નિવૃત્તિ બાદ પણ આવક ચાલુ રહે એ માટે શું કરવું?

    • લેેખક, આઈવીબી કાર્તિકેય
    • પદ, બીબીસી માટે

નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) એક રોકાણ યોજના છે, જે પેન્શન સુવિધાથી વંચિત રહેલા કામદાર વર્ગને રક્ષણાત્મક કવચ આપવાના હેતુસર સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે.

આ યોજના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2004થી અને તમામ રાજ્યોના સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે 2009થી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ યોજના દ્વારા રોકાણ કરનારા કર્મચારીઓની સંખ્યા હાલ વધીને 1.70 કરોડના આંકને વટાવી ગઈ છે.

નિવૃત્તિ પછીની આવક માટે ઘણાં સાધનોમાં રોકાણ કરી શકાય છે, પરંતુ એનપીએસ યોજના રોકાણના અન્ય વિકલ્પો કરતાં વધારે લોકપ્રિય છે.

મુખ્ય કારણ

તેનાં બે મુખ્ય કારણ છેઃ

આ યોજના હેઠળના રોકાણ પર આવકવેરામાં રૂ. 50,000 સુધીની છૂટ આપીને સરકાર રોકાણના આ સાધનને સમર્થન આપી રહી છે. તેનો અર્થ એ છે કે 30 ટકા ઇન્કમ ટેક્સ ભરતા લોકોને આ યોજનામાં રોકાણની સાથે રૂ. 17,000 સુધીનો લાભ તત્કાળ મળી શકે છે.

આ યોજનામાં કરવામાં આવેલું રોકાણ નફાકારક સાબિત થાય તે સુનિશ્ચિત કરવા અગ્રણી બૅન્કોના ફંડ મૅનેજરો યોગ્ય પગલાં લે છે. યોજના કેન્દ્ર સરકાર સમર્થિત હોવાથી અન્ય મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપની સરખામણીએ તેમાં ઇન્વેસ્ટમૅન્ટ કોસ્ટ ઘણી ઓછી છે.

આ યોજના કેવી રીતે કામ કરે છે?

એનપીએસમાં કરાયેલું રોકાણ વ્યાપક અર્થમાં મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનની નજીક છે.

ફંડ મૅનેજરો એનપીએસના ઇન્વેસ્ટર્સના રોકાણનું વિવિધ સ્વરૂપે ઇન્વેસ્ટમૅન્ટ કરે છે અને તેમાંથી મળતો નફો રોકાણકારોમાં વહેંચી આપે છે.

આ માત્ર પેન્શન સ્કીમ હોવાથી તેનો લાભ મેળવવા રોકાણકારે તેઓ 60 વર્ષની વયના થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.

60 વર્ષના થયા પછી પણ ચોક્કસ રકમની એન્યુઈટી લેવી જોઈએ. તે એન્યુઈટી રોકાણકાર માટે પેન્શનનું કામ કરે છે.

એલઆઈસીથી માંડીને તમામ અગ્રણી વીમા કંપનીઓ અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા આ એન્યુઈટી સુવિધા ઓફર કરી રહી છે. રોકાણકાર તેની જરૂરિયાત અનુસાર એન્યુઈટી પ્લાન પસંદ કરી શકે છે.

રોકાણકારો તેમની જરૂરિયાત મુજબ નીચે પૈકીની ચારમાંથી કોઈ પણ સ્કીમ પસંદ કરી શકે છે.

  • સ્કીમ ઈ (ઈક્વિટી) – આ સ્કીમમાં રોકવામાં આવેલી રકમમાંથી 75 ટકા સુધીનું રોકાણ ઈક્વિટીમાં કરવામાં આવે છે.
  • સ્કીમ સી (કૉર્પોરેટ ડેટ) – આ સ્કીમ 100 ટકા રોકાણ કૉર્પોરેટ બૉન્ડમાં કરવાની તક આપે છે.
  • સ્કીમ જી (સરકારી બૉન્ડ) – આ સ્કીમ કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલા બૉન્ડમાં રોકાણ કરવાની તક આપે છે.
  • સ્કીમ એ (રોકાણનાં અન્ય સાધનો) – આ સ્કીમ ઉપરોક્ત ત્રણેય સાધનો સિવાયનાં સાધનોમાં રોકાણની તક આપે છે. જોકે, આ યોજના માત્ર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. સરકારી કર્મચારીઓ માટે આ વિકલ્પ નથી.

કઈ યોજનામાં રોકાણ કરવું?

રોકાણકારો એનપીએસની ઉપરોક્ત ચારમાંથી કોઈ પણ સ્કીમમાં રોકાણ કરી શકે છે.

આ ચારેય યોજનાની આગવી વિશેષતા છે. તેથી તેની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. દાખલા તરીકે 45 વર્ષથી ઓછી વયના કર્મચારીઓ ઉચ્ચ જોખમવાળી ઈક્વિટી સ્કીમમાં રોકાણ કરી શકે અને મહત્તમ વળતર મેળવી શકે.

જેઓ નિવૃત્તિની વય નજીક હોય તેમણે વધુ જોખમ ન લેવું જોઈએ. એવા લોકો માટે સરકારી બૉન્ડમાં રોકાણ કરવું સલાહભર્યું છે.

એનપીએસની વિશેષતા એ છે કે તે વિવિધ કર્મચારીઓને તેમની જરૂરિયાત અનુસાર રોકાણ કરવાની તક આપે છે.

એ ઉપરાંત રોકાણકારો ઓટો સિલેક્ટ સુવિધાનો ઉપયોગ કરે તો તેમનું રોકાણ તેમની વય વધવાની સાથે ઈક્વિટીમાંથી ડેબિટમાં પરિવર્તિત થઈ જાય છે.

આ યોજનામાં કોઈ વાસ્તવિક જોખમ છે?

ઉપર પૈકીની દરેક સ્કીમમાં ચોક્કસ પ્રમાણમાં જોખમ સંકળાયેલું છે. આપણે યાદ રાખવું જોઈએ કે દરેક રોકાણમાં જોખમ હોય જ છે, પરંતુ આ યોજનાને કેન્દ્ર સરકારનું પીઠબળ હોવાથી તેમાં જોખમ ઘણું ઓછું છે.

સરકારી બૉન્ડમાં 100 ટકા રોકાણ કરનાર માટે જોખમ ઓછું હોય છે, પરંતુ કેટલુંક જોખમ તો હોય જ છે. જે લોકો લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે રોકાણ કરે છે તેમને જોખમ ઘટાડવાનો સિદ્ધાંત લાગુ પડે છે.

માર્કેટમાં ઉપલબ્ધ અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરીને આ સ્કીમ કરતાં વધુ નફો મેળવી શકાય એવી દલીલ બીજી તરફ કરવામાં આવે છે, પરંતુ તેમાં આવકવેરામાંથી રાહત મળતી નથી.

તેથી આ યોજનાનો ઉપયોગ નિવૃત્તિ બાદની જરૂરિયાત કરવો હિતાવહ છે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું?

લગભગ તમામ અગ્રણી બૅન્કો તેમના ઑનલાઇન એકાઉન્ટ્સ મારફત આ યોજનામાં રોકાણનો વિકલ્પ આપે છે.

રોકાણ કરવા ઇચ્છતી વ્યક્તિએ તે પહેલાં એનપીએસની વેબસાઇટ પર પાન-આધાર કાર્ડનો ઉપયોગ કરીને પર્મેનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) મેળવવો પડે છે.

એ પછી તેઓ એ નંબરને તેમના બૅન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરી શકે છે અને તેમની પસંદગીની યોજનામાં સરળતાથી રોકાણ કરી શકે છે.

એ ઉપરાંત ડીમેટ સુવિધા આપતી સંસ્થાઓ દ્વારા પણ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

બન્નેમાંથી કોઈ પણ પદ્ધતિ પસંદ કરો, રજિસ્ટ્રેશનની કામગીરી માત્ર બેથી ત્રણ વર્કિંગ ડેમાં પૂર્ણ થઈ જાય છે.