You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૂપુર શર્મા વિવાદ : ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં આત્મઘાતી હુમલાની અલ કાયદાની ધમકી - પ્રેસ રિવ્યૂ
પયંગબર મહંમદને લઈને ભાજપ નેતા નૂપુર શર્માએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હવે ભારતીય ઉપખંડમાં અલકાયદા (એક્યુઆઈએસ)એ ધમકી આપી છે.
ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, નૂપુર શર્માના નિવેદન બાદ એક્યુઆઈએસ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત, દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે.
પત્રમાં જણાવ્યું છે કે,"વિશ્વભરના મુસ્લિમો પયગંબરના અપમાનથી દુખી છે અને તેમનામાં બદલો અને પ્રતિશોધની ભાવના છે. જે લોકો પયગંબરનો મજાક ઊડાવશે કે તેમનું અપમાન કરશે, તેમને ખતમ કરી દેવાશે. "
એક્યુઆઈએસ બાંગ્લાદેશથી સંચાલિત અલકાયદાનો જ એક ભાગ છે. જેની શરૂઆત 2014માં કરવામાં આવી હતી.
આ જૂથ દ્વારા બાંગ્લાદેશમાં સૅક્યુલર લેખકો અને બ્લૉગર્સ પર ઘણા હુમલા કરવામાં આવ્યા છે.
આ જૂથના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમારમાં સભ્યો હોવાનું અને તેમણે ઘણા નાસ્તિકો અને ડૉક્ટરો પર હુમલા કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કૉંગ્રેસ રઘુ શર્માને ગુજરાતના પ્રભારીપદ પરથી હઠાવશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ રાજ્યના પ્રભારી રઘુ શર્માને હઠાવે તેવી શક્યતા છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, હાર્દિક પટેલે પાર્ટી છોડ્યા બાદ કૉંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતમાં ફેરફાર કરવા માગે છે. જેના માટે તેઓ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માને હઠાવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્ટીનાં સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સ્થાને કૉંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મુકુલ વાસનિકને મોકલવામાં આવી શકે છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી બાદ કરાય તેવી શક્યતા છે.
અહેવાલ મુજબ, ગુજરાત કૉંગ્રેસમાં હાર્દિક પટેલ સિવાય પણ ઘણા નેતાઓને પ્રભારી રઘુ શર્મા સાથે અણબનાવ હતો.
તેમના પ્રભારી તરીકેના કાર્યકાળ દરમિયાન હાર્દિક સિવાય કૉંગ્રેસના ઘણા ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે. જેમાં જયરાજસિંહ પરમાર, કેવણ જોશીયારા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને શ્વેતા બ્રહ્મભટ્ટનો સમાવેશ થાય છે.
મુસ્લિમ દેશોમાં ભારતના વિરોધ વચ્ચે ઈરાનના વિદેશમંત્રી ભારતમાં
ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન ભારતીય અધિકારીઓને મળવા માટે તહેરાનથી દિલ્હી આવી પહોંચ્યા છે.
તેમની ભારતની યાત્રામાં ચાબહાર બંદર દ્વારા કનૅક્ટિવિટી અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ખાસ ચર્ચા થઈ શકે છે.
ગયા વર્ષે કાર્યભાર સંભાળ્યા બાદ ઈરાનના વિદેશમંત્રીની આ પહેલી ભારત યાત્રા છે.
નોંધનીય છે કે ઈરાને પયગંબર મહંમદને લઈને ભાજપના પૂર્વ પ્રવક્તાના નિવેદન મામલે ભારતના રાજદૂતને સમન્સ પાઠવીને વાંધો રજૂ કર્યો હતો.
ઈરાન સિવાય કતાર, કુવૈત, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાન અને માલદિવ્સે પણ આ મામલાની નિંદા કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો