ગુજરાતમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો વિરોધ કેમ થઈ રહ્યો છે અને આ પ્રોજેક્ટમાં શું છે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે એક પહેલ કરી છે.

આ પહેલનું નામ છે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ.

રાજ્ય સરકારનો દાવો છે કે રાજ્યની સરકારી શાળાઓમાં ભણતર મેળવતા તેજસ્વી વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે રાજ્યભરમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ સ્થાપવાની નીતિ બનાવી છે.

જોકે સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ પણ થઈ રહ્યો છે. રાજ્યનાં કેટલાંક શૈક્ષણિક સંગઠનોનું કહેવું છે કે “આ સરકારી અને સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળાઓનું સ્તર સુધારવાને બદલે તેમને નબળી પાળવાનું પગલું છે.“

એટલું જ નહીં શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે “આ નીતિથી સરકારી શાળાઓમાં ભણતાં બાકીનાં બાળકોને નુકસાન થશે.“

વિરોધને જોતા સરકારે વિવાદ ઉકેલીને આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે એક કમિટી પણ બનાવી છે.

શું છે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ?

સરકારે જે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે ઠરાવ પસાર કર્યો છે તેમાં સ્પષ્ટ ઉદ્દેશ્યો વર્ણવવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે -

  • સરકાર દરેક તાલુકાઓમાં અને મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારોમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ સ્થાપવા ધારે છે.
  • આનો ઉદ્દેશ્ય સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ધોરણ 6થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાનો છે.
  • જ્ઞાનસેતુ ડે સ્કૂલ પ્રોજેક્ટ 400 સ્કૂલોમાં શરૂ કરાશે.
  • રાજ્યના તમામ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં એક-એક શાળામાં આ પ્રકારની સ્કૂલ શરૂ કરવામાં આવશે.
  • દરેક શાળામાં લગભગ 500 વિદ્યાર્થીઓની ક્ષમતા હશે.
  • સરકારી અથવા તો સરકારી ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સારી સ્કૂલોમાં ભણવાની તક મળે તે આ પ્રોજેક્ટનો હેતુ છે.
  • આ ઉપરાંત 75 જેટલી જ્ઞાનશક્તિ શાળાઓ ઊભી કરવાનો લક્ષ્યાંક છે. જેમાં ધોરણ 6થી લઈને 12 સુધી આગામી પાંચ વર્ષમાં અંદાજે 5 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. જે અંતર્ગત સરકારી અથવા ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના બાળકોને ધોરણ 6થી જ્ઞાનસેતુ અથવા જ્ઞાનશક્તિ સ્કૂલ નામે ઊભી થનારી શાળામાં મોકલાશે. તેનું સંચાલન સરકાર નહીં પણ કોઈ ખાનગી સંસ્થા કે ખાનગી શાળા કરશે.
  • આ ખાનગી સંસ્થાને એક વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજાર રૂપિયાની સહાય આપશે. કેટલીક સ્કૂલોમાં રહેઠાણની સુવિધાઓ પણ હશે. જોકે જ્ઞાન સેતુની સ્કૂલમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ એન્ટ્રેન્સ ટેસ્ટ આપવી પડશે. અને આ ટેસ્ટમાં વધુ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓને જ જ્ઞાન સેતુની સ્કૂલોમાં પ્રવેશ મળી શકશે.

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે કેમ થઈ રહ્યા છે સવાલો?

શિક્ષણવિદ્દોનો સવાલ છે કે સરકારી શાળામાં પણ ભણતર તો મફત જ હોય છે તો પછી સરકાર જ્ઞાનસેતુ પ્રોજેક્ટમાં નવું શું લાવી છે?

હવે સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટનો હેતુ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતાં બે લાખ તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને ધોરણ 6થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તા યુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવાનો છે.

સરકારી શાળામાં ભણતા પાંચમા ધોરણના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે અને જો તેમાં પાસ થશે તો તેઓ ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે અને તે ત્યાં ધોરણ છથી ધોરણ 12નું શિક્ષણ મફત મેળવશે.

સરકાર ખાનગી શાળાઓને જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવા માગે છે. એટલે કે સરકાર ખાનગી શાળા સાથે ગઠબંધન કરશે. જેમાં ખાનગી શાળાઓએ જ્ઞાનસેતુમાં પસંદ પામેલા વિદ્યાર્થીઓને ભણાવવાના રહેશે.

સરકાર આ માટે ખાનગી શાળાને વિદ્યાર્થીઓ પણ આપશે અને વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજાર રૂપિયાની સહાય પણ આપશે.

જાણકારો તેને સરકારી શાળાના સ્કૉલર વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુના માધ્યમથી ખાનગી શાળાઓને આપી દેવાનો કારસો બતાવી રહ્યા છે.

ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલના જણાવ્યા અનુસાર સરકાર કોઈ પણ નવી યોજના લાવે તેનો વિરોધ નથી, પરંતુ જ્ઞાનસેતુ પ્રોજેક્ટને કારણે જો ગ્રાન્ટ-એઇડ શાળાઓને નુકસાન જવાનું હોય તો એ યોગ્ય નથી.

જે. પી. પટેલે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું, “જ્ઞાનસેતુ પ્રોજેક્ટને કારણે શિક્ષકો ફાજલ ન થાય અને સરકારી શાળા કે ગ્રાન્ટ-એઇડ શાળાઓ બંધ ન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે.”

જે. પી. પટેલ વધુમાં ઉમેરે છે કે, “ગ્રાન્ટ જ આપવાના હોય તો અમને પણ ગ્રાન્ટ આપો તો અમે પણ સરકારી શાળા કે ગ્રાન્ટ-એઇડ શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારી શકીએ. સરકાર જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત જે ગ્રાન્ટ આપવા માગે છે તેટલી ગ્રાન્ટ કેમ અમને મળતી નથી?”

જે. પી. પટેલના કહેવા અનુસાર “ધોરણ પાંચ સુધી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓ અને ગ્રાન્ટ-એઇડ શાળાઓમાંથી તૈયાર તેજસ્વી બાળકોને જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત લઈ લેવાશે તો પછી આ શાળામાં ભણશે કોણ?“

તેમનું એમ પણ કહેવું છે કે સરકારી શાળા કે ગ્રાન્ટ-એઇડ શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ જો જતાં રહેશે તો પછી વાલીઓનો અને બાળકોનો સરકારી શાળા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો જશે અને પરિણામે આવી સ્કૂલોને તાળાં લાગશે.

જે. પી. પટેલ એમ પણ કહે છે કે “સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યો સ્કૂલના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં લાવવા માટે ઘણી મહેનત કરતા હોય છે ત્યારે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોને આ વિદ્યાર્થીઓ તૈયાર મળી જશે.”

તો ગુજરાત આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશકુમાર પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે સરકારનો પ્રયાસ સરાહનીય છે.

ઉમેશકુમાર પટેલે સાથે જ સવાલ ઉઠાવતા કહ્યું, “જે જવાબદારી અને ગ્રાન્ટ સરકાર જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો ચલાવતી સંસ્થાઓને આપવા માગે છે તે જ જવાબદારી અને ગ્રાન્ટ સરકારી ગ્રાન્ટ-એઇડ શાળાઓને કેમ આપવામાં નથી આવતી?”

ઉમેશકુમાર પટેલ વધુમાં ઉમેરે છે કે, “સરકારી શાળા કે ગ્રાન્ટ-એઇડ શાળામાં ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોની અછત છે.“

“અંતરિયાળ વિસ્તારમાં તેમની ભરતી નથી થતી. સરકાર પહેલાં તેમની ભરતી કરે તો સરકારી સ્કૂલોનું સ્તર પણ ખાનગી સ્કૂલોને સ્પર્ધા આપી શકશે.”

“આ લોકોએ સરકારી સ્કૂલોને લુપ્ત થતી પ્રજાતિમાં મૂકી દીધી છે”

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ઉપરાંત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મંત્રી ડૉ. પ્રિયવદન કોરાટ બીબીસી સાથેની વાતચીતમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટને ગુજરાતમાંથી સરકારી શિક્ષણ ખતમ કરવાનું ષડયંત્ર ગણાવે છે.

ડૉ. પ્રિયવદન કોરાટ કહે છે કે, “આ લોકોએ સરકારી સ્કૂલોને લુપ્ત થતી પ્રજાતિમાં મૂકી દીધી છે. શિક્ષણ મૂડીવાદીઓના હાથમાં જઈ રહ્યું છે.“

“સારું શિક્ષણ મોંઘું બને છે અને તે અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ કે પછી આર્થિક-સામાજિક રીતે પછાત વિદ્યાર્થીઓને પરવડતું નથી. આથી અમને ગામડાના અને છેવાડાનાં બાળકોના ભણતરની ચિંતા છે.”

ડૉ. પ્રિયવદન કોરાટ વધુમાં ઉમેરે છે, “પહેલાંથી જ ગુજરાતમાં આર્થિક કે સામાજિક પછાત એવા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ભણાવવામાં આવે છે અને તેનો ખર્ચો સરકાર ઉઠાવે છે.“

“હવે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત હોશિયાર વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં ભણવા જશે. તેને કારણે અંદાજે 53 હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે ખાનગી શાળામાં પ્રવેશ મેળવશે.“

“જેને કારણે લગભગ 1000 વર્ગ બંધ થઈ શકે છે અને બાકી બચેલાં બાળકોનું ભણતર અંધકારમય બની શકે છે.”

ડૉ. પ્રિયવદન કોરાટ આરોપ મૂકે છે કે, “ગુજરાતમાં 1600 શાળાઓ એવી છે જ્યાં માત્ર બે વર્ગખંડો ચાલે છે. 1300 શાળાઓમાં આચાર્ય નથી.“

“અંદાજે 25 હજાર શિક્ષકોની ઘટ છે. રાજ્યમાં પટાવાળા સિવાય કોઈ ન હોય તેવી શાળાઓ પણ છે. શૂન્ય સ્ટાફ ધરાવતી સ્કૂલો પણ છે. ત્યારે સરકારે શિક્ષણના માળખા સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.”

શું કહેવું છે સરકારનું?

હાલમાં જ ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી જ્ઞાનસેતુ શાળાઓ ઊભી કરવામાં આવશે.

કનુભાઈ દેસાઈએ તેના માટે 64 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી હતી.

સરકારનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો લાભ મળે તે છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટના માધ્યમથી આવાં બાળકોને ખાનગી શાળાઓની શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમનો લાભ મળી શકશે.

સરકારના દાવા છતાં પણ જે જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે તે જોતા સરકારે તેના માટે એક કમિટી બનાવી છે.

ગુજરાત સરકારના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, “ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ. જે. શાહની અધ્યક્ષતામાં 28 સભ્યોની એક કમિટી બનાવી છે. આ કમિટીમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા તજજ્ઞો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ કમિટી વિવાદને ઉકેલવા માટે ચર્ચા-વિચારણા કરીને રિપોર્ટ આપશે અને આ રિપોર્ટ મુજબ જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો અમલ થશે.”

તો સાથે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, “હજુ અમે કોઈ ખાનગી સંસ્થા સાથે આ મામલે કરાર કર્યા નથી.“

“યોજનાને મંજૂરી મળી ગઈ છે પણ જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેને ઉકેલવાના પ્રયાસો કમિટીના માધ્યમ થકી ચાલુ છે. કમિટી તેનો રિપોર્ટ આપશે અને તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. સરકાર તમામ પક્ષોનું સાંભળી રહી છે.”

સરકારનું એમ પણ કહેવું છે કે તેનાથી સરકારી સ્કૂલો બંધ થવાની કે શિક્ષકો ફાજલ થવાની કોઈ સંભાવના નથી. આ પ્રોજેક્ટનો હેતુ માત્ર સ્પર્ધાત્મક વાતાવરણમાં શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવાનો છે.

જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વાલી વિભાગમાં ચૂંટાયેલા સભ્ય ધીરેનભાઈ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ પ્રોજેક્ટથી નબળા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો એવું લાગે છે.

ધીરેનભાઈ વ્યાસે કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નબળા વિદ્યાર્થીઓને ‘પ્રિય વિદ્યાર્થી’ એવું નામ આપ્યું હતું. પણ જે પ્રકારે માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને જ જ્ઞાનસેતુમાં તક આપવામાં આવી રહી છે તે જોતા વડા પ્રધાનના આવા ‘પ્રિય વિદ્યાર્થીઓ’ને અન્યાય થઈ રહ્યો છે.”

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પર રાજકારણ

જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે.

વિપક્ષો તેના પર સવાલ ઉઠાવતા કહે છે કે સરકારે ઠરાવ પસાર કરી દીધો પણ આ પ્રકારની જ્ઞાનસેતુ શાળા ક્યાં છે? તેનું સરનામું કયું? તેમાં સુવિધા કઈ કઈ મળશે? તેનું સંચાલન કોણ કરશે? તેની શરતો કઈ હશે? કેટલાં વર્ષો સુધી તે ચાલશે? આ બધી વિગતો હજુ સાર્વજનિક કરવામાં આવી નથી. કૉંગ્રેસ અને આપ બંને ભાજપ સરકાર પર શિક્ષણના ખાનગીકરણ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે, “નામ રૂપાળું પણ શિક્ષણની અધોગતિના સ્વીકારનામાનો આ પ્રોજેક્ટ છે. જેમાં નથી જ્ઞાન કે નથી વિદ્યાર્થી કેન્દ્રસ્થાને. સરકાર શિક્ષણ સુધારવાને બદલે ખાનગી હાથોમાં સોંપીને સરકારી શિક્ષણના માળખાને તોડી પાડવાનું પાપ કરી રહી છે.”

તો બીજી તરફ આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, “જો જ્ઞાનસેતુની સ્કૂલનાં બાળકને 20 હજારની સહાય મળતી હોય તો પછી રાજ્યમાં 38 હજાર સરકારી સ્કૂલો છે. આ સ્કૂલોનાં તમામ બાળકોને આ સુવિધા કેમ નહીં? આ ભાજપ સરકાર સરકારી શિક્ષણને ધ્વસ્ત કરીને બધું ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવે છે.”

જોકે ભાજપ તેમના વિરોધને અયોગ્ય ગણાવે છે. શિક્ષણના ખાનગીકરણના આરોપોને ફગાવતા ભાજપ કહે છે કે “સરકાર જ્યારે 60 લાખ વિદ્યાર્થીઓને એક સાથે સ્કૂલ ઑફ એક્સલન્સ ન આપી શકતી હોય અને તે જ્યારે બે લાખ વિદ્યાર્થીઓથી તેની શરૂઆત કરે તો તેમાં ખોટું શું છે?“

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ભાજપ નેતા ડૉ. પરિમલ ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, "જ્ઞાનસેતુ પ્રોજેક્ટ આવનારા દિવસમાં શિક્ષણની દુનિયામાં લૅન્ડમાર્ક સાબિત થશે."

“અહીં આવનારાં બાળકો ન માત્ર શિક્ષણ લેશે પરંતુ તેમાં સ્પૉર્ટ્સ, કલ્ચરલ ઍક્ટિવિટીઝ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું કામ પણ થશે.“

“આમ આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોનો સર્વાંગી વિકાસ થશે. વળી તે માટે પૈસા તો રાજ્ય સરકાર જ આપી રહી છે તો આમાં ખાનગીકરણ ક્યાં છે?”