You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાહેર ક્ષેત્રની બૅન્કોમાં 90 ટકા વરિષ્ઠ પદો સવર્ણો પાસે, પછાત વર્ગોનું શું?
તાજેતરમાં જાહેર થયેલી માહિતી અનુસાર જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ટોચના હોદ્દા પર કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાંથી 90 ટકા ઉચ્ચ જાતિના છે.
જ્યારે પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ બેથી ત્રણ ટકા જેટલું છે.
'ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍમ્પ્લોઇઝ ફૅડરેશન'ના જનરલ સેક્રેટરી જી. કરૂણાનિધીએ જાહેર ક્ષેત્રની બૅન્કોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોની જાતિ વિશે માહિતી અધિકારના કાયદા હેઠળ અરજી કરીને માહિતી મેળવી હતી.
તે મુજબ, સાર્વજનિક ક્ષેત્રની બૅન્કોમાં જનરલ મૅનેજર અને ચીફ જનરલ મૅનેજરનું પદ ધરાવતા 88થી 92 ટકા લોકો જનરલ કૅટેગરીના હતા.
બૅન્કોમાં ભરતી માટેની અનામત
મંડલ કમિશનની ભલામણો અનુસાર, જાહેર ક્ષેત્રની બૅન્કોમાં જગ્યાઓ ભરતી વખતે પછાત વર્ગને 27 ટકા અનામત આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિ માટે 7.5 ટકા અનામત છે.
જોકે, આંકડા પરથી આ કમિશનની ભલામણોના અનુસરણ અંગે સવાલ ઊભા થાય છે.
દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં કુલ 147 ચીફ જનરલ મૅનેજર છે. તેમાંથી 135 (92 ટકા) જનરલ કૅટેગરીના છે.
જ્યારે કુલ 667 જનરલ મૅનેજર પૈકી 588 એટલે કે 88 ટકા જનરલ કૅટેગરીના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૅપ્યુટી જનરલ મૅનેજરની 81 ટકા જગ્યાઓ જનરલ કૅટેગરી પાસે છે. જ્યારે માત્ર આઠ ટકા જગ્યાઓ પછાત વર્ગના લોકો પાસે છે.
આસિસ્ટન્ટ જનરલ મૅનેજરની 72 ટકા જગ્યાઓ જનરલ કૅટેગરી અને 14 ટકા જગ્યાઓ પછાત વર્ગ પાસે છે.
61 ટકા ચીફ મૅનેજર સામાન્ય વર્ગના છે અને 19 ટકા પછાત વર્ગના છે.
મંડલ કમિશને એમ પણ ભલામણ કરી હતી કે પ્રમોશનમાં પણ અનામત હોવી જોઈએ. જોકે, એક કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પ્રમોશન માટે અનામત જરૂરી નથી.
બંધારણમાં સુધારો
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પ્રમોશનમાં અનામત પાંચ વર્ષ સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે, અનુસૂચિત જાતિ અને જનજાતિના હિતોનું રક્ષણ કરવાની સરકારની ભાવનાને અનુરૂપ પ્રમોશનમાં બંનેને અનામત ચાલુ રાખવા માટે બંધારણની કલમ 16માં સુધારો કરીને નવી કલમ (4A) ઉમેરવામાં આવી હતી. આ સુધારો 31 મે 1995ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
આ સુધારા સમયે કેટલાક નેતાઓ અન્ય પછાત વર્ગ(ઓબીસી)ને પ્રમોશનમાં અનામત આપવાનું ચાલુ રાખવા માગતા હતા.
તત્કાલીન સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી સીતારામ કેસરીએ કહ્યું હતું કે બંધારણમાં એ પણ સુધારો કરવામાં આવશે. જોકે, હજુ સુધી એ થયું નથી.
બૅન્કિંગ નોકરીઓ એકથી ચાર વર્ગના ભાગમાં વહેંચાયેલી છે. તેમાંથી ત્રણ વર્ગમાં અનામતનો યોગ્ય રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે તમામ ઉચ્ચ હોદ્દા ધરાવતા ચોથા અને સૌથી ઉપલા વર્ગમાં અનામતનો યોગ્ય અમલ ન થતો હોવાનું જાણવા મળ્યું છે.
'મહિલાઓને પણ ઉચ્ચ હોદ્દા નહીં'
કરૂણાનિધીના કહેવા પ્રમાણે, જો પ્રમોશનમાં આરક્ષણ લાગુ કરવામાં આવશે તો જ પછાત વર્ગને આ પદો પર તક મળશે.
અનુસૂચિત જાતિ અને જનજાતિને પ્રમોશનમાં અનામત મળતી હોવા છતાં ઉચ્ચ હોદ્દા પર તેમની જગ્યા ઓછી છે.
ચીફ જનરલ મૅનેજરના પદ પર અનુસૂચિત જાતિના છ ટકા લોકો છે અને જનરલ મૅનેજરની જગ્યા પર એસસી અને એસટી સમુદાયના લોકોની સંખ્યા આઠ ટકા છે.
ચીફ જનરલ મૅનેજરની જગ્યા પર એસટી કૅટેગરીની એક પણ વ્યક્તિ નથી. જનરલ મૅનેજરની જગ્યા પર એસટી ઉમેદવારોની સંખ્યા માત્ર બે ટકા છે.
કરૂણાનિધી કહે છે, "એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવામાં આવતી હોવા છતાં તેમને દરેક સ્તરે પૂરતું પોસ્ટિંગ મળી રહ્યું નથી. નીચલા બે વર્ગોમાં એસસી અને એસટીનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવા છતા ઉપલા સ્તરની વાત આવે ત્યારે તેમની સંખ્યા ઘટી રહી છે."
'ઇન્ડિયન બૅન્ક ઍમ્પલોઇઝ ફૅડરેશન'ના જૉઇન્ટ સેક્રેટરી સીપી ક્રિશ્નાએ કહ્યું કે માત્ર બૅન્કિંગ સૅક્ટરમાં જ નહીં પણ એવી તમામ જગ્યાઓ જ્યાં આરક્ષણ લાગુ નથી ત્યાં આવી જ પરિસ્થિતિ છે અને માત્ર એક જ વર્ગનું વર્ચસ્વ છે.
તેમણે આગળ કહ્યું, "બૅન્કોમાં ઉચ્ચ પદો માટે સીધી પરીક્ષા લઈને ભરતી કરવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓની જરૂરિયાત અને દબાણ આ તમામ જગ્યાઓ ભરવા પર અસર કરે છે. અહીં આરક્ષણનો અમલ થાય તો જ દરેકને તક મળે એમ છે. બાકી તો અત્યારે જેવી પરિસ્થિતિ છે એવી જ રહેશે."
અંતે તેમણે કહ્યું, "માત્ર પછાત વર્ગોના લોકો જ નહીં, મહિલાઓને પણ ઉચ્ચ હોદ્દા મળી રહ્યા નથી." તેમનો અભિપ્રાય છે કે ઉચ્ચ હોદ્દા પર એક જ વર્ગની હાજરી સેવાઓને અસર કરશે.