પોસ્ટ ઑફિસની આઠ બચત યોજનાઓ, જેમાં બૅન્ક કરતાં વધુ વ્યાજ મળે છે

    • લેેખક, ભગવાન શિવા
    • પદ, બીબીસી તમિલ

તમે છેલ્લે ક્યારે પોસ્ટ ઑફિસે ગયા હતા? તમને યાદ ન હોય તો વિચારો.

કેટલાક કદાચ એવું વિચારશે કે દુનિયા વધુને વધુ ડિજિટલ થઈ રહી છે ત્યારે પોસ્ટ ઑફિસે જવાની જરૂર શું છે?

169 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી ભારતીય પોસ્ટલ સર્વિસનું કામ માત્ર ટપાલ પહોંચાડવા પૂરતું મર્યાદિત નથી. પોસ્ટ ઑફિસ અનેક બચત યોજના પણ ઑફર કરે છે. એ પૈકીની મોટાભાગની યોજનાઓમાં, બૅન્કો કરતાં પણ વધુ વ્યાજ આપવામાં આવે છે.

ખાસ કરીને તમે મહિલા કે સિનિયર સીટિઝન હો તો પોસ્ટ ઑફિસ સેવિંગ્ઝ સ્કીમ તમારા માટે બહુ લાભકારક સાબિત થઈ શકે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ ઑફિસની મોટી બચત યોજનાઓ વિશે માહિતી મેળવીએ.

નેશનલ સેવિંગ્ઝ ટાઇમ ડિપોઝિટ સ્કીમ

આ યોજના બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ જેવી છે. બૅન્કોમાં તેને ફિક્સ્ડ ડિપોઝિટ કહેવામાં આવે છે, જ્યારે પોસ્ટ ઑફિસમાં તેને ટાઇમ ડિપોઝિટ કહેવામાં આવે છે.

આ યોજનામાં એક વર્ષથી માંડીને પાંચ વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. તેમાં એક વર્ષ માટે 6.9 ટકા અને મહત્તમ પાંચ વર્ષની ટર્મ ડિપોઝિટ માટે 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે.

વ્યાજની ગણતરી પ્રત્યેક ક્વાર્ટરમાં કરવામાં આવે છે અને વર્ષના અંતે તે પોસ્ટલ બચત ખાતામાં જમા કરવામાં આવે છે.

તમે નેશનલ સેવિંગ્ઝ ટર્મ ડિપોઝિટમાં સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરો તો આવકવેરા ધારાની કલમ 80સી હેઠળ રૂ. દોઢ લાખ સુધીની કર કપાતનો લાભ મળે છે.

આ સ્કીમમાં રૂ. એક લાખનું રોકાણ કરવામાં આવે તો પાંચ વર્ષ પછી રૂ. 1,37,500 મળે છે.

બૅન્કો ઓછું વ્યાજ ઑફર કરે છે ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે, વધુ વ્યાજ ઑફર કરતી નેશનલ સેવિંગ્ઝ ટર્મ ડિપોઝિટ સ્કીમ ઉપયોગી છે.

નેશનલ સેવિંગ્ઝ મન્થલી ઇન્કમ સ્કીમ

આ યોજનામાં વ્યાજની ચૂકવણી માસિક ધોરણે કરવામાં આવે છે. 7.4 ટકા વ્યાજ ઑફર કરતી આ સ્કીમમાં મહત્તમ રૂ. નવ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જૉઇન્ટ ઍકાઉન્ટ હોય તો રૂ. 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે.

આ યોજનામાં રોકાણ કર્યા પછીના પ્રથમ વર્ષમાં પૈસા ઉપાડી શકાતા નથી. તમે એક વર્ષ પછી અથવા ત્રણ વર્ષ પહેલાં ઍકાઉન્ટ ક્લૉઝ કરો તો તમારા રોકાણમાંથી બે ટકા કપાત કરવામાં આવે છે.

તમે ત્રણ વર્ષ પછી યોજનામાંથી બહાર નીકળવા ઇચ્છતા હો તો એક ટકા કપાત કરવામાં આવે છે. જોકે, આ યોજનામાં મળતા વ્યાજની તુલનાએ રોકાણમાંથી કાપી લેવામાં આવેલી રકમ ઓછી હશે.

આ યોજના હેઠળ તમે રૂ. એક લાખનું રોકાણ કરો તો પાંચ વર્ષમાં તમને કુલ રૂ. 37,000 વ્યાજ પેટે મળશે. આ સ્કીમમાં મહત્તમ રૂ. 15 લાખનું રોકાણ કરી શકાય છે. એટલે પાંચ વર્ષમાં તેના વ્યાજ તરીકે રૂ. 5,55,000 મળી શકે.

આ સ્કીમ કરમુક્ત નથી.

સિનિયર સિટીઝન્સ સેવિંગ્ઝ સ્કીમ

આ યોજના 60થી વધુ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકો માટે છે. 55 વર્ષથી વધુ તથા 60 વર્ષથી ઓછી વયના નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને 50 વર્ષથી વધુ તથા 60 વર્ષથી ઓછી વયના નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લોકોએ નિવૃત્તિ લાભ મળ્યાના એક મહિનામાં રોકાણ કરવું જરૂરી છે.

પોસ્ટલ બચત યોજનાઓમાં આ યોજનાનો વ્યાજ દર સૌથી વધુ છે. તેનો વ્યાજ દર 8.2 ટકા છે.

આ યોજનામાં લઘુતમ રૂ. 1000નું અને મહત્તમ રૂ. 30 લાખનું રોકાણ કરી શકાય છે. વ્યાજ પ્રત્યેક ક્વાર્ટરમાં એક વખત બચત ખાતામાં જમા કરવામાં આવે છે.

પાંચ વર્ષની આ યોજનામાંથી તમે પહેલાં જ વર્ષમાં રોકાણ પાછું ખેંચી લો તો તમને કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. અગાઉના ક્વાર્ટરનું વ્યાજ તમારા ખાતામાં જમા કરવામાં આવ્યું હશે તો તે પણ કાપી લેવામાં આવશે. તમે આ યોજનામાંથી એક વર્ષ બાદ અને બે વર્ષ પહેલાં રોકાણ પાછું ખેંચવા ઇચ્છતા હો તો રોકાણની રકમમાંથી દોઢ ટકાની કપાત કરવામાં આવશે. તે પછી ઍકાઉન્ટ બંધ કરવા માટે એક ટકા કપાત લેવામાં આવશે.

આ યોજનામાં પાંચ વર્ષ માટે રૂ. એક લાખનું રોકાણ કરવામાં આવે તો પાકતી મુદ્દતે રૂ. 1,41,000 મળે છે. તેનો અર્થ એવો થાય કે આ યોજનામાં મહત્તમ રૂ. 30 લાખનું રોકાણ કરવામાં આવે તો પાંચ વર્ષની પાકતી મુદ્દતે તમારા હાથમાં રૂ. 42,30,000 આવશે.

નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક રૂ. 50,000થી વધારે હશે તો તેના પર ટેક્સ વસૂલવામાં આવશે. આ યોજનામાંથી તમારી કમાણી ચૂકવવાપાત્ર આવકવેરા કરતાં ઓછી હોય તો તમે ફૉર્મ 15જી/15 ઍચ ભરીને કર કપાત ટાળી શકો છો.

મહિલા સન્માન બચત યોજના

મહિલાઓને બચત માટે પ્રોત્સાહિત કરવા પોસ્ટ ઑફિસ દ્વારા ઑફર કરવામાં આવતી આ એક વિશેષ યોજના છે.

બે વર્ષની મુદ્દતની આ યોજનામાં રોકાણ સામે વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે.

પોસ્ટ ઑફિસ અને બૅકો દ્વારા ઑફર કરવામાં આવતી અન્ય યોજનાઓની તુલનામાં આ યોજના ટૂંકા ગાળાની બચત માટે વધુ વ્યાજ આપે છે.

આ યોજનામાં કમસે કમ રૂ. 1,000 અને મહત્તમ રૂ. બે લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. દાખલા તરીકે, તમે એક લાખ રૂપિયાનું રોકાણ બે વર્ષ માટે કરો તો પાકતી મુદ્દતે તમારા હાથમાં રૂ. 1,16,022 આવે છે. તમે મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરો તો પાકતી મુદ્દતે રૂ. 2,32,000 મળે છે.

આ યોજના કરમુક્ત નથી.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ

જનરલ પ્રૉવિડન્ટ ફંડ એ સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની શ્રેષ્ઠ બચત યોજના છે.

હાલમાં આ સ્કીમમાં 7.1 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. અન્ય યોજનાઓમાં પાકતી મુદ્દતે નિર્ધારિત વ્યાજ ચૂકવવામાં આવે છે, જ્યારે આ સ્કીમમાં વ્યાજનો દર નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આધીન છે. તેમાં પ્રત્યેક ત્રિમાસિક ગાળામાં ફેરફાર થઈ શકે છે.

આ યોજનાનો કાર્યકાળ 15 વર્ષનો છે અને દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500 અને વધુમાં વધુ રૂ. દોઢ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. રોકાણ વ્યક્તિગત અનુકૂળતા મુજબ એકસાથે અથવા તબક્કાવાર વૃદ્ધિમાં કરી શકાય છે.

તમે કોઈ પણ નાણાકીય વર્ષમાં કમસે કમ રૂ. 500નું રોકાણ આ સ્કીમમાં ન કરો તો તમારું ઍકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. બાદમાં રોકાણની રકમ અને એક વર્ષ માટે રૂ. 50 દંડ ચૂકવીને એકાઉન્ટ ફરી એક્ટિવેટ કરાવી શકાય છે.

તમે આ એકાઉન્ટ 15 વર્ષ સુધી ચાલુ રાખી શકો તેમ ન હો તો પાંચ વર્ષ પછી તમે તમારા કુલ રોકાણની 50 ટકા રકમ ઉપાડી શકો છો.

આ યોજનાનો વધારાનો ફાયદો એ છે કે એક વર્ષ વીતી ગયા પછી તમે તમારા રોકાણમાંથી લોન લઈ શકો છો. લોન પ્રત્યેક વર્ષે એક જ વખત આપવામાં આવે છે.

લોનની ચૂકવણી 36 મહિનામાં કરી દેવામાં આવે તો વાર્ષિક માત્ર એક ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે. ડિફોલ્ટના કિસ્સામાં વાર્ષિક છ ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવે છે.

લાંબા ગાળાના રોકાણ માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ પદ્ધતિએ કરવામાં આવે છે.

દાખલા તરીકે, તમે વર્ષે એક લાખ રૂપિયાનું રોકાણ કરતા હો તો 15 વર્ષ પછી તમને રૂ. 27,12,139 મળશે. એટલે કે માત્ર વ્યાજ તરીકે જ તમને રૂ. 12,12,139 મળશે.

આ સ્કીમનો વધારાનો ફાયદો એ પણ છે કે અહીં કરવામાં આવેલું રોકાણ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે. તમને વ્યાજની જે કમાણી થાય છે તેના પર કર ચૂકવવો પડતો નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના

આ યોજના માત્ર છોકરીઓ માટેની છે. આ યોજનામાં જોડાવા માટે છોકરીની વય 10 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.

આ યોજના હેઠળ વર્ષે રૂ. 250થી માંડીને મહત્તમ રૂ. દોઢ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં હાલ આઠ ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય નાણા મંત્રાલયના નિર્ણય અનુસાર તેના દરમાં ત્રિમાસિક ફેરફાર થઈ શકે છે.

21 વર્ષના કાર્યકાળની આ યોજનામાં 15 વર્ષ રોકાણ કરવાનું હોય છે. જોકે, સ્કીમની પાકતી મુદ્દત દરમિયાન 21 વર્ષ સુધી વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે.

ખાતાધારક મૃત્યુ પામે અથવા કોઈ જીવલેણ બીમારીથી પીડિત હોય તો જ આ ખાતું મુદ્દત પહેલાં બંધ કરી શકાય છે.

આ યોજના ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે. એવી જ રીતે વ્યાજની આવક પર કોઈ ટૅક્સ ભરવો પડતો નથી.

આ યોજના પણ કમ્પાઉન્ડિંગ સ્કીમ હોવાથી તમે વાર્ષિક એક લાખ રૂપિયાનું રોકાણ કરો તો 21 વર્ષે તમારા હાથમાં રૂ. 44,89,690 આવે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક એક લાખ રૂપિયા લેખે 15 વર્ષ સુધી રૂ. 15 લાખનું રોકાણ કર્યું હોય છે, પરંતુ તેના વ્યાજ પેટે રૂ. 29,89,690 મળે છે. તેનો અર્થ એ થાય કે રોકાણ સામે વ્યાજ પેટે લગભગ બમણી રકમ મળે છે.

તમે દીકરીનાં માતા-પિતા હો તો તમારે આ યોજનામાં તમારી દીકરીના ભાવિ કલ્યાણ માટે રોકાણ અવશ્ય કરવું જોઈએ.

કિસાન વિકાસ પત્ર

લોકોને લાંબા ગાળાના રોકાણ માટે પ્રોત્સાહિત કરવા આ યોજના શરૂ કરવામાં આવી હતી.

તમારા રોકાણને બમણું કરવાની આ શ્રેષ્ઠ યોજના છે.

આ યોજનાનો સમયગાળો 115 મહિનાનો એટલે કે નવ વર્ષ અને સાત મહિનાનો છે.

તેમાં લઘુતમ રોકાણની મર્યાદા રૂ. 1,000 છે, પરંતુ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.

સાડા સાત ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ ઑફર કરતી આ યોજનામાં કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ ખાતા ખોલાવી શકે છે.

આ સ્કીમમાં રૂ. એક લાખનું રોકાણ કરવામાં આવે તો પાકતી મુદ્દતે રૂ. બે લાખ હાથમાં આવે છે. રૂ. 10 લાખના રોકાણ સામે રૂ. 20 લાખ મળે છે. લાંબા ગાળાના રોકાણ માટે આ આદર્શ કહી શકાય તેવી યોજના છે, કારણ કે આ સ્કીમ રોકાણને સલામત રીતે બમણું કરી શકે છે.

અલબત, રોકાણ અને અંતે મળેલું વ્યાજ કરમુક્ત નથી.

તમે 115 મહિનાની મુદ્દત પહેલાં રોકાણ પાછું ખેંચવા માગતા હો તો અઢી વર્ષ પછી તમે ખાતું બંધ કરી શકો છો. ખાતાધારકનું મૃત્યુ થાય તેવા કિસ્સા સિવાય ખાતું બંધ કરી શકાતું નથી.

નેશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ

આ પાંચ વર્ષના સમયગાળાની ઑલ-ઇન-વન યોજના છે. તેમાં લધુતમ રોકાણ રૂ. 1,000નું કરવું પડે છે, પરંતુ મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.

આ યોજના 7.7 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ઑફર કરે છે અને તેની ચૂકવણી પાંચ વર્ષના અંતે એકસાથે કરવામાં આવે છે. આ યોજનાના વ્યાજદરમાં ફેરફાર થતો નથી.

ખાતાધારકનું મૃત્યુ થાય કે જૉઇન્ટ ઍકાઉન્ટ ધરાવતા દંપતીના છૂટાછેડા થાય તો જ આ યોજનામાંથી સમય પહેલાં બહાર નીકળી શકાય છે.

આ સ્કીમમાં રૂ. એક લાખનું રોકાણ કરવામાં આવે તો પાંચ વર્ષ પછી તમારા હાથમાં રૂ. 1,44,904 આવે છે. એટલે કે તમારા રોકાણમાં 40 ટકાથી વધુનો વધારો થાય છે.

આ યોજનામાં કરવામાં આવેલું રોકાણ ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ 80સી હેઠળ કરમુક્તિને પાત્ર છે.