યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં 27 વખત નાપાસ થયા પછી પણ આ કરોડપતિ અટકતા કેમ નથી?

    • લેેખક, ફૈન વાંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

ચીનના એક કરોડો રૂપિયાની આવક ધરાવતા ઉદ્યોગપતિને યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં સતત 27મી વખત નિષ્ફળતા મળી છે. પરીક્ષાઓમાં મળેલી નિષ્ફળતાઓથી હવે થાકી ગયા હોવા છતાં આ ઉદ્યોગપતિએ હજી પણ 28મી વખત પરીક્ષામાં બેસવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.

યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાનાં પરિણામો 23મી જૂનના રોજ જાહેર થયાં અને તેમાં 56 વર્ષીય લિયાંગ શીને 750માંથી 424 ગુણ મળ્યા.

ચીનની કોઈપણ યુનિવર્સિટીમાં ઍડમિશન માટે ઓછામાં ઓછા 458 ગુણ જરૂરી છે.

આ વર્ષે લગભગ 1.3 કરોડ વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપી હતી. ઉચ્ચ શિક્ષણ માટેનું સપનું જોનાર લિયાંગનો આ કિસ્સો સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયો હતો.

લિયાંગે 1983થી અત્યાર સુધી કેટલીય વાર પ્રવેશ પરીક્ષા આપી હતી. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે આ વર્ષનું પરિણામ જોઈને તેઓ ખૂબ જ નિરાશ થઈ ગયો છે, અને તેમને લાગવા માંડ્યું છે કે હવે તેનું સ્વપ્ન કદાચ જ સાકાર થશે.

સિચુઆનના વતની લિયાંગે ચીની મીડિયા તિયાનમૂ ન્યૂઝને કહ્યું, “મને વિશ્વાસ હતો કે હું આ કરી શકું છું પણ હવે હું ભાંગી ગયો છું."

ગાઓકાઓ (યુનિવર્સિટી ઍડમિશન ટેસ્ટ) ખૂબ જ મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે. સરકારી આંકડા દર્શાવે છે કે વર્ષ 2021માં માત્ર 41.6% ઉમેદવારોને યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પ્રવેશ મળ્યો હતો.

કારોબારમાં સફળ પરંતુ…

1950 ના દાયકાથી પ્રવેશ પરીક્ષાઓ દેશની શિક્ષણ પ્રણાલીમાં મુખ્ય મુદ્દો રહ્યો છે. જો કે તે ચીની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન તેમને સ્થગિત કરવામાં આવી હતી.

લિયાંગ કહે છે કે તેણે એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં ઍડમિશન લેવાનું અને 'બુદ્ધિજીવી' બનવાનું સપનું જોયું હતું.

1983માં પ્રથમ વખત 16 વર્ષની ઉંમરે તેમણે આ પરીક્ષા આપી હતી. 1992 સુધી તેમણે અલગ-અલગ નોકરીઓ સાથે દર વર્ષે તેના માટે અરજી કરી. આ પરીક્ષા માટેની તેમની વય મર્યાદા 1992માં સમાપ્ત થઈ ગઈ.

જે ફેકટરીમાં તેઓ કામ કરતા હતા એ જ વર્ષે તેનું દેવાળું ફૂંકાઈ ગયું એટલે લિયાંગે 1990ના વર્ષમાં લાકડાનો હોલસેલ વેપાર શરૂ કર્યો.

ટૂંક સમયમાં જ તેઓ વિદ્યાર્થીમાંથી એક સફળ બિઝનેસમેન બની ગયા. એક વર્ષમાં તેમણે 10 લાખ યુઆન કમાયા અને તે પછી તેમણે બિલ્ડિંગ મટિરિયલનો ધંધો શરૂ કર્યો.

પરંતુ 2001માં ચીનની સરકારે ગાઓકાઓ માટે વય મર્યાદા હઠાવી દીધી. ત્યારબાદ તેમણે ફરીથી પરીક્ષા આપવાનું શરૂ કર્યું હતું.

આવતા વર્ષે ફરી આપશે પરીક્ષા

દર વર્ષે પરીક્ષાઓ આપવાને કારણે લિયાંગનું ધ્યાન પોતાનું ભાગ્ય બદલવાને બદલે આ પરીક્ષામાં જ સફળતા મેળવવા પર કેન્દ્રિત થઇ ગયું.

2014 માં તેણે એક સ્થાનિક અખબારને કહ્યું, "જો તમે કૉલેજમાં ન જાઓ તો તે ખૂબ જ શરમજનક વાત છે. ઉચ્ચ શિક્ષણ વિના તમારું જીવન પૂર્ણ નથી.”

તેમણે પરીક્ષાની તૈયારી માટે રમતગમત અને અન્ય બાબતોથી પણ અંતર રાખ્યું હતું.

લિયાંગે કહ્યું કે 'ગત વર્ષોથી વિપરીત હવે તેઓ પોતાને હારેલો માણસ ગણવા લાગ્યા છે.”

અન્ય એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, “આવતા વર્ષે કદાચ હું હાર માની લઇશ. જો હું આવતા વર્ષે પરીક્ષા આપીશ અને નિષ્ફળ જઈશ, તો હું મારી અટક કાઢી નાખીશ."