You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર : એ ચોર જે બિહારમાં ચોરી ગયા આખો પુલ, કેવી રીતે બની આખી ઘટના?
- લેેખક, સીટુ તિવારી
- પદ, બીબીસી હિન્દી માટે
બિહારના રોહતાસ જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અહીંથી 1871માં બનેલી સૂરજઘડીનો શંકુ ચોરાઈ ગયો હતો અને હવે ચોર જિલ્લાના એક પુલને જ કાપીને લઈ ગયા છે. ચોર જળસંસાધન વિભાગના કર્મચારી બનીને આવ્યા હતા અને પુલને કાપીકાપીને પોતાની સાથે લેતા ગયા.
પુલની ચોરી મામલે રોહતાસ પોલીસ અધીક્ષક આશિષ ભારતીએ બીબીસીને કહ્યું, "મામલાની તપાસ કરાઈ રહી છે. તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. અને જલદી આરોપીઓની ધરપકડ કરીને ચોરી થયેલો સામાન જપ્ત કરાશે. આ મામલે બધાં પાસાં પર તપાસ ચાલી રહી છે."
આ મામલે આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને તેમાં નહેર વિભાગના એક કર્મચારી સમેત ચાર કબાડી પણ સામેલ ગણાવાયા છે.
પુલ ચોરીનો મામલો શો છે?
ચર્ચામાં આવેલો પુલ રોહતાસના વિક્રમગંજ અનુમંડળના નાસરીગંજ થાણા હેઠળ આવે છે. સોન નહેર પર બનેલા આ પુલને આરા કૅનાલ પણ કહે છે. 12 ફૂટ ઊંચા અને 60 ફૂટ લાંબા આ પુલની ચોરીની ઘટના અમિયાવર નામના ગામ પાસે ઘટી છે.
ચોરી મામલે રોહતાસના નાસરીગંજ પોલીસસ્ટેશનમાં ઍન્જિનિયર અરશદ કમાલ શમ્સીએ છ એપ્રિલે અજાણ્યા લોકો સામે ફરિયાદ કરી છે.
અરશદ કમાલ જળસંસાધન વિભાગના સોન નહેર પ્રમંડળમાં ઇજનેર છે. તેમણે બીબીસીને ફોન પર આખી ઘટનાની જાણકારી આપી.
તેમણે કહ્યું, "જળસંસાધન વિભાગનો એક યાંત્રિક વિભાગ હોય છે, જેનું કામ પુલની જાળવણી કરવાનું હોય છે. યાંત્રિક વિભાગના લોકો આ ઋતુમાં જઈને પુલ વગેરેની તપાસ કરે છે. તેનો ફાયદો ઉઠાવીને ચોર ગયા અને તેમણે કહ્યું કે તેઓ વિભાગીય આદેશ અનુસાર પુલને કાપવા માટે આવ્યા છે."
અરશદ કમાલ શમ્સી અનુસાર, અગાઉ પણ ઘણી વાર ગામલોકો અરજી કરી ચૂક્યા હતા કે પુલ જર્જરિત થઈ ગયો છે અને તેના કારણે પ્રાણીઓ ઘાયલ થાય છે અને ઘણી વાર તેમનાં મૃત્યુ પણ થઈ જાય છે. આથી જેસીબી, પિક-અપ અને ગૅસગટર લઈને આવેલા ચોરો પર કોઈને શંકા ન ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક લોકો અનુસાર, ચોર ત્રણ દિવસ સુધી આ કામને અંજામ આપતા રહ્યા. આખરે આ ઘટનાની જાણકારી કેવી રીતે મળી?
આ પૂછતા અરશદ કમાલ શમ્સી કહે છે, "હું એક અન્ય પુલનું નિર્માણકાર્ય જોવા માટે ગયો હતો. ત્યાં લોકો પાસે આ સંદર્ભે ચર્ચા સાંભળી તો મેં જઈને પુલ જોયો, જેને ચોર લઈ ગયા હતા. ત્યાર બાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવી."
પુલમાં 500 ટન લોખંડ હતું?
જે પુલને ચોરોએ કાપી નાખ્યો એ જર્જરિત થઈ ગયો હતો. સ્થાનિકો કહે છે કે 1972-73માં બનેલો આ પુલ અમિયાવર, ચિત્તૌખર, ઘોંઘા, મનૌલી, પડ્ડી ગાંવને જોડતો હતો. ઘણા દિવસોથી આ પુલ અવાવરું હતો. તેના કારણે તેની સમાંતર એક બીજો પુલ બની ગયો, જેનો લોકો ઉપયોગ કરતા હતા.
તો જિલ્લા કાઉન્સિર પ્રતિનિધિ ગાંધી ચૌધરી કહે છે, "પુલચોરીની ઘટનાની જાણકારી અમને અખબારથી મળી. મને લાગે છે કે સિંચાઈ વિભાગની મિલીભગતથી આ ચોરી થઈ છે."
આ પુલને લઈને એક ચર્ચા એ પણ છે કે તેમાં 500 ટન લોખંડ હતું. જોકે અરશદે બીબીસીને જણાવ્યું, "આ પુલ જર્જરિત થઈ ગયો હતો. તેમાં એટલું લોખંડ નહોતું, જેટલું રિપોર્ટ કરાયું છે."
સ્થાનિક પત્રકાર જિતેન્દ્રકુમારનું ઘર ઘટનાસ્થળથી માત્ર 200 મીટર દૂર છે.
તેઓ કહે છે, "આ પુલ બહુ સાંકડો હતો. પુલ પરથી પગપાળા, સાઇકલ કે પછી એક બાઇક પસાર થઈ શકતી. પુલમાં બહુ ઓછું લોખંડ રહ્યું હતું. અમે લોકો સવારે ટહેલવા આવીએ છીએ, મેં અને અંદાજે 500 લોકોએ 4 અને 5 એપ્રિલે પુલને કપાતો જોયો હતો. પણ પુલનો ઉપયોગ થતો નથી એટલે કોઈ કંઈ ન બોલ્યું."
"પુલ લોકો માટે માથાનો દુખાવો બની ગયો હતો, કેમ કે પ્રાણીઓ અહીં ફસાઈને મરી જતા હતા અને દુર્ગંધ ફેલાતી હતી. આ પુલની સમાંતર જે પુલ બન્યો છે એ પણ જર્જરિત હાલતમાં છે."
તેજસ્વી યાદવે પણ આ મામલે ટ્વીટ કરીને લખ્યું, "45 વર્ષ જૂનો, 500 ટન લોખંડના પુલને 17 વર્ષની ભાજપ-નીતીશ સરકારે ધોળાદિવસે લુંટાવી દીધો."
ફેબ્રુઆરી 2022માં રોહતાસના ડેહરી સિંચાઈ વિભાગના કૅમ્પસમાં 1871માં લાગેલી સૂરજઘડીનો શંકુ પણ ચોરાઈ ગયો હતો. શંકુ સૂરજઘડીમાં લાગતો ધાતુનો ટુકડો હોય છે, જેના પડછાયાથી સમયનું અનુમાન લગાવાય છે.
આ ઘડિયાળ અંગ્રેજોના સમયમાં બનાવાઈ હતી, જેમાં હિન્દી અને રોમન અંક અંકિત કરાયેલા છે. શંકુ ચોરી થયાના થોડા દિવસો પછી રોહતાસ પોલીસે એ શંકુને માનિકચંદ ગુપ્તા નામના એક કબાડીને ત્યાંથી જપ્ત કર્યો હતો.
માનિકચંદ ગુપ્તાએ સૂરજઘડીનો શુંક માત્ર બે હજાર રૂપિયામાં ચોર પાસેથી ખરીદ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો