You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2025ઃ હવે કઈ ચીજો સસ્તી થશે, કઈ ચીજો મોંઘી પડશે?
કેન્દ્રીય બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે જે ટૅક્સ દરખાસ્તો કરી છે તેનાથી અમુક ચીજો સસ્તી થશે જ્યારે અમુક ચીજોના ભાવમાં વધારો થવાનો છે.
ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનની બૅટરીમાં વપરાતી કેટલીક સામગ્રીને કૅપિટલ ગુડ્ઝમાંથી મુક્તિ આપવામાં આવી છે જેના કારણે મોબાઈલ ફોન સસ્તા થવાની શક્યતા છે.
36 જીવનરક્ષક દવાઓને બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે તેથી કૅન્સર અને બીજા જીવલેણ રોગોની દવાઓ સસ્તી થઈ શકે છે.
આ ઉપરાંત ઈલેક્ટ્રિક વ્હીકલની બૅટરી, 12 ક્રિટિકલ મિનરલ્સ, ઓપન સેલ, એલઈડી, એલસીડી, મેડિકલ ઇક્વિપમેન્ટ્સના ભાવમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે.
શિપ ઉત્પાદન માટેની કાચી સામગ્રી પર જે કસ્ટમ્સ ડ્યૂટીની માફી હતી તેને વધુ 10 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ ઉપરાંત મરીન ઉત્પાદનો, કૉબાલ્ટનાં ઉત્પાદનો અને ઝિન્ક, લિથિયમ-આયન બૅટરી સ્ક્રૅપને પણ ટૅક્સમાં રાહત આપવામાં આવી છે.
બૅટરી ઉદ્યોગને રાહતો
દેશમાં લિથિયમ બૅટરી અને તેને સંલગ્ન સેક્ટરના વિકાસ માટે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. હાલમાં ઈવી માટેની બૅટરીઓ માટે આયાત પર આધાર રહેવું પડે છે.
સરકારે બૅટરીના ઉત્પાદનમાં વપરાતી કોબાલ્ટ, લિથિયમ આયન બૅટરી સ્ક્રૅપ, લેડ, ઝિંક અને બીજાં મહત્ત્વનાં ખનીજો પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી (બીસીડી) હટાવવાની જાહેરાત કરી છે.
દેશમાં બૅટરી, સેમીકન્ડક્ટર અને રિન્યુએબલ ઍનર્જીનાં ઉપકરણો બનાવવામાં આ ખનીજો ખાસ જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે ક્રસ્ટ લેધર(ચામડાં) પરની એક્સ્પૉર્ટ ડયૂટી 20 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી છે.
1600 સીસી કરતા વધુ એન્જિન ક્ષમતાનાં બાઇક્સ માટે બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી 50 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવી છે. તેથી આવાં બાઈક્સની કિંમત ઘટી શકે છે.
1600 સીસી સુધીની ક્ષમતાનાં મોટરસાઈકલ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી હાલમાં 50 ટકા છે તેને ઘટાડીને 40 ટકા કરવામાં આવી છે.
વાયર્ડ હેડસેટ, માઇક્રૉફોન અને રિસિવર, યુએસબી કૅબલ વગેરે માટે વપરાતા મટિરિયલને પણ બેઝિક કસ્ટમ્સ ડ્યૂટીમાંથી મુક્તિ અપાઈ છે.
ઇથરનેટ સ્વિચ પરની ડ્યૂટી પણ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.
કઈ ચીજોના ભાવ વધશે?
બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોથી નિટેડ ફૅબ્રિક્સ અને ફ્લૅટ પૅનલ ડિસ્પ્લેના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.
સ્પેસિફાઈડ ટેરિફ આઈટમ હેઠળ નિટેડ ફૅબ્રિક્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી 10થી 20 ટકા હતી જેને વધારીને 20 ટકા અથવા 115 રૂપિયા પ્રતિ કિલો- બેમાંથી જે વધુ હોય તે મુજબ લાગુ કરવામાં આવશે.
ઈન્ટરેક્ટિવ ફ્લૅટ પૅનલ પરની બીસીડી 10 ટકાથી વધારીને 20 ટકા કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન