એક થપ્પડ જેને કારણે બનાસકાંઠાથી ખેડૂતો ગાંધીનગર સુધી 'કૂચ' કરવા નીકળ્યા, શું છે સમગ્ર મામલો?

    • લેેખક, પરેશ પઢિયાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વર્ષ 2020-21માં ત્રણ કૃષિકાયદા વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની બૉર્ડરે લગભગ હજારોની સંખ્યામાં ખેડૂતોએ એક વર્ષ સુધી આંદોલન કરી અંતે સરકારને પીછેહઠ કરવા મજબૂર બનાવી હતી.

આ દરમિયાન ખેડૂતોની સામૂહિક એકતા અભૂતપૂર્વ દૃશ્યો જોવા મળ્યાં હતાં. કંઈક આવાં જ દૃશ્યો ગુજરાતમાં પણ ખેડૂતોની એક રેલીમાં જોવા મળી રહ્યાં છે.

બનાસકાંઠાના દિયોદર તાલુકા ખાતે સાત ઑગસ્ટના યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ખેડૂત આગેવાનને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કથિત સમર્થકે ‘લાફા મારી’ દેતાં વિવાદ સર્જાયો હતો.

જેના વિરોધમાં દિયોદરથી ગાંધીનગર સુધી ખેડૂતો પદયાત્રા કરી રહ્યા છે.

દાવા મુજબ આ પદયાત્રામાં હજારો ખેડૂતો જોડાયા છે.

ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીનો આરોપ છે કે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો રજૂ કરતી વખતે હુમલો કરાયો હતો. જે અંગે વિરોધ રજૂ કરવા પદયાત્રા યોજી ખેડૂતો મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપવા ગાંધીનગર જઈ રહ્યા છે.

પ્રદર્શનકારી ખેડૂતો દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માગ કરી રહ્યા છે.

આરોપો અંગે બીબીસી ગુજરાતીએ જ્યારે કેશાજીનો સંપર્ક સાધી તેમનો ખુલાસો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે આ અંગે સ્પષ્ટ જવાબો આપવાનું ટાળ્યું હતું.

કૉંગ્રેસ તરફથી આ સમગ્ર ઘટનાને ‘કેશાજી ચૌહાણને ટાર્ગેટ’ કરવા ભાજપપ્રેરિત ‘લાફા કાંડ’ ગણાવાઈ હતી.

ત્યારે લાફો મારનાર વ્યક્તિનું કહેવું છે કે લાફો મારવાનું કારણ અંગત હતું અને તેનું ધારાસભ્ય સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે "અમરાભાઈ ચૌધરી પર તેમના દીકરાને અગાઉ ધમકાવ્યો હોવાનો આક્ષેપ કર્યો."

શું હતો વિવાદ?

ઘટના અંગે મળી રહેલી માહિતી અનુસાર બનાસકાંઠાના દિયોદર ખાતે ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષપણામાં ‘અટલ ભૂજલ યોજના’નો કાર્યક્રમ યોજાયો હતો.

ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપ કર્યો હતો કે, "સરકારના મૅસેજ અને અધિકારીઓ સાથેની ટેલિફોનિક વાતચીત બાદ અમે ખેડૂતો કાર્યક્રમમાં પોતાની રજૂઆત કરવા ગયા હતા."

તેમના કહેવા પ્રમાણે વિસ્તારમાં ભૂગર્ભ જળ માટેની યોજના ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત માત્ર આઠ ગામો સમાવિષ્ટ છે, જેની સંખ્યા વધારવા તેમજ બનાસ નદી પર ચેક ડૅમ બાંધવાની રજૂઆત કરવા તેઓ ત્યાં અન્ય ખેડૂતો સાથે પહોંચ્યા હતા.

ઘટનાના એક વાઇરલ વીડિયોમાં કાર્યક્રમસ્થળે અમરાભાઈની આસપાસ કેટલાક લોકો દેખાઈ રહ્યા છે. જે પૈકી એક વ્યક્તિ આક્રોશ સાથે વાત કરતી જોવા મળી રહી છે.

"સાહેબ ગામમાં મીટિંગ કરે ત્યારે પણ તું બોલે, અહીં મીટિંગ કરે ત્યારે પણ તું બોલે" કહીને જાહેરમાં આ વ્યક્તિએ અમરાભાઈને લાફો મારી દીધો હતો. જોકે, મામલો ઉગ્ર બનતાં આસપાસના લોકોએ બંનેને છૂટા પાડ્યા હતા.

આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. અંતે અમરાભાઈ આક્રોશ સાથે કહેતા સંભળાય છે કે, "અમે ખેડૂતોની માગણી કરવા અહીં આવ્યા હતા, નેતાઓના ચમચા અમને હેરાન કરે છે."

સમગ્ર ઘટના બાદ અન્ય ખેડૂતોને સાથે રાખીને પોતાની વાત જણાવતાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, "અધિકારીએ કહેલું કે તમારે કોઈ તકલીફ હોય તો રજૂઆત કરી શકો છો, તેથી અમે રજૂઆત કરી. પરંતુ જ્યારે અમે અમારી વાત કહી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણે અમારા પર રાજકારણ કરવાનો આરોપ મૂક્યો હતો. જેનો અમે ઇનકાર કરેલો."

તેઓ આગળ કહે છે કે, "અમે ધારાસભ્યને કહ્યું હતું કે અમે ખેડૂતોની વાત અને તેમની વેદના તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. પરંતુ જ્યારે હું બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેમના મળતિયાએ મારા પર હુમલો કર્યો હતો."

અમરાભાઈએ આરોપ કરતાં કહ્યું હતું કે, "અમે કોઈ રાજકીય કાર્યક્રમમાં રજૂઆત કરવા નહોતા ગયા, અમારી માગણી છે કે જે વ્યક્તિએ મારા પર હુમલો કર્યો તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય. તેમજ હુમલાખોરને ઇશારો કરનાર ધારાસભ્યની પણ પૂછપરછ થવી જોઈએ."

"અમે કોર્ટ સુધી જવા માટે તૈયાર છીએ. અમે ખેડૂતો માટે લડતા રહ્યા છીએ, સરકાર કેશાજીનું રાજીનામું લે."

‘હજારો બહેનો યાત્રામાં જોડાયાં’

આ સમગ્ર ઘટના બાદ વિરોધ પ્રદર્શિત કરવા માટે યોજાયેલી પદયાત્રામાં અમરાભાઈના દાવા મુજબ જેમ જેમ કાફલો આગળ વધતો જઈ રહ્યો છે તેમ તેમ વધુને વધુ ખેડૂતો તેમની સાથે જોડાતા જઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, "અમે મુખ્ય મંત્રીને આ બાબતે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અમારી સાથે હજારો ખેડૂતો જોડાયા છે. આગળ હજુ પણ જોડાશે."

યાત્રામાં મહિલા ખેડૂતો પણ જોડાયાં છે. એ પૈકી એક અજીબહેન પત્રકારો સાથેની વાતચીતમાં કહે છે કે, "ધારાસભ્ય સાથે હતા ને ખેડૂત પર હુમલો કરાયો, તેથી અમે સાથી ખેડૂતોના હાથ મજબૂત કરવા માટે ગાંધીનગર પગપાળા જઈ રહ્યા છીએ."

"જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે બધું કરવા તૈયાર છીએ. અમે હજારો બહેનો યાત્રામાં જોડાયાં છીએ, અમારી માગણી છે કે ધારાસભ્યનું રાજીનામું લઈ લેવામાં આવે."

રેલીમાં જોવા મળેલાં દૃશ્યો અંગે વાત કરીએ તો ભારે સંખ્યામાં રેલી ખેડૂતો જોડાયાનું જોવા મળી રહ્યું છે. ‘અમરાભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હાર સાથ હૈ’ના નારા ગૂંજતા સંભળાઈ રહ્યા છે.

જનમેદનીની સાથોસાથ ટ્રેક્ટરો સાથે ખેડૂતો રેલીમાં જોડાયાનું જોવા મળી રહ્યું છે.

લેટેસ્ટ માહિતી અનુસાર ખેડૂતોની યાત્રા હજુ ગાંધીનગર તરફ આગળ વધી રહી છે.

ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે આ મુદ્દે વાત કરતાં તેમણે કોઈ પણ સવાલનો સીધો, સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.

જ્યારે તેમને પુછાયું કે એવું કહેવાઈ રહ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ તેમના સમર્થકની સાથોસાથ તેમના સંબંધી હતા, ત્યારે આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “એ એને જ પૂછો.”

તેમણે વધુ જણાવતાં કહ્યું હતું કે, “મારે આ અંગે જે વાત કરવી હશે એ હું પત્રકારોને બોલાવીશ ત્યારે જણાવી દઈશ.”

થરાદના ભૂતપૂર્વ કૉંગ્રેસી ધારાસબ્ય ગુલાબ રાજપૂતે આ સમગ્ર ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ઘટનાને ‘ભાજપપ્રેરિત પત્રિકાકાંડની માફક લાફા કાંડ’ ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, "ભાજપ લાફા કાંડ દ્વારા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણને ટાર્ગેટ કરાવી રહ્યો છે, ખેડૂત અમરાભાઈને લાફો મારવામાં કેશાજી ચૌહાણનો કોઈ હાથ નથી."

તેમણે દાવો કરતાં આગળ કહ્યું હતું કે, "આ ભાજપપ્રેરિત લાફા કાંડ હોઈ આટલી લાંબી રેલીની મંજૂરી મળી, જો આ રેલી કૉંગ્રેસની હોત તો લોકોને ડિટેઇન કરાયા હોત."

ગુલાબ રાજપૂતે આગળ આ સમગ્ર ઘટના અંગે જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહીની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "કેશાજીના સ્વભાવને જોતાં એવું બિલકુલ નથી લાગતું કે તેમના માર્ગદર્શનમાં આવી કોઈ ઘટના બની શકે."

થપ્પડ મારવાનો જેમની પર આરોપ છે તે અરજણભાઈ ઠાકોર પોતાનો પક્ષ રજૂ કરતાં કહે છે કે, "દિયોદરમાં ખેડૂતોની જે કાર્યશાળા હતી તેમાં હું પણ એક ખેડૂત તરીકે ભાગ લેવા માટે ગયો હતો. અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું."

"આ મીટિંગ પૂરી થયા પછી જસાલીના અમરાભાઈ કે જેઓ પોતાને ખેડૂત આગેવાન તરીકે ઓળખાવે છે તેઓ સરકાર અને ભાજપ પક્ષ વિરુદ્ધ બોલી રહ્યા હતા તેમને મેં રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે આ કાર્યશાળા તો ખેડૂતોનાં હિતમાં હતી."

"મેં સમજાવ્યા પરંતુ તેઓ માન્યા નહીં અને ઉશ્કેરાઈ ગયા અને મને ગાળ આપી. લાફો માર્યો તેનું કારણ અંગત હતું."

"મારો દીકરો સદગુરુ ફાઉન્ડેશનમાં કામ કરતો હતો અને અટલ ભૂજલ યોજના સાથે જોડાયેલો હતો. તે ગામડે ગામડે સરવે માટે જતો."

"એ જસાલીમાં પણ ગયો હતો ત્યારે અમરાભાઇ એ તેને કહ્યું હતું કે આ બધું ખોટું છે. અહીં નહી આવતો નહીંતર જાનથી મારી નાખીશ. તેને ગાળો પણ આપેલી."

તેઓ કહે છે કે, "આ મામલા સાથે ધારાસભ્યને કંઈ લેવાદેવા નથી."