IND vs AUS : રોહિત શર્માએ ફટકારી સદીઓની અડધી સદી, વિરાટ કોહલી પણ બન્યા વિજયના હીરો, આ મૅચમાં બીજા કયા-કયા રેકૉર્ડ બન્યા?

ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની વન-ડેની સિરીઝની છેલ્લી મૅચમાં ભારતનો વિજય થયો છે, આ સાથે જ કેટલાક રેકૉર્ડ પણ બન્યા છે.

ભારતે નવ વિકેટે આ મૅચ જીતી છે. ઓપનર રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી આ વિજયના સારથિ બન્યા હતા.

રોહિત શર્માએ 105 બૉલમાં કૅરિયરની 33મી વન-ડે સદી ફટકારી. આ સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય મૅચોમાં સદીઓની અડધી સદી પૂર્ણ કરી. તેમણે 11 ચોક્કા અને બે છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી.

બીજી બાજુ, વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટની 75મી અડધી સદી ફટકારી હતી. તેઓ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનારા બીજા ક્રમના બલ્લેબાજ બની ગયા છે.

કોહલીની આ સિદ્ધિથી શ્રીલંકાના કુમાર સંગાકારા ત્રીજાક્રમે સરકી ગયા છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ભારતના સચીન તેંડુલકરના નામે છે.18 હજાર 426 રન સાથે તેઓ ટોચ ઉપર છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાની સામે અઢી-અઢી હજાર રન પૂર્ણ કર્યા છે. તેઓ આ સિદ્ધી મેળવનારા બીજા તથા ત્રીજા ક્રમાંકના ખેલાડી બન્યા હતા.

રોહિત શર્મા 121 (125 બૉલ) તથા વિરાટ કોહલીએ 74 રન (81 બૉલ) અણનમ ઇનિંગ રમી હતી.

ભારતીય બૉલરોની સિદ્ધિ

સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ટૉસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી હતી.

જોકે, ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ખાસ કમાલ નહોતા કરી શક્યા અને 46.4 ઓવરમાં 236 રને ઑલઆઉટ થઈ ગયા હતા.

ભારત તરફથી ફાસ્ટ બૉલર હર્ષિત રાણાએ ચાર અને વૉશિંગ્ટન સુંદરે બે વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ તથા અક્ષર પટેલે એક-એક ખેલાડીઓને પેવોલિયન ભેગા કર્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશૉ (56 રન) તથા મિચેલ માર્શે (41 રન) નોંધપાત્ર રન કર્યા હતા.

ભારતીય ટીમ 237 રન કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરી હતી. ટીમની શરૂઆત મજબૂત રહી હતી. ભારતની એકમાત્ર વિકેટ કૅપ્ટન શુભમન ગિલ સ્વરૂપે પડી હતી. તે સમયે ભારતનો સ્કોર 69 રન હતો.

સિડની વન-ડેમાં જીત પણ સિરીઝમાં હાર

ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. જ્યાં યજમાન ટીમે ટુર્નામેન્ટની પ્રથમ બે મૅચ જીતીને ટ્રૉફી ઉપર કબજો કરી લીધો હતો. બંને મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો હતો. જોકે, છેલ્લી મૅચમાં વિજય આશ્વાસનરૂપ રહ્યો.

પહેલી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે તથા બીજી વન-ડે મૅચમાં બે વિકેટે પરાજય આપ્યો હતો.

બુધવારથી (તા. 29 ઑક્ટોબર) ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ ટી-20 મૅચની સિરીઝ રમાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન