બજેટ 2025: આજથી સંસદમાં બજેટ સત્રનો આરંભ, શનિવારે રજૂ થનારા બજેટમાં નિર્મલા સીતારમણ આ પાંચ ચિંતાઓનો ઉકેલ લાવી શકશે?

નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે. તે સમયે સામાન્ય માણસ વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને ઘટતા વપરાશ વચ્ચે થોડી રાહતની આશા રાખી રહ્યો છે.

અર્થતંત્ર ધીમું પડવાના કારણે રોકાણકારોમાં ગભરાટ છે અને તેનાથી રોજગારીની તકો પણ ઘટી છે.

મોંઘવારી પ્રમાણે મજૂરી અને વેતન ન વધવાને કારણે ખાસ કરીને મર્યાદિત આવક ધરાવતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતીય કંપનીઓનાં નિરાશાજનક પ્રદર્શનોએ પણ આ સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી છે. તેના કારણે નોકરી શોધતા યુવાનોને પૂરતી સંખ્યામાં રોજગારી મળી રહી નથી.

આ તમામ પરિબળોને કારણે મધ્યમ વર્ગે તેના ખર્ચમાં ઘટાડો કર્યો છે. પરિણામે છેલ્લા કેટલાક મહિનામાં વપરાશમાં ઘટાડો થયો છે.

ચાલો હવે આપણે એવાં પાંચ ક્ષેત્રો પર એક નજર કરીએ જેમાં સામાન્ય લોકો 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટમાં રાહતની અપેક્ષા રાખે છે.

1. મોંઘવારી

ભારતમાં ખાદ્યપદાર્થોના ભાવ ઝડપથી વધ્યા છે. ખાસ કરીને શાકભાજી, ખાદ્યતેલ અને દૂધના ભાવમાં વધારાને કારણે રસોડું ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. આ વખતે ખરાબ હવામાનને કારણે શાકભાજીના પુરવઠાને અસર થઈ હતી અને ભાવમાં વધારો થયો હતો.

ખાદ્યતેલોના ભાવમાં વધારાનું કારણ આયાત ડ્યૂટીમાં વધારો હતો. જ્યારે ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો થયો છે. જોકે, 25 જાન્યુઆરીએ સૌથી મોટી ડેરીઓમાંની એક અમૂલે એક લિટરના પૅકની કિંમતમાં એક રૂપિયાનો ઘટાડો કરીને થોડી રાહત આપી છે.

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમારે બીબીસીને કહ્યું, "ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. તેઓ પરોક્ષ કર ઘટાડવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેનાથી ઘરેલું ઉદ્યોગો પર અસર થશે. ટ્રમ્પ ટેરિફ લાદશે તો મોંઘવારી વધુ વધશે."

અરુણ કુમાર કહે છે કે, "સૌથી પહેલાં ઘરેલું સ્તરે બધી વસ્તુઓને ઠીક કરવાની જરૂર છે, ફુગાવો તેમાંથી એક છે."

2. આર્થિક નરમાઈ

નૅશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના અંદાજ પ્રમાણે 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.4 ટકા રહેશે. કોવિડ રોગચાળા દરમિયાન ઘટાડા પછી આ સૌથી નીચો વૃદ્ધિ દર છે.

જોકે, 2024ના ચૂંટણીના વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના મૂડી ખર્ચમાં ઘટાડાને મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સિમેન્ટ, સ્ટીલ અને મશીનરીનો વ્યાપક ઉપયોગ થાય છે, જે તે ઉદ્યોગોના વિકાસને વેગ આપે છે. આ ઉપરાંત તે ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રોમાં નોકરીઓનું સર્જન કરે છે.

તેથી અર્થશાસ્ત્રીઓ કહે છે કે વિકાસ દર અને રોજગાર સર્જન માટે મૂડી ખર્ચ વધારવો જરૂરી છે.

આ વિશે પ્રોફેસર અરુણ કુમાર કહે છે, "માગમાં ઘટાડાનું એક કારણ અસમાનતામાં વધારો છે. 94 ટકા કામ કરતા લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે. તેમાં પગાર અને ફુગાવાના કારણે માંગમાં ઘટાડો થવાથી અર્થતંત્રની ગતિને અસર થાય છે."

અરુણ કુમારના મત મુજબ અસંગઠિત ક્ષેત્રમાં રોજગારીનું સર્જન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા મૂડી ખર્ચ પર આધાર રાખે છે અને અર્થતંત્રને વેગ આપવા માટે તેને વધારવાની જરૂર છે.

3. રોજગારીની તકોમાં ઘટાડો

છેલ્લાં કેટલાક ક્વાર્ટર્સથી રોજગારના સર્જનની ગતિ ધીમી છે અને સરકાર આ સંદર્ભમાં કેટલાંક નક્કર પગલાં જાહેર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

કોવિડ દરમિયાન કૃષિ સાથે સંકળાયેલા લોકોની સંખ્યામાં અચાનક ઝડપથી વધારો થયો હતો, કારણ કે કરોડો મજૂરો પોતાના ઘરે પાછા ફર્યા હતા.

જે કામદારો શહેરો છોડીને તેમના ઘરે પાછા ફર્યા છે, તેઓ રોજગારીની અછત અને શહેરોમાં જીવનનિર્વાહના અતિશય ઊંચા ખર્ચના કારણે સંપૂર્ણપણે પાછા ફરી શક્યા નથી.

જોકે, સરકારી ડેટા સૂચવે છે કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારીમાં સુધારો થયો છે. છતાં અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર સર્જનમાં હજુ પણ મોટો તફાવત છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આની સાથે મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે સરકારી સહાય વધારવા જેવાં અન્ય પગલાં લેવા પડશે.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે, "ગયા વર્ષ સુધી સરકારનું વલણ અસંગઠિત ક્ષેત્રોને સંગઠિત કરવાનું હતું, જે અશક્ય છે. ઉદાહરણ તરીકે કૃષિ ક્ષેત્રે 85 ટકા ખેતરો પાંચ એકરથી નાના છે. તેવી જ રીતે માઇક્રૉ સેક્ટરમાં 97.5 ટકા રોજગારી એમએસએમઈમાં છે. તેને સંગઠીત કરી શકાતું નથી."

તેઓ કહે છે, "ગયા બજેટમાં સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી હતી તે સંગઠિત ક્ષેત્ર માટે હતી. મોટા ઉદ્યોગો, કૃષિ અને એમએસએમઈ ક્ષેત્રો જેટલી રોજગારી પેદા કરતા નથી. તેથી સરકારે અહીં કેટલીક નક્કર જાહેરાતો કરવી જોઈએ. રોજગારીના સર્જનનું ફોકસ અસંગઠિત ક્ષેત્ર પર હોવું જોઈએ."

4. વેતનમાં ધીમી વૃદ્ધિ

મજૂરો અને મધ્યમ આવક ધરાવતી નોકરીઓમાં પગાર વધારો ધીમો પડ્યો તેને પણ વપરાશમાં ઘટાડાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે તાજેતરના ત્રિમાસિક ગાળામાં મજૂરી અને વેતનમાં ખૂબ જ નજીવો વધારો થયો છે અથવા કોઈ વધારો થયો નથી.

તેઓ કહે છે, "કૉર્પોરેટ નફામાં વધારો થવા છતાં ફુગાવાના પ્રમાણમાં પગાર નથી વધ્યો. અર્થતંત્રમાં પગારનો હિસ્સો ઘટી રહ્યો છે અને કોર્પોરેટ નફાનો હિસ્સો વધી રહ્યો છે."

કેટલાક ઉદ્યોગોના અહેવાલોમાં પણ આ વાત જોવા મળે છે. બ્રિટાનિયા કંપનીના બીજા ક્વાર્ટરનાં પરિણામો દર્શાવે છે કે છેલ્લા 12 મહિનામાં દૈનિક વેતન ધરાવતા કામદારોની કમાણી માત્ર 3.4 ટકા વધી છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન પગારદાર કામદારોના પગારમાં 6.5 ટકાનો વધારો થયો છે.

ઉદ્યોગના સંગઠન ફિક્કી અને સ્ટાફિંગ સોલ્યુશન્સ કંપની ક્વેસ કૉર્પ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ આવું જ ચિત્ર ઉપસી આવ્યું છે. તેમના અનુસાર 2019થી 2023 વચ્ચે એન્જિનિયરિંગ, મૅન્યુફૅક્ચરિંગ, પ્રોસેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં ચક્રવૃદ્ધિ પગારમાં 0.8 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે FMCG કંપનીઓમાં પગાર વધારો 5.4 ટકા નોંધાયો હતો.

પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે, "આપણે અસંગઠિત ક્ષેત્રમાં નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશું તો મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને પછી પગાર પણ વધવા લાગશે."

5. આવકવેરો

ટૅક્સનો બોજ એ સામાન્ય માણસ માટે સૌથી વધુ પીડાદાયક બાબત છે.

જીએસટી કાઉન્સિલમાં સમયાંતરે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ(જીએસટી) જેવા ટૅક્સ અંગેના નિર્ણયો લેવામાં આવે છે. પરંતુ, સરકાર આવકવેરા અંગેના નિર્ણયો બજેટમાં લેતી હોય છે. ખાદ્ય તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવી આવશ્યક ચીજવસ્તુઓ પરની આયાત ડ્યૂટી અંગે પણ બજેટમાં નિર્ણય લેવામાં આવે છે.

આ વખતે સરકાર આ ડ્યૂટીને વધુ તર્કસંગત બનાવીને સામાન્ય લોકોને ટૅક્સમાં થોડી રાહત આપે તેવી અપેક્ષા છે.

જોકે, મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમવર્ગની માંગણી છે કે આવકવેરામાં ઘટાડો કરીને મોટી રાહત આપવામાં આવે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મધ્યમ વર્ગ માટે ટૅક્સના બોજમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની આવકને ટૅક્સમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.

જોકે પ્રોફેસર અરુણ કુમારે જણાવ્યું હતું કે, "આવકવેરામાં મુક્તિની બહુ આશા નથી કારણ કે પ્રત્યક્ષ વેરાને ફટકો પડે તો તેનાથી રાજકોષીય ખાધ વધશે. પરોક્ષ કર ઘટાડવાનું ટ્રમ્પનું દબાણ પહેલેથી જ રાજકોષીય ખાધ તરફ દોરી જવાનું છે."

તેઓ કહે છે કે "સરકારે 2019માં કૉર્પોરેટ ટૅક્સમાં કાપ મૂક્યો હતો. જેથી રેવન્યૂમાં 1.6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. સંગઠિત ક્ષેત્ર પાસે પુષ્કળ મૂડી છે જેનું તે રોકાણ કરી શકે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને મદદ કરવાની જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.