You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમે નોકરી શોધી રહ્યા છો? અહીં તમને કોઈ પણ ફી વિના મળી શકે છે જૉબના હજારો વિકલ્પ
- લેેખક, એ. કિશોરબાબુ
- પદ, બીબીસી માટે
લાખો શિક્ષિત યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ નોકરી ક્યાં છે? વિવિધ જૉબ પોર્ટલ્સ અને કારકિર્દી માર્ગદર્શન સંગઠનો સંખ્યાબંધ ઉમેદવારોને આકર્ષે છે તથા અહીં નોકરી છે, ત્યાં જગ્યા ખાલી છે એવું કહીને તેમની પાસેથી તગડી ફી વસૂલે છે. તેમાં અનેક યુવાનો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.
આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતું નેશનલ કરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલ તમારી યોગ્યતાના આધારે, એક પણ પૈસાના ખર્ચ વિના ખાનગી તથા જાહેર ક્ષેત્રમાં નોકરીની તક ઑફર કરે છે.
ખાનગી અને સરકારી ક્ષેત્ર ઉપરાંત અહીં વિદેશમાં નોકરીની વિગતો પણ પૂરી પાડવામાં આવે છે. આ પોર્ટલ પર ફુલ ટાઇમ, પાર્ટ ટાઈમ અને વર્ક ફ્રૉમ હોમ એમ વિવિધ કૅટેગરીમાં 3.66 લાખ જગ્યા ઉપલબ્ધ હોવાનું દર્શાવે છે.
એનસીએસ શું છે? તેમાં નોંધણી કઈ રીતે કરાવવી? નોકરી કઈ રીતે શોધવી? અરજી કરવાની પ્રક્રિયા શું છે? ચાલો આ સવાલના જવાબ મેળવીએ.
એનસીએસ શું છે?
એનસીએસ કેન્દ્ર સરકાર સંચાલિત ઍમ્પ્લૉયમૅન્ટ એક્સચેન્જ છે. તે દેશના તમામ નાગરિકો માટે તેમની કારકિર્દી સંબંધી બાબતોનું વન સ્ટૉપ સોલ્યુશન છે.
કેન્દ્ર સરકારે 2015ની 20 જુલાઈએ પાંચ વર્ષ માટે મિશન મોડ પ્રોજેક્ટ તરીકે આ રાષ્ટ્રીય કારકિર્દી સેવાની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટનું અમલીકરણ કેન્દ્ર સરકારનું શ્રમ તથા રોજગાર મંત્રાલય કરી રહ્યું છે.
આ પોર્ટલ નોકરી શોધતા લોકો અને યોગ્ય ઉમેદવારોની શોધ કરતી કંપનીઓ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. આ પોર્ટલ રોજગાર ઇચ્છુકોને માત્ર નોકરીની તકો જ પૂરી પાડતું નથી, તે કારકિર્દી માર્ગદર્શન અને નોકરી મેળાની માહિતી પણ મફતમાં આપે છે.
દેશનાં તમામ રાજ્યોમાંના ઍમ્પ્લૉયમૅન્ટ ઍક્સ્ચેન્જ આ એનસીએસ પોર્ટ સાથે જોડાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારું નામ ભલે ગમે તે ઍમ્પ્લૉયમૅન્ટ ઍક્સ્ચેન્જમાં નોંધાયેલું હોય, પણ તમે આ પોર્ટલ મારફત નોકરી માટે સીધા અરજી કરી શકો છે. રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા તમામ નોકરીવાંચ્છુઓની વિગત આ પોર્ટલ વિવિધ સંગઠનો તથા પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટને આપે છે અને ઉમેદવારને યોગ્ય નોકરી મેળવવામાં મદદ કરે છે.
એનસીએસમાં રજિસ્ટ્રેશન માટે શૈક્ષણિક લાયકાત શું હોય છે?
અહીં રજિસ્ટ્રેશન માટે કોઈ લઘુતમ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. અશિક્ષિતથી માંડીને ઉચ્ચ શિક્ષિત તથા બેરોજગાર કોઈ પણ વ્યક્તિ આ પોર્ટલ પર પોતાનું નામ નોંધાવી શકે છે.
કોઈ લઘુતમ વયમર્યાદા છે?
14 વર્ષથી વધુ વયના તમામ લોકો આ પોર્ટલ પર પોતાનું નામ નોંધાવી શકે છે.
એનસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારું નામ, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત અને તમારી સ્કીલ જેવી ન્યૂનતમ વિગત આપવાની હોય છે.
એ સિવાય તમારી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધાર કાર્ડ, પાન નંબર, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપૉર્ટ કે યુએએન નંબર એ બધામાંથી કોઈ પણ એક પર્યાપ્ત છે.
નોંધણીની પ્રક્રિયા
સૌથી પહેલાં એનસીએસ વેબ પોર્ટલ પર જવું પડે છે. https://www.ncs.gov.in/_layouts/15/NCSP/Registration.aspx આ લાઇન પર ક્લિક કરીને તમારી વિગત ઑનલાઇન રજિસ્ટર કરી શકો. અથવા તમારી નજીકના મોડલ કરિયર સેન્ટર (ઍમ્પ્લૉયમૅન્ટ ઍક્સ્ચેન્જ) કે પોસ્ટ ઑફિસ જઈને ત્યાં સંબંધિત અધિકારીની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકો.
પોર્ટલ પર રજિસ્ટ્રેશન શક્ય છે?
તમને પોર્ટલ પર જૉબ સિકર, ઍમ્પ્લૉયર, પ્લેસમૅન્ટ જેવી વિવિધ વિન્ડોઝ જોવા મળશે. જેમણે નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તેમણે જૉબ સિકર વિન્ડો પર ક્લિક કરવાનું હોય છે.
રજિસ્ટ્રેશન માટે પોર્ટલ દ્વારા માગવામાં આવેલી તમામ વિગત તેમાં દાખલ કરવાની હોય છે. બધી વિગત આપ્યા પછી તમારું યૂઝર આઈડી બની જશે. તમારા મોબાઇલ ફોન પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તે ઓટીપી એન્ટર કરીને તમે લોગ-ઇન કરી શકશો.
બીજા કેટલાક મહત્ત્વના સવાલ અને તેના જવાબ
1. પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન થયું છે તેની ખબર કેવી રીતે પડે?
આ પોર્ટલ પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને તમારા મોબાઇલ ફોન પર એનસીએસ આઈડેન્ટિફિકેશન નંબર સાથેનો એક મેસેજ આવશે.
ઍમ્પ્લૉયમૅન્ટ ઍક્સ્ચેન્જમાં નામ નોંધાવી ચૂકેલા લોકો પણ આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે?
જરૂર રજિસ્ટ્રેશન કરાવી શકે. તમે અહીં તમારો ઍમ્પ્લૉયમૅન્ટ ઍક્સ્ચેન્જ રજિસ્ટ્રેશન નંબર સામેલ કરી શકો.
2. એનસીએસમાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી નોકરી મળી જાય?
તરત નોકરી ન મળે. એનસીએસ તમારી અરજીની ચકાસણી કરશે અને પછી વિવિધ સંગઠનોને ભરતી માટે તમારી પ્રોફાઇલ ઉપલબ્ધ કરાવશે.
તમારી લાયકાતને આધારે નોકરીની તક પ્રદાન કરતા સંગઠન તરફથી તમને કૉલ લેટર મળે તે એનસીએસ સુનિશ્ચિત કરે છે.
3. આ પોર્ટલ દ્વારા સીધી અરજી કરી શકાય?
આ પોર્ટલ પર ફાઈન્ડ જોબ નામની એક વિન્ડો છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમે તેમાંની વિગત જોઈ શકો અને તમારા રસના ક્ષેત્રમાંની નોકરીની તકો તથા સંબંધિત કંપનીઓની માહિતી મેળવી શકો.
તેમાં ઍપ્લાય નામનું એક બટન હોય છે. તેના પર ક્લિક કરીને પોર્ટલ મારફત સીધી અરજી જરૂર કરી શકાય.
4. ભરતી કરતી કંપની તરફથી સીધો કૉલ લેટર આવે?
તમને એક એસએમએસ ઍલર્ટ મળશે, જેમાં એ જગ્યા માટે સંબંધિત કંપની ક્યારે ઇન્ટરવ્યૂ લેવાની છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેની વિગત હશે.
કંપનીને તમારી પ્રોફાઇલ ગમે તો તે સીધો તમને કૉલ લેટર મોકલશે.
5. ઇન્ટરવ્યૂનો કૉલ લેટર મેળવવા માટે કોઈ પૈસા ચૂકવવા જરૂરી છે?
ના. એનસીએસ પોર્ટલ પર એક પણ પૈસો ચૂકવવાની જરૂર નથી. સમગ્ર પ્રક્રિયા મફત છે.
6. રોજગારમેળા અને ઇન્ટરવ્યૂના સમયપત્રકની જાણ કોણ કરશે?
એ તમને જરૂર જણાવશે. એનસીએસ ઘણી વાર રોજગારમેળા વિશે માહિતી આપતું હોય છે. તેમાં કોઈ પણ ઉમેદવાર ભાગ લઈ શકે છે. એ ઉપરાંત વિવિધ નોકરી માટેની ઇન્ટરવ્યૂના શેડ્યૂલની વિગત ઉમેદવારના ફોન પર પણ મોકલવામાં આવે છે.
તેમાં સરકારી નોકરીઓનો પણ સમાવેશ થાય છે?
તેમાં સરકારી તંત્રમાંની જૉબ વૅકન્સીનો પણ સમાવેશ થાય છે.
7. મારા વિસ્તારમાં નોકરીની તક વિશે માહિતી મળે?
તેના પર તમારા રાજ્ય, તમારા પ્રદેશમાં સંબંધિત ક્ષેત્રો અને સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ વિશેની સંપૂર્ણ વિગત ઉપલબ્ધ હોય છે.
8. પ્લેસમૅન્ટ એજન્સીના કૌભાંડની માહિતી કેવી રીતે મળે?
તમને કૉલ લેટર મળે ત્યારે એ બાબતે તમારે સાવચેત રહેવું જોઈએ. તમને કોઈ સંસ્થા નોકરી આપવાની સાથે એ માટે પૈસા ચૂકવવાનું કહેશે નહીં. કોઈ એવું કરે તો તેનો અર્થ એ થયો કે સંબંધિત કંપની છેતરપિંડી કરી રહી છે. આવા કૉલ લેટર્સ તથા પ્લેસમૅન્ટ ઑર્ડર્સ પર ભરોસો કરવો ન જોઈએ.
કોઈ કંપની તમારી બૅન્ક ડિટેઈલ્સ કે ઓટીપી ડિટેઈલ્સ માગે તેનો અર્થ પણ એ કે તેઓ છેતરપિંડી કરી રહ્યા છે.
“ઇન્ટરવ્યૂ કે પસંદગીની પ્રક્રિયા વિના સીધી નોકરી”ની ઑફર પણ શંકાસ્પદ હોય છે. નાના, આસાન કામ માટે વધુ પગારની ઑફર પણ શંકાસ્પદ હોય છે.
9. આવી પરિસ્થિતિમાં ઉમેદવારે શું કરવું જોઈએ?
તમને મળેલા કૉલ લેટર અથવા ઍપૉઇન્ટમેન્ટ ઓર્ડરના નિયમો તથા શરતો બાબતે કોઈ શંકા હોય તો તમે એનસીએસના અધિકારીની મદદ લઈ શકો છો.
આ માટે તમે [email protected] પર ઈમેલ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
10. એનસીએસ સંસ્થા તરફથી મળેલો ઈમેલ સાચો છે કે નહીં તે કેવી રીતે જાણવું?
એનસીએસ તરફથી @gov.in અથવા @nic.in આ બન્ને ઈમેલ આઈડી પરથી જ ઈમેલ આવશે. જો Gmail અને અન્ય ઈમેલ આઈડી પરથી ઈમેલ આવે તો તે બિનસત્તાવાર છે. તેની પરવા કરશો નહીં. આવા ઈમેલ મળે તો તમે [email protected] પર ઈમેલ દ્વારા તરત જ ફરિયાદ કરી શકો છો.
11. એનસીએસ કોઈ સ્કિલ ટ્રેનિંગ આપે છે?
ના. કોઈ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવતી નથી, પરંતુ તે કારકિર્દી માર્ગદર્શન જરૂર આપે છે.
12. TCS Aion દ્વારા આપવામાં આવતી કારકિર્દી કૌશલ્ય તાલીમ શું છે?
આ એનસીએસ દ્વારા ઉમેદવારોને નોકરી મેળવવા માટે જરૂરી સોફ્ટ સ્કીલની તાલીમ આપવાનો એક સર્ટિફિકેટ પ્રોગ્રામ છે. આ તાલીમ ઉમેદવારોને વ્યક્તિગત રીતે પણ આપવામાં આવે છે.
13. એ માટે કોઈ પૈસા ચૂકવવા પડે છે?
ના. કોઈ ચુકવણી કરવી પડતી નથી. એનસીએસ દ્વારા ઑફર કરવામાં આવતા કોઈ પણ પ્રોગ્રામ માટે પૈસા ચૂકવવાના નથી. યાદ રાખો કે જો કોઈ તમારી પાસે પૈસા માગતું હોય તો એ તમને છેતરી રહ્યું છે.
14. હું એનસીએસ પોર્ટલ પર મારી વીડિયો પ્રોફાઇલ અપલોડ કરી શકું?
રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમે પોર્ટલ પર તમારી વીડિયો પ્રોફાઇલ અપલોડ કરી શકો છો.
15. હું મારી લાયકાત વિશેની માહિતી અપગ્રેડ કરી શકું?
એનસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમે તમારી લાયકાત વિશેની માહિતી ગમે ત્યારે અપગ્રેડ કરી શકો છો.
16. નોકરી માટે લાખો જગ્યાઓ ખાલી છે?
એનસીએસ પોર્ટલ શરૂ થયા પછી ઘણી સંસ્થાઓ આ પોર્ટલ પર તેમના સંબંધિત વિભાગોમાં નોકરીની ખાલી જગ્યાઓ માટે પોસ્ટ કરી રહી છે અને તેમાં દર વર્ષે ઝડપભેર વધારો થઈ રહ્યો છે.
તેમાં સપ્ટેમ્બર, 2022માં 4 લાખ 82 હજાર 264 જૉબ વૅકન્સીનો સમાવેશ થાય છે. તેનાથી હજારો બેરોજગારોને નોકરી પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી.
હાલમાં આ પોર્ટલ 3.66 લાખથી વધારે જૉબ વૅકન્સી હોવાનું દર્શાવે છે.
17. તેમાં વર્ક ફ્રૉમ હોમ જૉબ પણ હોય છે?
વર્ક ફ્રૉમ હોમ જૉબ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે તેમાં એક અલગ વિન્ડો છે. વર્ક ફ્રૉમ હોમ વિશેની વિગત તેમાંથી મળી રહેશે.
18. વિદેશમાં નોકરી વિશેની માહિતી કેવી રીતે મળી શકે?
વિદેશી નોકરીઓ માટે ઇન્ટરનેશનલ જૉબ્સ નામની વિન્ડો છે. તેમાંથી એ માહિતી મળી શકે.
19. પોર્ટલમાં રજિસ્ટ્રેશન અથવા કારકિર્દી સંબંધી અન્ય બાબતો વિશેના પ્રશ્નો માટે કોનો સંપર્ક કરવો?
એનસીએસ તરફથી મદદ અને સલાહ માટે ઉમેદવારો ટોલ ફ્રી નંબર 1514 પર કૉલ કરી શકે છે. આ કૉલ સેન્ટર મંગળવારથી રવિવાર સુધી, સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કાર્યરત હોય છે.
આ કૉલ સેન્ટરમાં તમે અંગ્રેજી, હિન્દી, બંગાળી, કન્નડ, મલયાલમ, તેલુગુ અને તામિલ જેવી સાત ભાષામાં સેવાઓ મેળવી શકો છો.