You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑનલાઇન લોન છેતરપિંડી: 'મારા પતિના અન્ય મહિલા સાથેના નગ્ન ફોટા પરિચિતોને મોકલી દીધા'
- લેેખક, નાઝેશ ફૈઝ
- પદ, પત્રકાર, ઇસ્લામાબાદ
“મારા પતિના મોર્ફ્ડ ફોટોગ્રાફ્સ અમારા પરિચિતોને મોકલવામાં આવ્યા હતા. એ ફોટોગ્રાફમાં મારા પતિને કોઈ અન્ય મહિલા સાથે નગ્નાવસ્થામાં દેખાડવામાં આવ્યા હતા. વાત ત્યાં જ અટકી ન હતી. તેમણે મારી તસવીરો પણ એક નંબર સાથે ભળતી વેબસાઇટ પર પોસ્ટ કરી હતી. ત્યાંથી મને ફોન કૉલ આવતા હતા અને રોજ ગંદી માગણી કરવામાં આવતી હતી.”
આ કહાણી ફૌઝિયા (સાંકેતિક નામ)ની છે. તેના પતિએ થોડા મહિના પહેલાં એક ઑનલાઇન ઍપ મારફત રૂ. 10,000ની લોન લીધી હતી. થોડા મહિનામાં લોનની રકમ અનેક ગણી થઈ ગઈ હતી. એ પછી ફૌઝિયા અને તેના પતિએ કરજ ચૂકવવા માટે પોતાના ઘરનો સામાન વેચી નાખવો પડ્યો હતો.
સોશિયલ મીડિયાના આ ઝડપી યુગમાં દરેક વ્યક્તિએ સાવધ રહેવું જોઈએ કે તેમના ફોટોગ્રાફ્સ ખોટા હાથમાં ન ચાલ્યા જાય, કારણ કે એવું થાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે.
ફૌઝિયા અને તેના પતિને પૈસા માટે બ્લૅકમેઇલ કરવામાં આવ્યાં હતાં અને એ માટે તેમના ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
ફૌઝિયાના પતિ શાકભાજીનો બિઝનેસ કરતા હતા. તેમાં એમણે બીજા લોકોને પણ કામે લગાડ્યા હતા, પરંતુ પરિસ્થિતિ એ હદે વણસી હતી કે એ સમયે તેમની પાસે તેમની દીકરીને પીવડાવવા માટે દૂધ પણ ન હતું.
ફૌઝિયા અને તેના પતિએ કરજ ચૂકવવા માટે પોતાની ઘરવખરી શા માટે વેચવી પડી હતી એ સવાલનો જવાબ આ ડરામણી કથામાં છે.
2020માં કોવિડ મહામારી દરમિયાન પાકિસ્તાનમાં ઑનલાઇન ઍપ મારફત આસાન હપ્તામાં લોનની શરૂઆત થઈ હતી. લોન લેવા ઇચ્છતા લોકો ઍપ ડાઉનલોડ કરે છે અને લોનનાં નિયમ તથા શરતો વાંચે છે, પરંતુ તેમને એ ખબર નથી હોતી કે આમાં જે લખ્યું છે એ જ તેમની સમસ્યાનું કારણ બનશે.
દાખલા તરીકે, લોન ચૂકવવાનો સમય 91 દિવસનો હોય છે અને ઉધાર લેવામાં આવેલાં નાણાં પર માત્ર ત્રણ ટકા વ્યાજ ચૂકવવાનું કહેવામાં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિ ઑનલાઇન ઍપ મારફત લોન લે છે ત્યારે એક સપ્તાહમાં જ તેને અલગ-અલગ નંબર પરથી લોનના હપ્તા ચૂકવવાના ફોન આવવા લાગે છે અને લોનની રકમ રોજેરોજ બમણી થતી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્લે સ્ટોર કે ઍપલ સ્ટોરમાંથી કોઈ ઍપ ડાઉનલોડ કરવામાં આવે ત્યારે ઉપયોગકર્તા પાસેથી તેમનાં કૉન્ટેક્ટ લિસ્ટ અને બીજી સામગ્રી માટે પરવાનગી માગવામાં આવે છે.
એક વખત એક્સેસ મળી જાય પછી ઉપયોગકર્તાનો ફોન ડેટા સંબંધિત કંપની પાસે પહોંચી જાય છે.
‘પતિએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો’
ફૌઝિયા અને તેના પતિ સાથે પણ આવું જ થયું હતું. લોન લીધાના એક સપ્તાહ પછી તેમને ફોન કરીને જણાવાયું હતું કે તેમણે જે લોન લીધી છે તે તત્કાળ નહીં ચૂકવે તો તેમણે વ્યાજ તરીકે રૂ. 5,000 ચૂકવવા પડશે.
પોતાના કડવા અનુભવની વાત કરતાં ફૌઝિયાએ કહ્યું હતું, “મારા પતિને ફોન પર કહેવામાં આવતું હતું કે તમે પૈસા આપી દો, નહીં તો અમે તમારા પરિચિતોને કહીશું કે તમે કરજ લીધું છે અને એ ચૂકવતા નથી. મારા પતિએ કહેલું કે 91 દિવસમાં લોન ચૂકવવાની છે ત્યારે તમને અત્યારથી અમારી પાસે પૈસા શા માટે માગી રહ્યા છો. ખૈર, અમે જેમતેમ કરીને અમે રૂ. 5,000 ચૂકવ્યા હતા, પરંતુ સિલસિલો ત્યાં અટક્યો ન હતો.”
ફૌઝિયાના કહેવા મુજબ, “હવે સ્થિતિ એવી છે કે અમારે એક ટંક ભોજન કરવું હોય તો પણ કોઈ આવીને અમને ખાવાનું આપી જાય એ માટે બે કલાક રાહ જોવી પડે છે. હું અને મારા પતિ તો ચલાવી લઈએ છીએ, પરંતુ મારી દીકરી પૂરતું ભોજન મળતું ન હોવાથી એટલી અશક્ત થઈ ગઈ છે કે એ તેની વય કરતાં નાની લાગી રહી છે.”
ફૌઝિયાએ જણાવ્યું હતું કે તેના પતિ પરિસ્થિતિથી એટલા વાજ આવી ગયા હતા કે થોડા દિવસ પહેલાં તેમણે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
“તેમણે મને તથા મારી દીકરીને ઓરડાની બહાર ધકેલી દીધાં હતાં અને પંખા પર લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોનની ઉઘરાણીના સતત આવતા ફોનથી કંટાળીને બે દિવસ પછી તેમણે વીજળીના કરંટ વડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો,” એમ ફૌઝિયાએ કહ્યું હતું.
ફૌઝિયા અને તેના પતિ જેવા હજારો લોકો આવી ઑનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યાં છે તથા તેમણે બ્લૅકમેઇલિંગનો સામનો કરવો પડ્યો છે.
કોઈએ ઑનલાઇન ઍપ મારફત રૂ. 13,000ની લોન લીધી હતી અને પછી પોતાનું ઘર વેચીને રૂ. 17 લાખ ચૂકવ્યા હતા. કોઈએ રૂ. 20,000ની લોન લીધી હતી અને પોતાની દુકાન ઉપરાંત પત્નીનાં ઘરેણાં વેચીને રૂ. 13 લાખ ચૂકવ્યા હતા.
બીજો કિસ્સો પંજાબ (પાકિસ્તાન)ના રાવલપિંડીના 42 વર્ષના મહમદ મસૂદનો છે. તેમણે લોન આપનાર લોકોથી તંગ આવીને કથિત રીતે આપઘાત કર્યો હતો.
મહમદ મસૂદની આત્મહત્યા પછી લોકોએ સોશિયલ મીડિયા પર આવી લોન ઍપ સામે પગલાં લેવાની માગણી કરી હતી. એ પછી સરકારી એજન્સીઓ જાગી હતી અને બનાવટી કંપનીઓ સામે ઝડપભેર પગલાં લેવામાં આવ્યાં હતાં.
ઑનલઇન ઍપ સામે કાર્યવાહી
છેતરપિંડીનો ભોગ બનેલા લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ઘણા લોકોએ આવી ઍપ વિશે એફઆઈએને માહિતી આપી હતી, પરંતુ તેમની સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ઑનલાઇન છેતરપિંડીમાં સામેલ આવી કંપનીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે એ જાણવા માટે બીબીસીએ સાયબર ક્રાઇમ વિંગ, ઇસ્લામાબાદના એડિશનલ ડિરેક્ટર અયાઝ ખાન સાથે વાત કરી હતી.
અયાઝ ખાને જણાવ્યું હતું કે ઑનલાઇન ઍપ વિરુદ્ધની ફરિયાદો ઘણા સમયથી મળતી હતી અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તેમના જણાવ્યા મુજબ, આવી ઍપ ગૂગલ કે ઍપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસીપી) દ્વારા તેનું નિયમન કરવામાં આવે છે. તે ઍપ કઈ કંપનીની છે, તેના સ્થાપક કોણ છે અને બાકીની બધી માહિતી તેની પાસે હોય છે. તેથી અમને ફરિયાદ મળી ત્યારે અમે એસઇસીપીને પૂછ્યું હતું કે જે ઍપ્સ સામે ફરિયાદ થઈ છે તેની પાસે લાઇસન્સ છે? તેમણે અમને જણાવ્યું હતું કે આ ઍપ્સ લાઇસન્સ ધરાવતી નથી અને લાઇસન્સ ધરાવતી ઍપ્સ પણ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે.
અયાઝ ખાનનું કહેવું છે કે લોન આપતી ઍપ્સની કોઈ ઑફિસ હોતી નથી. તેથી લોન લેનારાઓને એક નંબર પરથી વસૂલાત માટે ફોન કરવામાં આવે છે. તેથી ઍપનું ઠેકાણું ટ્રેસ કરવું મુશ્કેલ બને છે. આવી કંપનીઓના કૉલ ટ્રેસ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને તાજેતરમાં મહમદ મસૂદની આત્મહત્યા પછી આ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે, “અમે સાત એફઆઈઆર નોંધી છે, 25 લોકોની ધરપકડ કરી છે અને સાત કંપનીનાં કૉલ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત 35 બૅન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યાં છે.”
અયાઝ ખાને ઉમેર્યું હતું કે ફોટોગ્રાફ્સ એડિટ કરતા લોકો માટે કડક સાયબર કાયદો બનાવવામાં આવ્યો છે. તે મુજબ, આવું કામ કરનારને પાંચ વર્ષની સજા થઈ શકે છે. તે બિનજામીનપાત્ર ગુનો છે અને દંડનીય છે.
અયાઝ ખાનના જણાવ્યા મુજબ, ઘણા લોકો આવી છેતરપિંડી વિશે જાણતા ન હતા અને જરૂર પડ્યે ઍપ ડાઉનલોડ કરતા હતા, પરંતુ રાવલપિંડીના એક નાગરિકની કથિત આત્મહત્યા અને એ ઘટનામાં તેનું ફોન રેકૉર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી ઘણા લોકો આવી ઍપ્સ બાબતે જાણતા થયા છે.
કોઈ વ્યક્તિને હેરાન કરવામાં આવતી હોય તો તેણે સાયબર ક્રાઇમ વેબસાઇટ કે પોતાના ક્ષેત્રમાંના એફઆઈએ અથવા સાયબર ક્રાઇમ ઑફિસમાં ફરિયાદ કરવી જોઈએ, એવું જણાવતાં અયાઝ ખાને ખાતરી આપી હતી કે દોષિત સામે તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે.
‘છેતરપિંડી સામે વિરોધપ્રદર્શન’
અકીલ નૂમી અને ઇમરાન ચૌધરી જેવા યુવાઓ આવી ઍપ્સ બાબતે લોકોને જાગૃત કરી રહ્યા છે. તેઓ પોતે પણ આવી છેતરપિંડીનો શિકાર બન્યા હતા.
અકીલ નૂમીએ એક યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી છે, જેમાં બ્લૅકમેઇલથી કેવી રીતે બચવું એ તેઓ લોકોને જણાવે છે.
આ રીતે ઇમરાન ચૌધરીએ પણ સરકારી ઑફિસોની સામે જઈને ઍપ્સ દ્વારા કરવામાં આવતી છેતરપિંડી સામે વિરોધપ્રદર્શન કર્યું છે.
તેમનું કહેવું છે કે “આ એક બહુ મોટી છેતરપિંડી છે અને રોજ લાખો લોકો તેનો શિકાર બની રહ્યા છે. ઘણા લોકો તો આત્મહત્યા કરવાની સ્થિતિમાં પહોંચી ગયા છે. તેથી હું વિરોધ કરવા અનેક સમાચાર ચેનલો, એફઆઈએ અને એસઇસીપીની ઑફિસોમાં ગયો હતો.”
ઇમરાન ચૌધરી છેલ્લાં ચાર વર્ષથી આવી ઍપ્સ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે સમગ્ર પાકિસ્તાનમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે અને તેમના વૉટ્સઍપ પર એવા હજારો લોકો છે, જેઓ બ્લૅકમેઇલથી તંગ આવી ગયા છે અને તેમની મદદ માગી રહ્યા છે.
ઇમરાન ચૌધરીના જણાવ્યા મુજબ, તેમણે આ છેતરપિંડી બાબતે એફઆઈએને અનેક વખત જણાવ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
એફઆઈએ તરફથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આવી કંપનીઓ સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અને પછી સોશિયલ મીડિયા પર લોકોમાં ઘણી જાગૃતિ આવી છે.
તેમણે કહ્યું હતું, “ભવિષ્યમાં આવી ઍપ્સ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે એવી અમને આશા છે.”
આવી ઍપ્સને લાઇસન્સ કેવી રીતે આપવામાં આવે છે?
ઈઝી લોનનું લાઇસન્સ કેવું હોય છે અને ગેરકાયદે ઍપ્સ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે?
આ સવાલના જવાબમાં પાકિસ્તાનના એસઇસીપીના સેક્રેટરી ડિરેક્ટર ખાલિદા હબીબે જણાવ્યું હતું કે એસઇસીપી આર્થિક ક્ષેત્રનું નિયમન કરે છે.
તેનો અર્થ એ થાય કે એસઇસીપી નોન-બૅન્કિંગ કંપનીઓને લાઇસન્સ ઇસ્યુ કરે છે, જેથી એ કંપનીઓ દેશમાં લોન આપવાનું કામકાજ કરી શકે.
તેમણે કહ્યું હતું, “અમે કોઈ કંપનીને લાઇસન્સ આપીએ ત્યારે બીજી બાબતો ઉપરાંત તેમાં કોણ રોકાણ કરી રહ્યું છે, તેના વડા કોણ છે, તેની તપાસ પણ કરીએ છીએ. એ પછી અમે એક સાયબર ક્રાઇમ ફૉર્મ આપીએ છીએ, જેમાં લોન આપતી વખતે ધ્યાનમાં રાખવાની બધી બાબતો સમાવિષ્ટ હોય છે. અમે જેને મંજૂરી આપી રહ્યા છીએ તે ઍપ સાયબર સિક્યૉરિટી કમ્પ્લાયન્સ સિસ્ટમનું પાલન કરે છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવે છે.”
ખાલિદા હબીબના જણાવ્યા મુજબ, લૉન્ચ થયા બાદ આવી ઘણી ઍપ્સ બાબતે ફરિયાદ મળવા લાગી હતી. ઍપ્સ બાબતે અનેક સવાલ કરવામાં આવતા હતા. લોન લેનારના મોબાઇલ ફોનનું એક્સેસ મર્યાદિત રહે અને લોનની રકમ તથા અન્ય બાબતો લોન લેનારને સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે એસઇસીપીએ 2022માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ખાલિદા હબીબે કહ્યું હતું, “અમે પીટીએ, સ્ટેટ બૅન્ક અને અન્ય હિતધારકો સાથે વાત કરી હતી તેમજ તમામ ગેરકાયદે ઍપ સામે પગલાં લીધાં હતાં. અમે આવી ઍપ્સ બ્લૉક કરવા ગૂગલને જણાવ્યું હતું અને ગૂગલે અત્યાર સુધીમાં આવી 65 ઍપ બ્લૉક કરી દીધી છે.”
ખાલિદા હબીબના કહેવા અનુસાર, ગૂગલે એક નવી નીતિ પણ જાહેર કરી છે. એ મુજબ, કોઈ પણ ઍપે કામ કરવા માટે એસઈસીપી અને સ્ટેટ બૅન્કનું લાઇસન્સ દર્શાવવું ફરજિયાત છે.
એ સિવાય વપરાશકર્તાઓ દ્વારા અગાઉ ડાઉનલોડ કરવામાં આવેલી ગેરકાયદે ઍપ્સના ઇપીઆઈ એડ્રેસ બ્લૉક કરવા એસઇસીપીએ પીટીએને જણાવ્યું છે. સ્ટેટ બૅન્કને પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ એવી કોઈ ઍપના ઉપયોગની મંજૂરી ન આપે, જેની પાસે બૅન્ક કે કોઈ અન્ય માધ્યમથી પૈસાની લેવડદેવડનું એસઇસીપી લાઇસન્સ ન હોય.
ગેરકાયદે ઍપ્સ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે કે નહીં, એવા સવાલના જવાબમાં ખાલિદા હબીબે જણાવ્યું હતું કે એસઇસીપી એક સુપરવાઇઝરી સંસ્થા છે. તેનું કામ ગેરકાયદે ઍપ્સની ઓળખ કરવાનું અને તેને બ્લૉક કરવાનું છે. અમે આવી ઍપ્સને બ્લૉક કરતા રહીશું અને તેમની સામે કાર્યવાહી સતત ચાલુ રાખીશું.
એસઇસીપી માન્ય ઍપ કેવી રીતે શોધવી?
પાકિસ્તાનમાં આજે મોટા ભાગના લોકો સરળ હપ્તાની લોન લેવા ઇચ્છે છે. તેથી લોન લેવામાં આવે ત્યારે છેતરપિંડીથી કેવી રીતે બચવું એ બાબતે અનેક વાતો ખાલિદા હબીબે જણાવી હતી.
તેમના જણાવ્યા મુજબ, કોઈ પણ લોન ઍપ ડાઉનલોડ કરતા પહેલાં ઉપયોગકર્તાએ એસઇસીપીની વેબસાઇટ પર જવું જોઈએ અને શ્વેતસૂચિ તપાસવી જોઈએ. આ લિસ્ટમાં એવી જ ઍપને સ્થાન આપવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને તેને લાઇસન્સ આપવામાં આવ્યું છે. હાલ માત્ર બે ઍપ એસઇસીપીનું લાઇસન્સ ધરાવે છે.
તમે કોઈ ઍપ ડાઉનલોડ કરો ત્યારે એ સુનિશ્ચિત કરો કે તમારા ફોનનું એક્સેસ તેને એક જ વખત મળે, કારણ કે આઈડી પ્રસ્થાપિત કરવા માટે તે ઍપ એક સેલ્ફી લેતી હોય છે.
લોન લેતા પહેલાં તમામ નિયમો તથા શરતો ઝીણવટપૂર્વક વાંચી લો અને એકેય શરત અસ્વીકાર્ય કે અસ્પષ્ટ ન હોય તે સુનિશ્ચિત કરો.
કેટલું વ્યાજ આપવું પડશે તેની લોન લેનારને સ્પષ્ટ ખબર હોવી જોઈએ. એ ઉપરાંત યૂઝરની સુવિધા માટે ઓડિયોમાં તમામ શરતો જણાવાઈ હોય તો તે ધ્યાનપૂર્વક સાંભળી લો.
ગ્રાહક સમયસર લોન ચૂકવી આપશે એવી ખાતરી થાય પછી જ તેને લોન આપવી જોઈએ.