બજેટ 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે કોને શું આપ્યું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે લોકસભામાં બજેટ પેશ કર્યું. આ બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહત આપવામાં આવી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અને વિકાસ દર પર ઊઠી રહેલા સવાલો વચ્ચે આ બજેટમાં અલગ અલગ વર્ગને રાહત આપવાની કોશિશ થઈ છે.

પહેલા વાત કરીએ કે શું સસ્તું થયું અને શું મોધું?

તો, એલસીડી અને એલઈડી પર લાગનારી 2.5 ટકા ડ્યૂટી હઠાવી લેવામાં આવી છે જેને કારણે ફોન, લૅપટૉપ, ટૅબ્લૅટ સસ્તાં થશે.

લિથિયમ બૅટરી પર છૂટ આપવામાં આવી છે જેને કારણે ઇલેક્ટ્રિક કાર, બાઇક અને મોબાઇલ ફોન સસ્તાં થશે.

બજેટમાં પીસીબીએ પાર્ટ્સ, કૅમેરા મોડ્યૂલ, વાટર્ડ હેડસૅટના રૉ મટિરિયલ્સ, માઇક્રૉફોન તથા રિસિવર, યુએસબી કૅબલ, ફિંગરપ્રિન્ટ રીડર, મોબાઇલ ફોન સેન્સરની કસ્ટમ ડ્યૂટીને સમાપ્ત કરી દેવામાં આવી છે.

સાથે વીમા ક્ષેત્રમાં 100 ટકા રોકાણની છૂટ મળવાથી વીમા પ્રીમિયમમાં પણ ઘટાડો થઈ શકે છે. કપડાં અને ચામડાંના ઉત્પાદનો સસ્તાં થયાં છે.

જ્યારે કે, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લૅ પૅનલ(કંપ્લીટ બિલ્ડ) પર લાગનારી ઇમ્પૉર્ટ ડ્યૂટીને 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે જેથી પ્રીમિયમ સ્માર્ટ ડિસ્પ્લે મોંઘા થઈ જશે.

હવે, જોઈએ કે કયાં ક્ષેત્રોને શું મળ્યું છે?

ખેડૂતોને શું મળ્યું?

કિસાન ક્રૅડિટ કાર્ડ પર મળનારી લોનની સીમા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે. જેને કારણે ખેડૂતોને કૃષિ કાર્ય કરવામાં મદદ મળી શકે છે.

સરકારનો દાવો છે કે તેના કારણે 7.7 કરોડ ખેડૂતોને લાભ થશે. ખાતરનું ઉત્પાદન વધારવા માટે પૂર્વોત્તરમાં ખાતરનું કારખાનું ખોલવાની વાત કરવામાં આવી છે.

દાળ અને તેલીબિયાંનાં ઉત્પાદનો માટે યોજના બનાવવામાં આવી છે. જેને કારણે દાળના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકાય. દાળનું ઉત્પાદન વધારવા અંતર્ગત- તુવેર, અડદ અને મસૂરની દાળનું ઉત્પાદન વધારવામાં આવશે.

બિહારમાં મખાના બોર્ડ બનાવાશે. વડા પ્રધાન ધન-ધાન્ય યોજનામાં ઓછી પેદાશ, આધુનિક પાક તથા સરેરાશથી ઓછાં ઋણ માપદંડો ધરાવતા 100 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. જેના થકી 1.7 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. ફળ તથા શાકભાજીનું ઉત્પાદન વધારવાની ભલામણ પણ કરવામાં આવી છે.

મહિલાને શું મળ્યું?

મહિલાઓ માટે સક્ષમ આંગણવાડી પોષણ 2.0 યોજના પેશ કરવામાં આવી છે. જે અંતર્ગત જરૂરત પ્રમાણે બજેટ ફાળવવાની વાત કરવામાં આવી છે.

નિર્મલા સીતારમણે વાત કરી છે કે આ યોજના અંતર્ગત 8 કરોડ બાળકોને સીધો લાભ મળશે. તેની સાથે એક કરોડ ગર્ભવતી મહિલાઓને પણ લાભ મળશે. આ યોજનામાં બાળકીઓનાં પોષણનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

નાણામંત્રી સીતારમણે બજેટમાં વરિષ્ઠ નાગરિકોની વિત્તીય સ્વતંત્રતાનું વિશેષ ધ્યાન રાખ્યું છે. જે અંતર્ગત વ્યાજમાં ટૅક્સ છૂટને વધારીને એક લાખ સુધી કરી નાખી છે, જે પહેલાં માત્ર 50 હજાર રૂપિયા હતી.

યુવાનો માટે શું?

અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા યુવાનો પર પણ નાણામંત્રી સીતારમણે ધ્યાન આપ્યું છે.

તે અંતર્ગત ગિગ વર્કર્સ કે જેમાં લોકો ડિલિવરીનું કામ કરતા લોકો હોય છે, તેવા યુવાઓને શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા પર ઓળખપત્ર આપવામાં આવશે.

સાથે જ પીએમ જન આરોગ્ય વીમા યોજના અંતર્ગત સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે. ઉડાન યોજના તથા પર્યટન વિકાસ યોજના અંતર્ગત પણ યુવાનોના રોજગારની વાત કરવામાં આવી છે. જેમાં રોજગારના નવા રસ્તાઓ ખોલવામાં આવશે.

પોસ્ટ મિત્રના રૂપે પણ યુવાનોને જોડવામાં આવશે. સ્ટાર્ટ-અપ માટેની લોન વધારીને હવે 20 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. અત્યારસુધી આ લોન 10 કરોડ રૂપિયા જ હતી. આ લોન અલગ-અલગ 27 જેટલાં ક્ષેત્રોમાં આપવામાં આવશે.

બીમારોને રાહત

આ બજેટમાં બીમારોને દવા અને ઇલાજના ચક્કરથી થોડી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે.

દેશમાં તમામ જિલ્લાઓની મુખ્ય હૉસ્પિટલમાં કૅન્સરના ઇલાજ માટે ડે કૅર સેન્ટર સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાથે 36 જેટલી કૅન્સર અને જીવનરક્ષક દવાઓને ટૅક્સથી મુક્તિ આપવામાં આવી છે. 6 દવાઓ પર ડ્યૂટી ઘટાડીને પાંચ ટકા કરી નાખી છે.

વિદ્યાર્થીઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું

50 હજાર અટલ ટિંકર લૅબ સ્થાપવાની વાત પણ આ બજેટમાં કરવામાં આવી છે. આઈઆઈટીની ક્ષમતા વધારીને દેશનાં 23 આઈઆઈટી સંસ્થાનોમાં બેઠકોની સંખ્યા પણ વધારાશે.

પાંચ આઈઆઈટીને યોગ્ય શિક્ષણ સંવર્ધન માટે અલગથી સહાય આપવામાં આવશે. આઈઆઈટી તથા ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં પીએમ રિસર્ચ ફૅલોશિપ આપવામાં આવશે.

એઆઈના શિક્ષણ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મેડિકલના અભ્યાસ માટે 10 હજાર બેઠકો વધારાશે. આવનારાં પાંચ વર્ષોમાં તેની સંખ્યા 75 હજાર બેઠકો સુધી વધારવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.