SIPમાં પ્રતિમાસ હજાર રૂપિયા રોકીને કરોડોની કમાણી કરી શકાય? નિષ્ણાતો શું કહે છે?

    • લેેખક, સુભાષચંદ્ર બોઝ
    • પદ, બીબીસી તામિલ

તમે માત્ર 200 રૂપિયાના રોકાણ વડે કરોડપતિ બની શકો, એ પ્રકારની ઘણી જાહેરાતો આજકાલ સોશિયલ મીડિયાથી માંડીને અનેક જગ્યાએ દેખાઈ રહી છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઇપી નામની સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહેલી ઇન્વૅસ્ટમેન્ટ સ્કીમ વડે નોંધપાત્ર આવક મેળવી શકાતી હોવાનું કહેવાય છે.

આ રોકાણ યોજના શું છે? તેમાં રોકાણ કરીને ખરેખર કમાણી કરી શકાય? આ સ્કીમના ફાયદા તથા ગેરફાયદાની ચર્ચા અહીં કરાઈ છે.

એસઆઈપી શું છે?

તે સિસ્ટમેટિક ઇન્વૅસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) છે. આ યોજના મ્યુચલ ફંડ યોજનામાં તબક્કાવાર રોકાણ કરવાની રીત છે.

આ સ્કીમમાં મ્યુચલ ફંડ કંપની દ્વારા તમારા બૅન્ક ખાતામાંથી દર મહિને ચોક્કસ રકમ ઇએમઆઇ તરીકે લેવામાં આવે છે. મ્યુચલ ફંડ કંપની તે નાણાંનું રોકાણ શૅરબજારમાં વિવિધ કંપનીઓના શૅરમાં કરીને નિશ્ચિત વળતરની ખાતરી આપે છે.

કઈ કઈ એસઆઈપીમાં રોકાણ કરી શકાય?

વોન્ક્રોના સીએફઓ અને નાણાકીય સલાહકાર સતીશકુમાર જણાવે છે કે એસઆઇપીમાં રોકાણના બે વિકલ્પ છે.

તેઓ કહે છે, “ગ્રોથ ફંડ અને ડિવિડન્ડ ફંડ એમ બે પ્રકારની એસઆઇપી હોય છે. ગ્રોથ ફંડમાંના તમારા રોકાણના ડિવિડન્ડનું ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરી શકાય છે અને છેવટે કલેક્ટ કરી શકાય છે, પરંતુ ડિવિડન્ડ ફંડમાં તમે મહિને, દર ત્રણ મહિને અથવા વર્ષમાં એક વાર ડિવિડન્ડ મેળવી શકો છો.”

મધ્યમ વર્ગના પરિવારોને શું ફાયદો થાય?

અર્થશાસ્ત્રી કે. રાજેશના જણાવ્યા મુજબ એસઆઇપીમાં રોકાણનો લાભ માત્ર મધ્યમ વર્ગના પરિવારોને જ મળે છે.

આ વાત સમજાવતાં તેઓ કહે છે, “શૅરબજારની વાત આવે ત્યારે સારી કંપનીના શૅરનો ભાવ 700 રૂપિયાથી વધુ હોય છે. તમારી પાસે કમસે કમ 2,000 રૂપિયા હોય તો જ તમે શૅરમાર્કેટમાં પ્રવેશ કરી શકો છો. એટલા પૈસાથી તમે માત્ર પાંચ શૅર ખરીદી શકો. તેથી તમે ઓછા ભાવના શૅરમાં જ રોકાણ કરી શકો છો. શૅરના ભાવમાં ઘટાડો થાય તો તમારા રોકાણ પર જોખમ સર્જાય છે.”

“બીજી તરફ મ્યુચલ ફંડમાં લઘુતમ રોકાણ 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની તમારા રોકાણમાંથી અનેક કંપનીઓના શૅર ખરીદે છે. કોઈ એક કંપનીના શૅરનો ભાવ તળિયે આવી જાય તો પણ બીજી કંપનીઓમાંના તમારા શૅરનું મૂલ્ય વધતું રહે છે,” એમ કે. રાજેશ કહે છે.

તેઓ ઉમેરે છે કે તે મધ્યમ વર્ગના પરિવારના સભ્યને લઘુતમ આવકની ગૅરંટી મેળવવામાં મદદરૂપ થાય છે અને નુકસાનનું જોખમ ઘટાડે છે.

બૅન્ક એકાઉન્ટ અને એસઆઇપી રોકાણ વચ્ચેનો ફરક

આપણે જાણીએ છીએ કે ઘણા લોકો તેમના પૈસા બચત અને વૃદ્ધિ માટે વિવિધ બૅન્ક એકાઉન્ટમાં રાખે છે, પરંતુ એસઆઇપીમાંનું રોકાણ તેનાથી કેવી રીતે અલગ છે, તે કે. રાજેશ સમજાવે છે.

“બંને વચ્ચેનો તફાવત માત્ર તેના રોકાણના જોખમ અને વળતરનો છે. જેમાં જોખમ ઓછું હોય તેમાં વળતર ઓછું હોય. જોખમ વધારે હોય ત્યાં વળતર પણ વધારે હોય.”

દાખલા તરીકે બૅન્ક સહિતની કોઈ પણ બૅન્કિંગ સંસ્થામાં કોઈ પણ પ્રકારના બચત ખાતામાં નાણાનું રોકાણ જોખમરહિત હોય છે, પરંતુ તેમાંથી માત્ર સાત-આઠ ટકા વળતર મળે છે.

એમ કે. રાજેશ જણાવે છે કે બીજી તરફ મ્યુચલ ફંડમાં લાંબા ગાળાની સ્કીમમાં રોકાણ કરવું જોખમી છે, પરંતુ તેમાં 15થી 18 ટકા વળતર મળવાની શક્યતા હોય છે.

તેમના કહેવા મુજબ, “બૅન્ક ખાતાના રોકાણમાંથી સાત ટકા આવક થાય અને વાર્ષિક ફુગાવો છ ટકા હોય તો મોટા ભાગની આવક તેમાં ચવાઈ જાય છે, પરંતુ મ્યુચલ ફંડમાં 15થી 18 ટકા વળતર મળતું હોવાથી ફુગાવાને બાદ કર્યા પછી પણ આપણને થોડો લાભ મળે છે.”

મ્યુચલ ફંડ અને એસઆઇપી વચ્ચેનો તફાવત

ઘણા લોકો મ્યુચલ ફંડ અને એસઆઇપી વચ્ચે ગૂંચવાતા હોય છે. અમે કે. રાજેશને આ બંને વચ્ચેના કનેક્શન વિશે સવાલ કર્યો.

તેઓ કહે છે, “મ્યુચલ ફંડ એક એવું ફંડ છે, જેમાં તમે રોકાણ કરો છો, જ્યારે એસઆઇપી તમારા માટે રોકાણની એક રીત છે.”

તેમના કહેવા મુજબ, “મ્યુચલ ફંડમાં બે રીતે રોકાણ કરી શકાય. એક રીત લમસમ એટલે કે એક સાથે વધુ નાણાનું રોકાણ કરવાની છે. બીજી રીત એસઆઇપી છે, જેમાં તમે દર મહિને થોડું થોડું રોકાણ કરી શકો છો. બંનેમાં તરલતાનું જોખમ છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે તે જોખમ ઓછું હોય છે.”

નવા રોકાણકારોએ શું કરવું જોઈએ?

રોકાણના ક્ષેત્રમાં પ્રવેશતા નવા લોકો યોગ્ય માર્ગદર્શનના અભાવે ભૂલો કરે તેવી શક્યતા હોય છે. તેથી કે. રાજેશ મહત્ત્વની ત્રણ બાબતો જણાવે છે, જે ફર્સ્ટ ટાઇમ ઇન્વૅસ્ટરે ધ્યાનમાં રાખવી જોઈએ.

તેઓ કહે છે, “પહેલાં તો એ નક્કી કરી લેવું જોઈએ કે આપણે કેટલું જોખમ લેવા તૈયાર છીએ. એ પછી કેટલાં નાણાનું રોકાણ કરવું છે તે નક્કી કરવું જોઈએ.”

“એ પછી તમે કોઈ સારી કંપનીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો અને લમસમ અથવા એસઆઇપીમાં માસિક ધોરણે રોકાણ કરી શકો છો.”

ઝડપથી પૈસાદાર થવાના ઇરાદા સાથે રોકાણ કરવા સામે તેઓ ચેતવણી આપે છે.

એસઆઇપીનું આયોજન અને રોકાણ કઈ રીતે કરવાં?

નાણાકીય સલાહકાર સતીશકુમારના કહેવા મુજબ એસઆઇપી એકાઉન્ટ ખોલાવતા પહેલાં આપણે આપણી ભાવિ યોજનાઓ, રોકાણ યોજનાઓ અને નિવૃત્તિની યોજનાઓ વિશે વિચારવું જોઈએ.

તેઓ કહે છે, “કોઈ વ્યક્તિ તેની વયના આધારે નક્કી કરી શકે કે તેણે કયા મ્યુચલ ફંડમાં રોકાણ કરવું છે.”

દાખલા તરીકે યુવાવ્યક્તિ ઇક્વિટી ફંડમાં 100 ટકા રોકાણ કરી શકે. તમે મધ્યમ વયની વ્યક્તિ હો તો હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરી શકો. એ સિવાય કોઈ પણ મોટા જોખમ વિના રોકાણ કરવા ઇચ્છતા વરિષ્ઠ નાગરિકો ડેટ ફંડ અથવા ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે.

એસાઈપીમાં રોકાણ બાદ અડધા પૈસા ઉપાડી શકાય?

તમારા બૅન્ક ખાતામાંથી તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો છો, પરંતુ એસઆઇપીની બાબતમાં એવું શક્ય છે?

કે. રાજેશ કહે છે, એવું શક્ય છે. “આવકવેરા માટે એસઆઇપીમાં રોકાણ કરવા સિવાય તમે કોઈ પણ સમયે નાણાં જમા કરાવી શકો તેમ ઉપાડી પણ શકો છો. તમે અચાનક રોકાણ બંધ કરવા ઇચ્છતા હો તો તે કરી શકો છો. તમે માત્ર બે મહિના માટે રોકાણ સસ્પેન્ડ કરવા ઇચ્છતા હો તો તે પણ કરી શકો છો. એક મહિનો રોકાણ ન કરવું હોય તો તેનો વિકલ્પ પણ છે.”

કેટલા પ્રકારનાં ફંડ છે?

દેશમાં હજારો નાણાકીય સંસ્થાઓ છે, પરંતુ એસેટ મૅનેજમૅન્ટ કંપની(એએમસી)ઓની સંખ્યા બહુ ઓછી છે. દરેક એએમસી પાસે 100થી વધુ ફંડ છે.

તેની વાત કરતાં કે. રાજેશ જણાવે છે કે ઇક્વિટી ફંડ માત્ર શૅરબજારમાં જ રોકાણ કરે છે, ડેટ ફંડ બોન્ડ તથા ડિપોઝિટમાં રોકાણ કરે છે, જ્યારે હાઇબ્રિડ ફંડ ઉપરોક્ત બંનેમાં રોકાણ કરે છે.

લિક્વિડ ફંડ મની માર્કેટમાં અને બૅન્કોના લેન્ડિંગમાં ટૂંકા ગાળાનું રોકાણ છે. તમે માત્ર આઇટી કંપનીમાં રોકાણ કરવા માગતા હો તો તેના માટે આઇટી ફંડ છે, બૅઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં રોકાણ કરવા ઇચ્છતા હો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે. આવા અનેક પ્રકારના મ્યુચલ ફંડ છે.

કઈ કંપનીમાં રોકાણ કરવું?

ઝડપથી પૈસાદાર થવાની લોકોને ઘેલછાનો લાભ લઈને આજકાલ ઘણાં ચાલાકીપૂર્વકના કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ સૅક્ટરમાં પણ કૌભાંડો થાય છે? કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ?

કે. રાજેશ કહે છે, “ઇન્વૅસ્ટમેન્ટ કંપનીઓ કડક નિયમો હેઠળ કામ કરે છે. એ કંપનીઓનું નિયમન રિઝર્વ બૅન્ક, ઍસોસિયેશન ઑફ મ્યુચલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) અને સેબી દ્વારા કરવામાં આવે છે. તેથી કોઈ કંપની વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમે કયા ફંડમાં રોકાણ કરવાના છો તેની જ ચિંતા તમારે કરવાની હોય છે.”

કયા મ્યુચલ ફંડમાં રોકાણ કરી શકાય?

નવા રોકાણકારોને સવાલ થતો હોય છે કે કયા સૅક્ટરના મ્યુચલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. જેમણે પહેલાંથી રોકાણ કર્યું હોય તેમને તેમની ગણતરી મુજબનું વળતર મળશે કે નહીં તેનું ટેન્શન હોય છે. તેના નિરાકરણ માટે કેટલાક મ્યુચલ ફંડ વિકલ્પો ઉપલબ્ધ છે, જે હંમેશાં સલામત અને ઓછા જોખમી હોય છે.

સામાન્ય રીતે આઇટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મોસમી ફંડ હોય છે. તેથી તેમાં હંમેશાં ચડાવઉતાર જોવા મળતો હોય છે, તેમ જણાવતાં કે. રાજેશ કહે છે, “ઇન્ડેક્સ ફંડમાં તમામ પ્રકારના ફંડનો સમાવેશ થાય છે. તમામ કંપનીઓના ઇન્ડેક્સ ફંડ હોય છે. નિફટી અને સેન્સેક્સે સતત 16 ટકા વળતર આપ્યાનો ઇતિહાસ છે. તેથી તમે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરો તો તમારી કંપની જે શૅર ખરીદે, પછી ભલે તે નિફટી હોય કે સેન્સેક્સ, તમારા શૅરનું મૂલ્ય તેમાં રહેલી કંપનીઓમાંથી આવે છે.”

ફાયદા અને ગેરફાયદા

કોઈ પણ રોકાણના લાભ અને ગેરલાભ હોય છે. તેથી એસઆઇપી સ્કીમમાં પણ ફાયદા અને ગેરફાયદા છે.

કે. રાજેશ કહે છે, “ત્રણથી પાંચ વર્ષના ટૂંકા ગાળામાં આવું વળતર મળશે તેની કોઈ ગૅરંટી નથી. તમે આ સ્કીમ મારફત દસ વર્ષથી વધુ સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખો તો નાણાકીય નુકસાનનું કોઈ જોખમ રહેશે નહીં.”

તેમ છતાં તમે તમારા એકંદર રોકાણના 30 ટકાથી વધુ ગુમાવો તેવી શક્યતા નહિવત્ છે.

સતીશકુમાર કહે છે, “એસઆઇપી રોકાણના કિસ્સામાં એક કંપની, તેના ફંડ મૅનેજર અને નાણાં ગુમાવવાનું જોખમ ઘટાડવા માટે શૅરોમાં રોકાણની વ્યૂહરચના બનાવવા એક કમિટી હોય છે. શૅરબજારમાં સીધું રોકાણ કર્યું હોય તો ખરીદવામાં આવેલા શૅરનું મૂલ્ય ઘટે તો તમે જે રોકાણ કર્યું હતું તે રિકવર કરી શકાતું નથી. આમ આપણે અહીં ઓછા જોખમ સાથે રોકાણ કરી શકીએ છીએ.”

1,000 રૂપિયાનું રોકાણ કરીને કરોડો કમાઈ શકાય?

શૅરબજાર સહિતના આવા રોકાણ પર નિર્ભર ઘણા લોકોનું સપનું ઓછા પૈસાનું રોકાણ કરીને વધુ વળતર મેળવવાનું હોય છે. છેતરપિંડી કરતા ઘણા કૌભાંડકારીઓ લોકોની આવી વિચારસરણીનો લાભ લેતા હોય છે.

સતીશકુમાર ભારપૂર્વક જણાવે છે કે એસઆઇપી આ રીતે કરોડોનો નફો કરવાનું પ્લૅટફૉર્મ નથી. એ માટે બીજી ઘણી સાઇટ છે. પરંતુ એસઆઇપી ધીમે ધીમે ઓછા જોખમયુક્ત રોકાણ અને સ્થિર વળતર મેળવવા માટે છે.

એસઆઇપી કેલ્ક્યુલેટર શું છે?

એસઆઇપી રોકાણકારો તેમના ભાવિ વળતરની સંપૂર્ણ આગાહી કરી શકતા ન હોવા છતાં તેમાં અમુક અંશે વળતરનું ગણતરી કરવાની એક રીત એસઆઇપી કેલ્ક્યુલેટર છે.

આ એસઆઇપી કેલ્ક્યુલેટર તમને જણાવે છે કે તમે કરેલા રોકાણનું કેટલું વળતર મળશે. એ માટે કેટલીક ફૉર્મ્યુલા છે. કેટલી કમાણી થશે તેની ગણતરી તમે સીધા ગૂગલ દ્વારા પણ કરી શકો છો.

આ રીતે તમે તમારા રોકાણને સુવ્યવસ્થિત કરી શકો છો.

એનએવી શું છે?

દરેક શૅરની કિંમત હોય છે તેમ મ્યુચલ ફંડમાં યુનિટ ઑફર કરવામાં આવે છે. આવા દરેક યુનિટની કિંમત નેટ એસેટ વૅલ્યૂ (એનએવી) દ્વારા દર્શાવવામાં આવે છે.

આ વૅલ્યુએશન જણાવે છે કે કોઈ ફંડનો ઇનફ્લો અને આઉટફ્લો આજે કેટલો મૂલ્યવાન છે? મ્યુચલ ફંડ ખરીદવું જોઈએ કે વેચવું જોઈએ? કઈ કિંમતે વ્યવહાર થાય છે?