લૉન કૌભાંડ : 'લૉન આપનારા પાસે મારી પત્નીની નગ્ન તસવીરો કઈ રીતે પહોંચી ગઈ?'

    • લેેખક, પ્રિતી ગુપ્તા અને બૅન મૉરિસ
    • પદ, મુંબઈ

માર્ચ મહિનામાં જ્યારે રાજે આઠેક હજાર રૂપિયાની લૉન લીધી, ત્યારે તેમને લાગ્યું કે તેમની નાણાકીય ભીંસ ઉકેલાઈ જશે. પણ આ લૉને તેમની તકલીફો વધારી દીધી હતી.

પુણેમાં રહેતા રાજ (નામ બદલ્યું છે) એવા ઘણા લોકોમાંના એક છે જે ભારતમાં ઑનલાઈન લૉન આપતી કંપનીઓના સકંજામાં ફસાઈ ગયા હતા.

માત્ર મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં ડૉક્યુમેન્ટ અપલોડ કરીને સરળતાથી લૉન મળતી હોવાથી બૅન્ક પાસેથી લૉન મેળવવામાં અક્ષમ લોકો તેનો સહારો લે છે.

રાજને પણ તે જ રીતે પૈસા મળી ગયા, પણ તેને જેટલી જરૂર હતી તેનાંથી અડધા જ રૂપિયા મળ્યા. જોકે, ત્રણ દિવસમાં જ કંપનીએ જેટલા રૂપિયા આપ્યા હતા, તેનાંથી ત્રણ ગણા વધારે પૈસાની માગણી શરૂ કરી.

દેવું ચૂકતે કરવા દેવું

રાજે આ દેવું ચૂકતે કરવા અન્ય ઍપ્લિકેશનનો સહારો લીધો. એક દેવું ચૂકતે કરવા બીજું દેવું ઊભું કરતા અંતે તેઓ 33 જુદીજુદી ઍપ્લિકેશન પાસેથી અંદાજે ચાડા ચાર લાખ રૂપિયાના દેવામાં ડૂબી ગયા.

પૈસા ચૂકતે કરવા માટે આ લૉન કંપનીઓ તેમને અલગઅલગ પ્રકારે ધમકીઓ આપવા લાગ્યા પણ તેઓ પોલીસ પાસે જતા ડરતા હતા.

આ ઍપ્લિકેશનો ચલાવતા લોકો તેમનું કૉન્ટેક્ટ લિસ્ટ અને ફોટો ગૅલેરી હૅક કરીને તેમનાં પત્નીની નગ્ન તસવીરો તેમના કૉન્ટેક્ટ લિસ્ટના તમામ લોકોને મોકલવાની ધમકીઓ આપવા લાગ્યા હતા.

આ દેવું ચૂકતે કરવા માટે તેમણે પત્નીના તમામ દાગીના વેચી નાખ્યા પણ તેઓ હજુય ચિંતિત છે. તેઓ કહે છે, "મને નથી લાગતું કે એ લોકો મને છોડશે. આજે પણ મને ધમકીભર્યા ફોન અને મૅસેજો આવી રહ્યા છે."

ભારતમાં આ પ્રકારે લૉન આપવાના નામે થતી છેતરપિંડી ઘણી સામાન્ય થઈ ગઈ છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એક જાન્યુઆરી 2020થી 31 માર્ચ 2021 સુધીમાં ગેરકાયદેસર રીતે ચાલતી 600 લૉન ઍપ્લિકેશનો શોધી કાઢી હતી.

આ સમયગાળા દરમિયાન આરબીઆઈને લૉન કંપનીઓ વિરુદ્ધ સૌથી વધારે 572 ફરિયાદો મહારાષ્ટ્રમાંથી મળી હતી.

'સરળતાથી લૉન મેળવવામાં પ્રાઇવસી ગુમાવી બેસે છે'

મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ ઇન્સ્પૅક્ટર જનરલ ઑફ પોલીસ યશસ્વી યાદવ કહે છે, "આ ઍપ્લિકેશનો કોઈપણ પળોજણ વિના એકદમ સરળ રીતે લૉન આપે છે. જેનાથી લોકો આસાનીથી લલચાઈ જાય છે. તેમને ખ્યાલ નથી હોતો કે તેમના ફોન હૅક થઈ ગયા હોય છે, તેમનો ડેટા ચોરાઈ જાય છે અને તેમની પ્રાઇવસી સરેઆમ લૂટાઈ જતી હોય છે."

તેઓ આગળ કહે છે, "હું કહીશ કે આ સ્કૅમ મોટાપાયે પ્રસરવા પાછળનું કારણ એ પણ છે કે ભારતમાં મોટાભાગના લોકો બૅન્કમાંથી લોન મેળવવા પાત્ર નથી."

"સામાન્ય રીતે આ ઍપ્લિકેશનો ચીનના સર્વરો પરથી ચલાવવામાં આવતી હોય છે પણ તેની સાથે સંકળાયેલા ભેજાબાજો ભારતમાં જ ક્યાંક છૂપાયેલા હોય છે."

ઇન્સ્પૅક્ટર યાદવનું કહેવું છે કે તેઓ આ પ્રકારના ભેજાબાજોને તેમના બૅન્ક ઍકાઉન્ટ અને ફોન નંબર પરથી પકડે છે.

'ભોળા અને જરૂરિયાતમંદ લોકો ટાર્ગેટ'

બીબીસીએ જ્યારે આ પ્રકારની છેતરપિંડી સાથે સંકળાયેલા ભેજાબાજ સાથે વાત કરી તો તેણે કહ્યું કે તેમનું(પોલીસ) ધ્યાન ભટકાવવું ઘણું સરળ છે.

તે કહે છે, "ઍપ્લિકેશનોના માલિકો અથવા તો અમારા જેવા લોકો જે તેમના માટે કામ કરે છે, તેમને શોધવા ઘણા મુશકેલ છે. કારણ કે મોબાઇલ નંબર ખરીદવા માટે અમે ખોટા પુરાવા રજૂ કર્યા હોય છે."

"અમે સમગ્ર દેશમાંથી ઑપરેટ કરીએ છીએ. અમારા જેવા લોકોની કોઈ એક ચોક્કસ જગ્યા ફિક્સ હોતી નથી. માત્ર એક લૅપટૉપ અને ફોન દ્વારા કામ થઈ જાય છે. મારા જેવા એક ઑપરેટર પાસે ગ્રાહકને ધમકી આપવા 10 જુદાજુદા ફોન નંબર હોય છે."

આ ભેજાબાજે અમને જણાવ્યું કે તેમને ભોળા અને જરૂરિયાતમંદ લોકો શોધવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. આ લોકોને જેટલા રૂપિયાની જરૂર હોય તેનાંથી અડધા રૂપિયાની લૉન આપવામાં આવે છે અને ત્યાર બાદ મોટાભાગના કિસ્સામાં રાજની જેમ ત્રણ ગણા પૈસા પડાવવામાં આવે છે.

જો ભોગ બનનાર વ્યક્તિ પૈસા ચૂકવી શકે તેમ ન હોય તો વધારે દબાણ ઊભું કરવામાં આવે છે.

ભેજાબાજ કહે છે, "સૌપ્રથમ પરેશાન કરવામાં આવે છે ત્યાર બાદથી ધમકીઓ આપવામાં આવે છે. વ્યક્તિનું કૉન્ટેક્ટ લિસ્ટ અમારી પાસે હોવાથી છેલ્લે બ્લૅકમેલ કરવાની ખરી રમત શરૂ થાય છે. મોટાભાગના લોકો શરમ અને ડરના કારણે સત્તાધીશો પાસે જવાનું ટાળે છે."

પ્લે સ્ટોર સિવાય પણ પહોંચાય છે લોકો સુધી

બીબીસીએ ભોગ બનનારાઓને મોકલાયેલા મૅસેજો જોયા. જેમાં તેમના સહકર્મીઓ અને પરિવારને લૉન વિશે કહી દેવાની ધમકીઓનો સમાવેશ થતો હતો.

કેટલીક ધમકીઓ ખૂબ જ ખરાબ હતી અને કેટલાક મૅસેજોમાં તેમના ફોટો મૉર્ફ કરીને પૉર્ન ઇમેજીસને વાઇરલ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી.

સરકારે પણ આવી લૉન ઍપ્લિકેશનો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે સરકારે ગૂગલને આ પ્રકારની ઍપ્લિકેશનો પ્લે સ્ટોરમાંથી હઠાવવા માટે કહ્યું હતું.

પણ જ્યારે ઍપ્લિકેશનો પ્લે સ્ટોરમાંથી હઠી જાય તો ભેજાબાજો સામાન્ય ટૅક્સ્ટ મૅસેજનો ઉપયોગ કરીને લોકોને લલચાવે છે.

આ પ્રકારની ઍપ્લિકેશનોને લઈને આરબીઆઈએ સરકારને તેમને લગતો એક કાયદો તૈયાર કરવા ભલામણ કરી હતી.

સરકાર આ વિશે આગામી કેટલાક સપ્તાહમાં નિર્ણય લઈ શકે છે.

આ નવા નિર્ણયો જ્યારે પણ બને ત્યારે કેટલાક લોકો માટે તો મોડું જ થઈ ગયું હશે.

'લોન પણ લીધી ન હતી અને હેરાનગતિ શરૂ થઈ ગઈ'

સંદીપ કોરેગાંવકરે ચાર મેના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, લોન ચૂકવવા માટેની ધમકીઓના કારણે તેમણે આ પગલું ભર્યું હતું.

તેમના ભાઈ દત્તાત્રેયના જણાવ્યા પ્રમાણે, સંદીપે કોઈ લોન પણ લીધી ન હતી. તેમણે માત્ર ઍપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

ઍપ્લિકેશન ડાઉનલોડ કર્યાના થોડા જ દિવસોમાં ઑપરેટરોએ તેમના સહકર્મીઓને ફોન કરીને તેમને ખરાબ દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું અને તેમના ફોટોગ્રાફને મૉર્ફ કરીને 50 જેટલા સહકર્મીઓને મોકલ્યા હતા.

દત્તાત્રેય આગળ જણાવે છે કે, પોલીસ ફરિયાદ કરી હોવા છતા પણ હેરાનગતિ બંધ થઈ ન હતી. તેમનું જીવન બરબાદ થઈ ચૂક્યું હતું. તે ઊંઘી કે ખાઈ પણ શકતો ન હતો.

હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો