Income Tax : ઇન્કમટૅક્સ રિટર્ન (ITR) શું છે? તેને કેવી રીતે ભરવું?

    • લેેખક, જાન્હવી મૂળે
    • પદ, બીબીસી મરાઠી

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26ના બજેટમાં નવા ઇન્કમટૅક્સ સ્લૅબની ઘોષણા કરીને નવા ટૅક્સ રિજીમમાં વર્ષે 12 લાખની આવક પર ઇન્કમટૅક્સમાં રાહત આપી છે. ભલે 12 લાખની આવક પર આવકવેરામાં આટલી મોટી રાહત મળી હોય પરંતુ તેમને ઇન્કમટૅક્સ રિટર્ન ભરવામાં કોઈ છૂટ નથી મળી.

જૂન-જુલાઈના મહિના આવે એટલે ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાને લઈને લોકો દોડધામ શરૂ કરી દે છે.

આ ઇન્કમટૅક્સ રિટર્ન દર વર્ષે 31મી જુલાઈ સુધીમાં ભરી દેવામાં આવે તેવી સરકાર અપેક્ષા રાખતી હોય છે. પરંતુ જેટલી વહેલી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય તેટલું સારું એવું કહેવામાં આવે છે.

તો ચાલો જાણીએ ઇન્કમટૅક્સ રિટર્ન એટલે શું, તેને શા માટે ભરવું ફરજિયાત છે અને તેના માટેની ઓનલાઇન પ્રક્રિયા શું છે?

સૌ પ્રથમ ITR ભરવા અને ઇન્કમટૅક્સ ભરવા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ઇન્કમટૅક્સ રિટર્ન એટલે કે ITR એ એક ફૉર્મ છે. આ ફૉર્મ દ્વારા તમે ભારતની કેન્દ્ર સરકારના આવકવેરા વિભાગને તમારી આવક વિશેની માહિતગાર કરો છો.

તેનાથી વિપરિત, આવકવેરો ભરવાનો અર્થ એ છે કે તે આવક પર કોઈપણ કર તમે ચૂકવો છો.

ITR ફાઈલ કરતા પહેલાં, એ જાણવું જરૂરી છે કે તમે આવકની કઈ કૅટેગરી સાથે સંબંધ ધરાવો છો.

ઇન્કમટૅક્સ રિટર્ન કોણે ભરવું જોઈએ?

જે વ્યક્તિની આવક સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે એટલે કે મૂળભૂત છૂટની જે મર્યાદા છે તેનાથી વધુ છે તો તેમણે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. વર્તમાન નિયમો મુજબ, જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે ઇન્કમટૅક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે.

જો તમે નોકરી અથવા વ્યવસાય કરી રહ્યા છો, તો ITR ફાઈલ કરવું ફરજિયાત છે. જો તમારી આવક રૂપિયા 2.5 લાખથી ઓછી છે તો તમારી આવક કરપાત્ર નથી, તેમ છતાં રિટર્ન ફાઈલ કરવું સારી બાબત છે.

કારણ કે જો ITR ભરવામાં આવે છે, તો વિદેશ પ્રવાસના વિઝા, ક્રૅડિટ-કાર્ડ, સરકારી યોજના, હોમ લોન અને ઘર અથવા જમીનની નોંધણી માટે અરજી કરતી વખતે તમારી વિશ્વસનીયતા વધે છે. તેથી રિટર્ન સમયસર ભરવું જોઈએ.

ઉપરાંત, જો તમારી કુલ આવક કરપાત્ર નથી, પરંતુ તમારો TDS કાપવામાં આવ્યો છે, તો તમે રિટર્ન ફાઈલ કરીને ટૅક્સ રિફંડ મેળવી શકો છો.

અથવા જો ટૅક્સ બચત માટેનું રોકાણ કરવામાં આવ્યું હોય અને વધુ ટૅક્સ કાપવામાં આવ્યો હોય, તો તમે રિટર્ન ફાઈલ કરીને પૈસા પાછા મેળવી શકો છો.

કયું ITR ફૉર્મ ભરવું?

ઇન્કમટૅક્સ રિટર્ન ભરવા માટેનાં ફૉર્મ એકથી વધુ પ્રકારના હોય છે. આવકવેરા વિભાગની વેબસાઇટ પર આ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે .

ITR - 1(સહજ) : જો તમે નોકરી કરતા હો, એક જ ઘર ધરાવો છો અને તમારી પાસે આવકના કેટલાક અન્ય સ્રોત છે અને કુલ આવક રૂપિયા 50 લાખથી ઓછી છે અને કૃષિથી થતી આવક 5000 રૂપિયા સુધીની છે, તો તમે આ ITR-1 ફૉર્મ સીધા ઑનલાઇન ભરી શકો છો.

ITR-2 : જે લોકો વેપારની હેઠળ હેડ નફો કે વળતર ન મેળવતા અને ITR-1 ભરવા યોગ્ય નથી તેમના માટે

ITR-3 : જે લોકો વેપારની હેઠળ હેડ નફો કે વળતર મેળવતા હોય અને ITR-1, 2 અથવા 4 ભરવા યોગ્ય નથી તેમના માટે

ITR-4 (સુગમ) : જો તમારી આવક 50 લાખ સુધીની થાય છે અને તમારી આવક કારોબાર અને વેપારથી થાય છે અને તેની ગણતરી (ધારા 44AD / 44ADA / 44AE હેઠળ થાય છે), આવકના કેટલાક અન્ય સ્રોત છે અને કૃષિથી થતી આવક 5000 રૂપિયા સુધીની છે તો ITR-4 ફૉર્મ ભરવું જોઈએ

ITR ફાઈલ કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર હોય છે?

આ ટૅક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે તમારે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી.

પરંતુ ITR ફાઈલ કરતી વખતે આ દસ્તાવેજોને તમારી પાસે રાખવાથી ફૉર્મમાં સાચી વિગતો ભરવામાં અથવા પહેલેથી ભરેલી વિગતો તપાસવામાં મદદ મળે છે.

ઉપરાંત, જો આવકવેરા વિભાગ પૂછે, તો તમારે આ દસ્તાવેજો આપવા પણ પડે.

જો તમે પગારદાર કર્મચારી છો, તો તમારે કંપની તરફથી ફૉર્મ 16 (A અને B), TDS પ્રમાણપત્રો સાથે રાખવા પડશે જે દર મહિને તમારા પગારમાંથી કાપવામાં આવતા ટૅક્સની માહિતી છે અને ફૉર્મ 26 (A) રોકાણની માહિતી સાથે ITR ફાઈલ કરતી વખતે તમારી પાસે રાખવા જોઈએ.

ફૉર્મ 26(A) આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

તમારા વિવિધ રોકાણોની વિગતોનો અર્થ છે, PPF, વીમો, મેડિકલ ખર્ચની રસીદો, ભાડા કરાર, દાન, બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર મેળવેલ વ્યાજ, મિલકત અથવા શૅરના વેચાણ પર નફો અને નુકસાનની વિગતો.

ઉપરાંત, જો તમે હોમ લોન લીધી હોય તો તેના સ્ટેટમેન્ટ તમારી પાસે રાખો.

જો તમે પગારદાર વ્યક્તિ છો, અને કંપનીને રોકાણની વિગતો આપી છે, તો આમાંથી ઘણી વસ્તુઓ તમારા ફૉર્મ 16માં હશે.

જો તમે પ્રૉફેશનલ છો, તો વાર્ષિક બૅલેન્સશીટ, પાસબુક, TDS અને TCS પ્રમાણપત્રો, રોકાણોની વિગતો, હોમ લોન સ્ટેટમેન્ટ્સ પણ સાથે રાખો.

તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં.

ITR કેવી રીતે ફાઈલ કરવું?

ITR ફાઈલ કરતી વખતે તમે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લઈ શકો છો. તમે ઓનલાઈન આ સેવા પૂરી પાડતી વેબસાઈટની મદદ લઈ શકો છો અથવા તમે તેને જાતે ભરી શકો છો.

ઓનલાઈન ITR ફાઈલ કરવાની પ્રક્રિયા પણ સરળ છે. તેની સંપૂર્ણ માહિતી આવકવેરા વિભાગની વેબસાઇટ પર આપવામાં આવી છે.

ઇન્કમટૅક્સ રિટર્ન ઓનલાઈન ફાઈલ કરવા માટે આ કરો

  • સૌ પ્રથમ તમારી પાસે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પ્રોફાઈલ હોવી જોઈએ. તેના માટે, સૌથી પહેલા આ વેબસાઈટના હોમ પેજના ઉપરના જમણા ખૂણે ટેબ પર જાઓ અને નોંધણી કરો. ત્યાં તમારે તમારી મૂળભૂત માહિતી, PAN વિગતો વગેરે ભરવાની રહેશે અને પાસવર્ડ જનરેટ કરવો પડશે. આ વિગતોનો ઉપયોગ કરીને ઇન્કમટૅક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે લોગિન કરો.
  • લોગીન કર્યા પછી ડેશબોર્ડ પર જાઓ ઈ-ફાઈલ પર ક્લિક કરો અને ઇન્કમટૅક્સ રિટર્ન પર જાઓ. ફાઈલ ઇન્કમટૅક્સ રિટર્ન વિકલ્પ પસંદ કરો અને તમે જે વર્ષ માટે ટૅક્સ ચૂકવો છો તે વર્ષ પસંદ કરો. ઓનલાઈન વિકલ્પ પણ પસંદ કરો.
  • આ પછી તમારે કેટલાક વધુ વિકલ્પો પસંદ કરવા પડશે. વ્યક્તિગત મતલબ એવો વિકલ્પ કે જે એક વ્યક્તિ માટે કર ચૂકવવામાં આવે અને યોગ્ય ટૅક્સ રિટર્ન ફૉર્મ પસંદ કરવાનું હોય.
  • તમને જોઈતા તમામ દસ્તાવેજો વિશે નીચેની માહિતી તપાસો અને પછી ‘લૅટ્સ ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો.
  • તમારે તે વિકલ્પ પસંદ કરવો પડશે જેના માટે તમે ટૅક્સ ચૂકવી રહ્યા છો. તે પછી તમારે પસંદ કરવાનું રહેશે કે તમે નવી કે જૂની ટૅક્સ સિસ્ટમ હેઠળ ટૅક્સ ચૂકવવા જઈ રહ્યા છો.
  • જો તમારી પાસે ફૉર્મ 16 છે, તો તમારી કેટલીક માહિતી અહીં પહેલેથી જ ભરવામાં આવશે. તપાસી જુઓ. જો તમે કોઈ ફેરફાર કરવા અથવા વધુ માહિતી ઉમેરવા માંગતા હો, તો કૃપા કરીને તે કરો.
  • દરેક વિભાગને યોગ્ય રીતે ભર્યા પછી રિટર્ન સબમિટ કરો. આ પછી તમારે ટૅક્સ રિટર્ન ‘ઈ’.
  • તમારા ખાતા સાથે લિંક થયેલ બૅન્ક એકાઉન્ટ પણ તપાસો. જો તમારે કોઈ ટૅક્સ ચૂકવવો હોય તો તે પછી ચૂકવણી કરી શકાય છે.
  • હવે તમે પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરી શકો છો. QR કોડ સ્કેન કરીને તરત જ ચુકવણી કરી શકાય છે.
  • પછી તમારે ફરીથી ‘eFiling’ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • તમારે તમારું ટૅક્સ રિટર્ન તાત્કાલિક અથવા આવનારા ત્રીસ દિવસની અંદર ‘ઇ-વેરિફાઈ’ કરવાનું રહેશે. ઈ-વેરીફાઈ કર્યા પછી તમને ટ્રાન્ઝેક્શન આઈડી અને ઍકનૉલેજમૅન્ટ નંબર મળશે. ઉપરાંત, પુષ્ટિકરણ મોબાઇલ પર SMSદ્વારા અને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

જો તમારો વધારાનો ટૅક્સ કાપવામાં આવ્યો હોય, તો જ્યાં સુધી ITR ફાઈલ કરવામાં ન આવે ત્યાં સુધી તમને ટૅક્સ રિફંડ મળશે નહીં.