30 વર્ષની વયે કિડની આપી, ફરી કિડની બગડતાં ઘર-ધંધો સંભાળ્યા, પતિને બચાવવા ઝઝૂમતાં પત્નીની પ્રેમકહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"એક સમય એવો હતો કે મારા પતિ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા. બધાએ અમારાથી મ્હોં ફેરવી લીધું હતું પરંતુ હું હિંમત ન હારી."

"મેં મારા પતિને મારી એક કિડની આપી એમનો જીવ બચાવ્યો. દસ વર્ષ પછી ફરી એમની કિડની ખરાબ થઈ ગઈ છે પણ હું એને અલ્લાહના દરબાર સુધી નહીં જ જવા દઉં."

આ શબ્દો અમદાવાદમાં છૂટક કપડાં વેચી અને રેનબસેરા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતાં શાહીનાબાનુ શેખના છે.

શાહીનાબાનુ શેખ સાતમા ધોરણ સુધી ભણેલાં છે. તેમના નાની ઉંમરે લગ્ન એમનાંથી દસ વર્ષ મોટા સલીમ શેખ સાથે થઈ ગયાં હતાં.

કપડાંના જથ્થાબંધ વેપારી સલીમ અને શાહીનનું લગ્નજીવન સુખેથી ચાલતું હતું. શાહીન ગરીબ ઘરમાંથી આવતા હતા પણ લગ્ન બાદ સલીમ પરિવાર અને પત્નીના જીવનને સુખમય બનાવવાની કોશિશ કરતા હતા.

શાહીનબાનુ જણાવે છે કે ધંધામાંથી રજા લઈને તેઓ રજાઓ માણવા ઊપડી જતાં. બંને એકબીજાને એટલો પ્રેમ કરે છે કે જ્યારે સમય મળે ત્યારે તેઓ બંને દુનિયાભરમાં પ્રેમની પ્રતિકૃતિ મનાતા તાજમહેલ અવશ્ય ફરવા જાય છે. તેમના કહ્યા અનુસાર તેમણે ત્યાં સાથે જીવવા મરવાના સોગંદ લીધા હતા.

જીવનમાં આવ્યો વળાંક

પરંતુ અચાનક સલીમની તબિયત ખરાબ થઈ હતી. તપાસ કરાવતાં તેમને ખ્યાલ આવ્યો કે તેમને ડાયાબિટીસ હતો અને એ કાબૂમાં આવતો ન હતો. સારવાર કરાવતા ખબર પડી કે તેમની એક કિડની તો પહેલેથી જ ખરાબ હતી પણ ડાયાબિટીસને કારણે બીજી કિડની પણ ખરાબ થઈ ગઈ હતી.

શાહીનાબાનુ શેખ કહે છે કે,"મારા પતિની બંને કિડની ફેઈલ થઈ ગઈ એટલે અમે તેમની સારવાર શરૂ કરાવી. ખૂબ ખર્ચ થયો, મારા પતિનો ધંધો બંધ થઈ ગયો, ઘરની બચત ખલાસ થઈ ગઈ."

"મારા પતિએ બનાવી આપેલા સોનાના બધા દાગીના વેચાઈ ગયા. જેમ જેમ પૈસા ખૂટવા લાગ્યા તેમ તેમ સગાવહાલાં દૂર થતાં ગયાં. મારા પતિના ઇલાજ માટે હું કોઈની પાસેથી પૈસા ઉધાર માગુ તો એ પૈસા પરત નહીં આવે એ બીકમાં લોકો અમારાથી દૂર થતા ગયા."

"મારા પતિને વારસામાં મળેલા ઘરમાંથી અમને નાનકડો હિસ્સો આપીને કાઢી મૂકવામાં આવ્યા, અમે ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં અને પતિની કિડનીની બીમારીમાં બધા પૈસા વપરાઈ ગયા."

શાહીનાબાનુ કહે છે કે, "હું બહુ ભણેલી નથી એટલે કોઈ ચીંધે ત્યાં મારા પતિની સારવાર માટે જતી હતી. મસ્જિદમાં મન્નત માનીને ચાદર ચઢાવતી અને મંદિરમાં પણ પૂજા કરતી."

"દિવસે દિવસે મારા પતિની હાલત વધુ ખરાબ થવા લાગી. પૈસા ખલાસ થઈ ગયા હતા અને મકાનમાલિકને ભાડું આપવાના પૈસા ન હતા, એટલે હું દરવાજાને ઘરની બહારથી તાળું મારી મારા ચપ્પલ ઘરમાં રાખી ઘરમાં જ પુરાઈ રહેતી."

30 વર્ષની ઉંમરે પોતાની કિડની આપવાનું નક્કી કર્યું

ત્યારબાદ એક સામાજિક કાર્યકરે તેમને બીપીએલ કાર્ડ કઢાવવામાં મદદ કરી અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ગયા.

તેઓ કહે છે, "ત્યાં મને કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ કિડની ડોનેટ કરે તો મારા પતિની જિંદગી બચી શકે. કોઈ કિડની આપવા તૈયાર ન હતું અને મારી ઉંમર એ વખતે 30 વર્ષની હતી."

"મેં ડૉક્ટરને કહ્યું કે મારી કિડની લઈ લો પણ મારા પતિને બચાવો. ડૉક્ટરોએ ટેસ્ટ કર્યા અને મારી કિડની મારા પતિની કિડની સાથે મૅચ થઈ ગઈ."

"લોકો મને ના પાડતા હતા કે નાની ઉંમરમાં હું મારી એક કિડની આપી દઈશ તો જીવનભર દુઃખી થઈશ, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું કિડની આપીશ."

સલીમ કહે છે કે, "મેં ખુદ શાહીનાને કિડની આપવાની ના પાડી હતી. ત્યારે તેણે મને કહ્યું કે યાદ કરો કે તાજમહેલ પાસે ઊભા રહીને આપણે સાથે જીવવા મરવાની સોગંદ ખાધા છે. શાહજહાંએ તેની મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો તો તારી મુમતાઝ [શાહીના] એના શહેનશાહ માટે એક કિડની ન આપી શકે?"

"તેની આ વાત સાંભળી હું ચૂપ થઈ ગયો અને હું શાહીનાની વાત માની ગયો તેણે મને એક કિડની આપી અને 2013માં મને નવી જિંદગી મળી."

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં એ ઑપરેશન સફળ રહ્યું. બંને ઑપરેશન પછી સાથે ઘરે આવ્યાં.

જ્યારે પતિપત્નીએ આપઘાત કરવાનું નક્કી કર્યું

શાહીનાબાનુ કહે છે, "કેટલાક લોકોને ખબર પડી એટલે તેમણે અમને ખેરાતમાં ઘર ચલાવવા પૈસા આપવાની વાત કરી હતી. પરંતુ મેં તેમને ના પાડી દીધી હતી કે કોઈની દયા પર જીવવું નથી."

"સમાજની એક સેવાભાવી વ્યક્તિએ મને કહ્યું કે એ મને ઉધારમાં ઇમિટેશન જ્વેલરી આપશે. તે વેચાઈ જાય એટલે નફો લઈને પૈસા પરત આપવાના હતા."

"પણ ધંધો ચાલ્યો નહીં. ઘરમાં ખાવાના પૈસા ન હતા અને મારે ધંધો બંધ કરવો પડ્યો. આવકનું કોઈ સાધન ન હતું. મારા પતિ કામ કરી શકતા ન હતા."

"મને હજી એ દિવસ યાદ છે કે રાત્રે મારા પતિને ભૂખ લાગી હતી અને ઘરમાં માત્ર ચાર ટામેટાં હતાં."

"તેના પર મરચું ભભરાવીને તેઓ પાણી પીને ઊંઘી ગયા. મેં મહેનત કરી પણ કંઈ ન થતા મારા પતિ નિરાશ થઈ ગયા હતા. એક સવારે તેમણે મને કહ્યું કે આપણે બંને હવે ઝેર પી લઈએ."

સલીમ કહે છે કે, "દવા અમે લઈ આવ્યા પણ શાહીને મને કહ્યું કે દવા તો પી લઈએ પણ બેમાંથી એક બચી જઈશું તો આપણે એક બીજા વગર જીવી શકીશું? આ વાતે મને આપઘાત કરતા રોકી દીધો. મેં નક્કી કર્યું કે ફરીથી જીવવું છે."

રેનબસેરાનો કૉન્ટ્રેક્ટ લીધો

તેઓ કહે છે, “મેં મારા જૂના વેપારીઓ સાથે વાત કરી પણ કોઈ ઉધાર માલ આપવા તૈયાર ન હતું. છેવટે અમારા દૂરના એક સગા એ ઉધારમાં રેડીમેઇડ કપડાં આપ્યા અને એ મેં એ વેચવાનું શરૂ કર્યું. એ સિવાય જમાલપુરમાં એક રેનબસેરા ચાલતો હતો પણ એમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ હતો એટલે એક ભાઈ એ કૉન્ટ્રેકટ છોડવાના હતા. મેં એમને કહ્યું કે હું અને શાહીના રેનબસેરા ચલાવીશું. મારી તબિયત ઠીક ન હતી, છતાં મેં એ રેનબસેરા ચલાવવાનું નક્કી કર્યું."

જોકે, ત્યાં પણ તેમનું કામ સરળ રહેવાનું ન હતું. અસામાજિક તત્ત્વોના ત્રાસને કારણે શાહીના બુરખો પહેરીને લાકડી લઈને રેન બસેરા પર બેસવાં લાગ્યાં.

શાહીના કહે છે કે, "શરૂઆતમાં મને પણ અસામાજિક તત્ત્વોનો ડર લાગતો હતો પરંતુ એમનાથી ત્રાસેલા લોકો પણ મારી હિંમત જોઈ મારી મદદ કરવા આવ્યા. હું રાતભર રેનબસેરાએ લાકડી લઈને બેસતી હતી અને અસામાજિક તત્ત્વોએ પછી આવવાનું બંધ કર્યું અને અમારો રેનબસેરા સારી રીતે ચાલવા લાગ્યો."

"અહીં બીજાં રાજ્યોમાંથી મજૂરી કરવા આવતા લોકો રસ્તા પર ઊંઘવાને બદલે રેનબસેરાએ આવે છે. કારણ કે અહીંથી એમની કોઈ વસ્તુ ચોરાતી નથી. અહીં રોજ 39 લોકો રાત્રે આવે છે અને સવારે મજૂરીકામ માટે જતા રહે છે."

ફરીથી કિડની ખરાબ થઈ

પણ ફરીથી તેમના જીવનમાં વળાંક આવે છે અને તેમના પતિની કિડની ફરીથી ખરાબ થઈ જાય છે. હવે શાહીના કિડની આપી શકે તેમ નથી એટલે તેઓ કોઈ દાતા મળે તેની શોધ કરે છે.

પરંતુ શાહીનાએ જાણે કે નવેસરથી જિંદગી જીવવાનું શરૂ કર્યું છે. તેઓ ટેકનૉલૉજી શીખી ગયાં છે અને હવે ઑનલાઇન કપડાં વેચે છે. રેનબસેરા માટે તેમણે એક કેરટેકર રાખ્યો છે.

તેઓ દરરોજ અલગ-અલગ જગ્યાએ કિડની માટે દાતા મળે તેના માટે જાય છે.

તેઓ કહે છે, "હાલમાં મારા પતિનું ડાયાલિસીસ ચાલે છે અને હવે કોઈ કિડની ડોનેટ કરે તો અમારો 12મો ક્રમ છે. અલ્લાહની દયાથી અંગદાન વધ્યું છે એટલે અમારો નંબર લાગશે અને મારા પતિને કોઈ કિડનીદાતા અચૂક મળી જશે."

હાલમાં તેમના પતિનું ડાયાલિસીસ ફરીથી શરૂ થયું હોવાથી તેઓ કપડાં વેચવાના કામમાં બહુ ધ્યાન આપી શકતા નથી. છતાંય તેઓ સવારે પાંચ વાગ્યે ઊઠીને રેડીમેઇડ કપડાં લઈ આવે છે અને જેમના ઑનલાઇન ઑર્ડર આવેલા હોય તેમને 10 વાગ્યા સુધીમાં કપડાંની ડિલીવરી કરવા જાય છે અને બહારગામના ઑર્ડરની ડિલીવરી કરે છે.

શાહીના કહે છે, "સરકાર તેમને રેનબસેરામાં રહેનાર લોકોના વ્યક્તિદીઠ 20 રૂપિયા આપે છે. પણ અહીંની સાફસફાઈ અને કેરટેકરનો પગાર કાઢતાં મારા મકાનના ભાડાના પૈસા નીકળી જાય છે. આવક ઘટી છે પણ મારી હિંમત ઘટી નથી. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારા પતિને અલ્લાહના દરબારમાં નહીં જવા દઉં."