You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૅન્ક લૂંટની કહાણી જેમાં ફિલ્મોના એક્સ્ટ્રા કલાકારોને કામે રખાયા અને કરોડો લૂંટી લેવાયા
- લેેખક, જીન લી, જ્યોફ વ્હાઈટ અને વિવ જોન્સ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
કલ્પના કરો કે તમે ભારતમાં ઓછા વેતનવાળા કામદાર છો. તમને હિન્દી ફિલ્મમાં ઍકસ્ટ્રા તરીકે કામ કરતા માણસ જેટલા એક દિવસના વેતનની ઓફર આપવામાં આવે છે અને તમારી ભૂમિકા એટીએમ સેન્ટર પર જઈને કેટલાક પૈસા ઉપાડવાની છે.
2018માં મહારાષ્ટ્રમાં બનેલી એક ઘટનામાં ઘણા પુરુષોએ વિચાર્યું હતું કે તેઓ એક ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી રહ્યા છે. વાસ્તવમાં તેમનો ઉપયોગ એક મહત્વાકાંક્ષી બૅન્કલૂંટમાં કરવામાં આવ્યો હતો.
ઑગસ્ટ, 2018ના સપ્તાહાંતે કરવામાં આવેલી આ લૂંટ પૂણેમાં મુખ્યાલય ધરાવતી કૉસ્મોસ કૉ-ઓપરેટિવ બૅન્ક પર કેન્દ્રીત હતી.
શાંત શનિવારની બપોરે બૅન્કની હેડ ઓફિસના કર્મચારીઓને અચાનક સંખ્યાબંધ ભયજનક મૅસેજ મળ્યા હતા.
એ મૅસેજ અમેરિકાની કાર્ડ પેમેન્ટ કંપની વિઝાના હતા. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કૉસ્મૉસ બૅન્કના કાર્ડનો ઉપયોગ કરતા લોકો દ્વારા એટીએમમાંથી જંગી પ્રમાણમાં રોકડનો ઉપાડ થઈ શકે છે, પરંતુ કૉસ્મૉસ બૅન્કની ટીમે તેમની પોતાની સિસ્ટમની ચકાસણી કરી ત્યારે તેમને કોઈ અસાધારણ વ્યવહાર જોવા મળ્યા નહોતા.
સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમણે અડધા કલાક પછી વિઝાને, કૉસ્મૉસ બૅન્કના કાર્ડ મારફત થતા તમામ વ્યવહાર સ્થગિત કરવાની સત્તા આપી હતી. એ વિલંબ અત્યંત મોંઘો પૂરવાર થયો હતો.
બીજા દિવસે વિઝાએ શંકાસ્પદ વ્યવહારોની સંપૂર્ણ વિગત કૉસ્મૉસ બૅન્કની હેડ ઓફિસને આપી હતી. તેમાં જણાવ્યા મુજબ, વિશ્વભરના એટીએમમાંથી અલગ-અલગ 12,000 વિડ્રોઅલ્સ કરવામા આવ્યા હતા. બૅન્કને લગભગ 1.40 કરોડ ડૉલર(અંદાજે રૂ. 115.32 કરોડ)નું નુકસાન થયું હતું.
28 દેશોમાં એટીએમ થકી એકસામટી લૂંટ
વ્યાપક આયોજન અને ઝીણવટભર્યા સંકલનની દૃષ્ટિએ અત્યંત સાહસિક ગુનો હતો. ગુનેગારોએ અમેરિકા, બ્રિટન, સંયુક્ત આરબ અમિરાત અને રશિયા સહિતના 28 દેશોમાં એટીએમ મારફત લૂંટ કરી હતી. આ લૂંટને માત્ર બે કલાક અને તેર મિનિટમાં અંજામ આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખરે તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે આ લૂંટ માટે હેકરોનું એક સંદિગ્ધ જૂથ જવાબદાર છે અને આ જૂથે સંભવતઃ ઉત્તર કોરિયાના ઇશારે ભૂતકાળમાં આવી સંખ્યાબંધ લૂંટ કરી હતી.
તેઓ વ્યાપક ચિત્રને સમજે તે પહેલાં મહારાષ્ટ્ર પોલીસના સાયબર ક્રાઇમ યુનિટના તપાસકર્તાઓ, બૅન્ક એટીએમમાં દાખલ થઈને નોટોની થપ્પી બૅગમાં ભરતા પુરુષોનુ સીસીટીવી ફૂટેજ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
એ તપાસનું નેતૃત્વ કરી ચૂકેલા ઇન્સ્પેક્ટર જનરલ બ્રિજેશ સિંહ કહ્યું હતું, “અમે આવી મની મ્યુલ (પૈસાની ઉઠાંતરીનું કામ કરતા ભાડૂતી લોકો) નેટવર્ક વિશે કશું જાણતા ન હતા.”
બ્રિજેશ સિંહના જણાવ્યા મુજબ, ટોળકીનો એક માણસ એટીએમ ટ્રાન્ઝેક્શન પર લેપટોપ મારફત રિયલ ટાઇમમાં નજર રાખતો હતો. સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે કોઈ મની મ્યુલ થોડી રોકડ પોતાના ગજવામાં ઘુસાડવાનો પ્રયાસ કરતો હતો ત્યારે પેલો હેન્ડલર તેને જોઈ લેતો હતો અને તેને જોરદાર થપ્પડ મારતો હતો.
‘રીઢા ગુનેગારો નહીં પરંતુ સામાન્ય લોકોએ પાર પાડ્યું લૂંટનું કામ’
એટીએમ સેન્ટરની નજીકના વિસ્તારોના ફૂટેજ અને મોબાઇલ ફોન ડેટાનો ઉપયોગ કરીને ભારતીય તપાસકર્તાઓ લૂંટના એક સપ્તાહમાં 18 શકમંદની ધરપકડ કરી શક્યા હતા. એ પૈકીના મોટા ભાગના જેલમાં છે અને કેસ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
બ્રિજેશ સિંહના કહેવા મુજબ, આ માણસો રીઢા ગુનેગાર નથી. અરેસ્ટ કરાયેલા લોકોમાં એક વેઇટર, એક ડ્રાઈવર અને એક મોચીનો સમાવેશ થાય છે. બીજા એક પાસે ફાર્મસીની ડિગ્રી છે.
“આ લોકો ખરેખર સારા માણસો છે,” એમ જણાવતાં બ્રિજેશ સિંહે ઉમેર્યું હતું કે એકસ્ટ્રા તરીકે ભરતી કરાયેલા આ લોકો લૂંટ કરવામાં આવી ત્યાં સુધીમાં એ જાણી ગયા હતા કે તેઓ શું કરી રહ્યા છે. સવાલ એ છે કે આ લોકો ખરેખર જાણતા હતા કે તેઓ કોના માટે કામ કરી રહ્યા છે? તપાસકર્તાઓ માને છે કે આ લૂંટમાં ઉત્તર કોરિયાનો હાથ હતો.
ઉત્તર કોરિયા વિશ્વના સૌથી ગરીબ રાષ્ટ્રો પૈકીનું એક છે. તેમ છતાં તેનાં મર્યાદિત સંસાધનોનો એક મોટો હિસ્સો પરમાણુ શસ્ત્રો તથા બૅલસ્ટિક મિસાઇલોના નિર્માણ માટે ખર્ચવામાં આવે છે, જેના પર સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રવૃત્તિના પરિણામે સંયુક્ત રાષ્ટ્રસંઘે ઉત્તર કોરિયા પર આકરા પ્રતિબંધ લાદ્યા છે અને તેના કારણે તેનો વ્યાપાર અત્યંત મર્યાદિત થઈ ગયો છે.
લાઝરસ ગ્રૂપ
11 વર્ષ પહેલાં સત્તા પર આવ્યા ત્યારથી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને અંગત દેખરેખ હેઠળ અભૂતપૂર્વ પ્રમાણમાં શસ્ત્રપરીક્ષણ કરાવ્યું છે. તેમાં ચાર પરમાણુ પરીક્ષણ અને આંતરખંડિય મિસાઇલોના અનેક ઉશ્કેરણીજનક ટેસ્ટ લૉન્ચનો સમાવેશ થાય છે.
અમેરિકન સત્તાવાળાઓ માને છે કે ઉત્તર કોરિયા તેના અર્થતંત્રને ચેતનવંતુ રાખવા તથા શસ્ત્રકાર્યક્રમને આગળ ધપાવવાનાં નાણાં મેળવવા ચાલાક હેકરોનો ઉપયોગ કરે છે અને તેમની મારફત જગતભરની બૅન્કો તથા નાણાકીય સંસ્થાઓમાંથી નાણાંની ચોરી કરે છે.
'લાઝરસ ગ્રૂપ' ના હુલામણા નામે ઓળખાતી આ ટોળકી પર ઉત્તર કોરિયાની શક્તિશાળી લશ્કરી ગુપ્તચર એજન્સી ' રીકોનિસન્સ જનરલ બ્યૂરો'નું સીધું નિયંત્રણ હોવાનું માનવામાં આવે છે.
સાયબર-સુરક્ષા નિષ્ણાતોએ આ ટોળકીનું નામ બાઇબલના એક પાત્ર લાઝરસનું નામ આપ્યું છે, કારણ કે લાઝરસ મોત પછી ફરી જીવતો થયો હતો અને આ ટોળકીનો વાઈરસ એક વખત કમ્પ્યુટર નેટવર્કમાં ઘૂસી જાય પછી તેને ખતમ કરવો લગભગ અશક્ય બની જાય છે.
ઉત્તર કોરિયાએ 'સોની પિક્ચર્સ ઍન્ટરટેઇન્મૅન્ટ' નેટવર્કને 2014માં હેક કર્યાનો આક્ષેપ અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ કર્યો ત્યારે આ ટોળકી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામી હતી. કિમ જોંગ ઉનની હત્યા વિશેની કૉમેડી ફિલ્મ ‘ધ ઇન્ટરવ્યૂ’નો બદલો લેવા માટે આ હેકરોએ નુકસાનકારક સાયબર હુમલો કર્યો હોવાનો આક્ષેપ અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ કર્યો હતો.
એ પછી લાઝરસ ગ્રૂપ પર બાંગ્લાદેશની સૅન્ટ્રલ બૅન્કમાંથી એક અબજ ડૉલર ચોરવાના પ્રયાસનો અને બ્રિટનની એનએસએસ સહિતના વિશ્વભરના પીડિતો પાસેથી ખંડણી ઉઘરાવવા 'વોન્નાક્રાય' સાયબર હુમલો શરૂ કર્યાનો આરોપ પણ છે.
લાઝરસ ગ્રૂપના અસ્તિત્વ તથા સરકાર પ્રેરિત હેકિંગના તમામ આક્ષેપોને ઉત્તર કોરિયા ભારપૂર્વક નકારે છે, પરંતુ કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ કહે છે કે ઉત્તર કોરિયાના હેકરો અગાઉ કરતાં વધારે આધુનિક, વધારે બેશરમ અને વધારે મહત્ત્વાકાંક્ષી બન્યા છે.
જેકપોટિંગ
કૉસ્મૉસ બૅન્કમાં ધાડ પાડવા માટે હેકરોએ જેકપોટિંગ તરીકે ઓળખાતી ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. એટીએમને ભેદીને તેમાંથી રોકડ મેળવવાનું કામ સ્લોટ મશીનમાં જેકપોટ લાગે તેવું હોવાથી આ ટેકનિકને જેકપોટિંગ કહેવામાં આવે છે.
શરૂઆતમાં બૅન્કની સિસ્ટમ્સ સાથે ક્લાસિક રીતે ચેડાં કરવામાં આવ્યાં હતાં. બૅન્કના કર્મચારીએ એક ફિશિંગ ઇમેલ ઓપન કર્યો હતો અને તેને કારણે સંપૂર્ણ કોમ્પ્યુટર નેટવર્કમાં માલવેર પ્રવેશી ગયો હતો. માલવેર કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રવેશ્યા પછી હેકર્સે એટીએમ સ્વીચ તરીકે ઓળખાતા સોફ્ટવેરમાં થોડી હેરાફેરી કરી હતી. એટીએમમાંથી ઉપાડની મંજૂરી આપવાનો મૅસેજ બૅન્કને એટીએમ સ્વીચ મોકલે છે.
આવી હેરાફેરી પછી હેકર્સને તેમના સાથીદારો પાસેથી વિશ્વના ગમે તે એટીએમમાંથી પૈસા ઉપાડવાની સત્તા મળી જાય છે. આ કિસ્સામાં હેકર્સ મહત્તમ ઉપાડની મર્યાદામાં કોઈ ફેરફાર કરી શકે તેમ નહોતા. તેથી તેમને ઘણા બધા કાર્ડ્ઝ અને લોકોની જરૂર હતી. તેથી લૂંટની તૈયારીના ભાગરૂપે તેમણે વાસ્તવિક બૅન્કખાતાના ડેટાનો ઉપયોગ કરીને એટીએમ કાર્ડ્ઝ ક્લોન કર્યાં હતાં.
બ્રિટિશ સિક્યૉરિટી કંપની બીએઈ સિસ્ટમ્સને તરત શંકા પડી હતી કે આ લાઝારસ ગ્રૂપનું જ કામ છે. બીએઈ સિસ્ટમ્સ તેમના પર મહિનાઓથી નજર રાખતી હતી અને લાઝરસ ગ્રૂપ ભારતીય બૅન્ક પર આક્રમણનું કાવતરું ઘડી રહ્યું હોવાનું તેઓ જાણતા હતા.
બીએઈના સિક્યૉરિટી રિસર્ચર એડ્રિયન નિશે કહ્યું હતું કે “એ બીજી ગુનાહિત કામગીરીના યોગાનુયોગ જેવું હતું. લાઝરસ ગ્રૂપ બહુમુખી અને ખૂબ જ મહત્વાકાંક્ષી છે. ગુનેગારોની મોટા ભાગની ટોળકીઓ લાખો ડૉલર લૂંટ્યા પછી અટકી જતી હોય છે.”
કૉસ્મૉસ બૅન્કની લૂંટ માટે કરવામાં આવેલી સાધનસામગ્રીની વ્યવસ્થા આશ્ચર્યજનક છે. હેકરોએ 28 દેશોમાં પોતાના સાથીઓને કેવી રીતે શોધી કાઢ્યા હશે? એ પૈકીના ઘણા દેશોમાં તો ઉત્તર કોરિયાના નાગરિકોની કાયદેસરની મુલાકાત પર પ્રતિબંધ છે.
ડાર્ક વેબથી મળી તરકીબ
અમેરિકાના તકનીકી સુરક્ષા તપાસકર્તાઓ માને છે કે ડાર્ક વેબ પર સુવિધા આપતી એક વ્યક્તિ સાથે લાઝરસ ગ્રૂપની મુલાકાત થઈ હતી. ડાર્ક વેબ પર હેકિંગની તરકીબોની આપ-લે કરતી સંખ્યાબંધ ફોરમ છે અને ગુનેગારો તેમની સપોર્ટ સર્વિસ ત્યાં જ વેચતા હોય છે. પોતાને 'બિગ બૉસ' કહેતા એક વપરાશકર્તાએ ક્રેડિટ કાર્ડ વડે છેતરપિંડી કેવી રીતે કરવી તેની ટિપ્સ ફેબ્રુઆરી, 2018માં પોસ્ટ કરી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે તેની પાસે એટીએમ કાર્ડ ક્લોન કરવાનાં સાધનો છે અને અમેરિકા તથા કૅનેડામાં મની મ્યુલ્સના એક જૂથ સાથે સંપર્ક પણ છે.
આવી બધી સર્વિસની જરૂર લાઝરસ ગ્રૂપને કૉસ્મૉસ બૅન્ક પર ત્રાટકવા માટે હતી. તેથી તેમણે બિગ બોસ સાથે મળીને કામ શરૂ કર્યુ હતું.
આ સાથી વિશે વધુ માહિતી મેળવવા અમે અમેરિકા ખાતેની એક ટેક સુરક્ષા કંપની 'ઇન્ટેલ 471' ના ચીફ ઇન્ટેલિજન્સ ઓફિસર માઇક ડીબૉલ્ટને જણાવ્યું હતું.
ડીબૉલ્ટની ટીમે શોધી કાઢ્યું હતું કે બિગ બૉસ છેલ્લાં 14 વર્ષથી સક્રિય છે અને જી, હબીબી તથા બૅકવૂડ જેવાં તેના સંખ્યાબંધ ઉપનામ પણ છે. સુરક્ષા અધિકારીઓ આ બધા યુઝરનેમ્સ સાથે સંપર્ક સ્થાપવામાં સફળ થયા હતા, કારણ કે બિગ બૉસ અલગ-અલગ ફોરમમાં એક જ ઇમેલ એડ્રેસનો ઉપયોગ કરતો હતો.
ડીબોલ્ટે કહ્યું હતું કે “મૂળભૂત રીતે બિગ બૉસ આળસુ છે. આ સામાન્ય બાબત છે. અભિનેતાઓ ફોરમ પર તેમનું ઉપનામ અલગ રાખે છે, પરંતુ ઇમેલ એડ્રેસ એક જ હોય છે.”
બિગ બૉસની 2019માં અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે કૅનેડાનો 36 વર્ષનો ગાલેબ અલૌમોરી હોવાનું બહાર આવ્યું હતું. ઉત્તર કોરિયાની કથિત બૅન્ક લૂંટનાં નાણાંમાં ગોબાચારી કર્યા સહિતના અનેક ગુનાની કબુલાત તેણે કરી હતી. તેને 11 વર્ષ, આઠ મહિનાની જેલ સજા કરવામાં આવી હતી.
કૉસ્મૉસ બૅન્ક કાંડ કે અન્ય કોઈ હેકિંગ કાંડમાં પોતાની સંડોવણી હોવાનો ઉત્તર કોરિયા કાયમ ઇનકાર કરતું રહ્યું છે. કૉસ્મૉસ બૅન્ક કાંડમાં કથિત સંડોવણીના આક્ષેપ બાબતે બીબીસીએ ઉત્તર કોરિયાના યુકે ખાતેના દૂતાવાસનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
અલબત, અમે અગાઉ સંપર્ક કર્યો ત્યારે રાજદૂત ચો ઇલે જણાવ્યું હતું કે 'ઉત્તર કોરિયા પ્રાયોજિત હેકિંગ અને મની લૉન્ડરિંગના આક્ષેપો હાસ્યાસ્પદ છે. તે અમારા દેશની પ્રતિષ્ઠા ખરડવાનો અમેરિકાનો એક પ્રયાસ છે.'
લાઝરસ ગ્રૂપના ત્રણ શકમંદ હેકર્સ જોન ચાંગ યોક, કિમ ઇલ અને પાર્ક જિન યોક પરના આરોપોની જાહેરાત એફબીઆઈ અને અમેરિકાના ન્યાય વિભાગે ફેબ્રુઆરી, 2021માં જાહેરાત કરી હતી. આ લોકોએ ઉતર કોરિયાની લશ્કરી ગુપ્તચર એજન્સી માટે કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ લોકો હવે પ્યોંગયાંગ પાછા ફર્યા હોવાનું માનવામાં આવે છે.
હેકરોની ફોજ
અમેરિકા અને દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓના અંદાજ મુજબ, ઉત્તર કોરિયા પાસે 7,000 તાલીમ પામેલા હેકરોની ફોજ છે. આ બધા ઉત્તર કોરિયામાં બેસીને કામ કરતા હોય તે શક્ય નથી. ઉત્તર કોરિયામાં જૂજ લોકોને ઇન્ટરનેટ વાપરવાની છૂટ છે. તેથી વપરાશકર્તાની ઓળખ છૂપાવવી મુશ્કેલ બને છે. ઉત્તર કોરિયાના હેકરોને વારંવાર વિદેશ મોકલવામાં આવે છે.
હેકરો પરદેશમાં કેવી રીતે કામ કરે છે તેની માહિતી ઉત્તર કોરિયાના ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારી અને ઉત્તર કોરિયા છોડી ચૂકેલા વરિષ્ઠ લોકો પૈકીના એક યુ હ્યોન વૂએ આપી હતી.
2017માં તેઓ કુવૈત ખાતેના ઉત્તર કોરિયાના દૂતાવાસમાં કામ કરતા હતા. એ પ્રદેશમાં કાર્યરત્ ઉત્તર કોરિયાના લગભગ 10,000 લોકો પર દેખરેખ રાખવામાં તેઓ મદદ કરતા હતા. એ સમયે ઘણા લોકો સમગ્ર અખાત પ્રદેશમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા હતા અને ઉત્તર કોરિયાના તમામ કામદારોની માફક તેમણે તેમનું વેતન સરકારને આપી દેવાનું હતું.
તેમણે જણાવ્યુ હતું કે દુબઈમાં સાંકડાં ઘરોમાં રહેતા અને કામ કરતા 19 હેકર્સ ઉત્તર કોરિયન હેન્ડલરના ફોન તેમની ઓફિસમાં રોજ આવતા હતા. યુ હ્યોન વૂએ કહ્યું હતું કે “એ હેકર્સને વાસ્તવમાં ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા એક કોમ્પ્યુટરની જ જરૂર હોય છે.”
માન્ય વિઝા ધરાવતા આઈટી પ્રોફેશનલ્શ સિવાય પોતે કોઈ હેકર્સને વિદેશ મોકલ્યા હોવાનો પણ ઉત્તર કોરિયા ઇનકાર કરે છે, પરંતુ આવાં સાયબર યુનિટ્સ દુનિયાભરના વિશ્રામગૃહોમાંથી કેવી રીતે કાર્ય કરે છે એ વિશેના એફબીઆઈના આક્ષેપ સંબંધે યુ હ્યોન વૂએ કરેલું વર્ણન એકદમ ફીટ બેસે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે સપ્ટેમ્બર, 2017માં ઉત્તર કોરિયા પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધ લાદ્યા હતા. તેની ઈંધણની આયાત મર્યાદિત કરી હતી, નિકાસ પર વધુ પ્રતિબંધ મૂક્યા હતા અને સંયુક્ત રાષ્ટ્રસંઘના સાથી દેશોને હાકલ કરી હતી કે તમારે ત્યાં કામ કરતા ઉત્તર કોરિયાના કામદારોને ડિસેમ્બર, 2019 સુધીમાં તેમના ઘરે પાછા મોકલી આપો.
તેમ છતાં હેકરો આજે પણ સક્રિય છે. હવે તેઓ ક્રિપ્ટો કરન્સી કંપનીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમણે 3.2 અબજ ડૉલરની ચોરી કરી હોવાનો અંદાજ છે.
અમેરિકાના સત્તાવાળાઓ તેમને “બંદુકને બદલે કીબોર્ડ વડે લૂંટ કરતા વિશ્વના મોખરાના લૂંટારુ” ગણાવે છે.