ગુજરાતીઓનું અમેરિકામાં ગ્રીન કાર્ડનું સપનું પૂરું કરી શકે એ EAGLE ઍક્ટ અને તેની આંટીઘૂંટીઓ શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઑગસ્ટ અને સપ્ટેમ્બર એ ગુજરાતથી વિદેશ પહોંચવા માંગતા હજારો વિદ્યાર્થીઓ અને પરિવારો માટે મહત્ત્વના મહિના છે. એમાં પણ અમેરિકા જેવા દેશમાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ મેળવી લેવાનું સપનું ત્યાં પહોંચેલા દરેક ગુજરાતીની આંખમાં રમતું હોય છે.

અમેરિકા પહોંચવાનું સપનું જોતાં હજારો ગુજરાતીઓને રાહત મળે તેવો એક ખરડો અમેરિકાની સંસદીય પ્રક્રિયામાં અટવાયેલો છે. EAGLE ઍક્ટ તરીકે ઓળખતો આ ખરડો ગત ડિસેમ્બરમાં કૉંગ્રેસ તરીકે ઓળખાતી અમેરિકાની સંસદમાં પસાર થઈ ગયો હોત તો ગ્રીનકાર્ડ મેળવવા માગતા H અને L વર્ક પરમિટ પર કામ કરનારા ભારતીયોને માટે તે મોટી રાહતના સમાચાર હોત.

અમેરિકા દ્વારા દર વર્ષે જે કુલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે, તેમાં 'દેશદીઠની ટોચમર્યાદા' લાગુ કરવામાં આવી છે, જેના કારણે ભારતમાં જન્મ લેનારાઓને માટે વેઇટિંગ પિરિયડ લંબાઈ જાય છે, ચાહે તેણે અન્ય કોઈ દેશનું જ નાગરિકત્વ કેમ ન સ્વીકાર્યું હોય.

આ ખામીને દૂર કરવા માટે EAGLE ઍક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ સિવાય ગ્રીનકાર્ડ માટે રાહ જોનારાઓને રાહત મળે તેવી જોગવાઈઓ પણ તેમાં કરવામાં આવી છે.

નીચલા ગૃહમાં પસાર થઈ જશે તો પણ કાયદાએ ઉપલા ગૃહની મંજૂરી, રાષ્ટ્રપતિની મંજૂરી જેવા અનેક તબક્કા પાર કરવાના રહેશે, તે પછી તે કાયદો બનશે અને ભારતમાં જન્મેલાઓને રાહત આપશે. અમેરિકાની વર્તમાન સંસદનો કાર્યકાળ 2024 સુધી છે.

EAGLE ઍક્ટ એટલે...

EAGLE ઍક્ટનું આખું નામ 'ઇક્વલ ઍક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફૉર લિગલ ઍમ્પ્લૉયમૅન્ટ ઍકટ ઑફ 2022' છે. સત્તાવાર રીતે તે H.R.3648 તરીકે ઓળખાય છે. ઝો લૉફગ્રૅને (Lofgren, Zoe) આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. અમેરિકન કૉંગ્રેસની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના સિવાય 83 અન્ય સભ્ય આ બિલના કો-સ્પૉન્સર છે.

આ બિલનો હેતુ આવેદકના 'જન્મસ્થળ' અને તેના ઉપર લાદવામાં આવેલી 'ટોચમર્યાદા'ને હઠાવવાનો છે. જ્યારે કોઈ વ્યક્તિ ગ્રીન કાર્ડ માટે અરજી કરે, ત્યારે તેનો 'જન્મનો દેશ' જોવામાં આવે છે, 'રાષ્ટ્રીયતા' નહીં.

મતલબ કે જો કોઈ વ્યક્તિનો ભારતમાં જન્મ થયો હોય અને તે આ દેશના નાગરિકત્વનો ત્યાગ કરીને અન્ય કોઈ દેશનો રહેવાસી બની જાય અને નવા દેશમાંથી અમેરિકાના નાગરિકત્વ માટે અરજી કરે, તો પણ જે-તે દેશના ક્વૉટાના તેને 'ભારતના ક્વૉટા'માંથી જ મૂકવામાં આવે છે.

બિલમાં પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝાની સાત ટકાની ટોચમર્યાદાને વધારીને 15 ટકાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

અરજદારોની સંખ્યા સૌથી વધુ હોય તેવા ટોચના બે દેશ સિવાયના દેશો માટે કામ માટેના EB-2 વિઝા (ઉચ્ચ ડિગ્રી કે અસામાન્ય લાયકાત ધરાવનાર), EB-3 (તાલીમબદ્ધ કે અન્ય શ્રમિક) ટકાવારી અનામત રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય નર્સ તથા થેરાપિસ્ટ અને આરોગ્યક્ષેત્રના માનવસંસાધન માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

જો કંપનીને H-1B વિઝાધારકની જરૂર હોય તો અમેરિકાના શ્રમમંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી વેબસાઇટ ઉપર તે પોસ્ટ મૂકે અને અરજીઓ મંગાવે તથા શ્રમમંત્રાલયને આ અરજીઓમાં કોઈ છેતરામણી કે ગેરમાર્ગે દોરનારી જોગવાઈઓ નથીને તેની તપાસ કરવાના અધિકાર મળે.

H-1B વિઝાધારક વિદેશીને અમેરિકાની કંપનીઓ કામે રાખી શકે છે અને કાળક્રમે તેઓ અમેરિકાના નાગરિકત્વ માટે અરજી કરી શકે છે, પરંતુ દેશ આધારિત ટોચમર્યાદાને કારણે ભારતીયોને ગ્રીન કાર્ડ મેળવવામાં તકલીફ પડે છે.

વળી જો કંપની દ્વારા છટણી કરવામાં આવે તો H-1B વિઝાધારકે 60 દિવસમાં અન્ય કંપનીમાં કામ મેળવવું પડે છે અને જો તેને નોકરી ન મળે તો તેમણે દેશ છોડવો પડી શકે છે. એટલું જ નહીં, તેમના વિઝાના આધારે પર અમેરિકામાં પ્રવેશ મેળવનાર પતિ કે પત્નીએ પણ દેશ છોડવો પડી શકે છે.

કાટો ઇન્સ્ટિટ્યૂટના (વર્ષ 2018ના) રિપોર્ટ પ્રમાણે, EB-2 શ્રેણીમાં ઉચ્ચ ડિગ્રી ધરાવનારા ભારતમાં જન્મેલા અરજદારોએ 151 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. જ્યારે EB-1 અને EB-3 શ્રેણીમાં અનુક્રમે છ વર્ષ અને 17 વર્ષનું વેઇટિંગ છે.

લાંબા વેઇટિંગ પિરિયડથી હતાશ ભારતીયો અમેરિકન કંપનીઓના બદલે અન્ય પશ્ચિમી કંપની તરફ નજર દોડાવે છે, જ્યાં સરળતાથી અથવા તો પ્રમાણમાં ઓછા વેઇટિંગ પિરિયડથી નાગરિકત્વ મળી શકે.

EAGLE આડે અવરોધો

EAGLE બિલનો હેતુ ગ્રીન કાર્ડ આવેદકોની મોટી પડતર સંખ્યાનો નિકાલ કરવાનો છે અને તેનાથી થતી આડઅસરથી બચાવવાનો છે. આગામી નવ વર્ષ દરમિયાન તે તબક્કાવાર લાગુ થશે.

બિલના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં દેશદીઠની ટોચમર્યાદાને કારણે અમેરિકામાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. જો આ જોગવાઈ હઠી જશે તો મૂળ ભારતીય અને ચીનના આવેદકોનો દબદબો વધી જશે.

નેશનલ ઈરાનિયન અમેરિકન કાઉન્સિલ આ બિલનો વિરોધ કરે છે. તેમનું માનવું છે કે જો બાઇડન સરકાર ખરેખર પડતર સંખ્યાને દૂર કરવા માગતી હોય તો ગ્રીન કાર્ડની ફાળવણી વધારવી જોઈએ. અન્યથા ઇમિગ્રન્ટનો એક સમૂહ અન્ય સમૂહની સામસામે થઈ જશે.

ઈરાન ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના રહેવાસીઓને આ ટોચમર્યાદાનો લાભ થાય છે. ભારત અને ચીનમાં વસતી વધુ હોવાને કારણે દર વર્ષે આવેદકોની સંખ્યા વધુ હોય છે અને તે વધતી રહે છે. પરંતુ ટોચમર્યાદાને કારણે વેઇટિંગ પિરિયડ લાંબો હોય છે.

જો આ જોગવાઈ લાગુ થઈ જાય તો કામના વિઝા પર કામ કરતા ઇમિગ્રન્ટ્સની સરખામણીમાં કાયમી નાગરિકને વધુ પગાર ચૂકવવો પડે, જેના કારણે અમુક નાની અને મધ્યમ કંપનીઓ ઉપર ભારણ વધી જાય એમ છે.

13મી ડિસેમ્બરે અમેરિકાની સંસદના નીચલા ગૃહમાં આ ખરડાને મૂકવામાં આવ્યો. આ બિલને રજૂ કરવા માટે ગૃહના અધ્યક્ષે મતદાન કરાવ્યું, જેમાં નકાર વધુ હોવાનું ઠેરવ્યું. આ અંગે મતવિભાજનની માગ કરવામાં આવી, જે નકારી દેવામાં આવી અને 'અધૂરાકાર્ય' તરીકે નોંધાયું. અમેરિકાના ગૃહને નાતાલની રજાઓ પૂર્વે અનિશ્ચિતકાળ માટે મોકૂફ કરી દેવામાં આવ્યું છે.

વર્ષ 2024 સુધી વર્તમાન સંસદનો કાર્યકાળ છે. એ દરમિયાન બીલ નીચલા ગૃહમાં પસાર થાય, ઉપલાગૃહમાં પસાર થાય, રાષ્ટ્રાધ્યક્ષ તેની ઉપર મંજૂરીની મહોર મારે એ પછી તે કાયદો બનશે.

ગ્રીનકાર્ડ પરિવારજનોને લીલીઝંડી

યુએસની ધરતી પર પગ મૂકનારનું કદાચ સૌથી મોટું અમેરિકન ડ્રીમ હોય તો તે છે ત્યાંનું ગ્રીનકાર્ડ. જન્મથી અમેરિકન ન હોય તેવી વ્યક્તિને અમેરિકામાં કાયમી નિવાસ કરવા માટે જે અધિકાર મળે છે, તેને 'ગ્રીનકાર્ડ' કહેવામાં આવે છે. તે અમેરિકાના નાગરિકત્વનો પુરાવો છે. 

ગ્રીનકાર્ડ ધારકને અમેરિકાની સોશિયલ સિક્યૉરિટી સર્વિસના લાભ મળે છે અને નોકરી જતી રહે તેવા સંજોગોમાં અન્ય નાગરિકોની જેમ બેકારીભથ્થું મેળવવાને પાત્ર બને છે. 

જે બાબત ગુજરાતીઓ અને ભારતીયોને સૌથી વધુ આકર્ષે છે એ છે કે ગ્રીનકાર્ડધારક તેના નજીકના પરિવારજનોને અમેરિકામાં બોલાવવા માટે સ્પૉન્સર કરી શકે છે અને તેઓ પણ ગ્રીનકાર્ડને પાત્ર બને છે.

EAGLE ઍક્ટમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી ગ્રીનકાર્ડ માટે રાહ જોનાર અરજીનો નિકાલ ન થાય ત્યાર સુધી હંગામી ધોરણે અમેરિકામાં રહી શકે અને કામ કરી શકે, નોકરીદાતા બદલી શકે કે ધંધો શરૂ કરી શકે તે પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે.

વર્લ્ડ બૅન્કના રૅમિટન્સ ડેટા પ્રમાણે, સત્તાવાર માધ્યમો દ્વારા ગત વર્ષે ભારતીય મૂળના અમેરિકનોએ 89 અબજ 40 કરોડ ડૉલર ભારત મોકલ્યા હતા. જે વર્ષ 2011ની સરખામણીમાં 46 ટકાની વૃદ્ધિ સૂચવે છે.

ઇન્ડિયા, અમેરિકા, ઇમિગ્રેશન

છેલ્લે 1990ના દાયકામાં અમેરિકાએ તેની વિઝાનીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યા હતા. 9/11 પછી અમેરિકાએ તેના વિઝા અને નાગરિકત્વને લગતા નિયમો અને કાયદાની સમીક્ષા કરી હતી.

વૉશિંગ્ટન ડીસીસ્થિત માઇગ્રૅશન પોલિસી ઇન્ટસ્ટિટ્યૂટના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, 'વર્ષ 2021ની સ્થિતિ પ્રમાણે, ભારતીય મૂળના 27 લાખ લોકો અમેરિકામાં નિવાસ કરે છે. જે ત્યાં વસતા મૂળ વિદેશીઓની કુલસંખ્યાના છ ટકા જેટલા છે.'

'આમાંથી લગભગ 31 ટકા વર્ષ 2000 પહેલાં અમેરિકામાં પ્રવેશ્યા હતા. 2000-'09 દરમિયાન 25 ટકા અને 44 ટકા 2010 કે એ પછી અમેરિકામાં પ્રવેશ્યા છે. અન્ય દેશોના ઇમિગ્રન્ટ્સની સરખામણીમાં ભારતીય મૂળના ઇમિગ્રન્ટ્સની સંખ્યા 2000 પછીથી સતત વધતી રહી છે.'

'ઉચ્ચશિક્ષણ માટે અમેરિકામાં આવતા ભારતીયો સંખ્યાની દૃષ્ટિએ બીજાક્રમનો સૌથી મોટો વિદેશીસમૂહ છે. 80 ટકા ભારતીયો કમ સે કમ સ્નાતકની ડીગ્રી ધરાવે છે. પરિવારોની સરેરાશ આવક અન્ય ઇમિગ્રન્ટ સમૂહ તથા અમેરિકામાં જન્મેલાઓની સરેરાશ આવક (70 હજાર ડૉલર) કરતાં બમણી (દોઢ લાખ ડૉલર) છે.'

કાયદેસર રીતે ગ્રીનકાર્ડ મેળવવા માગતા ભારતીયો સિવાય ગમે-તેમ કરીને અમેરિકામાં પ્રવેશવા માગતા નાગિરકોની સંખ્યા પણ મોટી છે. ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે, ઑક્ટોબર-2022 સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન 18 હજાર 300 ભારતીય ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા મૅક્સિકોની સરહદ પરથી પકડાયા હતા. ગતવર્ષે આ જ અરસામાં આ આંકડો બે હજાર 600 જેટલો હતો.

એમપીઈના અનુમાન (વર્ષ 2019ની સ્થિતિએ) પ્રમાણે, અમેરિકામાં લગભગ એક કરોડ 10 લાખ લોકો ગેરકાયદેસર રીતે નિવાસ કરે છે, તેમાંથી ભારતીયોની સંખ્યા પાંચ લાખ 53 હજાર જેટલી છે, જે કુલ ગેરકાયદેસર નિવાસીઓના પાંચ ટકા છે.