બજેટ 2025: નોકરિયાતોનો પગાર ટૅક્સમાં વધારે જઈ રહ્યો છે અને સરકારે ટૅક્સ ફેરફારો કેમ કરવા જોઈએ?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલી ફેબ્રુઆરી, 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ભારતમાં દર વર્ષે કેન્દ્રીય બજેટ આવે ત્યારે પગારદાર વર્ગની અપેક્ષાઓ વધી જાય છે. પરંતુ બજેટની જાહેરાતો પૂરી થાય ત્યારે પગારદાર વર્ગની અને ખાસ કરીને મધ્યમ વર્ગની ઉપેક્ષા કરવામાં આવી હોય તેવું તેમને લાગે છે.

તેના કારણે એક માન્યતા સર્જાઈ છે કે ભારતમાં વ્યક્તિગત કરદાતાઓએ પ્રમાણમાં વધારે ટૅક્સ ચૂકવવો પડે છે, જ્યારે જે લોકો પગારદાર નથી અથવા તો ઇન્કમટૅક્સની જાળમાં નથી આવ્યા, તેઓ ટૅક્સ ભરવામાંથી ક્યાં તો રાહત મેળવે છે અથવા તો છટકબારી શોધી લે છે.

ભારતમાં 2019માં કંપનીઓ માટે ટૅક્સના દર ઘટાડવામાં આવ્યા ત્યાર પછી કૉર્પોરેટ ટૅક્સ કરતાં પણ વ્યક્તિગત કરદાતાઓના ઇન્કમટૅક્સમાંથી સરકારને વધુ આવક થાય છે.

નિષ્ણાતોના માનવા પ્રમાણે લાંબા ગાળે આ સિસ્ટમ ચલાવી શકાય નહીં.

તેમના મત પ્રમાણે સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ટૅક્સના સ્લૅબ રાખવા જોઈએ. ઉપરાંત તેમણે હાઉસિંગ લોન, શિક્ષણ ખર્ચ, તબીબી ખર્ચ વગેરેને નવી ટૅક્સ વ્યવસ્થા અંતર્ગત પણ મુક્તિ આપવી જોઈએ તેવી માગ કરી છે.

ભારતમાં કેટલા લોકો આવકવેરો ભરે છે?

વિકસીત દેશોની તુલનામાં ભારતમાં ટૅક્સ બેઝ બહુ નાનો છે.

ભારતમાં બહુ ઓછા લોકો ઇન્કમટૅક્સ રિટર્ન ભરે છે અને તેમાં પણ ઇન્કમટૅક્સ ભરનારા લોકોનું પ્રમાણ તેના કરતાં પણ ઓછું છે.

ડિસેમ્બર 2024માં રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 2023થી 24ના નાણાકીય વર્ષમાં માત્ર 6.68 ટકા ભારતીયોએ આઈટી રિટર્ન ફાઇલ કર્યું હતું.

2022-23ના નાણાકીય વર્ષમાં 7.40 કરોડ લોકોએ આઈટી રિટર્ન ભર્યાં હતાં જ્યારે ગયા વર્ષમાં તેની સંખ્યા વધીને 8.09 કરોડ થઈ હતી.

વર્ષ 2023-24માં 4.90 કરોડ લોકોએ તો પોતાની શૂન્ય આવક દેખાડી હતી.

અર્થશાસ્ત્રી મિતાલી નિકોરના ઇકૉનૉમિક ટાઇમ્સમાં એક લેખ પ્રમાણે 'અમેરિકામાં 50 ટકા કરતાં વધુ મતદારો આવકવેરો ભરે છે. જર્મની અને યુકેમાં 60 ટકા લોકો ટૅક્સ ભરે છે અને ફ્રાન્સમાં ટૅક્સ ભરનારાનું પ્રમાણ 78 ટકા કરતાં વધુ છે જ્યારે ભારતમાં ત્રણ ટકા કરતા ઓછા લોકો ટૅક્સ ભરે છે.'

મિતાલી લખે છે કે "ભારતમાં મોટી સંખ્યામાં લોકો કામચલાઉ કામ મળે તેવા અસંગઠીત ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે અને તેઓ મોટા ભાગે પર્સનલ ઇન્કમટૅક્સના દાયરામાંથી બહાર રહે છે.તેઓ વર્ષના ત્રણ લાખથી પણ ઓછી કમાણી કરે છે અને ત્રણ લાખથી સાત લાખની વાર્ષિક આવક ધરાવતા લોકો બહુ ઓછા છે."

હાલની ટૅક્સ સિસ્ટમ કેવી છે?

ભારતમાં વ્યક્તિગત કરદાતા માટે જૂની અને નવી એમ બે પ્રકારની ઇન્કમટૅક્સ પદ્ધતિ છે.

ન્યૂ ટૅક્સ રેજિમ પ્રમાણમાં સરળ છે. જે લોકો હોમ-લૉન નથી ધરાવતા અથવા ઇન્સ્યૉરન્સ અને બીજી કર બચતની યોજનાઓમાં રોકાણ નથી ધરાવતા તેમના માટે ન્યૂ ટૅક્સ રેજિમ વધુ ફાયદાકારક છે.

જુલાઈ-2024માં રજૂ થયેલા બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે ન્યૂ ટૅક્સ રેજિમમાં ત્રણ લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટૅક્સ નથી. સાત લાખ રૂપિયા સુધીની આવક અસરકારક રીતે ટૅક્સ ફ્રી બનશે કારણ કે ત્રણ લાખથી સાત લાખની આવક સુધી ટૅક્સનો દર પાંચ ટકા છે.

એટલે કે આ ચાર લાખ રૂપિયા પર પાંચ ટકા લેખે 20 હજાર ટૅક્સ થાય. પરંતુ સૅક્શન 87-A હેઠળ આ 20 હજાર રૂપિયાના ટૅક્સમાં મુક્તિ અપાઈ છે. એટલે કે કોઈ ટૅક્સ ભરવાનો નથી. આ ઉપરાંત પગારદાર વર્ગને 75 હજાર રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ ફાયદો મળશે. આમ કુલ મળીને 7.75 લાખ સુધીની વાર્ષિક આવક ઇન્કમટૅક્સ ફ્રી થઈ ગઈ છે.

ન્યૂ ટૅક્સ રેજિમમાં વધુમાં વધુ 30 ટકા સુધી ઇન્કમટૅક્સ લાગુ પડે છે.

તેની સાથે જૂની ટૅક્સ સિસ્ટમ પણ અમલમાં છે જેમાં 50 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન, હોમ-લોનનું વ્યાજ, એનપીએસ, સૅક્શન 80-સી હેઠળ પીપીએફ, ઈએલએસએસ, ઈપીએફ, હેલ્થ ઇન્સ્યૉરન્સ સહિત તમામ સાધનોનો ઉપયોગ કરવામાં આવો તો વાર્ષિક 10 લાખ સુધીની આવકને પણ ટૅક્સ ફ્રી કરી શકાય છે.

જૂની ટૅક્સ રેજિમમાં પણ વધુમાં વધુ ટૅક્સનો દર 30 ટકા છે. તેમાં હોમ-લોન માટે ભરવામાં આવેલું બે લાખ રૂપિયા સુધીનું વ્યાજ મુક્ત છે જે સુવિધા ન્યૂ ટૅક્સ રેજિમમાં નથી મળતી.

કરદાતાઓને કેવી રાહત મળે તેવી માગ?

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરિમ લાખાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "હાલમાં સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોય તો ન્યૂ ટૅક્સ રેજિમમાં ટૅક્સ ભરવો પડતો નથી. તેથી 40-50 હજાર રૂપિયા સુધીનો માસિક પગાર હોય ત્યાં સુધી લોકો ડાયરેક્ટ ટૅક્સમાંથી બચી શકે છે. પરંતુ સાત લાખની ઉપર આવક જતા જ તમે ટૅક્સની જાળમાં આવી જાવ છો."

તેઓ કહે છે કે "અત્યારે શિક્ષણ, મકાનના હપ્તા, લોન અથવા મેડિકલનો ખર્ચ એટલો બધો છે કે સાત લાખ રૂપિયાની આવક એ બહુ મોટી વાત ન કહેવાય."

"આવી સ્થિતિમાં સરકારે બજેટમાં લોકોને ફુગાવાને ધ્યાનમાં રાખીને રાહત આપવી જોઈએ."

હાલમાં ભારતમાં નવી અને જૂની એમ બંને પ્રકારની ટૅક્સ સિસ્ટમ છે, ન્યૂ ટૅક્સ રેજિમમાં જૂની છૂટછાટો કાઢી નાખવામાં આવી છે.

લાખાણીના માનવા પ્રમાણે, "જૂની ટૅક્સ સિસ્ટમમાં જે રીતે હાઉસિંગ લૉનની મુદ્દલ અને વ્યાજ પર ટૅક્સ રાહત મળતી હતી તેવી બે લાખ રૂપિયાની છૂટછાટ નવી ટૅક્સ રેજિમમાં પણ આપવી જોઈએ. અત્યારે મકાનનું ભાડું, મકાનના હપ્તા, એજ્યુકેશન પાછળ ખર્ચ એટલો વધી ગયો છે કે તેમને ટૅક્સમાં રાહત ન મળે તે અયોગ્ય ગણાય."

તેઓ કહે છે કે "મોંઘવારીના વધારા સાથે મૅચ થાય તે રીતે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવું જોઈએ. કારણ કે, અત્યારે બે બાળકોને પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થામાં ભણાવો તો પણ દોઢથી બે લાખ રૂપિયા સ્કૂલ ફીમાં જતા રહે છે."

બીજી તરફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવિનાશ તલરેજાએ જણાવ્યું કે, "ન્યૂ ટૅક્સ રેજિમમાં પગારદાર વર્ગને રાહત નથી મળતી તેવા નિરીક્ષણ સાથે તેઓ સહમત નથી."

"અગાઉ જૂની ટૅક્સ સિસ્ટમમાં જે લોકોએ લૉન લીધી હોય અથવા 80-સી હેઠળ રોકાણ કરતા હોય તેમને જ ટૅક્સમાં રાહત મળતી હતી. હવે ન્યૂ ટૅક્સ રેજિમમાં સાત લાખ રૂપિયા સુધીની આવક બધા માટે ટૅક્સ ફ્રી છે."

જોકે, તેઓ માને છે કે નવી ટૅક્સ સિસ્ટમમાં પણ હાઉસિંગ લૉનના ડિડક્શનનો લાભ સમાવવામાં આવે તો તે સારું ગણાય. હાલમાં માત્ર એવા લોકો જ જૂની ટૅક્સ સિસ્ટમમાં છે જેમની હાઉસિંગ લૉન ચાલુ છે."

તેમણે કહ્યું કે "ટૅક્સની છૂટછાટોને હંમેશાં ફુગાવાની સાથે જોડવી જોઈએ. 2012માં બજેટમાં જે રકમ માટે કરમાફી જાહેર કરાઈ હોય તે રકમ અત્યારે પણ જાળવી રાખવામાં આવે તે યોગ્ય નથી."

સીએ કરિમ લાખાણીના કહેવા પ્રમાણે હાઉસિંગ લૉન, એજ્યુકેશન અને મેડિકલ ખર્ચ પર ટૅક્સ મુક્તિનો લાભ ન્યૂ ટૅક્સ રેજિમમાં પણ મળે તો લોકોને ફાયદો થયો કહેવાય કારણ કે અંતે તો તેઓ જે બચત કરશે તે રૂપિયા ઇકૉનૉમીમાં જ જવાના છે.

બિઝનેસમૅન જે ખર્ચ કરે તેને ટૅક્સમાં બાદ કરી આપવામાં આવે છે પણ પગારદાર વર્ગ માટે ન્યૂ ટૅક્સ રેજિમમાં એવી સુવિધા નથી.

ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સની ટેક્સ્ટાઇલ્સ કમિટીનાં ભૂતપૂર્વ ચૅરપર્સન અને ઉદ્યોગ સાહસિક મીના કાવિયા માને છે કે અત્યારે દરેક માલસામાન પર ટૅક્સ લાગે છે ત્યારે ફુગાવાને ધ્યાનમાં રાખીને આવકવેરામાં લોકોને રાહત આપવી જોઈએ.

તેમણે કહ્યું કે "ચૂંટણીઓ આવે ત્યારે નીચી આવક ધરાવતા વર્ગને ધ્યાનમાં રાખીને ઘણી રાહતો અપાતી હોય છે. તેવી જ રીતે મધ્યમ વર્ગને પણ આવકવેરામાં રાહત આપવી જોઈએ. કારણ કે, મોંઘવારી દર વર્ષે વધતી રહે છે. અત્યારે મધ્યમ વર્ગને ટેકો મળે તેવું કંઈ કરવું જોઈએ."

મીના કાવિયા કહે છે, "નિયમિત ટૅક્સ ચૂકવતા લોકોને પ્રોત્સાહન અપાય તે જરૂરી છે."

ઇન્કમટૅક્સના નામે 'ટૅક્સનો ત્રાસવાદ'

ભારતમાં જે રીતે વ્યક્તિગત કરદાતાઓ પાસેથી આવકવેરો વસૂલવામાં આવે છે તેનો ઘણા લોકો વિરોધ કરી ચૂક્યા છે.

એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે લોકો બધી જ ચીજો પર જીએસટી ભરે છે અને ઘણી વખત જીએસટીનો દર 18 ટકા જેટલો હોય છે, તો પછી ઇન્કમટૅક્સ શા માટે વસૂલ કરવામાં આવે છે.

સુબ્રમણિયન સ્વામી જેવા ઘણા લોકો આવકવેરાને સાવ નાબૂદ કરવાની વાત કરી ચૂક્યા છે.

જોકે, તેનો વિકલ્પ શો તે પણ એક પેચીદો સવાલ છે.

સુબ્રમણિયન સ્વામીએ વારંવાર કહ્યું છે કે પર્સનલ ઇન્કમટૅક્સ દૂર કરવામાં આવે તો લોકોના હાથમાં વધુ રૂપિયા રહેશે અને તેનો ખર્ચ કરવાથી અર્થતંત્રને વેગ મળશે.

ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીએફઓ મોહનદાસ પાઈએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું છે કે "હવે મધ્યમવર્ગને રાહત આપો કારણ કે 2014માં તમે 'ટૅક્સ ટેરરિઝમ' રોકવાનું વચન આપ્યું હતું. આ વખતના બજેટમાં ઇન્કમટૅક્સના મોટા સુધારા થવા જોઈએ."

તેમણે કહ્યું છે કે "પાંચ લાખ સુધીની આવક હોય તેમને રિટર્ન ભરવામાંથી જ મુક્તિ આપવી જોઈએ, સિવાય કે તેમણે રિફંડ માટે ક્લેમ કરવાનો હોય."

તેઓ લખે છે કે "આજે હાઉસિંગ લોન માટે મળતું ડિડક્શન બહુ મોટો ફાયદો હોય તે રીતે દેખાડવામાં આવે છે. પરંતુ 3.5 કરોડ કરદાતાઓમાંથી માત્ર 1.2 કરોડ કરદાતાઓ હાઉસિંગ લોન ધરાવે છે. બાકીનાને આનો ફાયદો નથી મળતો."

મોહનદાસ પાઈએ એવો દાવો પણ કર્યો છે કે "ભારતમાં નીચલા તબકાના 60 ટકા લોકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર નવ લાખ કરોડથી વધારે રકમ સબસિડી પાછળ ખર્ચે છે જ્યારે મધ્યમવર્ગે ટૅક્સનો બોજ ઉઠાવવો પડે છે."

સુધારાની શક્યતા કેટલી?

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024ના કેન્દ્રીય બજેટ વખતે છ મહિનાની અંદર ઇન્કમટૅક્સ ઍક્ટ 1961માં ધરમૂળથી સુધારા કરવાની વાત કરી હતી.

પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે ત્યારે ઇન્કમટૅક્સ ઍક્ટને સમજવામાં વધુ સરળતા રહે તેવા એકદમ નવા કાયદાની વાત કરવામાં આવે તેવી ધારણા અને અપેક્ષા છે.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે સરકારે નવા આવકવેરા કાયદા માટે સંબંધિત લોકો પાસેથી સૂચનો મગાવ્યાં હતાં.

તેમાં નાણાં મંત્રાલયને 6500થી વધુ સૂચનો મળ્યાં છે. આ કાયદાના વિવિધ પાસાંની સમીક્ષા માટે 22 સમિતિઓએ કામ કર્યું છે. હાલમાં 10.5 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ટૅક્સ વિવાદમાં અટવાયેલી છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ હાલના આવકવેરા ધારામાં 298 સૅક્શન અને 23 ચૅપ્ટર છે.

સંભાવના છે કે સરકાર તેમાં લગભગ 60 ટકાનો ઘટાડો કરશે અને ટૅક્સનું માળખું સંકલિત કરશે જેથી તેને અસરકારક રીતે સમજી શકાય અને તેને લાગુ કરી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.