ભારત વૈશ્વિક મહાસત્તા બની શકશે?

શુક્રવાર 19 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થશે, જે છ અઠવાડિયા સુધી ચાલશે અને 969 મિલીયન (90 કરોડ 69 લાખ) લોકો મતદાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) ત્રીજી વખત સત્તામાં આવવા માગે છે.

બહુ ઓછા દેશો અણુ શસ્ત્રો ધરાવે છે જેમાં ભારત પણ સામેલ છે અને હાલમાં ભારતે ચંદ્ર પર યાનનું સફળ લૅન્ડિંગ પણ કરાવ્યું છે. 2019ની લોકસભા ચૂંટણી બાદ ભારત વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની ગયો છે અને યુકેને પાછળ મૂકીને વિશ્વનું પાંચમુ અર્થતંત્ર બની ગયો છે.

ઘણા લોકો આગાહી કરી રહ્યા છે કે ભારત આગામી વૈશ્વિક મહાસત્તા બનશે, પરંતુ તેનો ઉદય આશાવાદ અને સાવચેતીના મિશ્રણ સાથે થયો છે.

ભારતનું અર્થતંત્ર મજબૂત છે

ઑગષ્ટ 2023માં દક્ષિણ આફ્રિકામાં નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું, ''ભારત વિશ્વનું ગ્રોથ ઍન્જિન બનશે. વર્ષ 2023 પત્યું ત્યારે ભારત એ વિશ્વની સૌથી ઝડપી વિકસતી મુખ્ય અર્થતંત્ર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, જ્યાં ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વિકાસદર 8.4 ટકા હતો.''

વૈશ્વિક અર્થતંત્રની રેન્કિંગ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી) પ્રમાણે થાય છે જેમાં દેશની કંપનીઓ, સરકારો અને લોકોની આર્થિક ગતિવિધીઓની ગણતરી કરવામાં આવે છે.

અમેરિકાની ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક મોર્ગન સ્ટેન્લી સહિતની ઘણી નાણાકીય સંસ્થાઓએ જાહેર કર્યું છે કે 2027 સુધી જર્મની અને જાપાનને પછાડીને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે 1947માં આઝાદી મળી, ત્યારે ભારત વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ હતો. સદીઓના બ્રિટીશરાજના કારણે દેશમાં માળાખાકીય સુવિધાઓ અપૂરતી હતી અને વધતી જનસંખ્યાને ભરપેટ ભોજન પૂરું પાડવામાં ખેતી ઉદ્યોગ અસમર્થ હતી.

એ સમય ભારતમાં વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 35 વર્ષ હતું. વર્લ્ડ બૅન્ક અનુસાર આજે સરેરાશ આયુષ્ય 67 વર્ષ થઈ ગયું છે, જે લગભગ બમણી છે. વૈશ્વિક સરેરાશ આયુષ 71 વર્ષ છે.

વર્લ્ડ બૅન્ક પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ નિકાસ કરતા દેશોમાં ભારત 10મા ક્રમાંકે છે. તેના નિકાસમાં મુખ્યત્વે શુદ્ધ તેલ, હીરા અને પૅકેજડ દવાઓ સામેલ છે. ભારતની આર્થિક તેજી તેનાં સતત વિકસી રહેલી સર્વિસ ઇન્ડસ્ટ્રી અને ટેલિકૉમ્યુનિકેશન અને સૉફ્ટવેર સૅક્ટરનાં કારણે છે.

પરંતુ અર્થશાસ્ત્રીઓ પ્રમાણે રોજગારીનું સર્જન સમાન ગતિએ થયું નથી. એચએસબીસીના એક બ્રીફિંગ પ્રમાણે વસતી વધી રહી છે, ત્યારે આવનારા એક દાયકામાં ભારતને 70 મિલીયન નોકરીઓનું સર્જન કરવું પડશે. પરંતુ તે તેનાં ત્રીજા ભાગ કરતાં વધારે નોકરીઓનું સર્જન કરી શકે તેની શક્યતા ઓછી છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો

ભારતની વસતી બીજા વિકસિત દેશો કરતાં યુવાન છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્ષ 2022માં દેશની મીડિયન ઍજ 28.7 વર્ષ હતી જ્યારે ચીન અને જાપાનની અનુક્રમે 38.4 અને 48.6 હતી. મીડિયન ઍજ એટલે એ ઉંમર જેમાં વસતી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગની ઉંમર મીડિયન ઍજથી ઓછી હોય છે અને બીજા ભાગની વધારે.

હાલમાં ભારતની વસતી 1.4 અબજ છે. ભારતીય અર્થશાસ્ત્રી ભાષાર ચક્રવર્તી અને ગૌરવ દાલમિયાના અંદાજ પ્રમાણે 2030 સુધી ભારતમાં 1 અબજ લોકો વર્કિંગ ઍજ એટલે કામ કરી શકવાની ઉંમરમાં આવી ગયા હશે.

પરંતુ બધા કર્મચારીઓને ભારતમાં અટકાવી રાખવા મુશ્કેલીભર્યું હશે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે વિદેશમાં સ્થાઈ થયાં હોય તેવાં લોકોમાં ભારતીયો સૌથી વધુ છે – અંદાજે 18 મિલિયન (1.80 કરોડ) લોકો.

ભારતના વિદેશ મંત્રાલયે આપેલા આંકડાને જોતાં ખ્યાલ આવશે કે વધુને વધુ ભારતીયો બીજા દેશોમાં સ્થાઈ થવાનું પસંદ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય નાગરિકતા ત્યજી દેતાં ભારતીયોની યાદી બનાવે છે. ભારતીય વ્યકિત ભારત સિવાય અન્ય દેશની નાગરિકતા રાખી ન શકે. વર્ષ 2022માં બે લાખ 25 હજાર ભારતીય લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ છે.

સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર 8 ટકા છે. જ્યારે અમેરિકામાં 3.8 ટકા છે. માર્ચ 2024માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અનુસાર ભારતના 83 ટકા બેરોજગાર લોકો 15થી 29 વર્ષની વચ્ચે છે. મોટાભાગના લોકોએ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે.

પત્રકાર અને લેખક સિદ્ધાર્થ દેબ કહે છે, ‘‘હું સમગ્ર ભારતમાં પ્રવાસ કરું છું. લોકો હતાશ છે અને ભારતીય ચમત્કારના કોઈ વિચારથી બહુ ઓછા આકર્ષિત થાય છે.’’

‘‘આર્થિક વિકાસથી હાઈવે અને ઍરપૉર્ટ જેવાં નવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યાં છે અને અબજોપતિઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ જોવા જોઈએ તો દેશમાં લોકો સંઘર્ષ કરી રહ્યા છે.’’

ઘરની બહાર નોકરી કરનારાં મહિલાઓ ક્યાં ખોવાઈ ગયાં?

ભારત સરકાર પ્રમાણે દેશમાં 33 ટકા મહિલાઓ કામ કરે છે એટલે કે વર્કિંગ વુમન છે. વર્લ્ડ બૅન્ક પ્રમાણે વૈશ્વિક સરેરાશ 49 ટકા છે અને ભારતની ટકાવારી અમેરિકા 56.5 ટકા અને ચીન 60.5 ટકાની સરખામણીમાં ઘણી ઓછી છે.

અગાઉના સમયના પ્રમાણમાં ભારતમાં વધુ મહિલાઓ શિક્ષણ લઈ રહી છે. પરંતુ ઘણી મહિલાઓ લગ્ન બાદ સાંસ્કૃતિક અપેક્ષા પ્રમાણે ઘરમાં રહે છે.

બૅંગલુરુ સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી તરીકે કામ કરતાં પ્રોફેસર અશ્વિની દેશપાંડે કહે છે કે ઘણી મહિલાઓ સ્વાવલંબી છે, જે તેમનાં માટે એક પ્રકારનું જોખમ પણ છે.

સમયની માગ છે કે નિયમિત પગારવાળી નોકરીમાં મહિલાઓની સંખ્યા વધે અને આ માટે મહિલાઓને જોબ કૉન્ટ્રૅક્ટ અને સામાજિક સુરક્ષાના લાભો આપવા જોઈએ.

દેશમાં હજી પણ અસમાનતા જોવા મળે છે?

ભારત સમગ્ર વિશ્વનો સૌથી અસામનતાવાળો દેશ છે.

વિશ્વ બૅન્કની ગરીબી રેખા પ્રમાણે દેશની લગભગ અડધી વસતી રોજના $3.10 અથવા તેનાથી ઓછી રકમમાં દિવસ કાઢવા માટે મજબૂર છે. સામેની બાજુએ ફૉર્બ્સની યાદી પ્રમાણે સાલ 2022માં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 162 છે. 1991માં આ સંખ્યા માત્ર 1 હતી.

અમેરિકાના પ્રિન્સટન યુનિવર્સિટીના આંતરાષ્ટ્રીય ઇકોનોમિક પોલીસીના પ્રોફેસર ડૉ. અશોકા મોદી કહે છે કે દેશમાં મધ્યમ વર્ગમાં આવતા લોકોની સંખ્યા વધી રહી છે પરંતુ દેશમાં ભારે અસમાનતા છે.

‘‘અને આ જ મુખ્ય કારણના લીધે એ માની લેવી ભૂલ ભર્યું હશે કે કોઈ પણ માળાખાકીય સુધારા કર્યા વગર ભારત વૈશ્વિક શક્તિ બની જશે.

તેઓ તર્ક આપે છે કે જે એક સુધારો જરૂરી છે તે છે સામાજીક પરિવર્તન જેથી અસામાનતાને દૂર કરી શકાય. જાહેર આરોગ્ય વ્યવસ્થામાં પણ સુધારો કરવો જરૂરી છે. લાખો ભારતીયો માટે નોકરી મેળવવી મુશકેલ છે અને શિક્ષણ અને આરોગ્યની ગુણવત્તા ખરાબ છે.

રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે

રાજકીય ધ્રુવીકરણ એ ભારતમાં નવું નથી. 18મી સદીથી ચર્ચા થઈ રહી છે કે ભારતે સેક્યુલર દેશ હોવું જોઈએ અથવા હિન્દુ રાષ્ટ્ર જેમાં 80 ટકા વસતી હિન્દુ છે.

2014માં નરેન્દ્ર મોદીના કટ્ટર હિન્દુવાદી રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષના ભવ્ય વિજય બાદ આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.

દેશમાં રહેતા મુસ્લિમો સામે હૅટ ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. માર્ચમાં સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાની સરકારે એક કાયદા સામે ચિંતા વ્યક્ત કરી હતી. આ કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતાં બિન-મુસ્લિમોને સરળતાથી ભારતની નાગિરકતા મળી જશે.

લેખક દેવિકા હેગડેએ હાલમાં ક્વાર્ટરલાઇફ નોવલ લખી છે, જેમાં 2014 પછીનાં ભારત વિશે વાત કરવામાં આવી છે.

તેમનાં પ્રમાણે ભારતમાં સાંપ્રદાયિક ઘર્ષણની ઘટનામાં અભૂતપૂર્વ વધારો થયો છે.

તેઓ કહે છે કે, ભારતમાં લોકો મતદાન કરે ત્યારે આઇડેન્ટીટી પૉલિટિક્સ કાયમ એક મહત્ત્વનું પરિબળ રહ્યું છે, પરંતુ 2014 ચૂંટણીમાં ધ્રુવીકરણ મિત્રો અને પરિવારમાં પહોંચી ગયું હતું.

"ભારતના વિકાસ દરને નકારી કાઢવો મુશ્કેલ છે, પરંતુ નાગરિક સ્વતંત્રતા સાથે ચેડાં થયાં છે અને સાંપ્રદાયિક ઘર્ષણની પણ હાજરી જોવા મળે છે. જો સ્થિતિ હાથમાંથી નીકળી જાય તો આ પ્રકારની જ્વાળા બહુ ઝડપથી સમગ્ર સમાજનો અંત કરી નાખશે."

દર વખતે પશ્ચિમના દેશો પ્રમાણે ચાલતું નથી

લાંબા સમય સુધી પશ્ચિમના દેશોને આશા હતી કે એશિયામાં ચીનના વધતા પ્રભાવને ખાળવા માટે ભારત એક વિકલ્પ બનશે. અણુશક્તિ સંપન્ન દેશ હોવાની સાથેસાથે ભારત પાસે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે, જેમાં 14.5 લાખ સક્રિય સૈનિકો છે. પરંતુ દર વખતે ભારત પશ્ચિમના દેશો પ્રમાણે ચાલે એવું નથી.

છેલ્લાં બે વર્ષથી રશિયા – યુક્રેન યુદ્ધમાં નિષ્પક્ષ રહેવા બદલ અને પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધ મૂક્યો હોવા છતાં સસ્તા દરે રશિયન તેલ ખરીદવાના કારણે ભારતની ટીકા થઈ છે.

સાન્યા કુલકર્ણી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સમાં આંતરાષ્ટ્રીય સંબંધોનાં નિષ્ણાત છે.

તેઓ કહે છે કે પશ્ચિમના દેશો ભારતને ચીન કરતાં ઓછાં મુશ્કેલ દેશ તરીકે જોઈ શકે છે, પરંતુ ચેતવણી આપે છે કે ભારતની પોતાની મહત્ત્વકાંક્ષાઓ છે. એ સમજી લેવું કે ભારત પશ્વિમના દેશોનો દૂત બની કાર્ય કરશે એ ભૂલભરેલું છે. ભારત પશ્ચિમના દેશોના વિરોધી હોવાની પોતાની છબી બનાવવાની જગ્યાએ પશ્ચિમના દેશોના પ્રભાવ હેઠળ ન હોય તેવા શક્તિશાળી દેશ તરીકે પોતાની છબી બનાવવા માગે છે.