્ગ વગેરેમાં ઇન્ફૅક્શન પણ થઈ શકે છે.

તેમના મતે, "જ્યારે બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે આ વધુ ગૂંચવણો ઊભી થશે. પરંતુ આ પ્રશ્નનો જવાબ શસ્ત્રક્રિયામાં રહેલો નથી. બાળક કોઈપણ જીવલેણ જોખમ માટે અતિસંવેદનશીલ છે."

તેઓ કબૂલ કરે છે કે કુટુંબના સભ્યો અથવા મિત્રોને આ વાત ખબર પડશે ત્યારે માતાપિતા અને બાળક પર ભારે દબાણ આવશે. "પરંતુ બાળક જ્યારે મોટું થાય ત્યારે તેનું લૈંગિક વલણ બદલાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી કરવાને બદલે સામાજિક દબાણ સામે લડવું હજી પણ શક્ય છે."

જો કે, જસ્ટિસ અરુણે સરકારને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોની બનેલી રાજ્ય સ્તરીય સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

તેમાં બાળરોગ નિષ્ણાંત, ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ, બાળરોગ સર્જન, બાળ મનોચિકિત્સક અને મનોવિજ્ઞાની હશે.

આ કમિટી બે મહિનાની અંદર બાળકની તપાસ કરશે અને નક્કી કરશે કે બાળક ટ્રાન્સજૅન્ડર હોવાને કારણે કોઈ જીવલેણ જોખમનો સામનો કરી રહ્યું છે કે કેમ. જો એમ હોય, તો સર્જરીને મંજૂરી મળી શકે છે.

કોર્ટે એમ પણ કહ્યું કે, સરકારે ત્રણ મહિનાની અંદર બાળકોમાં સૅક્સ ચૅન્જ સર્જરી અંગે આદેશ જારી કરવો જોઈએ.

"ત્યાં સુધી આવી શસ્ત્રક્રિયાઓને ફક્ત રાજ્ય સ્તરની સમિતિની ભલામણ પર જ મંજૂરી આપવામાં આવશે, જે નક્કી કરશે કે બાળકના જીવનને બચાવવા માટે શસ્ત્રક્રિયા જરૂરી છે કે કેમ,"

અરજદાર દંપતીને બીજાં બે બાળકો છે અને બંને છોકરાઓ છે.