You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૌરી સાવંત : ગર્ભાશય વિના પણ 'માતા' બનેલાં કિન્નરના જીવનની 'તાલી' પડાવી દેતી કહાણી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'હું સિંગલ બૅડની પથારી ઉપર ઉંઘતી હતી અને કોઈની સાથે સૂવાની ટેવ ન હતી. એ રાત્રે ઊંઘમાં મારી તથા એની વચ્ચે ઓઢવાનાં મુદ્દે ખેંચતાણ થતી રહી. જ્યારે ગાઢ ઊંઘમાં સરી ગઈ અને મારા પેટ ઉપર હાથ મૂક્યો, એટલે મને થયું કે જાણે મારી પ્રસૂતિ થઈ ગઈ.'
'મારા મનમાં તેનાં માટે માતૃત્વ છલકાવા માંડ્યું. તેને દત્તક લેવાની મારી કોઈ યોજના ન હતી, પરંતુ અમારી વચ્ચે માયા બંધાવા લાગી અને પાંચ-છ મહિના પછી ગાયત્રી જાતે જ મને 'આઈ' કહેવા લાગી.'
આ શબ્દ છે ગૌરી સાવંતનાં, (આમ, તો તેમનું નામ શ્રીગૌરી છે પણ તેઓ ગૌરી તરીકે જ ઓળખાય છે.) તેઓ કિન્નર છે અને તેમણે થર્ડ જૅન્ડરને ઓળખ અપાવવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં અને આ કાનૂની લડાઈમાં તેમને સફળતા મળી હતી.
ગૌરી સાવંતનો જન્મ ગણેશ તરીકે થયો હતો અને તેમને હંમેશાં લાગતું હતું કે તેમનો આત્મા સ્ત્રીનો છે જે પુરુષના દેહમાં કેદ છે. તેમની ગણેશથી ગૌરી બનવા સુધી, માતા બનવાની અને કાયદાકીય લડાઈની સફર 'તાલી : બજાઉંગી નહીં, બજવાઉંગી' વેબ સિરીઝ સ્વરૂપે ઓટીટી પ્લૅટફૉર્મ જિયો સિનેમા પર સ્વતંત્રતા દિવસથી આવી રહી છે અને તેનું ટીઝર સોમવારે રજૂ થયું હતું.
ફિલ્મકાર મહેશ ભટ્ટે લગભગ અઢી દાયકા પહેલાં કિન્નર દ્વારા બાળકીનાં ઉછેરના વિષય ઉપર ફિલ્મ 'તમન્ના' બનાવી હતી, જેમાં પરેશ રાવલ, પૂજા ભટ્ટ, અને મનોજ વાજપેયીએ અભિનય કર્યો હતો.
ગણેશથી ગૌરી સુધીની સફર
ગૌરી સાવંતનો જન્મ પૂનાનાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા મહારાષ્ટ્ર પોલીસમાં હતા. માતા પરિવારનો આધાર હતાં, જેઓ ન કેવળ તેમનાં બાળકોનું પરંતુ આસપાસના ગામડાંમાંથી પુનામાં ભણવા આવતાં બાળકોની પણ સંભાળ લેતાં.
ગણેશ આઠેક વર્ષના હતા, ત્યારે તેમનાં માતાનું અવસાન થયું, પરિવારમાં તેમને સમજનારું કોઈ ન રહ્યું. જ્યારે તેમણે યુવાનીમાં ડગ માંડ્યા, ત્યારે અહેસાસ થવા લાગ્યો કે તેઓ સ્ત્રી છે, પરંતુ આસપાસના રૂઢીવાદી લોકો આ વાત સમજી શકતા ન હતા.
16 વર્ષની ઉંમરે ખિસ્સામાં માત્ર રૂ. 60 લઈને તેમણે મુંબઈની વાટ પકડી, પરંતુ અહીં તેમના માટે જીવન સરળ ન હતું. અહીં તેમણે કિન્નર સમાજમાં ભળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સ્વીકાર સરળ ન હતો. તેમણે ઘણાં પ્રતિરોધનો સામનો કરવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વીકાર્યતા અને ઓળખ મેળવવા તથા શરીર અને મનની વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે ગણેશ સાવંતે સર્જરી કરાવડાવી અને શ્રીગૌરી સાવંત નામ ધારણ કર્યું, પરંતુ તેઓ ગૌરી સાવંત તરીકે જ ઓળખાય છે.
વર્ષ 2000માં તેમણે 'સખી ચારચૌઘી ટ્રસ્ટ'ની સ્થાપના કરી. જે ટ્રાન્સજેન્ડર તથા પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધતા પુરુષોના આરોગ્યક્ષેત્રે કામ કરતું. અહીંથી જ ગૌરીને તેમનાં આપ્તજનો અને દીકરી મળવાનાં હતાં.
મા, માતૃત્વ અને મુશ્કેલી
શરદીમાં રાહત માટે વપરાતા બામની એક બ્રાન્ડ 'વિક્સે' પોતાના એક પ્રચારઅભિયાનમાં ગૌરી સાવંતની કથાને રજૂ કરી હતી.
ગૌરીનાં કહેવા પ્રમાણે તેઓ ફિલ્ડમાં કામ કરતાં, ત્યારે તેઓ સૅક્સવર્કરના વિસ્તારોમાં પણ કામ કરતાં અને તેમનાં માટે પણ કામ કરતાં. આવા સમયે એચઆઈવી (હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ) પીડિત સૅક્સવર્કરે તેમને 'આઈ' તરીકે સંબોધિત કર્યાં અને તેમની પાસેથી અથાણું માંગ્યું. ગૌરીએ તે આપ્યું. એ સમયે સેક્સવર્કર ગર્ભવતી હતાં અને તેમણે ગાયત્રી નામની દીકરીને જન્મ આપ્યો.
વર્ષો બાદ એક દિવસ એક ચેલાએ ગૌરીને સમાચાર આપ્યાં કે એ સૅક્સવર્કરનું અવસાન થયું છે અને મૃતકનાં માતા તેમનાં દોહિત્રીને સોનાગાછીમાં વેચી દેવા માગે છે. સોનાગાછીએ કોલકાતાનો રૅડલાઇટ એરિયા છે.
ગૌરી તેમનાં સમર્થકો સાથે ત્યાં ધસી ગયાં અને ઝઘડો કરીને ગાયત્રીને પોતાની સાથે લઈ આવ્યાં. ખુદ ગૌરીનાં કહેવા પ્રમાણે, તેમને લાગતું ન હતું કે તેઓ ગાયત્રીને દત્તક લેશે, કારણ કે ગાયત્રીએ તેમનાં માતાને જોયાં હતાં અને ગૌરીનું ઘર તથા નિકટજનો તેમના માટે નવાં હતાં.
ધીમે-ધીમે ગાયત્રી તેમને 'આઈ' તરીકે સંબોધિત કરવા લાગ્યાં તથા આને માટે ગૌરીએ કોઈ પ્રયાસ પણ ન કરવાં પડ્યાં. તેમને પોતાનું મા બનવાનું સપનું પૂરું થતું જણાયું.
સાવંતનું કહેવું છે કે 'અમારો પરિવાર એક પરંપરાગત પરિવાર જેવો નથી, જેમાં એક માતા-પિતા અને બે બાળકો હોય. અમારો પરિવાર ભરોસા ઉપર આધારિત હોય છે, જે એકબીજાની મદદ કરે છે અને નૈતિક સહાય પૂરી પાડે છે.'
'મારાં ગુરૂ મને દીકરીની જેમ સાચવતાં અને મારાં ચેલા મને માતાની જેમ માને છે. અમારો પરિવાર ચેવડાનાં મિશ્રણ જેવો છે, જેનો એક હિસ્સો ગાયત્રી તથા અન્ય બાળકો છે.'
ગૌરી ઉમેરે છે કે 'માતા બનવા માટે પરિણીત મહિલા હોવું, મહિલા હોવું કે ગર્ભાશય હોવું જરૂરી નથી. માતાએ સ્ત્રી, સમલૈંગિક સ્ત્રી કે પુરુષ કે સમલૈંગિક પુરુષ હોય શકે છે, તે એક વર્તણૂક છે. વિશ્વમાં જે વ્યક્તિ અવિરત પ્રેમ આપી શકે છે, તે માતા બની શકે છે. માતૃત્વ એટલે કોઈને પ્રેમ કરવો અને તેની કાળજી લેવી.'
જોકે, સંજોગો એવાં ઊભાં થયાં કે ગૌરી અને ગાયત્રીએ અલગ થવું પડ્યું, એટલું જ નહીં તેમણે કાયદાકીય લડત પણ લડવી પડી.
દીકરી તાબોટા પાડવા લાગી
ગૌરીના કહેવા પ્રમાણે, તેઓ ગાયત્રીની હાજરીમાં તેઓ ઊંચા અવાજે વાત નહોતાં કરતાં, ગાળો નહોતા બોલતાં કે ઝઘડો પણ નહોતાં કરતાં. બાળક ગાયત્રી આજુબાજુનાં કિન્નરોનાં લાડકવાયાં બની ગયાં હતાં.
જાહેરમાં ગૌરીનો સાડીનો છેડો પડી ગયો હોય અને આજુબાજુના પુરુષોની તેમની ઉપર નજર જાય, તો તેને ઠીક કરવાનું ગાયત્રી તેમનાં માતા ગૌરીને કહેતાં.
ગાયત્રીને સલામત વાતાવરણ આપવું, તે પગભર થાય અને જીવનભર દેહવ્યાપારના ધંધામાં ન પ્રવેશે એની ચિંતા હંમેશાં ગૌરીને રહેતી અને તેના માટે પ્રયાસરત રહેતાં.
ગૌરી સેવાના કામ સાથે સંકળાયેલાં હતાં એટલે તેમણે બે-ત્રણ દિવસ સુધી બહાર રહેવું પડતું, આ સિવાય કોઈ પ્રસંગ હોય તો તેમનાં ચેલા પણ બહારગામ ગયા હોય. આવા સંજોગોમાં ગૌરીને એવા ઘરની શોધ કરવી પડતી કે જ્યાં પુરુષ સભ્ય ન હોય.
ગાયત્રી સ્કૂલે જતાં, પરંતુ એક તબક્કે તેઓ સ્કૂલમાં તાબોટા પાડવાં લાગ્યાં હતાં. આ સ્થિતિ ગૌરી માટે ચિંતાજનક હતી, તેમણે જોયું કે આજુબાજુના સંગની ગાયત્રી ઉપર અસર થવા લાગી છે અને તેઓ લાડને કારણે બગડી રહ્યાં છે. આજુબાજુના વાતાવરણને કારણે તેઓ અભ્યાસ ઉપર પણ ધ્યાન નહોતાં આપતાં. આવા તબક્કે ગૌરીએ તેમનાં દીકરીને હૉસ્ટેલમાં મૂકવાનો નિર્ણય લીધો.
લડત, હક્ક, અભિયાન અને જીત
ગૌરી કાયદેસર રીતે ગાયત્રીને દત્તક લેવા માગતા હતા, પરંતુ આ અંગે કાયદાકીય જોગવાઈ ન હોવાથી તેમના માર્ગમાં અવરોધ આવ્યો. ટ્રાન્સજૅન્ડરના અધિકારો માટે કાર્યરત હોવાને કારણે તેમને અંદાજ હતો કે આ સમસ્યાનો ઉકેલ કાયદાકીય રીતે જ લાવવો પડશે.
તેમણે નેશનલ લીગલ સર્વિસીઝ ઑથૉરિટી મારફત સર્વોચ્ચ અદાલતમાં થર્ડ જૅન્ડર તરીકે ઓળખ માટે કેસ દાખલ કરાવ્યો. એપ્રિલ-2014માં કિન્નરોની તરફેણમાં ચુકાદો આવ્યો અને તેમને કાયદાકીય ઓળખ મળી. માતા તરીકે તેમની ઓળખ માટેનો માર્ગ મોકળો થયો.
ગૌરી સાવંતના કહેવા પ્રમાણે, તમે ક્યારેય કોઈ બાળકને સિગ્નલ ઉપર કે લગ્નપ્રસંગે તાબોટા પાડીને પૈસા ઉઘરાવતાં નહીં જોયાં હોય. જ્યારે બાળક મોટું થાય અને પોતાની જાતીયતા અંગે અવઢવ ઊભી થાય ત્યારે તેનો માનસિક અને શરીરની અંદરથી સંઘર્ષ શરૂ થાય છે.
તેઓ કહેછે કે નાનપણમાં શાળાઓમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ શીખવવામાં આવે છે. જેમાં સ્ત્રીલિંગ અને પુલ્લિંગ વિશે તો શીખવવામાં આવે છે, પરંતુ નપુસકલિંગ અંગે કશું ભણાવવામાં આવતું નથી.
ગૌરી સાવંત 'આજી ચા ઘર' નામની સંસ્થા ચલાવે છે, જ્યાં વૃદ્ધ કિન્નરો સૅક્સવર્કરના કામના સમયે તેમનાં સંતાનોની સંભાળ રાખે છે, જેથી કરીને તેઓ પણ એ વ્યવસાય તરફ ધકેલાય ન જાય. તેમનાં અલગ-અલગ પ્રકલ્પો સાથે 170 કરતાં વધુ કિન્નર જોડાયેલાં છે.
તેઓ ટૅડ ટૉક, કૌન બનેગા કરોડપતિ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ટ્રાન્સજૅન્ડરોની સમસ્યા રજૂ કરી ચૂક્યા છે.
ફિલ્મ 'તમન્ના'માં અભિનેતા પરેશ રાવલે ટિક્કુ નામનાં કિન્નરની ભૂમિકા ભજવી હતી, જે રસ્તા ઉપર મળેલી બાળકીનો ઉછેર કરે છે અને તેને 'તમન્ના' નામ આપે છે. પૂજા ભટ્ટે તેમાં શીર્ષ ભૂમિકા ભજવી હતી, જ્યારે આલિયા ભટ્ટે તેમનાં બાળપણનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં મનોજ વાજપેયીએ સલીમ ખાનની ભૂમિકા ભજવી હતી, જે ટિક્કુને બાળકીનાં ઉછેરમાં મદદ કરે છે. ફિલ્મમાં નિદા ફાઝલીનું એક ગીત છે:
ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર, ચલો યૂં કર લે
કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે
ગૌરી સાવંતની કહાણી પણ જાતિ, લિંગ, ધર્મના વાડાઓથી પર થઈને માતૃત્વની અનુભૂતિ સાથે પોતાની મમતાથી એવાં વંચિતોના ચહેરા પર સ્મિત લાવવામાં મગ્ન થઈ જવાની છે.