You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજીવ ગાંધી સહિત સેંકડો નેતાઓની હત્યામાં સામેલ ખૂંખાર પ્રભાકરનનો ખૌફ કેવો હતો?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
27 નવેમ્બર, 2008ના રોજ પ્રભાકરને આપેલું ભાષણ તેમના જીવનનું છેલ્લું ભાષણ સાબિત થયું.
કોઈને ખ્યાલ નહોતો કે તેમના જીવનનો થોડા મહિનામાં જ અંત આવશે. જોકે તેમનું વલણ જીવનની છેલ્લી ક્ષણો સુધી બદલાયું નહોતું.
તેમણે 1975માં જાફનાના તમિલ મેયરની હત્યા કરી હતી. ત્યાર બાદ એક વર્ષ પછી LTTEની સ્થાપના કરી હોવા છતાં પ્રભાકરન લાંબા સમય સુધી દુનિયા માટે એક અજાણ્યું વ્યક્તિત્વ રહ્યા.
મે 1982માં જ્યારે તેઓ મદ્રાસમાં પહેલી અને છેલ્લી વખત પકડાયા, ત્યારે ભારતીય વહીવટીતંત્રે તેમના પર વધુ ધ્યાન આપ્યું નહોતું. એ સમયે ભારતીય વહીવટીતંત્રે પ્રભાકરનને એક નાનો ગુનેગાર માન્યો હતો.
1983માં જ્યારે તેમને 13 સિંહાલી સૈનિકોની હત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા, ત્યારે તમિલ લઘુમતી વિરુદ્ધ વાતાવરણ બની ગયું. જેણે તેમના દેશનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું.
ત્યાં સુધી શ્રીલંકા ફક્ત ચા અને મનોહર દૃશ્યો માટે જ વિશ્વભરમાં પ્રખ્યાત હતું.
પ્રભાકરનની કાર્યશૈલી કેવી હતી?
ચાર વર્ષમાં તેમનો પ્રભાવ અને આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે પ્રભાકરને ભારતની લશ્કરી શક્તિને પણ પડકારવામાં કોઈ ખચકાટ નહોતો થયો.
શ્રીલંકાના પવિત્ર શહેર અનુરાધાપુરામાં સિંહાલી બૌદ્ધોની હત્યા પછી પ્રભાકરન શહેરમાં ચર્ચાસ્પદ બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પછી તરત જ શ્રીલંકામાં પ્રભાકરનના હરીફ તમિલ સંગઠનોના નેતાઓની હત્યાઓ શરૂ થઈ ગઈ. એવું માનવામાં આવતું હતું કે 'તમિલોના એકમાત્ર નેતા' બનવાના પ્રભાકરનના પ્રયાસોના ભાગરૂપે આ હત્યાઓ થઈ હતી.
પ્રખ્યાત પત્રકાર એમકે નારાયણ સ્વામી તેમના પુસ્તક 'ધ રૂટ ઑફ પ્રભાકરન'માં લખે છે, "પ્રભાકરનનો દરેક શબ્દ કાયદો હતો. તેને પડકારી શકાય નહીં. જો તમે તેની સામે માથું નમાવીને તેની દરેક વાત સાથે સંમત થાઓ, તો જ તમે તમિલ ઇલમ માટે લડી શકો છો."
"જો તમે તેની સાથે અસંમત હોવ, તો તમારે કાં તો એલટીટીઇ છોડી દેવું પડે અથવા દુનિયા છોડી દેવી પડે. જે કોઈ તેનો વિરોધ કરતું તેને 'દેશદ્રોહી' જાહેર કરવામાં આવતો અને ભૂતપૂર્વ સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન જે રીતે તેના વિરોધીઓ સાથે વ્યવહાર કરતા હતા તે જ રીતે તેની સાથે વ્યવહાર કરવામાં આવતો."
રાજીવ ગાંધીની માંડીને અનેક લોકોની હત્યામાં સંડોવણી
પ્રભાકરનના સંગઠને ફક્ત શ્રીલંકાના લોકોને જ નહીં, પણ ભારતમાં પણ લોકોને નિશાન બનાવ્યા હતા. ક્યારેક એવા લોકોને પણ નિશાન બનાવાયા જેમણે એક સમયે પ્રભાકરનને અથવા એલટીટીઇને મદદ કરી હતી.
જાણીતા પત્રકાર અને લેખિકા અનીતા પ્રતાપ તેમના પુસ્તક 'આઇલૅન્ડ ઑફ બ્લડ'માં લખે છે, "પ્રભાકરનના શરૂઆતના જીવન વિશે પુસ્તક લખવાની યોજના બનાવી રહેલી એક વ્યક્તિની પેરિસમાં તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરાઈ હતી."
"પૂર્વીય અને ઉત્તરીય શ્રીલંકાના ગરીબ પરિવારોનાં તમિલ બાળકોને તેમનાં માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ એલટીટીઇ માટે લડવાની ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે પ્રભાકરન પોતાનાં ત્રણ બાળકોને પ્રેમ, રમકડાં અને પ્રમાણમાં સુખી જીવન આપી રહ્યો હતો. તેણે પોતાના જૂના સાથીને ભારત માટે જાસૂસી કરવાની શંકા પર મારી નાખ્યો."
શ્રીલંકાના એક સંરક્ષણમંત્રીની તેમની ઑફિસ જતાં સમયે હત્યા કરવામાં આવી હતી. એક તમિલ વિદેશમંત્રીની સ્વિમિંગ-પુલમાં તરતી વખતે હત્યા કરવામાં આવી હતી. એક રાષ્ટ્રપતિની રેલીને સંબોધિત કરતી વખતે હત્યા કરવામાં આવી હતી.
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને પણ તામિલનાડુમાં ચૂંટણીપ્રચાર કરતી વખતે આત્મઘાતી બૉમ્બથી નિશાન બનાવાયા હતા.
પ્રભાકરનની પકડ ઢીલી પડી
પ્રભાકરનને ક્યારેય એવો ખ્યાલ નહોતો આવ્યો કે નાની-નાની બાબતોમાં હિંસાનો આશરો લેવાથી એક દિવસ તેમનું પતન થશે.
એક સમય એવો આવ્યો કે શ્રીલંકાના લગભગ ત્રીજા ભાગ પર નિયંત્રણ ધરાવનાર પ્રભાકરન ફૂટબૉલના મેદાન જેટલા વિસ્તારમાં સમેટાઈ ગયા.
એક તમિલ ટાઇગરે નામ ન આપવાની શરતે યાદ કરતા કહ્યું, "પહેલી વાર મેં એલટીટીઇ લડવૈયાની આંખોમાં ડર જોયો. મારા જેવી વ્યક્તિ માટે આ એકદમ નવી વાત હતી, જેણે વર્ષોથી એલટીટીઇને ખૂબ નજીકથી જોયું હતું."
"17 મેના રોજ પ્રભાકરને તેના નજીકના સાથીઓને કહ્યું કે તે યુદ્ધના મેદાનમાંથી ભાગશે નહીં કે હથિયારો મૂકશે નહીં, પરંતુ જો કોઈ યુદ્ધ છોડવા માગતા હોય તો તે આમ કરવા માટે સ્વતંત્ર છે."
"જેઓ નાગરિકો સાથે ભળી જવા માગતા હોય તેઓ તેમના શસ્ત્રો છોડીને ત્યાં જઈ શકે છે. જેઓ દુશ્મનના હાથમાં ન આવવા માટે મરવા માગતા હોય તેઓ સાઇનાઇડ ગોળીઓ લઈ શકે છે."
તે એક એવા માણસ માટે દયાજનક વિદાય હતી જેમના અનુયાયીઓ તેમને 'સૂર્યદેવનો અવતાર' કહેતા હતા અને માનતા હતા કે તેઓ ક્યારેય પરાજિત થઈ શકશે નહીં.
પ્રભાકરન અને આઠનો આંકડો
પ્રભાકરન જે કહેવા માગતા હતા તે કહેવા માટે તેમણે 17 મેની તારીખ પસંદ કરી તે કોઈ સંયોગ નહોતો.
બ્રિટનમાં રહેતા પ્રભાકરનના જૂના સાથી રાજેશકુમાર હવે રાઘવન તરીકે ઓળખાય છે.
તેઓ કહે છે, "પ્રભાકરન આઠમી તારીખને પોતાનો કમનસીબ નંબર માનતો હતો. પ્રભાકરન આઠમી, 17મી અને 26મી તારીખે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે તેવું કંઈ કરવાનું ટાળતો હતો. તેની અંધશ્રદ્ધા એટલી પ્રબળ હતી કે તે આ તારીખો પર તે આખો દિવસ છુપાઈ રહેતો અને બીજા દિવસે જ બહાર આવતો."
રાઘવન કહે છે, "કદાચ આ જ કારણ હતું કે 1980ના દાયકામાં તામિલનાડુમાં દસ એલટીટીઇ તાલીમની શિબિરો સ્થાપવામાં આવી. વાસ્તવમાં ફક્ત નવ તાલીમ શિબિરો યોજાઈ હતી, કારણ કે આઠમી તાલીમ શિબિર જાણી જોઈને ગોઠવવામાં આવી ન હતી."
સતત હારના કારણે મનોબળ ઘટી ગયું
એપ્રિલ 2008માં ઉત્તર-પશ્ચિમ જિલ્લો મન્નાર શ્રીલંકાની સેનાના નિયંત્રણ હેઠળ આવ્યા પછી નવેમ્બરમાં તમિલ બળવાખોરોને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાનો પૂનેરિન અને માનકુલમ છોડવા પડ્યા.
પ્રભાકરનને મે 2008માં સૌથી મોટો આઘાત લાગ્યો, જ્યારે એલટીટીઇના સૌથી અનુભવી લશ્કરી નેતા કંદિયા બાલશેખરન ઉર્ફે બલરાજનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
એલટીટીઇએ બાલશેખરનના માનમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો. તમિલ ટાઇગર્સના ઘણા ભૂતપૂર્વ લડવૈયા માને છે કે જો બલરાજ મૃત્યુ પામ્યા ન હોત, તો શ્રીલંકાની સેના સાથેના તેમના યુદ્ધનું પરિણામ જુદું હોત.
વર્ષ 2009 સુધીમાં પ્રભાકરનને વધુ આંચકા મળવા લાગ્યા. સરકારી દળોએ પહેલાં પરાંતન પર કબજો કર્યો અને પછી નજીકના કિલિનોચ્ચી પર કબજો કર્યો, જે એલટીટીઇ-શાસિત વિસ્તારની એક પ્રકારની રાજધાની મનાતી હતી.
આ એ જગ્યા હતી જ્યાં તમિલ ટાઇગર્સના નેતાઓ વિદેશી મુલાકાતીઓને મળતા હતા અને અહીં જ પ્રભાકરને એપ્રિલ-2002માં તેમની છેલ્લી પ્રેસ-કૉન્ફરન્સ સંબોધી હતી.
કિલિનોચ્ચી ખાતેની હારથી તમિલ ટાઇગરોના મનોબળ પર ગંભીર અસર પડી હતી.
શ્રીલંકા પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ
પ્રભાકરનનાં ભાષણોનું ભાષાંતર કરનાર તેમના હાઈ-પ્રોફાઇલ મીડિયા કૉ-ઑર્ડિનેટર વેલાઉધન દયાનિધિ ઉર્ફે દયા માસ્ટર અને કુમાર પંચરત્નમ ઉર્ફે જ્યૉર્જે શ્રીલંકાની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું, ત્યારે ટાઇગર્સનો ચહેરો શરમથી લાલ થઈ ગયો.
રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના નાના ભાઈ ગોટાબાયા રાજપક્ષે તે સમયે શ્રીલંકાના સંરક્ષણમંત્રી હતા અને એલટીટીઇ સામે લશ્કરી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
એમઆર નારાયણ સ્વામી લખે છે, "ગોટાબાયા રાજપક્ષે પર તાત્કાલિક લડાઈ સમાપ્ત કરવા માટે યુએસનું ભારે દબાણ હતું. યુએસ નાગરિકત્વ ધરાવતા રાજપક્ષેએ યુએસ વાટાઘાટકારોને કોઈ ખાતરી આપી ન હતી, પરંતુ 14 મેના રોજ તેમના લશ્કરી કમાન્ડરો સાથે તેમણે આ બાબત અંગે ચર્ચા કરી હતી."
"તેમણે તેમને પૂછ્યું કે લડાઈ કેટલો સમય ચાલશે. તેમણે કહ્યું કે લડાઈ ટૂંક સમયમાં વિજય સાથે સમાપ્ત થવી જોઈએ, નહીંતર યુએસ દબાણનો સામનો કરવો મુશ્કેલ બનશે."
પ્રભાકરને લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો
16 મેના રોજ શ્રીલંકાની સેનાએ એલટીટીઇના સંરક્ષણની છેલ્લી હરોળનો ખાતમો બોલાવ્યો.
આ સમાચાર સાંભળીને G-11 સમિટમાં હાજરી આપી રહેલા રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ એલટીટીઇ પર લશ્કરી વિજયની સમયથી પહેલાં જ જાહેરાત કરી દીધી.
એલટીટીઇના આંતરરાષ્ટ્રીય બાબતોના વડા કુમારન પથમંથન ઉર્ફે કેપીએ એ જ દિવસે કુઆલાલંપુરમાં જાહેરાત કરી કે "લડાઈ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અમે અમારી બંદૂકો નીચે મૂકવાનો નિર્ણય લીધો છે."
મહિંદા અને કેપી બંનેએ કદાચ ઉતાવળમાં વાત કરી, કારણ કે ત્રણ બાજુથી ઘેરાયેલા પ્રભાકરને લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.
લડાઈ એટલી ભયંકર હતી કે તમિલ ટાઇગર્સ ઘણા દિવસોથી સ્નાન પણ કરી શક્યા ન હતા. તેમનો ખોરાક પણ લગભગ ખતમ થઈ ગયો હતો. કેટલાક તમિલ ગોરીલાઓએ આત્મહત્યા કરી હતી, જેથી તેઓ શ્રીલંકાની સેનાના હાથમાં ન આવી શકે.
પ્રભાકરન છેલ્લે 17 મેના રોજ જીવિત જોવા મળ્યા
17 મેની રાત્રે શ્રીલંકાના સૈનિકોએ ટાઇગરના છેલ્લા જૂથને 1600 ચોરસ મીટરના વિસ્તારમાં મર્યાદિત કરી દીધું હતું. તેઓ ત્રણ બાજુથી ઘેરાયેલા હતા. ચોથી બાજુ નંદિકાદલ તળાવ હતું, જ્યાં શ્રીલંકન નૌકાદળ નજર રાખી રહ્યું હતું.
17 મેનો દિવસ એલટીટીઇ માટે ખૂબ જ કમનસીબ સાબિત થયો, કારણ કે તે દિવસે તેના 150થી વધુ લડવૈયા માર્યા ગયા હતા, જેમાં તેના ઘણા કમાન્ડર પણ સામેલ હતા.
એલટીટીઇના એક ગોરીલા યોદ્ધાએ પાછળથી એક મુલાકાતમાં જણાવ્યું હતું, "પ્રભાકરન છેલ્લે 17 મેની સવારે જીવિત જોવા મળ્યા હતા. હું સવારે છ વાગ્યે પ્રભાકરન જ્યાં હાજર હતા, તે જગ્યાએ પહોંચ્યો. અમારો બધો ખોરાક પૂરો થઈ ગયો હતો."
"માનો કે ન માનો પણ પ્રભાકરન એકદમ હળવાશમાં હતા. જોકે તેમને ખ્યાલ આવી ગયો હતો કે તમિલ ઇલમ બનાવવાનું તેનું સ્વપ્ન ખરાબ રીતે તૂટી જવાની આરે છે."
પ્રભાકરનના પુત્રનું મૃત્યુ
બીજા દિવસે બાકીના ટાઇગરોએ લશ્કરી ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો. તેઓ તેમાં સફળ રહ્યા, પરંતુ 30 મિનિટમાં શ્રીલંકાના સૈનિકો ફરી એકઠા થઈ ગયા.
આ વખતે વળતા હુમલામાં ઘણા એલટીટીઇ કમાન્ડરો અને પ્રભાકરનનો 24 વર્ષનો પુત્ર ચાર્લ્સ ઍન્ટોની પણ માર્યો ગયો.
જ્યારે શ્રીલંકાના સૈનિકોએ ઍન્ટોનીના મૃતદેહની તપાસ કરી, ત્યારે તેમને 23 લાખ શ્રીલંકન રૂપિયા મળ્યા.
53મા ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ કમલ ગુણારત્ને સ્વીકાર્યું કે ત્યાં સુધીમાં પ્રભાકરન, પોટ્ટુ અમ્માન અને સૂસાઈ સિવાય ટાઇગર્સનું ટોચનું નેતૃત્વ નાશ પામ્યું હતું.
શ્રીલંકાના આર્મી ચીફ જનરલ સનથ ફૉન્સેકાએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રભાકરન વિશે કોઈ સમાચાર ન આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.
ગુણરત્નેને પ્રભાકરનના મૃત્યુના સમાચાર મળ્યા
મેજર જનરલ ગુણરત્નેને 19 મેની સવાર સુધી પ્રભાકરનના ઠેકાણા વિશે કોઈ માહિતી નહોતી. પછી તેમના એક જુનિયર અધિકારીએ તેમને કહ્યું કે નંદિકાદલ વિસ્તારના કાદવવાળા ખારા પાણીમાં ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે.
ઘણા એલટીટીઇ લડવૈયા ત્યાં ફસાયા હતા. તેમાંથી કોઈ પણ શરણાગતિ સ્વીકારવા તૈયાર નહોતું.
આખરે યુદ્ધ સમાપ્ત થયાના એક કલાક પછી ગુણરત્નેને તે સમાચાર મળ્યા જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા.
ગૉર્ડન વાઇસ તેમના પુસ્તક 'ધ કેજ, ધ ફાઇટ ફૉર શ્રીલંકા ઍન્ડ ધ લાસ્ટ ડેઝ ઑફ ધ તમિલ ટાઇગર્સ'માં લખે છે, "કર્નલ રવિપ્રિયાએ મેજર જનરલ ગુણરત્નેને કહ્યું, 'સાહેબ, અમે પ્રભાકરનને મારી નાખ્યા છે'."
આશ્ચર્યચકિત થઈને મેજર જનરલ ગુણરત્નેએ પૂછ્યું, 'શું તમને ખાતરી છે?' કર્નલ રવિપ્રિયાનો જવાબ હતો, 'હા, ચાંદા-સૂરજ જેટલી ખાતરી છે, સાહેબ.'
પરંતુ મેજર જનરલ ગુણરત્ને સંપૂર્ણ ખાતરી કરવા માગતા હતા, તેથી તેમણે કર્નલ લલિન્થા ગામગેને તે જગ્યાએ મોકલ્યા. થોડી વારમાં ગામગેનો લગભગ ચીસો પાડતો અવાજ લશ્કરી ટેલિફોન પર ગૂંજ્યો, 'સાહેબ, યુરેકા. સાહેબ, વાત સાચી છે. તે પ્રભાકરન છે.'
પ્રભાકરનનો મૃતદેહ મળી આવ્યો
સંપૂર્ણ ખાતરી થયા પછી મેજર જનરલ ગુણરત્ને આ સમાચાર આર્મી ચીફ જનરલ ફોન્સેકાને આપ્યા. આ પહેલાં તેમણે પોતાના સૈનિકોને પ્રભાકરનનો મૃતદેહ તેમની પાસે લાવવા કહ્યું.
નારાયણ સ્વામી લખે છે, "જ્યાં પ્રભાકરનનો મૃતદેહ પડ્યો હતો, ત્યાં શ્રીલંકાની સેનાના લગભગ ત્રણ હજાર સૈનિકો એકઠા થઈ ગયા. કેટલાક સૈનિકો ગંદા છીછરા પાણીમાં કૂદી પડ્યા અને મૃતદેહને બહાર કાઢ્યો."
"સૈનિકોએ પ્રભાકરનનો મૃતદેહ જોયો કે તરત જ તેમણે હવામાં ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું."
જનરલ ફોન્સેકાને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ શ્રીલંકાની સંસદમાં હતા. જનરલ ફોન્સેકાના ફોન પર ગુણારત્નેએ સિંહાલીમાં કહ્યું - 'મહા એસ ઇવરાઈ', જેનો અર્થ થાય છે 'એક મોટો માણસ માર્યો ગયો છે'.
ઓળખપત્ર પરનો સિરિયલ નંબર 001 હતો
આ જાહેરાતના લગભગ અડધો કલાક પહેલાં લગભગ પોણા દસ વાગ્યે પ્રભાકરનનું મોત થયું હતું. તે સમયે તેમની ઉંમર 54 વર્ષની હતી.
નારાયણ સ્વામી લખે છે, "તેમના કપાળ પર એક મોટો ઘા હતો, જેના કારણે તેમનું માથું બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. તેમનું મોં ખુલ્લું હતું અને તેમની આંખો ઉપર તરફ જોઈ રહી હતી, જાણે કે તેમને જે વાગ્યું હતું તેનાથી તેઓ અવાક હતા. તેમની દાઢી ભૂખરી હતી."
"જ્યારે મેજર જનરલ ગુણરત્નેએ તેમના શરીરને સ્પર્શ કર્યો, ત્યારે તે હજુ પણ ગરમ હતું. કપાળ સિવાય તેમના શરીર પર એક પણ ગોળીનો ઘા નહોતો. પ્રભાકરને લશ્કરી ગણવેશ પહેર્યો હતો. તેમના ખિસ્સાની તપાસ કરતાં એલટીટીઇનું ઓળખપત્ર મળી આવ્યું, જેનો સિરિયલ નંબર 001 હતો અને તે 1 જાન્યુઆરી, 2007ના રોજ જારી કરવામાં આવ્યું હતું."
આ ઉપરાંત તેમની પાસેથી ડાયાબિટીસની કેટલીક દવાઓ પણ મળી આવી હતી. તેમની પાસેથી દ્રાક્ષનું સુગંધિત હેન્ડ લૉશન પણ મળી આવ્યું હતું જે સિંગાપુરથી ખરીદ્યું હતું. તેમના માથા પરનો ઊંડો ઘા વાદળી કપડાથી ઢાંકેલો હતો.
ગૉર્ડન વાઇસે લખ્યું, "એક લશ્કરી અધિકારીએ મને કહ્યું કે પ્રભાકરનનું મોત 12.7 મિમીની ગોળીથી થયું હતું."
શ્રીલંકાના આર્મી ચીફ જનરલ ફોન્સેકાએ પ્રભાકરનનો લશ્કરી ગણવેશ ઉતારવાનો આદેશ આપ્યો. તેમની દલીલ એવી હતી કે શ્રીલંકાના સૈનિકો સિવાય બીજા કોઈને લશ્કરી ગણવેશ પહેરવાનો અધિકાર નથી.
પ્રભાકરનના મૃતદેહની ઓળખ
નારાયણ સ્વામી લખે છે, 'જનરલ ફોન્સેકાએ મેજર જનરલ ગુણારત્નેને કહ્યું હતું કે તેઓ બે ભૂતપૂર્વ એલટીટીઇ નેતાઓ કર્નલ કરુણા અને દયા માસ્ટરને ત્યાં મોકલી રહ્યા છે, જેથી તેઓ પ્રભાકરનના મૃતદેહની ઓળખ કરી શકે.'
નારાયણ સ્વામી આગળ લખે છે, "બંને ભૂતપૂર્વ ટાઇગર્સને લશ્કરી વિમાનથી ત્યાં લવાયા હતા. તેમણે આ નિર્જીવ માણસને ઓળખવામાં એક સેકન્ડ પણ સમય લીધો ન હતો."
પ્રભાકરનના મૃત્યુ સાથે તમિલ ઇલમની સશસ્ત્ર ચળવળ અને શ્રીલંકામાં દાયકાઓથી ચાલી રહેલા લોહિયાળ ગૃહયુદ્ધનો અંત આવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન