You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝૂંપડપટ્ટીમાં રહેનાર ઉમેશની ભારતીય સૈન્યમાં અધિકારી બનવા સુધીની સફર
- લેેખક, આશય યેગડે
- પદ, બીબીસી સંવાદદાતા
મુંબઈમાં ધારાવીની સાયન-કોલીવાડા ઝૂંપડપટ્ટીમાં જન્મેલો ઉમેશ હવે 'લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુ' બની ગયા છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે દૃઢ નિશ્ચય અને સખત મહેનત થકી આ સિદ્ધિ મેળવનારા ઉમેશ અહીંના અનેક લોકો માટે પ્રેરણા બની ગયા છે.
ચેન્નાઈમાં ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડૅમીમાં શનિવારે (9 માર્ચ)ના રોજ પોતાના સપનાને સાકાર કરનાર ઉમેશ હવે ઘણા લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે.
એક દાયકા ઉગાઉ જ ઉમેશનો પરિવાર મુંબઈ પોતાનું નસીબ અજમાવવા આવ્યો હતો અને આજે ઉમેશે સખત મહેનતથી પરિવારની આ આશાઓને પરિપૂર્ણ કરી છે.
તેઓ ઉમેશની આ સિદ્ધિમાં સહભાગી થવા મુંબઈથી ચેન્નાઈ ગયા હતા. ભાઈ-બહેન, કાકા-કાકી, મામા-મામી અને બહેન બધાં એ ક્ષણનાં સાક્ષી બન્યાં હતાં જ્યારે ઉમેશ ભારતીય સૈન્યમાં અધિકારી બન્યા.
પરંતુ આ ક્ષણે ઉમેશના પિતા નહોતા. કારણ કે થોડા મહિના અગાઉ જ લાંબી બીમારી પછી તેમનું અવસાન થઈ ગયું હતું. 2013માં તેમના પિતા બીમાર પડ્યા પછી પરિવારની જવાબદારીઓ ઉમેશ પર આવી પડી હતી.
પિતાના મૃત્યુ પછી નિરાશ ઉમેશે તેમના જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો, તેઓ ચેન્નાઈ ગયા, સેનાની આકરી તાલીમ પૂર્ણ કરી અને આજે તેઓ લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુ બન્યા છે.
જો કોઈ પણ વ્યક્તિ સફળ થવાનાં સપનાં જોતી હોય અને સંજોગોથી નિરાશ હોય તો તેમણે લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુની આ સફળતા સુધીની સફર જાણવી જોઈએ.
ધારાવીમાંથી નીકળી અધિકારી બનવા સુધીની સફર
ધારાવીમાં જન્મેલા લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુ માટે જીવન મુશ્કેલીઓ ભરેલું હતું. ઉમેશના પિતા દિલરાવ કિલ્લુ પેઇન્ટર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતા મજૂરીકામથી જે રૂપિયા મળતા તેનાથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા.
આવી કઠિન સ્થિતિ છતાં તેમણે તેમનાં બંને સંતાનોને ભણાવ્યાં, પણ કિલ્લુ પરિવારનું જીવન વધારે કપરું બનતું જઈ રહ્યું હતું.
2013માં ઉમેશના પિતા સ્ટ્રોકનો શિકાર થયા અને પરિવારની જવાબદારી ઉમેશ પર આવી પડી.
પોતાની શૈક્ષણિક યાત્રાને અંગે લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુએ બીબીસી સાથે વાત કરી હતી :
“હું સાયન-કોલીવાડા ઝૂંપડપટ્ટીમાં એક નાની ઓરડીમાં મોટો થયો છું.”
છતાં મારા પિતાએ મને 12મા ધોરણ સુધી ભણાવ્યો અને આ પછી મેં સાઇબર કાફેમાં કામ કરી અને સ્કૉલરશિપ મેળવી મારું આગળનું શિક્ષણ પૂરું કર્યું.
પહેલાં તો હું વડાલાની આંધ્ર ઍજ્યુકેશન સોસાયટીમાં ભણ્યો. પછી મેં બીએસસી આઇટી કર્યું અને એ પછી બે વર્ષ બાદ મેં માટુંગાની ગુરુનાનક કૉલેજમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં એમએસસી કર્યું.
સ્નાતકના અભ્યાસ સાથે હું એનસીસીમાં પણ જોડાઈ ગયો હતો.
એનસીસી પછી હું સર્વિસ સિલેક્શન બોર્ડની (એસએસબી) તૈયારીઓ કરવા લાગ્યો હતો. એમએસસી પછી મારી પસંદગી ટેકનિકલ સ્ટાફમાં થઈ ગઈ હતી. હું તેરમા પ્રયાસે તેમાં સફળ થયો હતો.
એસએસબીની તૈયારીઓ દરમિયાન હું ટાટા કન્સલટન્સીમાં કામ કરી રહ્યો હતો. મેં નોકરી કરતાં કરતાં મારો અભ્યાસ પૂરો કર્યો. આ પછી ચેન્નાઈ એકૅડૅમીમાં મારી પસંદગી થઈ હતી.
આથી મારી એક વર્ષની તાલીમ માટે હું ચેન્નાઈ ગયો અને મારા પિતાને મેં જણાવ્યું કે હું સિલેક્ટ થઈ ગયો છું. મેં ચેન્નાઈની ટિકિટ બુક કરાવી દીધી પણ મારે ત્યાં હાજર થવાનું હતું તેના એક દિવસ અગાઉ જ મારા પિતાનું મૃત્યુ થઈ ગયું.
પિતાના મૃત્યુ પછી મારા માટે ચેન્નાઈ ટ્રેનિંગમાં જવું ખૂબ કપરું બની ગયું હતું. પણ આ સમય દરમિયાન કોચ, મિત્રો અને અન્ય લોકોએ મને ખૂબ જ સધિયારો આપ્યો.
ચેન્નાઈના વાતાવરણ સાથે અનુકૂલન સાધવા અને મારા પિતાના મૃત્યુના દુ:ખમાંથી બહાર લાવવા માટે તેમણે મને ખૂબ સહાયતા કરી હતી.
'સેનામાં અધિકારી બની હું મારા પરિવારને ગૌરવાન્વિત કરવા માગતો હતો'
ધારાવી પાસે એક ચાલીમાં પોતાનું બાળપણ વિતાવનાર ઉમેશ ચેન્નાઈમાં સૈન્ય પ્રશિક્ષણ એકૅડૅમી સુધી કેવી રીતે પહોંચ્યા?
આ વિશે વાત કરતાં ઉમેશે કહ્યું, “ધારાવીમાં સેના અને સેનામાં કેવી નોકરીઓ મળતી હોય છે તે વિશે કોઈને કંઈ ખબર નહોતી.”
પણ મારો પિતરાઈ ભાઈ સેનામાં ક્લાર્ક તરીકે કામ કરે છે. આથી હું જ્યારે પણ તેમને મળતો ત્યારે તેમને પૂછતો કે સેનામાં કામ કેવી રીતે મળે? અધિકારી કેવી રીતે બની શકાય?
મને સ્પૉર્ટ્સમાં ખૂબ રસ હતો. એટલે મારે એવી નોકરી જોઈતી હતી કે જેમાં હું મારા પરિવાર સાથે રહી શકું અને આવી પ્રવૃત્તિમાં ભાગ લઈ સન્માન પણ મેળવી શકું. એટલે મેં આ નોકરી મેળવવાનો નિશ્ચય કરી લીધો હતો.
મને લાગે છે કે હું જે વિસ્તારમાં રહું છું ત્યાંથી હું પહેલો અધિકારી બનીશ. આ મારી ચાલી માટે ગૌરવની વાત છે. વર્તમાન સમયમાં બેરજગારી ઘણી છે. મને લાગે છે કે ધારાવી સાયન કોલીવાડાનાં બાળકો મને જોઈને સેનામાં જોડાવા પ્રેરાશે.
હું બસ એટલું કહી શકું છું કે તમે ભલે ગરીબ હો પણ તમારે તમારાં સપનાં પૂર્ણ કરવા માટે રસ્તો જરૂર શોધવો જોઈએ.
પીઆરઓ ડિફેન્સ મુંબઈએ લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુની પરેડનો એક વીડિયો સોશિયલ મીડિયા એક્સ પર શૅર કરતાં તેમણે મેળવેલી સફળતાની પ્રશંસા કરી છે.
ઉમેશ કિલ્લુ જેવા યુવાનોની સફર એ ઘણા લોકોને પ્રેરણા આપનારી છે. લેફ્ટનન્ટ ઉમેશ કિલ્લુ પાસેથી એ શીખ મળે છે કે પડકારો ભલે ગમે તેટલા હોય, પરંતુ દૃઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે.