You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકશે? તેમની સજા અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
'મોદી' અટક ટિપ્પણી મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની જેલની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે "ભારતીય દંડ સંહિતાની કલમ 499 અંતર્ગત આ ગુના માટે વધુમાં વધુ બે વર્ષની સજા કે પછી દંડ અથવા તો બંનેની જોગવાઈ છે."
"જોકે, આ કેસમાં ટ્રાયલ કોર્ટ પાસે મહત્તમ સજા આપવા માટે ફરિયાદી પક્ષની દલીલો સિવાય બીજું કોઈ કારણ નહોતું."
કોર્ટે આગળ કહ્યું, "આ પ્રકારના મામલામાં જ્યારે કેસ નૉન-કમ્પાઉન્ડેબલ હોય, જામીનપાત્ર હોય તો મહત્તમ સજા આપવા માટે ટ્રાયલ કોર્ટના જજ પાસેથી કારણ રજૂ કરવાની આશા હોય છે."
"જોકે, હાઈકોર્ટે તેમની અપીલ રદ કરવાનાં કારણો રજૂ કરવામાં ઘણા પાનાં વાપર્યા, ન કે એ મુદ્દા પર ધ્યાન આપવા પાછળ."
આ સાથે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવવાનો આદેશ કર્યો.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લઈને એમ પણ કહ્યું કે સાર્વજનિક જીવનમાં કોઈ પણ વ્યક્તિએ પોતાના સાર્વજનિક ભાષણોમાં ખૂબ જ સંભાળીને વર્તવું જોઈએ.
સજાના અમલ પર સ્ટે મળ્યા બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ યોજીને આ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું, "આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમદિવસે... સત્યનો વિજય થાય છે. જોકે જે પણ થાય, મારો રસ્તો સ્પષ્ટ છે કે મારે શું કરવું છે! મારું શું કામ છે! એને લઈને મારા મગજમાં સ્પષ્ટતા છે. જેમણે અમારી મદદ કરી, જનતાએ જે પ્રેમ અને સમર્થન આપ્યાં, એ માટે આભાર."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં રાહુલ ગાંધી ટ્વીટ કરીને લખ્યું હતું, 'ગમે તે થાય, મારી ફરજ એ જ રહેશે... આઇડિયા ઑફ ઇન્ડિયાનું રક્ષણ કરવું.'
આ દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગએ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહતને લઈને તેમના સંસદના સભ્યપદ અંગે ટિપ્પણી કરી.
ખડગેએ કહ્યું, "રાહુલ ગાંધીને સંસદસભ્યના રૂપે અયોગ્ય ઠેરવવા માટે માત્ર 24 કલાકનો સમય લેવાયો હતો. હવે જોઈએ કે તેમનું સંસદસભ્યપદ કેટલા સમયમાં બહાલ કરવામાં આવે છે, કેમ કે તેમને અયોગ્ય ઠેરવવામાં સમય નહોતો લાગ્યો. આ દિલ્હીમાં લેવાયેલો ફેંસલો છે. ગુજરાતમાંથી આવેલા આદેશમાં તો તેમને 24 કલાકની અંદર જ અયોગ્ય ઠેરવવાની સાથે જ બહાર કાઢવાનાં પગલાં પણ ભરાયાં હતાં."
તેમણે એવું પણ કહ્યું, "સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે માત્ર છ કિલોમિટરનું અંતર છે. ગુજરાત તો બે-અઢી હજાર કિલોમિટર દૂર હતું. એવામાં કદાચ રાતે તેમનું સભ્યપદ બહાલ કરવામાં આવે. કાં હાલ જ કરે. કેટલો સમય લે એ હવે આપણે જોવું રહ્યું અને રાહ જોઈશું. હવે આટલી રાહ જોઈ તો તેમના આદેશની પણ રાહ જોઈશું."
આ પહેલાં તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લોકશાહીનો વિજય ગણાવતાં કહ્યું, "હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. હજુ બંધારણ જીવે છે. ન્યાય મળી શકે છે, એનું આ મોટું ઉદાહરણ છે. આ બંધારણ, લોકશાહી અને ભારતના સામાન્ય લોકોનો વિજય છે. આ માત્ર રાહુલ ગાંધીનો જ વિજય નથી, આ બંધારણનાં મૂલ્યોનો પણ વિજય છે."
શું રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી લડી શકશે?
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સૌ કોઈ અંદાજો લગાવી રહ્યા છે કે સંસદના મૉનસૂન સત્રમાં જ રાહુલ ગાંધીની સદનમાં વાપસી થશે અને અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન તેમના સંવાદની બધા રાહ જોશે.
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, "હવે રાહુલ ગાંધી આઠથી દસ તારીખ દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચામાં સામેલ થઈ શકે છે."
જોકે, કાયદાના જાણકાર અને બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દાર કહે છે, "સુપ્રીમ કોર્ટના ઑર્ડરમાં એવું કંઈ નથી કહેવાયું કે તેમની લોકસભા સદસ્યતાનું શું થશે, પરંતુ જ્યારે સજા પર રોક લાગી જાય છે ત્યારે એ વ્યક્તિ ફરીથી સભ્ય બનવા માટે યોગ્ય ઠરી જાય છે. પરંતુ એ ત્યાર સુધી સભ્ય નથી બનતી જ્યાં સુધી લોકસભા સચિવાલય તેની અધિસૂચના જાહેર ન કરે."
તેઓ કહે છે, "કૉંગ્રેસ આ બાબતને લઈને લોકસભા અધ્યક્ષ પાસે પહોંચી છે, પરંતુ તેની કોઈ સમયસીમા નિર્ધારિત નથી. એ તરત પણ થઈ શકે છે અથવા તેમાં સમય પણ લાગી શકે છે."
પૂર્વ લોકસભા મહાસચિવ પીડીટી આચારીએ બીબીસીને જણાવ્યું કે "લોકસભા સચિવાલયે તાત્કાલિક રાહુલની સદસ્યતા યથાવત્ રાખતી અધિસૂચના જાહેર કરવી જોઈએ. તેમનો મત હતો કે દોષિત ઠેરવાયા ત્યારે જેટલી જલદી સદસ્યતા રદ કરવામાં આવી હતી, એટલી જ જલદી તેને પાછી આપવી જોઈએ."
આચારીએ કહ્યું, "રાહુલ ગાંધી સોમવારથી સંસદની બેઠકોમાં સામેલ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ આ મામલે દોષિત ન ઠેરવાયા તો તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડવાપાત્ર રહેશે.
સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું?
‘મોદી અટક’ કેસ મુદ્દે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્રણ જજ જસ્ટિટ બીઆર ગવાઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારે અરજી પર સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી દલીલોમાં રાહુલ ગાંધીના વકીલે તેમના બચાવમાં કહ્યું કે રાહુલ ગાંધીએ કોઈની પ્રતિષ્ઠા ખરડી નથી અને અપમાન નથી કર્યું.
તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “રાહુલ ગાંધી સામે ગુજરાત અને બિહાર સહિતના રાજ્યોમાં કરવામાં આવેલા કેસ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા થયા છે. પૂર્ણેશ મોદીએ ખુદ કીધું છે કે મોદી તેમની મૂળ અટક નથી. વ્યક્તિની નૈતિક અથવા ઇન્ટલેક્ચૂઅલ કૅરેક્ટરને હાની ન થઈ હોય ત્યાં સુધી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન થયું ન ગણાય. લોકશાહીમાં વિરોધી મત ધરાવી શકાય છે. રાહુલ ગાંધીનો ઇરાદો કોઈ વર્ગ કે વ્યક્તિનું અપમાન કરવાનો નહોતો. આ કેસ પૂર્વાગ્રહ ધરાવતો છે. રાજનીતિમાં પરસ્પર માનસન્માન હોવાં જોઈએ.”
“રાહુલ ગાંધીએ 3 સંસદ સત્ર ગુમાવ્યા છે. નવી ચૂંટણીનું નોટિફિકેશન ઇસ્યૂ થવાનું છે. રાહુલ ગાંધી સામે કોઈ પુરાવા નથી. તેમનું ભાષણ અપમાનજનક નથી. પૂર્ણેશ મોદી ભાજપના કાર્યકર્તા છે અને તેમને રાહુલ ગાંધીની ટિપ્પણીથી કોઈ નુકસાન નથી થયું.”
જોકે, સામે પક્ષે પૂર્ણેશ મોદીના વકીલ મહેશ જેઠમલાણીએ દલીલ કરી કે રાહુલ ગાંધીનું આખુંય ભાષણ પુરાવો છે અને ચૂંટણીપંચ પાસે તેનો રૅકર્ડ છે.
તેમણે કહ્યું, “50 મિનિટનું ભાષણ છે. ભાષણમાં પ્રથમ દૃષ્ટિ જઈએ તો અપમાનજનક ટિપ્પણી છે. તમનો ઈરાદો મોદી અટકવાળા તમામ વ્યક્તિનું અપમાન કરવાનો હતો. રાહુલ ગાંધીને જ્યારે પૂછ્યું ત્યારે તેઓ મોદી અટકવાળી ટિપ્પણીનો સ્વીકાર કરવામાં પણ નિષ્ફળ ગયા. રાહુલ ગાંધી સામે પુરાવા છે.”
જજ ગવઈએ સવાલ કર્યો કે શું 2 વર્ષની સજા કરાઈ એમાં કોઈ કારણ નથી અપાયું.
જેઠમલાણીએ કહ્યું, “રાહુલ ગાંધી દયા માગવા કે રાહત કે માફી માટે પણ તૈયાર નથી. દેશમાં ઉચ્ચ પદ પર રહેલી વ્યક્તિએ કાળજી રાખીને બોલવું જોઈએ. તેઓ પછી પણ ચોકીદાર પીએમ ચોર છે એવી ટિપ્પણી જાહેરમાં કરતા રહ્યા છે. તેમના વર્તનમાં કોઈ બદલાવ નથી આવ્યો.”