બાળકોને રૂપિયાનું મહત્ત્વ કેવી રીતે સમજાવવું જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બની શકે?

    • લેેખક, ક્રિસ્ટીના જે ઓર્ગજ
    • પદ, બીબીસી ન્યૂઝ

દરેક માતા-પિતાને પોતાનાં બાળકોના ભવિષ્યની ચિંતા હોય તે સ્વાભાવિક છે.

પહેલી ચિંતા બાળકોના સ્વાસ્થ્યને લગતી હોય છે અને બીજી એ કે બાળકો જીવનમાં પોતાની પસંદથી કેટલા ખુશ છે.

જો કે જેમ-જેમ બાળકો મોટાં થતાં જાય છે તેમ માતા-પિતાની એક ચિંતા વધતી જાય છે જેના પર બાળકોનું ભવિષ્ય ટકેલું છે.

આ ચિંતા એટલે પૈસા. આનાં બે પાસાં છે. બાળકો પોતાના ભવિષ્ય માટે કેવી રીત પૈસા બચાવે છે અને તે પૈસા બચાવવાનું મહત્ત્વને કેટલું સમજે છે.

અધ્યયનોએ બતાવ્યું છે કે બાળકોને નાની ઉંમરે પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવવાથી તેમના આખા જીવનમાં ફરક પડી શકે છે.

જોકે ભવિષ્ય માટે પૈસાની બચત કરવી એટલી સરળ નથી. અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના બિહેવિયર ઇકોનૉમિક્સના નિષ્ણાત અને લેખક ડૈન એરીલીએ કહ્યું, "પૈસાની સૌથી મોટી ખામી એ છે કે તેની કોઈ સીમા નથી. આ કારણે આપણા માટે એ નક્કી કરવું મુશ્કેલ છે કે ભવિષ્યમાં તેનો સાચો અર્થ શું રહેશે."

બીબીસીના પૉડકાસ્ટ મની બૉક્સમાં ફેલિસિટી હન્નાએ ધી પ્રાઇવેટ ઑફિસની ફાઇનેંશિયલ પ્લાનર તથા ધી મની ચૅરિટીમાં યુવા બાબતોનાં નિર્દેશક સ્ટેફની ફિટ્ઝગેરાલ્ડ સાથે વાત કરી. તેમણે આ ચિંતાને દૂર કરવા માટે ત્રણ ખાસ સલાહો આપી છે.

ફિટ્ઝગેરાલ્ડ કહે છે કે માતા-પિતાએ બાળકોને રૂપિયાને સારી જગ્યાએ વાપરવાની કેટલીક તકો આપવી જોઈએ, જેથી તેઓ પોતાની રીતે થોડી ભૂલો કરી શકે.

લાંબા સમય માટે ખાતું ખોલાવો

આપણાં બાળકોને તરત જ રૂપિયાની જરૂરિયાત હોતી નથી એટલે લાંબા સમય માટે રોકાણ કરવું એ ફાયદાનો સોદો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે બૅન્કો બાળકોનાં ખાતાં પણ ખોલે છે. આ ખાતાઓની મદદ વડે બાળકોને શીખવી શકાય છે કે પૈસાને જમા કેવી રીતે કરાવવા અને ઉપાડવા કેવી રીતે.

બૅન્કો સામાન્ય રીતે બે પ્રકારનાં ખાતાં ખોલવાની સુવિધા આપે છે. એક એવું ખાતું જેમા પોતાની મરજી મુજબ પૈસાને જમા કરાવી કે ઉપાડી શકાય છે. જ્ચારે બીજાં પ્રકારનાં ખાતાંમાં એક નિશ્ચિત સમય મર્યાદા માટે પૈસાને જમા કરવાના હોય છે. બૅન્કો જેને સામાન્ય બોલચાલની ભાષામાં એફડી કહે છે.

નિષ્ણાતોનું માનવું છે કે બચત ખાતાની સરખામણીમાં લાંબા સમય માટે પૈસા જમા કરતા ખાતામાં વ્યાજ વધારે મળે છે. તેમનું કહેવું છે કે બાળકો માટે બચત ખાતું ખોલતા પહેલાં માતા-પિતાએ બૅન્કોની વેબસાઇટ પર જઈને સરખામણી કરી શકે છે કે કઈ બૅન્ક વધારે વ્યાજ આપી રહી છે.

માતા-પિતા બૅન્કમાં પોતાનાં બાળકો માટે એવું ખાતું પણ ખોલાવી શકે છે, જેમાં બાળક 18 વર્ષની ઉંમર પછી જ પૈસા ઉપાડી શકે છે. જેથી કરીને બાળક લાંબા સમય માટે તે ખાતામાં પૈસા જમા કરી શકે છે.

નિષ્ણાતોના મતે માતા-પિતાએ પોતાના બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે. માતા-પિતાએ તેમને સમજાવવા પડશે કે ભવિષ્યમાં આ પૈસાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

જીવનમાં અણધારી ઘટનાઓએ માટે પૈસાની બચત શરૂઆતથી જ કરવાથી બાળકો એ બાબતે વધારે સલામતી અનુભવશે.

ધીમે-ઘીમે પૈસા બચાવો

બાળકો માટે અત્યારે પૈસા બચાવવા તેના ભવિષ્ય માટે વિશેષ ભેટથી ઓછું નથી. આ પૈસાથી બાળકો પોતાના આગળના જીવનની સારી શરૂઆત કરી શકે છે એટલું જ નહીં પરંતુ આ પ્રક્રિયામાં તેમને ભાગીદાર બનાવવાથી તેમને પૈસાનું મહત્ત્વ વધારે સારી રીતે સમજાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોય અને થોડાક સમય માટે પૈસાની બચત ન કરી શકે તો એ ચિંતાનો વિષય નથી. મહત્ત્વની વાત એ છે કે પૈસા ઉધાર ન લે અને બિનજરૂરી કોઈપણ વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરે.

ફિટ્ઝગેરાલ્ડે ક્હયું, "દરેક માતા-પિતાનું એક સપનું હોય છે કે તે પોતાનાં બાળકોને સારું અને સુરક્ષિત ભવિષ્ય આપે. જો કે હકીકત એ છે કે મોંઘવારીને કારણે આપણે જીવન ચલાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે કારણે લોકોની બચત કરવાની ક્ષમતા ઘટતી જાય છે."

ચક્રવૃદ્ધિ વ્યાજના જાદુને અવગણશો નહીં

કેટલાક લોકો ચક્રવૃદ્ધિ વ્યાજને મફતના પૈસા ગણાવે છે તો અમુક તેને દુનિયાની આઠમી અજાયબી ગણે છે. કારણ કે એ તમારી પૂંજીને કેટલાય ગણી વધારી દેશે અને વ્યક્તિને તેનો અંદાજો પણ નથી થતો.

માનો કે તમે પોતાના બચત ખાતાની શરૂઆત કરી અને આ બચત ખાતા પર બૅન્ક તમને પાંચ ટકા વ્યાજ આપે છે. તમે આ ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરો છો. હવે, આ દસ હજાર રૂપિયા કેવી રીતે વધતા જશે તે તમે આ અહેવાલમાં આગળ જાણી શકશો.

તમે બચત ખાતામાં જમા કરેલા દસ હજાર રૂપિયા એક વર્ષ પછી 10,500 રૂપિયા થઈ જશે. ચક્રવૃદ્ધિ વ્યાજની બાબતે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમને તેનો ફાયદો તો જ મળશે જો તમે બચત ખાતામાંથી મૂળ રાશિ અને તેના પર મળેલા વ્યાજની રકમ પણ ન ઉપાડો.

હવે બીજા વર્ષની વાત કરીએ.

બીજા વર્ષે તમને પહેલા વર્ષની જેમ માત્ર 500 રૂપિયા જ વ્યાજ નહીં મળે પરંતુ તમને 10,500 રૂપિયા ઉપર વાર્ષિક પાંચ ટકા લેખે 525 રૂપિયા વ્યાજ મળશે. આમ બે વર્ષનાં અંતે તમારા ખાતામાં જમા કરાવેલ દસ હજાર રૂપિયા વધીને 11,025 રૂપિયા થઈ જશે.

ત્રીજા વર્ષે આ 11,025 રૂપિયા પર વાર્ષિક વ્યાજ રૂપિયા 550 મળશે અને તમારી રાશી વધીને 11,575 થઈ જશે. ચોથા વર્ષે આ રકમ 12,153 રૂપિયા થશે અને પાંચમા વર્ષે તે રકમ વધીને 12,760 રૂપિયા થઈ જશે.

આમ જ્યારે બાળક 18 વર્ષનું થશે ત્યારે આ રકમ ઘણી મોટી થઈ જશે.

નિષ્ણાંતોનું કહેવું છે કે તમે થોડી-થોડી બચત કરો બાકીનું કામ ગણિત પર છોડી દો.

ગલ્લો (પિગી બૅન્ક) ખરીદીને આપો

નિષ્ણાતોનું માનવું છે કે જો તમે બાળકોને પૈસાના મહત્ત્વ વિશે શીખડાવા માંગતા હોય તો તેમને એક ગલ્લો ખરીદીને આપો.

તેઓ કહે છે કે ગલ્લો ખરીદવાથી બાળકોને એ શીખવા મળશે કે પૈસા કોઈ રમકડું નથી અને તેને સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ.

ગલ્લાને કારણે બાળકોને અલગ-અલગ રૂપિયાના સિક્કાનું મહત્ત્વ પણ સમજાશે. તેમને ખબર પડશે કે પાંચ રૂપિયાની કિંમત બે રૂપિયાના સિક્કાથી વધારે છે.

નિષ્ણાતો માને છે કે બાળકોને પૉકેટ મની આપવી એક સારી શરૂઆત છે.

એ જરૂરી છે કે દરેક માતા-પિતા પોતાનાં બાળકો માટે બચત કરે પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે આપણાં બાળકો પણ પૈસાના મહત્ત્વને સમજે જેનાથી તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે.