અદાણી ગ્રૂપ સામે વૉશિંગ્ટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં કયા આરોપો લગાવ્યા, અદાણી અને એલઆઈસીએ શું ખુલાસો કર્યો?

અમેરિકી અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટે' તેની એક તપાસ આધારિત રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ સરકારી અધિકારીઓના પ્રસ્તાવ હેઠળ અદાણી ગ્રૂપની કંપનીઓમાં લગભગ 33 હજાર કરોડ રૂપિયાનું (3.9 અબજ ડૉલર) રોકાણ કર્યું છે.

રિપોર્ટમાં આંતરિક દસ્તાવેજોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે આ માટે સરકારી દબાણ હેઠળ એક 'યોજના' બનાવવામાં આવી અને તેને 'મંજૂરી' આપવામાં આવી.

વિપક્ષી કૉંગ્રેસે આ મામલે 'જાહેર નાણાંનો દબાણ હેઠળ દુરુપયોગ'નો મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે અને આ મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અને લોકલેખા સમિતિ (PAC) દ્વારા કરાવવાની માંગ કરી છે.

મામલો ચર્ચામાં આવ્યા બાદ એલઆઈસીએ નિવેદન આપીને રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

એલઆઈસી કંપનીનું કહેવું છે કે તેના નિર્ણયો બહારનાં પરિબળોથી પ્રભાવિત હોતા નથી અને તેમાં કોઈ અન્યની ભૂમિકા નથી હોતી.

અદાણી ગ્રૂપે પણ અખબાર સાથેની વાતચીતમાં આવા રોકાણ માટે કોઈ 'સરકારી યોજના' બની હોવાનો ઇન્કાર કર્યો છે.

અદાણી ગ્રૂપનું કહેવું છે કે એલઆઈસી દ્વારા કંપની માટે પક્ષપાતી વલણ અપનાવવાનો દાવો ભ્રામક છે.

અખબારનું કહેવું છે કે આ રિપોર્ટ પર હજી સુધી નીતિ આયોગ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહી ચૂક્યા છે અને તેમની સંપત્તિ લગભગ 90 અબજ ડૉલર છે.

તેમની કંપની પર અગાઉ પણ 'ઠગાઈ'ના આરોપ લાગ્યા છે અને અમેરિકા ખાતે તેમની કંપનીઓની તપાસ ચાલી રહી છે. અદાણી ગ્રૂપે તેની સામે લાગેલા તમામ આરોપો હંમેશાં ફગાવ્યા છે.

વૉશિંગ્ટન પોસ્ટે શું દાવો કર્યો?

શનિવાર સવારે 'વૉશિંગ્ટન પોસ્ટ'માં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અંગે એક રિપોર્ટ પ્રકાશિત થયો જેમાં દાવો કરવામાં આવ્યો કે કંપની પર દેવાનો ભાર વધી રહ્યો હતો અને ઘણી અમેરિકી અને યુરોપિયન બૅન્કો તેને નાણાં આપવામાં ખચકાટ અનુભવી રહી હતી.

આવા સમયે ભારત સરકારે તેમની મદદ માટે એક 'યોજના' બનાવી.

અખબારના દાવા મુજબ આંતરિક દસ્તાવેજો અનુસાર, ભારતીય અધિકારીઓએ એક યોજના બનાવી અને તેમાં આ વર્ષે મે મહિનામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો કે, એલઆઈસી દ્વારા અદાણી ગ્રૂપમાં લગભગ 33 હજાર કરોડનું (3.9 અબજ ડૉલર) રોકાણ કરવાની વાત કરવામાં આવી હતી.

એલઆઈસીને એક પ્રતિષ્ઠિત કંપની તરીકે જોવામાં આવે છે જે ગરીબો અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવારની વીમા અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરે છે.

અખબારમાં વધુમાં લખાયું છે કે આ યોજના એ જ મહિનામાં આવી હતી જેમાં અદાણી પૉર્ટ્સ કંપનીએ હાલના દેવાને રિફાયનાન્સ કરવા માટે બૉન્ડ જારી કરીને લગભગ 585 મિલિયન ડૉલર એકત્ર કરવા હતા.

વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર 30 મેના રોજ અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ સમગ્ર બૉન્ડ એક જ રોકાણકાર એલઆઈસી દ્વારા પૂરા કરી દેવામાં આવ્યા છે.

અખબારના જણાવ્યા મુજબ, આ સરકારી અધિકારીઓની મોટી યોજનાનો એક નાનો ભાગ હતો અને આ 'સરકારમાં અદાણીના પ્રભાવ'નું ઉદાહરણ છે.

અખબાર કહે છે કે તેની રિપોર્ટ એલઆઈસી અને નાણાકીય સેવા વિભાગ (DFS) દ્વારા મળેલા દસ્તાવેજો પર આધારિત છે. ડીએફએસ નાણાં મંત્રાલય હેઠળ આવે છે.

અખબાર લખે છે કે તેણે આ એજન્સી સાથે જોડાયેલા ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓ સાથે વાત કરી, તેમજ અદાણી ગ્રૂપના નાણાકીય વ્યવહારો અંગે જાણકારી ધરાવતા ત્રણ બૅન્કરો સાથે પણ વાત કરી. આ તમામે નામ જાહેર ન કરવાની શરત પર અખબારને ઇન્ટરવ્યૂ આપ્યા હતા.

અખબાર દાવો કરે છે કે આ યોજના ડીએફએસના અધિકારીઓએ એલઆઈસી અને નીતિ આયોગ સાથે મળીને બનાવી હતી. નીતિ આયોગ ભારત સરકાર દ્વારા ફંડેડ થિંક ટૅન્ક છે જે યોજના આયોગના સ્થાને કાર્યરત છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 'દસ્તાવેજો દર્શાવે છે કે નાણાં મંત્રાલયના અધિકારીઓએ સલાહ આપી હતી કે એલઆઈસી અદાણી ગ્રૂપ દ્વારા જારી કરાયેલા 3.5 અબજ ડૉલર મૂલ્યના કૉર્પોરેટ બૉન્ડ ખરીદે અને લગભગ 507 મિલિયન ડૉલરનો ઉપયોગ તેની કંપનીઓમાં ભાગીદારી વધારવા માટે કરે.'

અદાણી ગ્રૂપે શું કહ્યું?

વૉશિંગ્ટન પોસ્ટે તેના રિપોર્ટમાં લખ્યું છે કે આ મામલે તેણે અદાણી ગ્રૂપની પ્રતિક્રિયા જાણવા માટે સંપર્ક કર્યો.

અદાણી ગ્રૂપે સ્પષ્ટ રીતે એલઆઈસીના ફંડના રોકાણ અંગે કોઈ પણ સરકારી યોજનામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો છે.

કંપનીએ કહ્યું છે, "એલઆઈસી ઘણા કૉર્પોરેટ ગ્રૂપમાં રોકાણ કરે છે અને અદાણીની ફેવર કરવાના દાવા ભ્રામક છે. ઉપરાંત એલઆઈસીએ અમારા પોર્ટફોલિયોમાં તેના રોકાણથી રિટર્ન મેળવ્યું છે."

કંપનીએ વધુમાં કહ્યું કે "અનુચિત રાજકીય પક્ષપાતના દાવા પાયાવિહોણા છે. પીએમ મોદી રાષ્ટ્રીય નેતા બન્યા તે પહેલાંથી કંપની વિકાસ કરી રહી છે."

LICએ શું કહ્યું?

એલઆઈસીએ શનિવારે એક નિવેદન આપીને આ મીડિયા રિપોર્ટને ફગાવ્યો છે અને કહ્યું છે કે "વૉશિંગ્ટન પોસ્ટના આ દાવા કે એલઆઈસીના રોકાણ સંબંધિત નિર્ણયો બહારનાં પરિબળોથી પ્રભાવિત થાય છે, તે ખોટા, બિનઆધારિત અને સત્યથી દૂર છે."

એલઆઈસીએ તેના એક પાનાના નિવેદનમાં લખ્યું, "એલઆઈસીએ ક્યારેય કોઈ દસ્તાવેજ અથવા યોજના તૈયાર કરી નથી જે એલઆઈસી દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ માટેનો રોડમૅપ દર્શાવે. રોકાણ સંબંધિત તમામ નિર્ણયો વિગતવાર તપાસ પછી, બોર્ડની નીતિઓ અનુસાર સ્વતંત્ર રીતે લેવામાં આવે છે. આ નિર્ણયોમાં નાણાં વિભાગ અથવા અન્ય કોઈ જૂથની કોઈ ભૂમિકા નથી."

એલઆઈસીએ વધુમાં લખ્યું કે "લેખમાં આપેલા દાવા એવું સૂચવે છે કે તેનો ઉદ્દેશ એલઆઈસીની નિર્ણય પ્રક્રિયા, તેની પ્રતિષ્ઠા અને છબિ તેમજ ભારતનાં મજબૂત નાણાકીય ક્ષેત્રોના પાયાને બદનામ કરવાનો છે."

વિપક્ષ કૉંગ્રેસે કરી અદાણી સામે તપાસની માગ

વિપક્ષી કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એલઆઈસી દ્વારા 'અદાણી ગ્રૂપ પર વિશ્વાસ દર્શાવવાના' નામે 33,000 કરોડ રૂપિયાના જાહેર નાણાંનો દબાણ હેઠળ દુરુપયોગ કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસે આ મુદ્દે એક પછી એક ઘણાં ટ્વીટ કર્યાં છે. પાર્ટીનું કહેવું છે કે "હવે વૉશિંગ્ટન પોસ્ટના સમાચારમાં પણ આ વાત સામે આવી છે કે જ્યારે અમેરિકા ખાતે અદાણી પર લાંચના કેસ થયા ત્યારે વિશ્વભરની બૅન્કોએ કરજ આપવાનો ઇન્કાર કર્યો. ત્યારે મોદી સરકારે એલઆઈસી પર દબાણ બનાવ્યું અને આદેશ આપ્યો કે તે અદાણીની કંપનીઓમાં 3.9 અબજ ડૉલરનું રોકાણ કરે."

પાર્ટીએ લખ્યું છે, "એલઆઈસી પાસેથી આ રોકાણ દબાણ હેઠળ કરાવવામાં આવ્યું, જ્યારે એલઆઈસી પહેલેથી જ અદાણીના શૅરોમાં રોકાણ કરીને અબજોનું નુકસાન ભોગવી ચૂક્યું હતું."

પાર્ટીએ આ મામલાની તપાસ સંયુક્ત સંસદિય તપાસ સમિતિ દ્વારા કરાવવાની માંગ કરી છે અને કહ્યું છે કે પ્રથમ પગલાં તરીકે સંસદની લોકલેખા સમિતિ (PAC) દ્વારા આ તપાસ સંપૂર્ણ રીતે કરવી જોઈએ.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન મૂક્યું, જેમાં લખ્યું છે કે "આ પ્રશ્ન ઊઠે છે કે નાણાં મંત્રાલય અને નીતિ આયોગના અધિકારીઓએ કોના દબાણ હેઠળ નક્કી કર્યું કે તેમનું કામ ગંભીર ગુનાહિત આરોપો હેઠળ નાણાકીય સંકટમાં ફસાયેલી ખાનગી કંપનીને બચાવવાનું છે?"

તેમણે આને ભારતના લોકોનું નુકસાન ગણાવ્યું અને પ્રશ્ન કર્યો, "પબ્લિકલી લિસ્ટેડ એલઆઈસીને રોકાણ કરવા માટે આદેશ કોણે આપ્યા?"

તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ 'વૉશિંગ્ટન પોસ્ટ'ના આ સમાચાર શૅર કરીને લખ્યું, "મોદી સરકાર સતત ગૌતમ અદાણીને ફંડ આપે છે અને ભારતની જનતાને તેને બેલઆઉટ કરવું પડે છે. વૉંશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં તેના સૌથી નજીકના મિત્ર માટે રૂ. 30,000 કરોડના એલઆઈસી બેલઆઉટની વાત કરવામાં આવી છે."

જાણીતાં પત્રકાર અને તૃણમૂલ કૉંગ્રેસ નેતા સાગરિકા ઘોષે આ પર ટિપ્પણી કરતાં પ્રશ્ન કર્યો, "એલઆઈસીમાં લાખો મહેનતી ભારતીયોનાં નાણાં છે. શું યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે જનતાનાં નાણાં માત્ર મોદીના મિત્રો માટે છે?"

અદાણી ગ્રૂપ પર અગાઉ પણ લાગ્યા છે આરોપ

ગયા વર્ષે અમેરિકાની સરકારી સંસ્થાઓ - ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને યુએસ સિક્યૉરિટીઝ એન્ડ ઍક્સચેન્જ કમિશન (SEC)એ તેમના અને તેમના કેટલાક સાથીઓ પર ઠગાઈના આરોપ લગાવ્યા હતા.

આરોપ હતો કે ગૌતમ અદાણી અને તેમના સાથીઓએ ભારતમાં તેમની રિન્યુએબલ ઍનર્જી કંપની માટે 250 મિલિયન ડૉલર એટલે કે લગભગ 2,000 કરોડ રૂપિયાની લાંચ આપી અને અમેરિકા ખાતે મૂડી એકત્ર કરતી વખતે રોકાણકારો પાસેથી આ માહિતી છુપાવી.

આ પછી કૅન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે થયેલા બે કરાર રદ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયની અસર કંપનીના શૅર અને તેની પ્રતિષ્ઠા પર પડી.

આ પહેલાં 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ સામે રિપોર્ટ જાહેર કરીને કહ્યું હતું કે "તેના માલિક ગૌતમ અદાણી 2020થી તેમની સાત સૂચિબદ્ધ કંપનીઓના શૅરોમાં હેરફેર કરીને 100 અબજ ડૉલર કમાઈ ચૂક્યા છે."

હિંડનબર્ગે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ 37 શેલ કંપનીઓ ચલાવે છે, જેનો ઉપયોગ મની લૉન્ડરિંગ માટે થયો છે.

આ આરોપોને અદાણી ગ્રૂપે પાયાવિહોણા ગણાવ્યા હતા.

પછી ભારતની બજાર નિયમનકારી સંસ્થા સેબીએ હિંડનબર્ગને કારણ બતાવો નોટિસ આપી હતી અને કહ્યું હતું કે હિંડનબર્ગે રિસર્ચ ઍનાલિસ્ટ માટે નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

જાન્યુઆરી 2025માં હિંડનબર્ગના સ્થાપક નેથન ઍન્ડરસને માહિતી આપી હતી કે તેઓ આ કંપની બંધ કરવા જઈ રહ્યા છે. તેમણે તેના પાછળ કોઈ કારણ જણાવ્યું નહોતું.

સપ્ટેમ્બર મહિનામાં સેબીએ તથા એ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી કમિટીએ અદાણી જૂથ દ્વારા પ્રથમદર્શીય કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું ઠેરવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન