IPL 2025: 18 વર્ષે આરસીબીના વિજય પછી વિરાટ કોહલીએ શું કહ્યું?

મંગળવારે આઈપીએલ 2025ની ફાઇનલ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં આરસીબીએ છ રને પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો.

શ્રેયસ અય્યરે ટૉસ જીતીને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને બૅટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 20 ઓવરના અંતે નવ વિકેટના ભોગે બૅંગ્લુરુની ટીમે 190 રન બનાવ્યા હતા.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અનકૅપ્ડ ખેલાડીઓ સાથે પંજાબ કિંગ્સે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ છેલ્લો મૅચ તેમના માટેનો હતો.

જવાબમાં દાવ લેવા ઉતરેલી શ્રેયસ અય્યરની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 184 રન કર્યા હતા. એક સમયે મૅચ આરસીબીની તરફેણમાં એકતરફી જણાતી હતી, પરંતુ છેલ્લે-છેલ્લે પંજાબના બૅટ્સમૅનોએ આક્રમક બૅટિંગ કરી હતી, જેના કારણે હારજીત વચ્ચે બહુ પાતળું અંતર રહેવા પામ્યું હતું.

વિરાટ કોહલીએ કહ્યું હતું, 'મને લાગતું ન હતું કે ક્યારેય આવો દિવસ આવશે, આજે આઈપીએલ જીતીને હું ખૂબ જ ભાવૂક છું.'

આરસીબીએ 17 વર્ષમાં પ્રથમ વખત આઈપીએલની ટુર્નામેન્ટ જીતી છે.

18 નંબરની જર્સી પહેરીને રમતા વિરાટ કોહલીને આઈપીએલની અઢારમી ટુર્નામેન્ટમાં ટ્રૉફીની ભેટ આપવાનું રજત પાટીદાર ઍન્ડ કંપનીનું સપનું સાકાર થયું હતું.

આશંકા મુજબ વરસાદ પડ્યો ન હતો અને ક્રિકેટરસિકોનો મૂડ જળવાય રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આઈપીએલની ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે મોકૂફ કરવામાં આવી હતી, જેના કારણે બીજી ક્વૉલિફાયર તથા ફાઇનલ મૅચો મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

આંખમાં આંસુ સાથે અનુષ્કાને ભેટ્યા

વિજય બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું: આ જીત અમારા ફૅનની સાથે અમારી ટીમ માટે છે. મેં આ ટીમને મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય અને મારો અનુભવ આપ્યો છે. દરેક સિઝનમાં તેને જીતવાનો પ્રયાસ કર્યો, મેં તેને બધું આપ્યું. ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે, અમે જીત્યા પછી હું ભાવુક થઈ ગયો.

હું આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, મારી પાસે અન્ય ક્ષણો હતી, પરંતુ હું તેમની સાથે રહ્યો અને તેઓ મારી સાથે રહ્યાં. મારું હૃદય બૅંગ્લોરની સાથે છે અને મારો આત્મા બૅંગ્લોર સાથે છે.

આ ટુર્નામૅન્ટ હાઇ-ઇન્ટેન્સિટીવાળી ટુર્નામૅન્ટ હતી. આ પ્રકારની મોટી ટુર્નામૅન્ટ મને જીતવી ગમે છે. આજે રાત્રે હું બાળકની જેમ ઊંઘીશ.

એબી ડીવિલિયર્સે ટીમ માટે જે કર્યું છે તે જબરદસ્ત છે. મેં તેમને કહ્યું હતું કે આ જીત જેટલી અમારી હશે તેટલી તમારી હશે. તેઓ મોટેભાગે પ્લેયર ઑફ ધ મૅચ રહ્યા છે. તેઓ પૉડિયમ પર રહેવાના અને કપ ઉપાડવાના હકદાર છે.

મૅચ દરમિયાન તેઓ એબી ડિવિલિયર્સ અને ક્રિસે ગેઇલના પ્રદાનને યાદ કર્યું હતું. કોહલીએ યુવા ક્રિકેટરોને ટેસ્ટ ક્રિકેટનું સન્માન કરવા કહ્યું હતું.

વિરાટ કોહલી આઈપીએલ ઉપરાંત અંડર-19 વર્લ્ડકપ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ટી-20 વર્લ્ડકપ તથા વર્લ્ડકપની વિજેતા ટીમના સભ્ય રહ્યા છે.

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો હરખ ઊડીને આંખે વળગતો હતો. કોહલી ભીની આંખે તેમનાં પત્નીને ભેટી પડ્યાં હતાં. અનુષ્કા પોતે બૅંગ્લોરના છે.

ઉપસ્થિત જનમેદનીએ પરાજિત ટીમના કૅપ્ટન શ્રેયસ અય્યરને ઉત્સાહભેર વધાવી લીધા હતા. અય્યરે કહ્યું હતું, "મને મારી ટીમના દરેક ખેલાડીઓ ઉપર ગર્વ છે. અનેક ખેલાડીઓએ પહેલી ટુર્નામેન્ટ રમી છે. તેમણે નિર્ભિક રમત દાખવી છે. હજુ અડધું કામ થયું છે, આવતા વર્ષે અમારે ટ્રૉફી જીતવાની છે."

"યુવા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાંથી અનુભવ મેળવ્યો છે, જે અમને આવતા વર્ષે લાભકારક રહેશે."

રજત પાટીદારે કહ્યું હતું, 'ક્વૉલિફાયર વન પછી અમને લાગ્યું હતું કે અમે આ ટ્રૉફી જીતી શકીશું. આ ટ્રૉફી અમારા ફેન્સ તથા વિરાટ કોહલી સહિત તમામની છે.'

રજતે કૃણાલ પંડ્યા, હૈઝલવૂડ, સુયશ તથા અન્ય બૉલરોનાં પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો.

કૃણાલ પંડ્યા પ્લેયર ઑફ ટુર્નામેન્ટ બન્યા હતા. તેઓ બીજી વખત ફાઇનલ મૅચમાં પ્લેયર ઑફ ટુર્નામેન્ટ બન્યા છે. કૃણાલ પંડ્યાના કહેવા પ્રમાણે, તેમણે જોખમ લેવાનું નક્કી કર્યું હતું, જેનો લાભ મળ્યો છે.

કૃણાલ ત્રણ વખત મુંબઈની ટીમમાં રહીને ચૅમ્પિયન ટીમના પ્લેયર બન્યા હતા.

સાઈ સુદર્શન ઑરેન્જ કૅપ જીતનારા સૌથી યુવા ખેલાડી બની ગયા છે. તેમણે વર્તમાન સિઝનમાં એક સદી (108 રન) અને છ અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેમને રૂ. 10 લાખ મળ્યા છે.

ગુજરાત ટાઇટન્સના પ્રસિદ્ધ કૃષ્ણાએ ટુર્નામેન્ટ દરમિયાન 25 વિકેટ લીધી હતી, જેણે પ્રસિદ્ધને પર્પલ કૅપ અપાવી હતી. મોસ્ટ વૅલ્યૂએબલ ખેલાડીની ટ્રૉફી સૂર્યકુમાર યાદવને મળી હતી.

એકનું સપનું સાકાર, બીજીનું રોળાયું

આરસીબીની ટીમને રૂ. 20 કરોડનો પુરસ્કાર મળ્યો હતો. આરસીબી અને પંજાબ કિંગ્સે અત્યાર સુધી એક પણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો ન હોવાથી ફાઇનલ મૅચ પહેલાં જ કોઈ નવી ટીમ ચૅમ્પિયન બનશે, તે નક્કી હતું.

આરસીબીએ અત્યાર સુધી ત્રણવાર આઈપીએલ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, પણ 2009, 2011 અને 2016માં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ, પીબીકેએસ 2014માં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, પણ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટીમ હારી ગઈ હતી.

મૅચ બાદ શ્રેયસ અય્યરે કહ્યું હતું, 'હજુ અડધું કામ થયું છે, અમારે ટ્રૉફી જીતવાની છે.'

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ પહેલી ક્વૉલિફાયર મૅચમાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જોકે, લીગ રાઉન્ડ દરમિયાન શ્રેયસ અય્યરની ટીમ પૉઇન્ટ્સ ટેબલમાં ટોચ ઉપર રહી હતી એટલે જ પહેલી ક્વૉલિફાયર હારવા છતાં ફાઇનલમાં પહોંચવા માટે તેમને બીજી તક મળી હતી.

એ પછી પંજાબ કિંગ્સે બીજી ક્વૉલિફાયર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

આરસીબીની ઇનિંગ

આરસીબીના ફિલ સૉલ્ટ (નવ બૉલમાં 16 રન), કૅપ્ટન રજત પાટીદાર (16 બૉલમાં 26 રન), મયંક અગ્રવાલ (18 બૉલમાં 24 રન), લિવિંગસ્ટોન (15 બૉલમાં 25 રન), જીતેશ શર્માએ (10 બૉલમાં 24 રન), રોમારિયો શૅફર્ડે (નવ બૉલમાં 17 રન) બનાવ્યા હતા. આ સિવાયના ખેલાડીઓ નોંધપાત્ર ફાળો નહોતા આપી શક્યા.

આમ આરસીબીના દરેક અગ્રણી બૅટ્સમૅને 100થી વધુની સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરી હતી, જોકે, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીની રહી હતી. તેમણે 35 બૉલમાં 43 રન બનાવ્યા હતા. છતાં ધીમી બૅટિંગને કારણે તેમની ભારે ટીકા થઈ હતી.

જોકે, મૅચ પૂર્ણ થતાં સુધીમાં આ આક્રોશ શાંત થઈ ગયો હતો અને તેમની પ્રશંસા ટ્રેન્ડ થવા લાગી હતી.

અર્શદીપસિંહે વધુ એક વખત બૉલિંગનો ભાર પોતાના ખભ્ભે લીધો હતો અને ચાર ઓવરમાં 40 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

યુજવેન્દ્રસિંહ વધુ એક વખત અસરકારક પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે ચાર ઓવરમાં 37 રન આપીને મયંક અગ્રવાલ સ્વરૂપે એકમાત્ર સફળતા મેળવી હતી.

પંજાબ કિંગ્સના બૉલર કાયલ જેમિસને રૉયલ ચૅલૅન્જર્સના ફિલ સૉલ્ટ, રજત પાટીદાર અને લિઆમ લિવિંગસ્ટૉનની વિકેટ લીધી હતી. કાયલ જેમિસને ચાર ઑવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જેમિસને ત્રણ ઑવરમાં માત્ર 25 રન આપ્યા હતા, જ્યારે છેલ્લી ઑવરમાં 23 રન આપ્યા હતા.

અઝમતુલ્લાહ (35 રન) તથા વિજયકુમારે (30) પોત-પોતાના સ્પેલ દરમિયાન એક-એક સફળતા મેળવી હતી.

પંજાબ કિંગ્સની ઇનિંગ

જવાબમાં દાવ લેવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે 10 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 81 રન બનાવ્યા હતા.

કૅપ્ટન શ્રેયસ અય્યર માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ઓપનર પ્રિયાંશ આર્ય તથા પ્રભસિમરનસિંહે અનુક્રમે 24 અને 26 રનનો ફાળો આપ્યો હતો. જોકે, તેમનો સ્ટ્રાઇક રેટ ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલ મૅચને અનુરૂપ ન હતો.

જોકે, મૅચનો ટર્નિંગ પૉઇન્ટ કદાચ ઇંગ્લિસની વિકેટ સ્વરૂપે હતો. સ્પીનર કૃણાલ પંડ્યાએ 100ની ઝડપે બૉલ નાખીને આઉટ કર્યા હતા. જૉશે 23 બૉલમાં 39 રન બનાવીને અણિના સમયે ટીમને સ્થિરતા આપી હતી.

પંજાબની ટીમના કૅપ્ટન અય્યરે કહ્યું હતું, "કૃણાલની બૉલિંગને કારણે મૅચ બદલાઈ ગઈ હતી."

કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને બે વિકેટ લીધી હતી, આમ તેઓ ખૂબ જ કિફાયતી સાબિત થયા હતા.

કૃણાલ પંડ્યાના પ્રદર્શન અંગે રજત પાટીદારે કહ્યું હતું, 'જ્યારે દબાણ આવે ત્યારે હું 'કેપી' તરફ નજર દોડાવું છું.'

શશાંકસિંહે 30 બૉલમાં 61 રન બનાવીને લગભગ એકતરફી બની ગયેલી મૅચમાં પ્રાણ ફૂંક્યા હતા. તેઓ છેવટ સુધી અણનમ રહ્યા હતા.

ભુવનેશ્વર કુમાર (38 રન, બે વિકેટ), યશ દયાલ (18 રન, ત્રણ વિકેટ), હૈઝલવૂડ (54 રન, એક વિકેટ) લીધી હતી.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઇલેવન: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહાલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, અર્શદીપ સિંહ, કાઇલ જેમિસન, વિજયકુમાર વૈશાક, યુજવેન્દ્ર ચહલ.

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ પ્લેઇંગ ઇલેવન: ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કૅપ્ટન), લિયામ લિવિંગસ્ટૉન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શૅફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હૈઝલવૂડ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન