કર્ણાટક : વચગાળાના જામીન રદ થયા બાદ એચડી રેવન્નાની અટકાયત

કર્ણાટકના કથિત અશ્લીલ વીડિયો મામલે સાંસદ પ્રજ્વલ રેવન્નાના પિતા એચડી રેવન્નાને એસઆઈટીએ અટકાયતમાં લીધા છે.

પોલીસ અનુસાર, એચડી રેવન્નાની પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી છે.

કોર્ટમાં રેવન્નાની વચગાળાના જામીનની અરજી ફગાવી દેવાઈ હતી.

ગુરુવારે જ એક પીડિત મહિલાના પુત્રે એચડી રેવન્ના અને તેમના સાથીઓ સામે અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

આ મહિલા એ અનેક મહિલાઓમાં સામેલ છે, જેમનું કથિત રીતે રેવન્નાએ યૌન ઉત્પીડન કર્યું છે.

એચડી રેવન્ના પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પુત્ર છે અને કર્ણાટક સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આ સમયે તેઓ ધારાસભ્ય છે.

પોલીસ અનુસાર, પીડિત મહિલા પોલીસને હુનસુરથી મળ્યાં હતાં અને પોલીસ હાલમાં તેમની પાસેથી માહિતી મેળવી રહી છે.

આ દરમિયાન પોલીસે અપહરણના આ કેસમાં રેવન્નાના સહયોગી સતીશ બાબુ ઉર્ફે સતીશ બાબન્નાની ધરપકડ કરી છે. બાબન્નાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

એચડી રેવન્નાના પુત્ર અને હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર આરોપ છે કે તેમણે અનેક મહિલાઓનું યૌન ઉત્પીડન કર્યું છે અને તેમના અશ્લીલ વીડિયો રેકૉર્ડ કર્યા.

'શહેનશાહ નરેન્દ્ર મોદી મહેલોમાં રહે છે' - બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

ગુજરાતમાં સાતમી મેના દિવસે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે બનાસકાંઠામાં ચૂંટણીસભાને સંબોધી હતી.

બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા ભાઈને શાહજાદા કહે છે. હું કહેવા માગું છું કે મારા ભાઈ 4000 કિલોમીટરની પદયાત્રા કરીને દેશના લોકોને મળ્યા અને તેમને પૂછ્યું કે તમારા જીવનની શું સમસ્યાઓ છે."

"એક તરફ શહેનશાહ નરેન્દ્ર મોદી મહેલોમાં રહે છે. તેઓ ખેડૂત, મહિલાઓની મજબૂરી કેવી રીતે સમજશે."

"નરેન્દ્ર મોદી સત્તામાં ઘેરાયેલા છે. તેમની આસપાસના લોકો તેમનાથી ડરે છે. તેમને કોઈ કંઈ નથી કહેતું. જો કોઈ અવાજ ઉઠાવે તો તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે."

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મહાત્મા ગાંધીજી ગુજરાતની ધરતી પર જનમ્યા હતા, જેઓ દુનિયાની સૌથી મહાન હસ્તી બન્યા. સરદાર પટેલજી, વીર રણછોડ રબારીજી અને બીજા કેટલાય મહાપુરુષો અહીં જનમ્યા. આઝાદી માટે દેશના કેટલાક મહાપુરુષો બ્રિટિશરો સામે લડ્યા. દેશને આઝાદ કરાવ્યો અને આપણને એક બંધારણ આપ્યું. એટલે આપણે સૌએ બંધારણનું મહત્ત્વ સમજવું પડશે. બંધારણથી તમને અધિકાર મળે છે. સૌથી મોટો અધિકાર મતદાનનો છે. બંધારણે અનામત સાથે નાગરિકોને સવાલ કરવાનો અને આંદોલન કરવાનો પણ અધિકાર આપ્યો છે."

"એટલે ભાજપના લોકો કહે છે કે બંધારણ બદલી દઈશું, તો અર્થ સ્પષ્ટ છે કે આ લોકો પાસેથી તેમના અધિકારી છીનવી લેવા."

કૉંગ્રેસનાં નેતા સુચારિતા મોહંતીનો દાવો - પુરી લોકસભા બેઠકની ટિકિટ પરત કરી દીધી

કૉંગ્રેસનાં નેતા સુચારિતા મોહંતીએ દાવો કર્યો છે કે તેમણે ઓડિશાની પુરી લોકસભાની બેઠક પરની ટિકિત પરત કરી દીધી છે.

સમાચાર સંસ્થા એએનઆઈને સુચારિતા મોહંતીએ જણાવ્યું, "પાર્ટીએ મને ટિકિટ આપી હતી પણ મેં પરત કરી દીધી. કેમ કે પક્ષ મને ભંડોળ ઉપલબ્ધ કરાવી શકે એમ નહોતો."

"બીજું એક કારણ પણ છે. મારી લોકસભાના વિસ્તારની કેટલીક વિધાનસભાની બેઠક પર જીતી શકે એવા ઉમેદવારોની જગ્યાએ નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે."

તેમણે ઉમેર્યું, "આ બન્ને સ્થિતિમાં મારા માટે પ્રચાર કરવો મુશ્કેલ હતો."

"જો, પક્ષ તરફથી પૉઝિટિવ સંકેત મળ્યા હોત તો હું ટિકિટ પરત ના કરત. મને કહેવાયું હતું કે મને ભંડોળ ઉપલબ્ધ નહીં કરાવાય અને મારે જાતે જ ભંડોળ એકઠું કરવું પડશે. "

નોંધનીય છે કે પુરી લોકસભા બેઠક પરથી સંબિત પાત્રા ભાજપના ઉમેદવાર છે. જ્યારે આ બેઠક પર ચૂંટણી લડવા માટે ઉમેદવારી-પત્રક ભરવાની છેલ્લી તારીખ 6 મે છે. અહીં છઠ્ઠા તબક્કામાં 25મેએ મતદાન થવાનું છે.

રોહિત વેમુલાની આત્મહત્યા મામલે મીડિયા અહેવાલો પર પોલીસે શું કહ્યું?

રોહિલ વેમુલાની આત્મહત્યાના મામલામાં મીડિયામાં આવતા અહેવાલો પર તેલંગાણા પોલીસે નિવેદન આપ્યું છે.

તેલંગાણા પોલીસના ડીજીપીએ કહ્યું છે કે આ મામલે પહેલાં આવેલા ક્લોઝર રિપોર્ટની આગળ તપાસ કરવામાં આવશે.

પહેલાં થયેલી તપાસ પર રોહિત વેમુલાનાં માતા અને તેમના નિકટના લોકોએ સવાલો ઉઠાવ્યા બાદ તેલંગાણા પોલીસે આ નિર્ણય કર્યો છે.

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેલંગાણા પોલીસે રોહિત વેમુલાની આત્મહત્યામાં બધા આરોપીઓને ક્લીન ચિટ આપી છે.

મીડિયા અહેવાલોમાં દોવા કરવામાં આવ્યો છે કે તેલંગાણા પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે રોહિત વેમુલા દલિત નહોતા અન તેમનાં માતાએ નકલી પ્રમાણપત્ર બનાવ્યાં હતાં.

ડીજીપીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'રોહિત વેમુલાની આત્મહત્યા મામલે પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયામાં કેટલાક અહેવાલો આવી રહ્યા છે.'

'જે રિપોર્ટની વાત કરવામાં આવી છે તે 2018માં તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને તપાસ અધિકારી સામે 21 માર્ચ 2024ના રજૂ કરવામાં આવ્યો હતો'.

નિવેદન અનુસાર, 'જે તપાસ થઈ છે તેના પર રોહિત વેમુલાનાં માતાએ સવાલ ઉઠાવ્યા છે અને અમે આ મામલે તપાસ કરશું'.

તપાસ આગળ વધારવા મામલે સંબંધિત અદાલતમાં અરજી દાખલ કરીને મંજૂરી લેવામાં આવશે.

શું હતો મામલો?

17 જાન્યુઆરી 2016ના હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 26 વર્ષના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી હતી.

રોહિત યુનિવર્સિટીમાં આંબેડકર સ્ટુડન્ટ એસોસિએશનના સભ્ય હતા. તેઓ કૅમ્પસમાં દલિત વિદ્યાર્થીઓના અધિકારો અને ન્યાય માટે લડત આપતા હતા.

રોહિત અને ચાર અન્ય દલિત વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલયના હૉસ્ટલમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

આત્મહત્યા મામલામાં તત્કાલીન કેન્દ્રીય મંત્રી બંડારુ દત્તાત્રેય વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમની સામે એસસી-એસટી કાયદા હેઠળ કેસ નોંધાયો હતો.

બંદારુ દત્તાત્રેયે ઑગસ્ટ 2015માં માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો હતો.

વિશ્વવિદ્યાલય પરિસરમાં પ્રદર્શન કરી રહેલા આંબેડકર સ્ટુડન્ટ એસોસિએશનના સભ્યોએ ભાજપ સાથે જોડાયેલા ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપીના અધ્યક્ષ) સુશીલ કુમાર સાથે કથિત ધક્કામુક્કી કરી હતી. ત્યાર બાદ દત્તાત્રેયે આ પત્ર લખ્યો હતો.

દત્તાત્રેયે વિશ્વવિદ્યાલયના વહીવટીતંત્ર પર મૂકદર્શક બની રહેવાનો આરોપ લગાવ્યો હતો.

તેમના પત્ર પછી માનવ સંસાધન મંત્રાલયે વિશ્વવિદ્યાલયને એક પૅનલની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જેણે તેમને નિલંબિત કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મામલે તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને સિકંદારાબાદના તત્કાલીન સાંસદ બંડારુ દત્તાત્રેય એમએસલી એન રામચંદર રાવ, હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના કુલપતિ અપ્પા રાવને આરોપી બનાવાયા હતા.

વર્ષ 2018માં આના ક્લોઝર રિપોર્ટના વર્ષ 2024માં સામે આવ્યા બાદ બધા આરોપીઓને દોષમુક્ત કરાયા હતા જેના પર તેલંગાણા પોલીસે આગળની તપાસની વાત કહી છે.

પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠામાં ચૂંટણીપ્રચાર કરશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.

પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠામાં ચૂંટણીસભા કરશે. તેઓ સવારે 11 વગ્યે બનાસકાંઠામાં ન્યાય સંકલ્પ સભાને સંબોધશે.

બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપે રેખાબહેન ચૌધરીને ટિકિટ આપી છે.

આ લોકસભા બેઠક પર ચૂંટણી રસાકસી ભરેલી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગેનીબહેન ઠાકોર હાલમાં વાવથી કૉંગ્રેસનાં ધારાસભ્ય છે. તેઓ મતદારો પાસે ચૂંટણી લડવા માટે ફંડ માટે મામેરૂં આપવાની વિનંતી કરતા જોવાં મળ્યાં છે. આ મામલે તેમની ખૂબ ચર્ચા પણ થતી રહી છે.

ગુજરાતની 26 બેઠકો પર સાત મેના દિવસે મતદાન યોજાશે. સુરતની બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

શંકરસિંહ વાઘેલાએ ભાજપને સમર્થન આપનારા રાજવીઓ વિશે શું કહ્યું?

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ મામલે રાજવીઓને 'ખુશામતિયા' ગણાવ્યા છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે હાલમાં જ ગુજરાતના15થી વધુ રાજવી પરિવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.

વડા પ્રધાન મોદી પહેલી અને બીજી મેના દિવસે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે આવ્યા હતા તે દરમિયાન સૌરાષ્ટ્રના રાજવી પરિવારોએ રાજકોટમાં પ્રેસ વાર્તા યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સમર્થન જાહેર કર્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીર્ઘદૃષ્ટા ગણાવ્યા હતા. અને ભાજપના સમર્થનમાં પ્રચંડ મતદાન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ધોળકાના ચાંદીસરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ''આપણે વડા પ્રધાનની મર્યાદા રાખવા માગીએ છીએ. અમે (ક્ષત્રિય સમુદાય) વડા પ્રધાનની મર્યાદા રાખી પણ તેમણે (વડા પ્રધાને) નહીં. આજે રાજવીઓ ખુશામતિયા છે, ઝૂકી જાય છે, તેઓ રાજવીઓ કહેવાના યોગ્ય નથી...તેમને સન્માન આપવાની જરૂર નથી, તેમની અવગણના કરો.''