You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અવની લેખરાએ પૅરાશૂટિંગ વર્લ્ડકપમાં જીત્યો ગોલ્ડ, પૅરાલિમ્પ્ક્સ 2024 માટે ક્વૉલિફાય થયાં
ટોક્યો પૅરાલિમ્પિક્સ ચૅમ્પિયન અવની લેખરાએ પૅરાશૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અવની લેખરાએ ફ્રાન્સમાં મહિલા 10 મીટર ઍર રાઇફલમાં આ મેડલ 250.6 સ્કોર સાથે જીત્યો છે.
20 વર્ષીય અવનીએ પોતાના જ 249.6ના સ્કોરનો વર્લ્ડ રૅકર્ડ તોડ્યો છે. આ જીત સાથે તેમણે 2024માં પેરિસ પૅરાલિમ્પિક્સમાં સ્થાન બનાવી લીધું છે.
ફ્રાન્સના જે પૅરાશૂટિંગ વર્લ્ડકપમાં અવનીએ ગોલ્ડ મેડલ જીત્યો, તેમાં સિલ્વર મેડલ પૉલેન્ડના ઍમિલા બાબસ્કા અને બ્રૉન્ઝ સ્વીડનના અના નોર્માનને મળ્યો છે. ત્રણેયને એસએચ1 કૅટેગરીમાં મેડલ મળ્યા છે.
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં અવની લેખરાએ અસાકા શૂટિંગ રેંજમાં મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગ એસ1 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.
તે સમયે 19 વર્ષીય અવની પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા હતાં.
કોણ છે અવની લેખરા?
મૂળ જયપુરનાં રહેવાસી અવનીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2012માં એક કારદુર્ઘટના બાદથી તેઓ કરોડરજ્જુની તકલીફનો સામનો કરી રહ્યાં છે.
અકસ્માત બાદથી તેઓ વ્હીલચૅરના સહારે જ હરીફરી શકતાં હતાં પણ તેમણે ક્યારેય હાર ન માની અને શૂટિંગમાં પોતાનો હાથ અજમાવ્યો. જેમાં તેઓ સતત સફળતાના શિખરો સર કરતાં રહ્યાં.
વર્ષ 2015થી જયપુરના જગતપુરા સ્પોર્ટ્સ કૉમ્પલેક્સમાં તેમણે પ્રૅક્ટિસ શરૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અવનીના પિતા ઇચ્છતા હતા કે તેઓ સ્પોર્ટ્સમાં રુચિ લે.
શરૂઆતમાં અવનીએ શૂટિંગ અને તિરંદાજીમાં હાથ અજમાવ્યો. આ બંનેમાંથી તેમને શૂટિંગ વધારે પસંદ આવ્યું. અભિનવ બિન્દ્રાના પુસ્તકથી તેમને ઘણી પ્રેરણા મળી અને તેઓ સતત આગળ વધતાં ગયાં.
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવો તેમની મહેચ્છા હતી.
વર્ષ 2020માં કોરોનો મહામારીને લઈને તેમણે કહ્યું હતું કે તેના કારણે તેમની પ્રૅક્ટિસ સહિત ફિઝિયોથૅરાપીના સૅશન પર પણ વિપરિત અસર પડી હતી.
તેમણે કહ્યું હતું, "કરોડરજ્જુની તકલીફના કારણે હું કમરની નીચેના ભાગમાં કશું મહેસૂસ કરી શક્તી નથી. તેમ છતાં રોજ મારે કસરત કરવાની હોય છે."
"મારા એક ફિઝિયોથૅરાપિસ્ટ હતા, જે રોજ ઘરે આવીને મને કસરત કરાવતા હતા. તેમણે આખું શહેર પાર કરીને મારા ઘરે આવવું પડતું હતું."
"ત્યાર બાદ મારા હિતેચ્છુઓએ તેમની યથાશક્તિ પ્રમાણે મારી મદદ કરી. શૂટિંગની ટ્રેનિંગ ઘરમાં શક્ય ન હતી, જેથી ગોળીઓ વગર પ્રૅક્ટિસ શરૂ કરી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો