તમારી બૅન્કનું ડૅબિટ કાર્ડ તમને અકસ્માત વીમો આપે છે, એ કેવી રીતે મેળવી શકાય?

    • લેેખક, સુભાષચંદ્ર બોઝ
    • પદ, બીબીસી તામિલ

તમારી બૅન્કનું ડૅબિટ કાર્ડ તમને અકસ્માત વીમો આપે છે, એ કેવી રીતે મેળવી શકાય?

આપણે પૈકીના મોટાભાગના લોકોને જીવન વીમા અથવા અકસ્માત વીમા યોજના બાબતે જાણકારી હોવી જોઈએ. તેમાં આપણે પ્રીમિયમ ભરીએ છીએ અને અકસ્માત અથવા મૃત્યુના કિસ્સામાં આપણને અથવા આપણા પરિવારને વીમાનો લાભ મળે છે.

આપણા પૈકીના કેટલા લોકો એ જાણે છે કે બેન્કના એટીએમ કાર્ડ પર પણ વીમાનો લાભ મેળવી શકાય છે? એ માટે અલગથી પૈસા ચૂકવવા પડતા નથી. આ પ્રકારના વીમાની સંપૂર્ણ વિગત આ લેખમાં છે.

ડિજિટલ યુગમાં મોટાભાગની પૈસાની ટ્રાન્સફર ઇન્ટરનેટ દ્વારા થાય છે. સ્થાનિક દુકાનથી માંડીને વૈશ્વિક માર્કેટ સુધી ડિજિટલ મની ટ્રાન્ઝેક્શન મહત્વનો હિસ્સો બની ગયું છે. તેમાં ડેબિટ કાર્ડ મુખ્ય ભૂમિકા ભજવે છે.

માત્ર ભારતમાં બૅન્કિગ ક્ષેત્રે સેંકડો જાહેર તથા ખાનગી અને આંતરરાષ્ટ્રીય બૅન્કો કાર્યરત છે. એ સિવાય માઈક્રો બૅન્ક્સ અને નાણાકીય સંસ્થાઓ પણ બૅન્કિંગ સંબંધી પ્રવૃત્તિઓ કરી રહી છે.

રિઝર્વ બૅન્કે ગયા સપ્ટેમ્બરમાં બહાર પાડેલા એક જાહેરનામા મુજબ, માત્ર ભારતમાં 966 મિલિયન એટીએમ કાર્ડ્ઝનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં એક જ ખાતેદાર દ્વારા ઉપયોગમાં લેવાતા એકથી વધુ કાર્ડનો સમાવેશ થાય છે.

ડેબિટ કાર્ડ વીમા યોજના શું છે?

જાહેર ક્ષેત્રની બૅન્કોથી માંડીને ભારતભરની ખાનગી ક્ષેત્રની બૅન્કો સુધી, સંબંધિત બૅન્કોના નિયમાનુસાર વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેને એટીએમ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એ પૈકીનાં એક છે.

એટીએમના પ્રકારને આધારે નાણાં ઉપાડવાની અને વિવિધ હેતુઓ માટે તેના ઉપયોગ દ્વારા નાણાંની આપલેની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

એ ઉપરાંત આ કાર્ડ ધરાવતા વપરાશકર્તાઓને એક અન્ય લાભ પણ મળે છે. તે લાભ ડેબિટ કાર્ડ કૉમ્પ્લીમેન્ટરી ઈન્સ્યુરન્સ કવર નામ હેઠળ ઑફર કરવામાં આવતી અકસ્માત અથવા જીવન વીમા યોજના છે. તેના માટે અન્ય વીમા યોજનાઓની માફક કોઈ માસિક કે વાર્ષિક પ્રિમિયમ ચૂકવવું પડતું નથી.

તેના બદલે તમારા ડેબિટ કાર્ડના ઉપયોગને આધારે તમારી બૅન્ક દ્વારા વાર્ષિક ધોરણે અમુક રકમ કાપી લેવામાં આવે છે. તેનો એક હિસ્સો વપરાશકર્તા વતી અન્ય વીમા કંપનીઓ સાથે મળીને બૅન્ક દ્વારા સંચાલિત વીમા એકાઉન્ટમાં જાય છે.

અકસ્માત અથવા મૃત્યુના કિસ્સામાં આ વીમાના પૈસા પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ નવાઈની વાત એ છે કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો તેની વિગતથી વાકેફ નથી.

બૅન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતા સુનીલ કુમારનું કહેવું છે કે સામાન્ય લોકો જ નહીં, પરંતુ ઘણા બૅન્ક કર્મચારીઓ પણ જાણતા નથી કે આવી કોઈ વીમા યોજનાનું અસ્તિત્વ છે. પરિણામે કોઈ ખાતેદાર આ પ્રકારના વીમા કવરેજ માટે ભાગ્યે જ બેન્કને અરજી કરે છે. બેન્કો પણ તેમના કર્મચારીઓને આ સંબંધી તાલીમ આપતી નથી.

તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની બેન્કો તેમના ગ્રાહકોને આવા વીમા બાબતે કશું જણાવતી નથી. તેને કર્મચારીઓની સંખ્યા સાથે સંબંધ હોય છે. તેથી આ બાબતે મીડિયાએ વાત કરવી જોઈએ.

ડેબિટ કાર્ડ વીમા યોજના કેવી રીતે કામ કરે છે?

દરેક બૅન્ક દ્વારા અલગ અલગ રીતે એટીએમ કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. કાર્ડને તેની વાર્ષિક ફી અને ઉપયોગના આધારે રેન્ક આપવામાં આવે છે. દાખલા તરીકે, તેનો પદાનુક્રમ સિલ્વર, ગોલ્ડ અને ડાયમંડ એ રીતનો હોય છે.

કાર્ડધારકની વીમા રકમનો આધાર તેના પર હોય છે. બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ બેન્કર સી પી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે તમે વધારે ફીવાળા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હો તો તમને વીમા કવરેજનો લાભ મળી શકે છે.

ડેબિટ કાર્ડ કૉમ્પ્લીમેન્ટરી ઇન્શ્યૉરન્સ કવરેજ નામના કાર્યક્રમના અમલ માટે બૅન્કોએ જાહેર તથા ખાનગી વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.

રિઝર્વ બૅન્ક દ્વારા આપવામાં આવેલા અધિકારના આધારે તમામ બૅન્કો આ યોજનાના લાભ અને શરતો નક્કી કરી શકે છે. તેથી લગભગ તમામ બેન્કોમાં આ યોજના છે. ક્રિષ્ના કહે છે, “મને ખબર છે ત્યાં સુધી આ પ્રોજેક્ટ 20થી વધુ વર્ષથી ચાલી રહ્યો છે.”

વીમાના લાભ

મોટાભાગની અગ્રણી બૅન્કો ડેબિટ કાર્ડ ઇન્શ્યૉરન્સ કવરેજ બાબતે તેમની વેબસાઇટ્સ પર સ્પષ્ટ માહિતી આપે છે. એ મુજબ કાર્ડધારક અકસ્માત અથવા જાનહાનિના કિસ્સામાં વીમાનો લાભ મેળવી શકે છે.

તેના નિયમો દરેક બૅન્કની નીતિ મુજબના હોય છે. તે મુજબ, કાર્ડધારક અથવા તેના આશ્રિતો વીમાની રકમ માટે અકસ્માતના ત્રણથી છ મહિનામાં અરજી કરી શકે છે.

તેમાં બૅન્ક અકાઉન્ટમાંથી પૈસાની ચોરી, વ્યક્તિગત અકસ્માત વીમો, હવાઈ અકસ્માત વીમો, માલની ખરીદી સંબંધી સુરક્ષા, માલના નુકસાન સહિતની બાબતો માટે વીમા લાભ પ્રદાન કરવામાં આવે છે.

આમાંથી શું આપવું તેનો આધાર સંબંધિત બૅન્કોના નિયમ પર હોય છે. બૅન્ક માટે જરૂરી તમામ દસ્તાવેજો નિયમ અનુસારના હોય તો અકસ્માતના પ્રકારના આધારે ઓછામાં ઓછા રૂ. 50,000થી માંડીને રૂ. બે કરોડ સુધીનો વીમાનો લાભ મળે છે.

વીમા કવરેજ કેવી રીતે મેળવવું?

સુનીલ કુમારના જણાવ્યા મુજબ, ડેબિટ કાર્ડ વીમા યોજના માટે અરજી કરવાનું કામ બહુ મોટું નથી.

સામાન્ય રીતે બૅન્કમાં જઈને અરજીપત્રમાં જરૂરી વિગતો યોગ્ય રીતે ભરવાની હોય છે અને જરૂરી દસ્તાવેજો આપવાના હોય છે.

બૅન્ક તેને વીમા સંબંધી અધિકારીને મોકલી આપે છે. અધિકારી તેને ચકાસે છે અને જરૂરી વ્યવસ્થા કરે છે. એ પછી અરજીને મંજુર કરવામાં આવે છે અને બાદમાં લાભાર્થીને ચૂકવણી કરવામાં આવે છે.

અરજીનો અસ્વીકાર ક્યા કારણોસર થઈ શકે?

અરજીનો અસ્વીકાર કેવા કારણોસર થઈ શકે, એવા સવાલના જવાબમાં સુનીલ કુમારે જણાવ્યું હતું કે એ સંબંધે દરેક બેન્કના નિયમો અલગ અલગ છે.

તેમણે કહ્યું હતું, “સૌપ્રથમ તો બૅન્ક અકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. ખાતેદાર અથવા તેના આશ્રિતો અકસ્માતની તારીખથી ત્રણ મહિનાની અંદર બૅન્કમાં અરજી ન કરે તો વીમાની અરજી નામંજૂર થઈ શકે છે.”

ડેથ સર્ટિફિકેટ, બૅન્ક અકાઉન્ટ સંબંધી દસ્તાવેજો, સરકારી ઓળખપત્ર અને અકસ્માતનો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જેવા દસ્તાવેજો બૅન્કો દ્વારા માગવામાં આવે છે. તે સુપરત ન કરવામાં આવે તો પણ અરજીનો અસ્વીકાર થઈ શકે છે.

એવી જ રીતે, સંબંધિત બેન્કના ખાતાધારકે નિર્ધારિત સમયગાળામાં ડેબિટ કાર્ડનો ઉપયોગ ઓછામાં ઓછો એક વખત કર્યો હોય તે જરૂરી છે.

હવાઈ દુર્ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિએ ફ્લાઈટની ટિકિટ ડેબિડ કાર્ડ વડે ખરીદેલી હોવી જોઈએ. દરેક બેન્કમાં આવા અલગ અલગ ધારાધોરણો હોય છે, એમ સુનીલ કુમારે જણાવ્યું હતું.

લોકોમાં જાણકારી કેમ નથી?

બૅન્કો જનરલ જીવન વીમા તથા જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓ સાથેની ભાગીદારીમાં અકસ્માત તથા જીવન વીમા યોજના ઓફર કરતી હોય છે. દરેક બેન્કની આગવી પ્રક્રિયા હોય છે.

એલઆઈસીના એક કર્મચારી અને ઇન્શ્યૉરન્સ ઍમ્પ્લોઈઝ ફેડરેશન, સાઉથ ઝોનના મહામંત્રી સુરેશે કહ્યું હતું, “ડેબિટ કાર્ડ સાથે અંગ્રેજીમાં આપવામાં આવતા દસ્તાવેજોમાંની માહિતી લોકો ઘણીવાર વાંચતા નથી. એવા લોકોને જાણ કરવાના પ્રયાસ બેન્કો પણ કરતી નથી.”

બૅન્કોની કાર્યવાહી અને કાર્યપદ્ધતિ વિશે લોકોને જાગૃત કરવાની રિઝર્વ બેન્કની ફરજ છે. તેથી રિઝર્વ બૅન્કે જાહેરાત કરી હતી કે તે બૅન્કોમાંની હજારો કરોડ રૂપિયાની અનયુઝ્ડ ડીપોઝિટ્સનો ઉપયોગ કરશે.

બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા થતા નાણાકીય નુકસાન સામે વીમો મળે છે એ વાત સરકાર કે રિઝર્વ બૅન્ક લોકોને યોગ્ય રીતે જણાવતા નથી, એવી ટીકા સી પી ક્રિષ્નાએ કરી હતી.

રિઝર્વ બૅન્ક પાસે શું સત્તા છે?

વપરાશકર્તાને ચોક્કસ બૅન્ક પેમેન્ટ ન કરવામાં આવે તો કોને ફરિયાદ કરી શકાય, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, “બૅન્કોનું એકંદર સંચાલન રિઝર્વ બૅન્કના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેથી વીમા સંબંધી બાબતોમાં પણ રિઝર્વ બૅન્ક દરમિયાનગીરી કરી શકે છે.”

સુનીલ કુમારે કહ્યું હતું, “બૅન્કો પાત્રતા ધરાવતા વપરાશકર્તાને ચૂકવણીનો ઇનકાર કરે તો વપરાશકર્તા અરજી અને દસ્તાવેજો સાથે રિઝર્વ બેન્કનો સંપર્ક સાધી શકે છે, પરંતુ તેનું નિરાકરણ કેટલી હદે થશે એ હું જાણતો નથી.”

વીમાના અનક્લેઇમ્ડ નાણાંનું શું થાય છે?

ડેબિટ કાર્ડ વીમા યોજના બાબતે કોઈ કશું જાણતું જ ન હોય તો કોઈ એના વિશે પૂછશે નહીં. એ કિસ્સામાં કુલ રકમ ચોક્કસ વીમા કંપનીના ખાતામાં જશે.

સી પી કિષ્ણન આક્ષેપ કરે છે, “એ સરકારી કંપની હશે તો તેનો એક હિસ્સો કર સ્વરૂપે સરકારને મળશે. એ ખાનગી કંપની હશે તો એ બધા નાણાં તેમના માટે નફો હશે.”

જોકે, એક જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીના કર્મચારીએ આ બાબતે જણાવ્યું હતું કે વીમા કંપનીને જે કોઈોજના હેઠળ નાણાં પ્રાપ્ત થાય તેને ગ્રોસ રીસિપ્ટ ગણવામાં આવે છે.

“લોકો દ્વારા વિવિધ વીમા યોજના માટે ક્લેઇમ કરવામાં આવે છે તેના નાણાં ગ્રૉસ રીસિપ્ટમાંથી આપવામાં આવે છે. તેથી અમારી પાસે કોઈ પૈસા હોતા નથી. તે આવક અને ખર્ચ હોય છે,” એમ તેમણે કહ્યું હતું.