You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના શૅરબજારમાંથી વિદેશી રોકાણકારો કેમ નાણાં પરત ખેંચી રહ્યા છે અને હાલ રોકાણ કરવું કે નહીં?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત દુનિયાના સૌથી ઝડપથી વૃદ્ધિ કરતા બજારોમાં ગણાતું હોવા છતાં શેરબજારમાં મોટા પાયે ઘટાડો થયો છે.
સપ્ટેમ્બર 2024માં 85,978ની ઑલ-ટાઇમ હાઈ સપાટી સુધી પહોંચ્યા પછી સેન્સેક્સ 77,000થી સહેજ ઉપર પહોંચ્યો છે. ચાર મહિનામાં સેન્સેક્સમાં આશરે 11 ટકાનો ઘટાડો થયો છે.
50 શેરનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 26,277ની ટોચ પરથી ચાર મહિનામાં 23,400 પર આવી ગયો છે. એટલે કે તેમાં પણ 11 ટકાનો ઘટાડો થયો છે.
શેરમાર્કેટના આ ઘટાડા માટે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીઆઈ)ને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે.
તાજેતરના આંકડા પ્રમાણે જાન્યુઆરી મહિનામાં (તા. 30 જાન્યુઆરી) ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ભારતીય માર્કેટમાંથી નવ અબજ ડૉલર અથવા 74,000 કરોડ રૂપિયા કરતા વધારે મૂડી પાછી ખેંચી લીધી છે.
એફપીઆઈની ભારે વેચવાલી કેમ શરૂ થઈ
ભારતીય બજારને અત્યાર સુધી ઉછાળનારા એફપીઆઈ હવે ઝડપથી પોતાની મૂડી પાછી ખેંચી રહ્યા છે.
આ મહિને સળંગ 17 સત્ર સુધી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ માર્કેટમાં શેર વેચ્યા હતા. તેમાં પણ 27 જાન્યુઆરીએ 5000 કરોડથી વધારે ફંડ કાઢવામાં આવ્યું હતું.
જેના કારણે જાન્યુઆરીમાં એફપીઆઈએ ખેંચી લીધેલી મૂડીનો આંકડો 74,095 કરોડ પર પહોંચી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ આ વિશે શેરબજારના નિષ્ણાતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે એફપીઆઈ અત્યારે શા માટે મૂડી પાછી ખેંચી રહ્યા છે.
અમદાવાદસ્થિત સ્ટૉક બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું કે "ડૉલરની સામે રૂપિયાનો ઘસારો એ મુખ્ય કારણ છે, જેના કારણે એફપીઆઈ ભારતીય બજારમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે."
તેઓ કહે છે કે તાજેતરમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના નિયમો બદલવામાં આવ્યા તે એફપીઆઈને માફક નથી આવ્યા.
આ ઉપરાંત ગુંજન ચોક્સીએ જણાવ્યું, "2014થી 2024 સુધીનો દેખાવ જોવામાં આવે તો વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોને ભારતીય બજારમાં 6-8 ટકાથી વધારે વળતર નથી મળ્યું, કારણ કે શેરનો ભાવ વધ્યો હોય તો તેની સામે રૂપિયો ઘટ્યો હોય છે. તેથી એફપીઆઈને એટલી બધી યીલ્ડ (ઉપજ) નથી મળતી."
નિષ્ણાતોના મતે અમેરિકાનું બજાર હવે ઇન્વેસ્ટરો માટે વધુ આકર્ષક બન્યું છે જેની અસર ભારતીય બજાર પર જોવા મળી છે.
પ્રૂડન્ટ કૉર્પોરેટ ઍડવાઇઝરીના રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમેરિકામાં હાલમાં બૉન્ડની યીલ્ડ (ઉપજ) 4.5 ટકાથી લઈને 4.8 ટકા સુધી છે જે બહુ સારી ગણાય."
"તેથી કોઈ પણ વિદેશી રોકાણકાર અત્યારે ભારતમાં મૂડી રોકવાના બદલે અમેરિકા જેવા જોખમમુક્ત બજારમાં મૂડી રોકવાનું પસંદ કરશે."
"આ એક મહત્ત્વનું કારણ છે જેથી ભારતમાંથી મૂડી કાઢીને તેઓ અમેરિકામાં રોકી રહ્યા છે."
નિહલ શાહે કહ્યું, "બીજું એક કારણ એ પણ છે કે તાજેતરમાં ભારતમાં ઘણા બધા આઈપીઓ () આવ્યા છે. જેના કારણે રોકાણકારો સેકન્ડરી માર્કેટમાંથી મૂડી કાઢીને પ્રાઈમરી માર્કેટમાં રોકતા હોય છે. તેનાથી પણ સેલ-ઓફ જોવા મળ્યું છે."
યુએસ માર્કેટમાં રોકાણ વધુ ફાયદાકારક
સ્ટૉક બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું, "એફપીઆઈ માટે અમેરિકાનું બજાર હાલમાં ચોક્કસ વધુ ફાયદાકારક છે."
"અમેરિકાના શેરબજાર ડાઉ જોન્સમાં એફપીઆઈને છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક 11 ટકા કરતાં વધારેના દરે રિટર્ન મળ્યું છે. જ્યારે પોતાના માર્કેટમાં જ સારું વળતર મળતું હોય, ત્યારે એફપીઆઈ સ્વભાવિક રીતે ભારતના બદલે યુએસ જવાનું વિચારશે."
માર્કેટ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહ કહે છે, "બુધવારે યુએસ ફેડની મીટિંગમાં પણ હૉકિશ વલણ જોવા મળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાજના દર ઘટે તેમ ઇચ્છે છે પણ ફેડના ચૅરમૅન જેરોમ પોવેલે એવા સંકેત આપ્યા છે કે તેઓ માંગણીને વશ નહીં થાય."
નિહલ શાહે કહ્યું, "અમેરિકામાં હમણાં રેટ ઘટે તેવી શક્યતા નથી. તેથી અમેરિકન બૉન્ડ યીલ્ડ જ્યાં સુધી ભારત કરતાં વધુ આકર્ષક હશે ત્યાં સુધી વિદેશી ઇન્વેસ્ટરો ભારતીય બજારમાં પાછા આવે તેવી શક્યતા ઓછી છે, કારણ કે યુએસ માર્કેટમાં તેમને ચાર ટકા કરતાં વધુ બૉન્ડ યીલ્ડ મળી રહી છે."
અમેરિકામાં ફુગાવાની ચિંતાને ધ્યાનમાં રાખીને ફેડે વ્યાજના દર 4.25 ટકાથી 4.5 ટકા વચ્ચે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. તેથી વ્યાજના દર ઘટે તેના માટે લાંબી રાહ જોવી પડે તેવી શક્યતા છે.
ભારતીય બજાર ઓવરવેલ્યૂડ હતું
ભારતમાં ચારેક વર્ષથી જે તેજીનો માહોલ હતો તેના કારણે શેરો બહુ વધારે મોંઘા થઈ ગયા હતા અને તેમને ભાવ યોગ્ય સ્તરે ન હતો. એફપીઆઈ દ્વારા મૂડી પાછી ખેંચવાનું આ પણ એક કારણ છે.
ગુંજન ચોક્સીએ જણાવ્યું, "તાજેતરમાં ભારતમાં કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટની જે સિઝન આવી તે પણ એટલી બધી પ્રોત્સાહક નથી રહી. કંપનીઓનો જે નફો છે તે શેરના ભાવને જસ્ટિફાઈ નથી કરતો."
"એફપીઆઈ ભારતમાં મોટા ભાગે ફાર્માસ્યુટિકલ, એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) અને બૅન્ક શેરોમાં રોકાણ કરે છે. મુખ્યત્વે તેઓ એનએસઈની ટોચની 200 કંપનીઓમાં મૂડી રોકે છે."
ગુંજન ચોક્સી કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો મૂડી પ્રવાહ ન હોત તો નિફ્ટી કદાચ 20,000થી પણ નીચે જતો રહ્યો હોત.
ટ્રમ્પની શપથવિધિથી બહુ મોટો ફેર પડ્યો છે એવું તેઓ નથી માનતા.
ગુંજન ચોક્સી કહે ઉમેરે છે, "યુએસની ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારથી જ સ્પષ્ટ હતું કે ટ્રમ્પ કેવી નીતિ અપનાવવાના છે. તેથી ટ્રમ્પનું કારણ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. હાલમાં રૂપિયાનો ઘસારો એ મહત્ત્વનું કારણ છે જેના કારણે એફપીઆઈ મૂડી ખેંચી રહ્યા છે."
ભારતીય બજારમાં એફપીઆઈનું રોકાણ
ભારતીય બજારમાં છેલ્લા ચાર વર્ષથી જે ભારે તેજી આવી હતી તેના માટે એફપીઆઈને મુખ્ય કારણ ગણાવવામાં આવતું હતું.
સેબીના ઑગસ્ટ 2024ના અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં જે એફપીઆઈનું રોકાણ આવ્યું તેમાં અમેરિકાનો હિસ્સો સૌથી વધુ હતો.
31 માર્ચ 2024ના આંકડા મુજબ ભારતમાં 11,200થી વધારે એફપીઆઈ રજિસ્ટર્ડ હતી, જેની સંખ્યા અગાઉના વર્ષમાં 11,080 જેટલી હતી.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ભારતમાં રજિસ્ટર્ડ કુલ એફપીઆઈમાંથી 3457 રોકાણકારો અમેરિકન હતા.
ત્યાર પછી લક્ઝમબર્ગ બીજા નંબરે હતું જેના 1393 એફપીઆઈએ ભારતમાં મૂડી રોકી હતી. કૅનેડાના 804 એફપીઆઈ ભારતમાં રજિસ્ટર્ડ હતા, જેથી એફપીઆઈ રોકાણની બાબતમાં કૅનેડા ત્રીજા ક્રમે હતું.
ડિસેમ્બર 2024ના આંકડા પ્રમાણે ભારતીય માર્કેટમાં એફપીઆઈની એસેટ અંડર કસ્ટડી (એયુસી) 71.1 લાખ કરોડ રૂપિયા હતી જે નવેમ્બર 2024માં 71.9 લાખ કરોડ રૂપિયા હતી.
જાન્યુઆરીમાં એચએમવીપી વાઇરસના કેસ અને કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોએ પણ સેન્ટીમેન્ટ બગાડ્યું હતું.
30 જાન્યુઆરીએ દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે અપેક્ષા કરતા નબળું પરિણામ જાહેર કરતા કંપનીનો શેર 9 ટકા તૂટ્યો હતો.
ટ્રમ્પની ચેતવણી અને રૂપિયામાં ગભરાટ
ડૉલર સામે રૂપિયાએ 86ની સપાટી તોડ્યા પછી પણ કોઈ રાહત નથી મળી. શુક્રવારે રૂપિયાએ ફરીથી ઑલ-ટાઇમ નીચી સપાટી બનાવી હતી અને 86.65 પ્રતિ ડૉલર થયો હતો.
જાન્યુઆરી મહિનામાં ડૉલરની સામે રૂપિયાની વૅલ્યૂમાં 1.2 ટકાનો ઘટાડો થયો છે.
એશિયાના મોટા ભાગના ચલણોમાં ઘટાડો થયો છે, જેથી છ મુખ્ય કરન્સી સામે માપવામાં આવતો ડૉલર ઇન્ડેક્સ વધીને 108.2 થયો હતો.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હાલની સ્થિતિ માટે જવાબદાર ગણવામાં આવે છે.
ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ કૅનેડા અને મૅક્સિકો પર ભારે ટેરિફ નાખશે. આ ઉપરાંત ચીન પર નવા ટેક્સ નાખવાની વિચારણા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન