પ્રભાકરન : જે રાજીવ ગાંધીએ બુલેટપ્રૂફ જૅકેટ આપ્યું, એમને જ મરાવી નાખનાર તામિલ ઉગ્રવાદીની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તામિલ નેતા અને લેખક પાઝા નેદુમારનના નેતૃત્વમાં તામિલ રાષ્ટ્રવાદીઓના એક જૂથે મીડિયાની સામે દાવો કર્યો કે પ્રભાકરન અને તેનો પરિવાર જીવિત છે. પાઝા નેદુમારને આ સંદર્ભમાં એક નિવેદન વાંચી સંભળાવ્યું હતું. 'લિબરેશન ટાઈગર્સ ઑફ તામિલ ઈલમ' (એલટીટીઈ)ના સ્થાપક પ્રભાકરન ટૂંક સમયમાં દેખાશે એવો પણ દાવો કરવામાં આવ્યો છે.

પ્રભાકરને શ્રીલંકાની સરકાર સામે તામિલ રાજ્યની માંગ સાથે ગેરીલાયુદ્ધ છેડ્યું હતું અને તેમને 18 મે, 2009ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર રાજપક્ષેને શ્રીલંકામાંથી હાંકી કાઢવાની ઘટનાએ પ્રભાકરનના પરત ફરવા માટેનો માહોલ તૈયાર કર્યો છે.

તેમણે કહ્યું હતું, "અમે એ ખુશખબર જાહેર કરતાં આનંદ અનુભવીએ છીએ કે તમિલ ઈલમ ચળવળના નેતા પ્રભાકરન જીવિત છે અને સુરક્ષિત છે. અમને આશા છે કે આનાથી તેમના વિશે ફેલાયેલી અટકળો અને શંકાઓનો અંત આવશે."

ભગતસિંહ અને બોઝ આદર્શ

કેટલાક લોકો માટે પ્રભાકરન સ્વાતંત્ર્યસેનાની હતા, તો કેટલાક માટે ક્રૂર ઉગ્રવાદી.

જે માણસને રાષ્ટ્રાધ્યક્ષ અને ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યા, શ્રીલંકાના રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ, સેંકડો રાજકીય હત્યાઓ, ડઝનબંધ આત્મઘાતી હુમલાઓ, હજારો લોકો અને સૈનિકોનાં મૃત્યુ માટે જવાબદાર ગણી શકાય એના માટે એક વાત તો આંખ બંધ કરીને કહી શકાય કે તે નિતાંત ખતરનાક વ્યક્તિ હતી, જેને જીવનમાં કોઈ વાતની કમી નહોતી.

ઓસામા બિન લાદેનના આદેશ પર ન્યૂયૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ધ્વસ્ત કરાયું તે પહેલાં પ્રભાકરનના માણસોએ કોલંબોના ભીડવાળા વિસ્તારમાં આ જ નામની પ્રતિષ્ઠિત ઇમારતને ઉડાવી દીધી હતી.

  • તામિલ નેતાએ ચોંકાવનારો દાવો કર્યો છે કે એલટીટીઈના વડા પ્રભાકરન જીવિત છે અને ટૂંક સમયમાં દેખાશે
  • કેટલાક લોકો માટે પ્રભાકરન સ્વાતંત્ર્ય સેનાની હતા, તો કેટલાક માટે ક્રૂર ઉગ્રવાદી
  • પ્રભાકરને એક દાયકામાં જ એલટીટીઈ દેની સેના સામે પણ ટકરાઈ શકે એવા પ્રશિક્ષિત સંગઠનમાં પરિવર્તિત કરી દીધું હતું
  • ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝને પ્રભાકરન પોતાના પ્રેરણાસ્ત્રોત માનતા હતા.
  • આ જ પ્રભાકરને રાજીવ ગાંધીની હત્યાના આદેશ આપ્યા હતા. વાંચો, પ્રભાકરનની કહાણી

ફરક એટલો હતો કે ઓસામાની જેમ પ્રભાકરન અમીર માતા-પિતાનું સંતાન ન હતો કે ન તો તેણે આવાં સાહસિક કૃત્યો કરવા માટે અન્ય કોઈ દેશમાં આશ્રય લીધો હતો. ન તો તેને કોઈ ધર્મ પાસેથી આ પ્રકારના કામ કરવાની પ્રેરણા મળી હતી. તેનો એકમાત્ર ધર્મ હતો તામિલ રાષ્ટ્રવાદ.

એક દાયકાની અંદર તેણે એલટીટીઈને મામૂલી હથિયારો ધરાવતા 50થી ઓછા માણસોના જૂથમાંથી દેશની સેના સાથે પણ ટકરાઈ શકે તેવા 10,000 માણસોના પ્રશિક્ષિત સંગઠનમાં પરિવર્તિત કરી દીધું હતું.

ભગતસિંહ, જેમને 1931માં ફાંસી આપવામાં આવી હતી અને સુભાષચંદ્ર બોઝ, જેમણે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી, એ બન્ને ભારતીયો પ્રભાકરણ માટે પ્રેરણાસ્ત્રોત હતા.

કાળા પગવાળો માણસ

વર્ષ 1972માં પ્રભાકરન એક ઝાડ નીચે કેટલાક લોકોને બૉમ્બ બનાવતા જોઈ રહ્યા હતા, ત્યારે બૉમ્બ ફૂટ્યો અને પ્રભાકરન હેમખેમ બચી ગયા.

આ અકસ્માતમાં તેમનો જમણો પગ કાળો પડી ગયો હતો અને ત્યારથી તેનું નામ 'કરીકલન' પડ્યું જેનો અર્થ થાય છે 'કાળા પગવાળો માણસ.'

ચોકલેટ ઉપરાંત કરચલા ઉકાળીને ખાવાના શોખીન પ્રભાકરને પોતાના અનુયાયીઓને સિગારેટ અને દારૂ પીવા અને સેક્સસંબંધો સ્થાપિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

તેમના શાસન હેઠળ એલટીટીઈ સૈનિકોને પ્રેમસંબંધો રાખવાની મનાઈ હતી. દગાખોરીની એક જ સજા હતી, મૃત્યુ. તેમણે તેના બે પુરુષ અને મહિલા અંગરક્ષકોને માત્ર એટલા માટે મોતને ઘાટ ઉતારવાનો આદેશ આપ્યો કારણ કે તેઓએ સેક્સ કરવાની હિંમત કરી હતી.રસપ્રદ વાત એ છે કે જ્યારે પોતાની વાત આવી ત્યારે પ્રભાકરને આ નિયમ તોડ્યો અને મતિવત્થની ઈરામ્બૂ સાથે લગ્ન કર્યાં.

એવું કહેવાય છે કે તેણે સૌથી પહેલાં પ્રભાકરનનું ધ્યાન આકર્ષિત હોળીના તહેવાર દરમિયાન પ્રભાકરન પર રંગોથી ભરેલી ડોલ રેડીને કર્યું હતું.

પ્રભાકરનની પ્રેસ કૉન્ફરન્સ

એપ્રિલ 2002માં તેણે 12 વર્ષ પછી એક પ્રેસ કૉન્ફરન્સ યોજી, જેમાં પ્રભાકરનનું જીવનચરિત્ર 'ઇનસાઈડ ઍન ઍલુસિવ માઇન્ડ પ્રભાકરન'ના લેખક એમ.આર. નારાયણસ્વામી પણ હાજર હતા.

નારાયણસ્વામી કહે છે, "એલટીટીઈ કેમ્પમાં રાત વિતાવ્યા બાદ સવારે સવારે ઊઠીને અમે કૂવાના પાણીથી સ્નાન કર્યું. મેં મારા પત્રકારત્વના 32 વર્ષના જીવનમાં આટલી સુરક્ષા આ પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેમણે અમને બધા પત્રકારોને એક પછી એક રૂમમાં બોલાવ્યા. તેમણે અમારી પેન, કાગળ, પેન્સિલ અને નોટબુકને બારીકાઈથી જોયાં અને પછી નોટબુક અને પેન લઈ લીધાં."

"તેમણે અમારા બધાની તસવીરો લીધી અને કૅમેરામૅનને તેમના કૅમેરાને વજનકાંટા પર મૂકવા કહ્યું. પાછળથી અમને જાણવા મળ્યું કે તેઓ દરેક કૅમેરાનું મૂળ વજન જાણતા હતા અને એ જોવા માંગતા હતા કે કૅમેરામાં એવી કોઈ વસ્તુ નથી લગાવીને કે જેના કારણે તેનું વજન વધી જાય. તેઓએ અમારા હાથ દબાવીને જોયું કે અમારા મસલ્સ તો નથીને, અમે પ્રશિક્ષિત લોકો તો નથીને."

સાયનાઇડ કેપ્સ્યુલ્સ

પ્રભાકરનનું પહેલું હથિયાર ગોફણ હતું જેના વડે તેઓ પક્ષીઓ, કાચંડો અને ખિસકોલીઓને મારતા હતા. એ પછી એક ઍરગન તેમની પાસે આવી, જેના પર તેમણે પ્રેક્ટિસ કરીને નિશાનેબાજીમાં નિપૂણતા મેળવી.

પ્રભાકરનના જીવનચરિત્રકાર નારાયણસ્વામી કહે છે, "કેટલીકવાર પ્રભાકરન તેના શર્ટની અંદર રિવોલ્વર રાખીને ધીરે ધીરે ચાલતા હતા અને કાલ્પનિક દુશ્મન પર નિશાન સાધવા માટે અચાનક ઝડપથી પાછળ ફરી જતા હતા. પાછળથી એલટીટીઈએ આદેશ આપ્યો હતો કે તેના તમામ લડવૈયાઓ પાસે ચામડાની હૉલ્સ્ટર હોવી જોઈએ. પ્રભાકરનને હોલીવૂડની ફિલ્મોમાંથી આ વિચાર આવ્યો હતો."

તેમનો આદેશ હતો કે દરેક એલટીટીઈ લડવૈયાએ ગળામાં સાઈનાઈડ કૅપ્સ્યુલ પહેરીને ચાલવું અને પકડાઈ જવાની સ્થિતિમાં તેને ખાઈને પોતાનો જીવ આપી દેવો. તેમની પાસે પણ ગળામાં કાળા દોરાની સાથે એક સાયનાઇડની કૅપ્સ્યુલ લટકેલી રહેતી હતી, જેને તેઓ ઘણીવાર ઓળખપત્રની જેમ શર્ટના ખિસ્સામાં રાખતા હતા.

વિશ્વાસની કસોટી

પ્રભાકરનને રસોઈનો શોખ હતો. ચેન્નાઈમાં રોકાણ દરમિયાન પ્રભાકરન સાંજે તેમના સાથીદારો સાથે શાકભાજી કાપતા હતા. તેમનો પ્રિય ખોરાક ચિકન કરી હતો. પરંતુ મુશ્કેલ દિવસોમાં તેઓ બ્રેડ અને જામથી પણ ચલાવી શકતા હતા. તેઓ શુદ્ધ પાણીને લઈને હંમેશાં સાવધ રહેતા અને ક્યારેય પાણી ઉકાળ્યા વગર નહોતા પીતા.

તેઓ મિટિંગ દરમિયાન માત્ર સોડા પીધા કરતા અને એ પણ ત્યારે જ્યારે તેમની સામે બૉટલ ખોલવામાં આવે. 1987માં, જ્યારે પ્રભાકરન જાફનામાં ઇરોઝની ઑફિસમાં ગયા ત્યારે તેમના પ્રમુખ બાલાકુમારે તેમને પીવા માટે કોક ઑફર કરી. તેમનો સાથી એક ટ્રેમાં કોકની ત્રણ બૉટલ અને એક બૉટલ ઓપનર લાવ્યો.

પ્રભાકરને એક બૉટલ ખોલીને બાલાકુમારને આપી. જ્યાં સુધી બાલાકુમારે કોકનો એક ધૂંટ ન ભર્યો ત્યાં સુધી પ્રભાકરને પોતાના માટે બૉટલ ખોલી નહોતી. નારાયણસ્વામી કહે છે કે તેણે એકવાર એક મિત્રને કહ્યું હતું કે, "હું ચા તો જ પીઉં છું જો તે મારા હાથે બની હોય કે મારી પત્નીએ બનાવી હોય."

સ્વચ્છતાનો આગ્રહ

તેઓ રોજ દાઢી કરાવતા હતા. જેમજેમ એલટીટીઈનો સિતારો ચમકવા લાગ્યો તેમતેમ પ્રભાકરનનો સ્વચ્છતા પ્રત્યેનો આગ્રહ વધતો ગયો. જ્યારે પણ તેઓ સોફા પર બેસતા ત્યારે સૌથી પહેલાં તેના હાથા પરની ધૂળ સાફ કરતા. તેમને કરોળિયાના જાળા પ્રત્યે સૂગ હતી. તેઓ તેને જોતાની સાથે જ સાફ કરવાનો આદેશ આપી દેતા હતા.

તેઓ સુવ્યવસ્થાને એટલી ગંભીરતાથી લેતા હતા કે એલટીટીઈની ચેન્નાઈ ઓફિસમાં તમામ રૂમની અને અડધો ડઝન મોટર સાયકલની ચાવીઓ ચોક્કસ જગ્યાએ લટકેલી રહેતી હતી. તેમના સાથીદારોને સૂચના આપવામાં આવી હતી કે શૌચાલય હંમેશાં સ્વચ્છ રાખવાં.

પ્રભાકરન એકવાર ચેન્નાઈમાં તામિલ નેતા નેદુમારનના ઘરે રોકાયા હતા. એક દિવસ નેદુમારને જોયું કે તેઓ કપડાં ધોઈ રહ્યા હતા, જે તેના પોતાનાં નહોતાં. તેમણે પૂછ્યું શું કરો છો? પ્રભાકરનનો જવાબ હતો, "હું આજે ફ્રી છું. એટલે વિચાર્યું કે મારા સાથીદારોનાં કપડાં ધોઈ નાખું."

ચેન્નાઈના પ્રખ્યાત પત્રકાર સદાનંદ મેનન કહે છે કે પ્રભાકરનથી વધુ શાંત વ્યક્તિ તેમણે જોઈ નથી. ભારતમાં સીએનએનના પૂર્વ બ્યુરો ચીફ અનિતા પ્રતાપ પણ એવું જ માને છે.

ફોટોગ્રાફિક મૅમરી

પ્રભાકરનનો એક વખત ઇન્ટરવ્યૂ લીધા પછી તેમણે લખ્યું હતું, "મને તે ખૂબ જ સાદો માણસ લાગ્યો. આછા વાદળી રંગના શર્ટ અને ગ્રે પેન્ટમાં સજ્જ પ્રભાકરનને જોઈને કોઈને પણ માની લે કે એ કોઈ તામિલ વેપારી હશે."

જ્યારે પણ તેઓ પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા ત્યારે તેની સામે કાંડા ઘડિયાળ રાખતા હતા અને સમય પૂરો થતાં જ વાતચીત બંધ કરી દેવાનો ઈશારો કરતા હતા. તેમની ફોટોગ્રાફિક મૅમરી હતી. જેને તેઓ એક વખત મળતા તેને ક્યારેય ભૂલતા નહોતા.

વર્ષ 1986માં જ્યારે ભારત-શ્રીલંકા કરારની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભારતે પ્રભાકરનને ભારત લાવવા માટે શ્રીલંકાની પરવાનગી સાથે ભારતીય વાયુસેનાનાં બે હેલિકૉપ્ટર જાફના મોકલ્યાં હતાં. ભારતીય વિદેશસેવાના વરિષ્ઠ અધિકારી હરદીપ પુરી પણ તેમાં ગયા હતા.

એલટીટીઈના એક સભ્ય હરદીપ પુરીના કાનમાં ગણગણ્યા, "તમે અમારો રાષ્ટ્રીય ખજાનાને સાથે લઈ જઈ રહ્યા છો." પુરીએ ઝડપથી જવાબ આપ્યો, " મંત્રણાનું પરિણામ જે આવે તે, હું તમને વચન આપું છું કે અમે પ્રભાકરનને તે જ જગ્યાએ મૂકીશું જ્યાંથી અમે તેને લઈ જઈ રહ્યા છીએ."

રોટી અને પિસ્તોલ

ચેન્નાઈ ઍરપૉર્ટના વીઆઈપી લૉન્જમાં હરદીપ પુરીએ ચિકન કરી અને ભાતનો ઑર્ડર આપ્યો, એમ માનીને કે પ્રભાકરનને ગમશે. પણ પ્રભાકરે કહ્યું કે તે ભાત નહીં પણ રોટી ખાશે કારણ કે તે ખાવાથી પિસ્તૉલનું ટ્રિગર દબાવતી આંગળી પર અસર થાય છે.

દિલ્હી પહોંચીને તેમની અશોક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 25 જુલાઈના રોજ હરદીપ પુરીએ તેમને કરારની શરતો વાંચી સંભળાવી, જેનો પ્રભાકરનના સાથીદાર બાલાસિંઘમે તામિલમાં અનુવાદ કરી સંભળાવ્યો. આ સાંભળીને પ્રભાકરે જાહેરાત કરી કે આ શરતો તેમને સ્વીકાર્ય નથી અને તેઓ તામિલ ઈલમની મગા નહીં ત્યજે.

પ્રભાકરે માંગ કરી હતી કે તમિલનાડુના મુખ્ય મંત્રી એમજીઆરને પણ આ મંત્રણામાં સામેલ કરવામાં આવે. રાજીવ ગાંધીએ તેમની માગણી સ્વીકારી લીધી. એમજીઆર તરત જ દિલ્હી પહોંચી ગયા. રાજીવ ગાંધીએ તેમના અધિકારીઓ પર દબાણ કર્યું કે પ્રભાકરનને કોઈ પણ રીતે કરાર માટે મનાવી લેવામાં આવે.

તેમણે કહ્યું, "તે જિદ્દી છે, પરંતુ આ કરારમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે." પ્રભાકરન અને તેમના પ્રતિનિધિમંડળને કોઈ પણ પત્રકારને મળવા દેવાયા નહોતા. તેમને એવો આભાસ થયો કે તેમની પાસે પરાણે કરાર પર સહી કરાવવામાં આવી રહી છે. ભારે મુશ્કેલીથી તેમને રાજીવ ગાંધીને મળવા તૈયાર કરાયા.

તમિલનાડુના એક મંત્રી અને તેના સાથી બાલાસિંઘમ તેની સાથે હતા. પ્રભાકરે કહ્યું કે શ્રીલંકાની સરકાર પર વિશ્વાસ કરી શકાય નહીં. રાજીવ ગાંધીએ કહ્યું કે તેઓ તામિલોનાં હિત માટે કામ કરી રહ્યા છે. આખરે, પ્રભાકરન ભારત-શ્રીલંકા સમજૂતીને એક તક આપવા સંમત થયા.

બુલેટપ્રૂફ જૅકેટ

નારાયણસ્વામી કહે છે કે રાજીવ ગાંધી આનાથી ઘણા ખુશ હતા. તેમણે તરત જ પ્રભાકરન માટે ભોજન મંગાવ્યું. જ્યારે તેઓ તેમના ઘરની બહાર નીકળવા લાગ્યા ત્યારે રાજીવે રાહુલ ગાંધીને બોલાવીને તેમનું બુલેટપ્રૂફ જૅકેટ લાવવા કહ્યું. તેમણે તે જૅકેટ પ્રભાકરનને આપ્યું અને સ્મિત સાથે કહ્યું, "તમે તમારું ધ્યાન રાખજો."

રાજીવ ગાંધીની કૅબિનેટના એક સભ્યએ તેમને કહ્યું કે જ્યાં સુધી એલટીટીઈના લોકો હથિયાર ન મૂકે ત્યાં સુધી પ્રભાકરનને ભારતમાં જ રાખવો જોઈએ. રાજીવ ગાંધીએ આ વાતને નકારી કાઢી અને કહ્યું, "પ્રભાકરને મને વચન આપ્યું છે. મને તેમના પર વિશ્વાસ છે."

પ્રભાકરને એ વચન ક્યારેય પૂરું ન કર્યું અને છેવટે રાજીવ ગાંધીની હત્યાનો આદેશ આપી દીધો. જાફના પાછા ફરતા પહેલાં પ્રભાકરન મદ્રાસમાં લેફ્ટનન્ટ જનરલ દેપિન્દરસિંહને મળ્યા હતા.

દેપિન્દરસિંહ કહે છે, "મારા પ્રત્યે આદર દર્શાવવા માટે પ્રભાકરન રૂમની બહાર તેના રબરના ચપ્પલ ઉતારીને અંદર આવ્યા. તેઓ મારાથી થોડો અસ્વસ્થ જણાતા હતા. તેમણે મને સ્પષ્ટપણે કહ્યું કે તે ક્યારેય ભારતીય વિદેશ મંત્રાલય અને રૉ પર વિશ્વાસ નહીં કરે. મેં તેને પૂછ્યું કે તમે તમારાં શસ્ત્રો અમને ક્યારે સોંપશો (મેં જાણીજોઈને શરણાગતિ શબ્દનો ઉપયોગ કર્યો નથી), પ્રભાકરે કહ્યું કે તે તેની સૌથી ભારે મશીનગન મને આપશે. પ્રભાકરે આ વચન ક્યારેય પૂરું કર્યું નહીં. થોડા દિવસો પછી જ્યારે એલટીટીઈ ગેરીલાઓએ ભારતીય સૈનિકો સામે શસ્ત્રો મૂક્યાં ત્યારે પ્રભાકરન હાજર ન હતા."

દુઃખદ અંત

તેમના જીવનની છેલ્લી લડાઈમાં પ્રભાકરન ચારે બાજુથી શ્રીલંકાના સૈનિકોથી ઘેરાયેલા હતા. એક ગોળી તેની કપાળમાંથી નીકળી ગઈ હતી, જેના કારણે તેમની ખોપરી ફાટી ગઈ હતી. આ સિવાય તેમના શરીર પર ઈજાનું એક પણ નિશાન નહોતું. પ્રભાકરનનો મૃતદેહ એ જ જગ્યાએ પડ્યો હતો જ્યાં થોડા કલાકો પહેલાં તેમનું મૃત્યુ થયું હતું.

વિસ્તારમાં ગંદકી ફેલાયેલી હોવા છતાં તેમનો યુનિફોર્મ એકદમ સ્વચ્છ અને ડાઘા વગરનો હતો. તેમની કમર પર એક પટ્ટો હતો જેમાં એક પિસ્તોલ લટકતી હતી. તેની સાથે છ કારતુસ હતા. તેની છાતી પર ધાતુનું કાર્ડ હતું જેના પર 001 નંબર લખેલો હતો.

તેની પાસેથી મળેલી નાની થેલીમાં દ્રાક્ષનું સુગંધીદાર હૅન્ડ લોશન પણ મળ્યું હતું જે સિંગાપોરથી ખરીદ્યું હતું. પાસે ડાયાબિટીસની સારવાર માટેની કેટલીક ગોળીઓ પણ હતી.

પ્રભાકરન પર બીજું પુસ્તક લખનાર મેજર જનરલ રાજ મહેતા કહે છે, "આખરી લડાઈમાં પ્રભાકરન મોલયેતુવુ વિસ્તારમાં ત્રણ બાજુથી ઘેરાયેલો હતો. ચોથી બાજુ સમુદ્ર હતો જ્યાં શ્રીલંકાની સેનાએ તેની જાળ બિછાવેલી હતી. કહેવાનો અર્થ એ કે બચવાની કોઈ તક ન હતી. શ્રીલંકાની સેના રેડિયો પર તેમની વાતચીત સાંભળી રહી હતી. તેમને પ્રભાકરનના સ્થાનનો સંપૂર્ણ ખ્યાલ હતો. તેઓએ તેને એકદમ 'ચિત્ત' કરી દીધો હતો."

પ્રભાકરનના મૃત્યુ પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદમાં જાહેરાત કરી હતી કે, "શ્રીલંકામાં હવેથી કોઈ લઘુમતી નહીં હોય. હવેથી અહીં માત્ર બે પ્રકારના લોકો હશે. એક જે પોતાના દેશને પ્રેમ કરે છે એ અને બીજા જેને એ ધરતી પ્રત્યે કોઈ પ્રેમ નથી, જ્યાં તે જન્મ્યા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો