You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉલરટ્રમ્પ: ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનો હેતુ શો છે, રોકાણ કરવું કેટલું સલામત?
- લેેખક, એના ફાગુએ
- પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટન
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, એ પહેલાં તેમણે પોતાના નામે મીમ કૉઇન લૉન્ચ કર્યું હતું.
આ ક્રિપ્ટોકરન્સીને 'ડૉલરટ્રમ્પ' ($Trump) એવું નામ આપવામાં આવ્યું છે. ટ્રમ્પની સહયોગી કંપની સીઆઈસી ડિજિટલ એલએલસીએ લૉન્ચ કરી છે. આ કંપની ટ્રમ્પની બ્રાન્ડથી પગરખાં અને પર્ફ્યુમ વગેરે વેચે છે.
ઇન્ટરનેટ ઉપર કોઈ બાબત વાઇરલ હોય કે આંદોલનની લોકપ્રિયતા વધારવા માટે મીમ કૉઇન લૉન્ચ કરવામાં આવે છે.
આ પ્રકારના મીમ કૉઇનની કિંમત ખૂબ જ ઓછી હોય છે અને તેમાં રોકાણ ખૂબ જ અનિશ્ચિતતા ભરેલું હોય છે.
કૉઇન માર્કેટ કૅપ ડૉટ કૉમ નામની વેબસાઇટના અહેવાલ મુજબ, 'ડૉલરટ્રમ્પ' લૉન્ચ થયાના ગણતરીના કલાકોમાં શનિવારે બપોરે તેનું માર્કેટ કૅપિટલાઇઝેશન સાડા પાંચ અબજ ડૉલર (લગભગ રૂ. 475 અબજ) સુધી પહોંચી ગયું હતું.
ડૉલરટ્રમ્પનો 80 ટકા હિસ્સો સીઆઈસી ડિજિટલ એલએલસી (લિમિટેડ લાયેબ્લિટી કૉર્પોરેશન) તથા ડેલાવેયરસ્થિત ફાઇટ ફાઇટ ફાઇટ એલએલસી પાસે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્રિપ્ટોકરન્સી દ્વારા કેટલી રકમ ઊભી કરી શકશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા એ પહેલાં શુક્રવારે રાત્રે આ મીમ કૉઇનની જાહેરાત કરી હતી. સાથે જ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ નામની વેબસાઇટ ઉપર એક પોસ્ટમાં લખ્યું:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારું નવીન સત્તાવાર ટ્રમ્પ મીમ આ રહ્યું! આપણે જેના થકી ઓળખાઇએ છીએ તેની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે: વિજય!"
ડૉલરટ્રમ્પની વેબસાઇટ મુજબ કંપનીએ લગભગ 200 મિલિયન ડિજિટલ ટોકન બજારમાં ઉતાર્યાં છે. સાથે જ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુ 800 મિલિયન ડિજિટલ ટોકન ઉતારવામાં આવશે.
વેબસાઇટ લખે છે, "આ ટ્રમ્પ મીમ એવા નેતાનો ઉત્સવ ઉજવે છે, જે કોઈપણ પરિસ્થિતિમાં પાછળ નથી હઠતો, ચાહે ગમે તેવી મુશ્કેલીઓ આવે."
સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે આ કૉઇન "રોકાણ કે સુરક્ષા માટેની કોઈ તક નથી. તે રાજકીય નથી; તથા તેનો કોઈપણ રાજકીય અભિયાન, રાજકીય પક્ષ કે સરકારી એજન્સી સાથે સંબંધ નથી."
ટ્રમ્પના ટીકાકારોનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિપદનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ક્રિપ્ટો વૅન્ચર કૅપિટલિસ્ટ નિક ટોમૅનોએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'ટ્રમ્પ પાસે 80 ટકા કરતાં વધુ હિસ્સો છે. રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા પહેલાં ક્રિપ્ટો લૉન્ચ કરવાથી તેમને આર્થિકલાભ થશે તથા અનેક લોકોને નુકસાન થવાની શક્યતા છે.'
ક્રિપ્ટોકરન્સીને બજારમાં ઊંચા ભાવે વેચતા પહેલાં સટ્ટોડિયાઓ આ પ્રકારનાં ડિજિટલ ટોકનોનો પ્રચાર કરે છે. જેના કારણે જ્યારે કિંમતો ગગડે છે, ત્યારે જેમણે પાછળથી ડિજિટલ ટોકન ખરીદ્યાં હોય, તેમણે નુકસાન વેઠવું પડે છે.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને આશા છે કે ટ્રમ્પ સરકાર ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપશે.
જ્યારે જો બાઇડન સત્તા ઉપર હતા ત્યારે તેમના નિયામકોએ છેતરપિંડી અને મની લૉન્ડ્રિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ પ્રકારના ઍક્સ્ચેન્જો ઉપર કેસ દાખલ કર્યા હતા તથા ક્રિપ્ટો કંપનીઓ ઉપર ગાળિયો કસ્યો હતો.
પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ક્રિપ્ટોકરન્સી અંગે ચિંતિત હતા, પરંતુ ગતવર્ષે નૅશવિલમાં આયોજિત બિટકૉઇન કૉન્ફરન્સમાં એમણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે એટલે અમેરિકા 'આ ગ્રહ પર ક્રિપ્ટોનું પાટનગર' બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા ઍરિક તથા ડોનાલ્ડ જુનિયરે ગત વર્ષે પોતે પણ ક્રિપ્ટો વૅન્ચર લૉન્ચ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન