દલિતોને સફાઈકામથી મુક્તિ ક્યારે મળશે, આઠ-આઠ ડિગ્રી છતાં શિક્ષિત યુવાનને કચરો કેમ ઉપાડવો પડે છે?

- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી સંવાદદાતા
'સાલા મેં તો સાબ બન ગયા,
રે સાબ બન કે કૈસા તન ગયા..'
સુનીલ યાદવ મધરાતે બાર વાગ્યે આ ગીત ગણગણતા મુંબઈના રસ્તાઓ પર કચરાના ડબ્બાઓમાં પડેલો ભીનો કચરો એકઠો કરે છે. તેમણે જીવનની હજારો રાત આ કામ કરવામાં વિતાવી છે.
મેહતર સમુદાયના સુનીલ 2005થી મુંબઈ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યા છે, પણ આ સ્ટોરી એક જ સફાઈ કામદારની નથી.
આ એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિની કથા છે. એક સંશોધકની કથા છે, જેમણે મહિલા સફાઈ કામદારો બાબતે સંશોધન કરીને પીએચ.ડી. થિસીસ લખી રહેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીની કથા છે.
એ વિદ્યાર્થી જેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ અને નિર્મલા નિકેતન જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવી છે. આ એક દલિત સફાઈ કામદારની વાત છે, જે ચાર પેઢીથી ચાલતી સફાઈકામની પરંપરાને શિક્ષણ દ્વારા તોડવા ઇચ્છે છે.
સુનીલ યાદવે કુલ આઠ ડિગ્રી મેળવી છે. તેમાં બી.કોમ., બી.એ. ઈન જર્નલિઝમ, માસ્ટર્સ ઈન ગ્લોબલાઇઝેશન લેબર અને માસ્ટર્સ ઑફ સોશિયલ વર્કની ડિગ્રીનો સમાવેશ થાય છે. તેમની શૈક્ષણિક યાત્રા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.
આગામી એક કે બે મહિનામાં સુનીલ યાદવ તેમનો અંતિમ પીએચ.ડી. થિસીસ સબમિટ કરશે અને મુંબઈના ચેમ્બુરમાં ડૉ. સુનીલ યાદવ ફરી એક વાર હાથમાં ઝાડુ લઈને શેરીઓ સાફ કરવા નીકળી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હા. આટલું બધું ભણ્યા પછી પણ સુનીલ યાદવના નસીબમાંથી સફાઈનું કામ છૂટતું નથી, કારણ કે તેમને છેલ્લાં દસ વર્ષમાં એક પણ પ્રમોશન મળ્યું નથી.
સુનીલ યાદવના પ્રમોશન માટેની કાનૂની લડાઈ હાલ મુંબઈ હાઇકોર્ટમાં ચાલી રહી છે અને મુંબઈ મહાનગરપાલિકાના માહિતી અધિકારીએ બીબીસીને પણ આ બાબતે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે.

ભારતમાં 140 કરોડ લોકો રહે છે અને દેશમાં રોજ 17 કરોડ કિલો કચરો ઉત્પન્ન થાય છે. એ કચરાનું શું થાય છે? આપણા ઘરનો કચરો કોણ ઉપાડે છે? શેરીઓમાના કચરાના ડબ્બાઓને કોણ સાફ કરે છે? જાહેર શૌચાલયો સાફ કરતા આ લોકો કોણ છે?
દલિત માનવ અધિકારો માટેના રાષ્ટ્રીય અભિયાનના આંકડા અનુસાર, ભારતમાં લગભગ 15 લાખ સફાઈ કામદારો કાર્યરત્ છે અને એ પૈકીના 98 ટકા દલિત સમુદાયના છે.
અહીં એક સંસ્થા દ્વારા આપવામાં આવેલા આંકડા ટાંકવા પડે છે, કારણ કે કેન્દ્ર સરકાર પાસે સફાઈ કામદારોની કુલ સંખ્યાનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
વર્ષોથી સફાઈકામ કરી રહેલા આ લોકોના સ્વાસ્થ્ય વિશે, તેમની સામાજિક, આર્થિક અને રાજકીય પૃષ્ઠભૂમિ બાબતે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગ હેઠળ આવતા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ (એનસીએસકે)એ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે "કૃપા કરીને આ માહિતી તથા આંકડા એકઠા કરો."

ઇમેજ સ્રોત, BBC/DebalinRoy
આ આયોગ એક સમયે વૈધાનિક પંચનો દરજ્જો ધરાવતું હતું. હવે તે દરજ્જો નથી અને તેને ભલામણો કરવા સિવાયનો કોઈ અધિકાર નથી.
સફાઈ કામદારોની ઉપેક્ષા અને તેમની કંગાળ આર્થિક તથા સામાજિક પરિસ્થિતિ વિશે ઘણું લખાયું છે, પરંતુ સ્વાતંત્ર્યનાં 75 વર્ષ પછી પણ આ સફાઈ કામદાર દલિતો સાચી સ્વતંત્રતાનો અનુભવ કરી શક્યા છે? શું સ્વચ્છતા પ્રત્યેનો સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે? એઆઈ અને કમ્પ્યુટર્સની દુનિયામાં આ બધા લોકો કેવી રીતે જીવે છે? અમે આ બધું જાણવાનો પ્રયાસ કર્યો છે.
અસ્પૃશ્ય ગણવામાં આવતા લોકો હિન્દુ જાતિ વ્યવસ્થાની બહાર હતા અને તેમના પર મૃત પ્રાણીને ઉપાડવાની, રસ્તાઓ સાફ કરવાની, કચરો ઉપાડવાની અને કહેવાતા 'અસ્વચ્છ' કામ કરવાની જવાબદારી હતી. સ્વાતંત્ર્ય પછી પણ આ કામ કરતા મોટા ભાગના લોકો દલિત છે.
છેલ્લા બે દાયકાથી મુંબઈમાં સફાઈકામ કરતા લોકો સાથે અમે વાત કરી હતી. આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરી હતી અને સામાજિક કાર્યકરોનાં મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. એ ઉપરાંત આ બધા માટે જવાબદાર સરકારી પ્રતિનિધિઓને પણ પ્રશ્નો પૂછ્યા હતા.
'મારી ચાર પેઢી આ કામમાં મરી ગઈ, પણ હવે નહીં'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈના ચેમ્બુરમાં રહેતા સુનીલ તેમના પરિવારમાં સફાઈ કામદારનું કામ કરતી ચોથી પેઢી છે. સુનીલ પહેલાં તેમના દાદા, તેમના પિતા અને પછી તેમનાં માતા સફાઈ કામદાર તરીકે કામ કરતાં હતાં.
જોકે, હવે સુનીલે આ સફાઈકામનો બોજ ઉતારવાનો નિર્ધાર કર્યો છે.
સુનીલે કહ્યું હતું, "મારી ચાર પેઢી આ કામમાં ખપી ગઈ, પણ હવે આ કામ બંધ થવું જોઈએ. મારી બે દીકરીઓ છે. નાની દીકરી ઇન્ટરનૅશનલ બાસ્કેટબૉલ રમવા માગે છે, જ્યારે મોટી દીકરીને મરીન એન્જિનિયરિંગ કરવું છે."
મુંબઈના ભાયખલામાં જન્મેલા સુનીલનું બાળપણ મુશ્કેલીભર્યું હતું. તેમના પિતા ખૂબ દારૂ પીતા હતા. ઘરમાં ઝઘડા થતા હતા અને બહાર ગુનાખોરી હતી.
આ બધામાંથી પોતાનો બચાવ કરીને સુનીલે તેમના પિતાનું સફાઈનું કામ સંભાળ્યું. જેમ તેમ શિક્ષણ મેળવ્યું હોવાને કારણે સુનીલે વિકલ્પો શોધ્યા વિના મુંબઈ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ શરૂ કર્યું.
સુનીલે કહ્યું હતું, "મારા પિતાને પેરાલિસીસનો સ્ટ્રૉક આવ્યા પછી 2005ની પહેલી જાન્યુઆરીથી મેં આ નોકરી શરૂ કરી હતી. કામનો પહેલો દિવસ ભયંકર હતો. મને ગ્રાન્ટ રોડ વિસ્તારની એક ગલીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં શૌચાલયમાંથી પાણી વહેતું હતું, મળ તરતો હતો અને મરેલા ઉંદરો હતા."
"મેં મારા જીવનમાં પહેલાં આવું ક્યારેય વિચાર્યું ન હતું. હું લાંબા સમય સુધી હાથમાં ઝાડુ પકડીને ત્યાં ઊભો રહ્યો. કોઈએ કહ્યું હતું, સુનીલ, હવે તારે આ કામ કરવું જ પડશે. તારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

ઇમેજ સ્રોત, BBC/DebalinRoy
ખૂબ જ નાની વયે સફાઈ કામદાર તરીકે કામ શરૂ કરનાર સુનીલ પોતાની પરિસ્થિતિ બદલવા ઇચ્છતા હતા. તેઓ દસમા ધોરણમાં બે વાર નાપાસ થયા હતા અને તેમની વય પણ વધતી જતી હતી. એ પરિસ્થિતિ છતાં તેમણે ફરીથી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી ધોરણ 10 અને 12ની ક્વૉલિફાઇંગ એક્ઝામ્સ આપી.
સુનીલે કહ્યું હતું, "શિક્ષણ પરિસ્થિતિ બદલી શકે છે, એવું ડૉ. બાબાસાહેબ આંબેડકરે અમને શીખવ્યું છે. તેથી જ મેં અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો."
"મેં યશવંતરાવ ચ્વહાણ ઓપન યુનિવર્સિટીમાંથી બી. કોમ. અને બી.એ. કર્યું. નિર્મલા નિકેતન – મુંબઈમાંથી ડિપ્લોમા ઈન સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો, તિલક મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાંથી એમ.એ. ઈન ગ્લોબલાઇઝેશન લેબર, એમ.ફીલનો અભ્યાસ કર્યો અને હવે હું મહિલા સફાઈ કામદારોના વિષય પર પીએચ.ડી. કરી રહ્યો છું."
મનમોહનસિંહે નોંધ લીધી, પણ હજુય તેઓ સફાઈ કામદાર તરીકે જ કામ કરે છે
સુનીલે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે, સંશોધનકાર્ય માટે આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાં ગયા છે, પરંતુ આ શિક્ષણથી તેમને નોકરીમાં કોઈ લાભ થયો નથી.
2015માં સુનીલ પાસે ચાર ડિગ્રી હતી ત્યારે દુનિયાનું ધ્યાન પહેલી વખત તેમના પર પડ્યું હતું. ઉચ્ચ શિક્ષિત સફાઈ કામદાર તરીકે તેમનું દેશભરમાં સન્માન કરવામાં આવ્યું હતું. એ ઘટનાને 10 વર્ષ વીતી ગયાં છે. 2015થી 2025ની વચ્ચે સુનીલે વધુ ચાર ડિગ્રી મેળવી છે.
તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં પીએચ.ડી. થિસીસ લખી રહ્યા છે, પરંતુ તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ બદલાઈ નથી.
સુનીલે કહ્યું હતું, "મને આજે પણ યાદ છે કે મહાનગરપાલિકા મને અભ્યાસ માટે રજા આપતી ન હતી. તેથી ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારે મારે વિશેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે તે સમાચાર વાંચ્યા અને મને તે સમયે રજા મળી હતી."

ઇમેજ સ્રોત, BBC/DebalinRoy
સુનીલના કહેવા મુજબ, "કદાચ હું દલિત હોવાને કારણે મારો વિચાર સહાનુભૂતિથી કરવામાં આવ્યો ન હતો. મેં કૉમ્યુનિટી ડૅવલપમૅન્ટ ઑફિસરના પદ પર પ્રમોશન માટે અરજી કરી હતી, પણ મને કહેવામાં આવ્યું હતું કે હું એ પદ માટે લાયક નથી. આટલું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવા છતાં મને પ્રમોશન મળતું નથી. તેથી મારે હાઈકોર્ટમાં જવું પડ્યું છે. હું ત્યાં લડી રહ્યો છું."
આ કેસ કોર્ટમાં વિચારાધીન હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. સુનીલ યાદવના ઉપરી અધિકારીઓએ અમારી સાથે વાત કરી હતી અને સુનીલના શિક્ષણ તથા પરિસ્થિતિ પરત્વે આદર જરૂર વ્યક્ત કર્યો હતો, પરંતુ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
"પ્રશાસન ઇચ્છે છે કે અમે ગુલામ જ રહીએ. એક વાર એક અધિકારીએ મને કહ્યું હતું કે તમે અધિકારી બનશો તો રસ્તા કોણ સાફ કરશે? એ સમયે હું બહુ ગુસ્સે થયો હતો, ઝઘડ્યો હતો, પરંતુ હું કેટલો લડું? પહેલાં મેં વિચાર્યું હતું કે શિક્ષણ પ્રાપ્ત કરવાથી પરિસ્થિતિ બદલાશે. તેથી મેં અભ્યાસ શરૂ કર્યો. આઠ ડિગ્રી મેળવી, પણ મને શું મળ્યું? હું દલિત ન હોત તો આવું થયું હોત?," સુનીલે આ સવાલ કર્યો હતો.
'સફાઈ કામદારોને મળે છે ટીબીની ભેટ'
સુનીલ યાદવ મુંબઈ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે કાર્યરત્ છે. બે કરોડની વસ્તી ધરાવતા મુંબઈમાં ફક્ત 28,000 કર્મચારીઓ કામ કરે છે.
કર્મચારીઓની સંખ્યા અપૂરતી હોવાને કારણે મહાનગરપાલિકાએ લગભગ 15,000 કર્મચારીઓને કૉન્ટ્રાક્ટ પર રાખ્યા છે.
તેમણે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ પૈકીના ઘણા કહે છે કે તેમની મુખ્ય સમસ્યા સ્વાસ્થ્ય છે.
દાદારાવ પાટેકર છેલ્લાં 20 વર્ષથી કૉન્ટ્રાક્ટ સફાઈ કામદાર તરીકે કાર્યરત્ છે. તેમણે કહ્યું હતું, "કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને આંદોલન કર્યા વિના કશું જ મળતું નથી."
કચરાને કારણે થતી ઍલર્જી દેખાડતાં દાદાસાહેબે કહ્યું હતું, "તમે જુઓ. મારા હાથને કચરાની ઍલર્જી છે. કામ વખતે હાથમોજાં પહેરીએ તો એલર્જી ન થાય, પરંતુ હાથમોજાં ક્યારેય મળતાં નથી. અમને ટીબી (ક્ષયરોગ)ની ભેટ મળે છે. અમે કચરાની ગાડીમાં આઠ-આઠ કલાક કામ કરીએ છીએ. કચરાની ગંધને કારણે લોકો નાક બંધ કરીને ચાલ્યા જાય છે, પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નથી. તેને લીધી અમને ટીબીનો ચેપ લાગે છે."
'મહાનગરપાલિકા માટે કોન્ટ્રાક્ટ કામદારો કર્મચારી નહીં, સ્વયંસેવક છે'

કચરો એકત્રિત કરવા અને તેના નિકાલ માટે સ્વયંસેવી સંગઠનોને કૉન્ટ્રાક્ટ આપવાનો ઉલ્લેખ મુંબઈ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જોવા મળે છે.
મુંબઈ મહાનગરપાલિકાએ 350 સંસ્થાઓને કામ આપ્યું હોવાનું ગાર્બેજ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ યુનિયનના મહામંત્રી મિલિંદ રાનડેએ જણાવ્યું હતું.
મિલિંદ રાનડે છેલ્લા ત્રણ દાયકાથી સફાઈ કામદારોના મુદ્દા ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું, "મહાનગરપાલિકા પાસે 350 કૉન્ટ્રાક્ટર છે અને આ કામદારો ન્યાયથી વંચિત રહે એટલા માટે આ 350 કૉન્ટ્રાક્ટર્સને સ્વયંસેવી સંગઠનો જાહેર કરવામાં આવ્યા છે અને જે કામદારો છે તેમને સ્વયંસેવક ગણવામાં આવ્યા છે."
"તેનો અર્થ એ કે શ્રમ કાયદાઓ તો છે, પરંતુ તે કામદારો માટે છે. તમે સ્વયંસેવક છો તો તમને કાયદો કેવી રીતે લાગુ પડે? આ કારણસર કૉન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયદાઓનો લાભ મેળવી શક્યા નથી."
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગ હેઠળ રાષ્ટ્રીય સફાઈ કામદાર પંચની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 1994ની બારમી ઑગસ્ટે ત્રણ વર્ષના સમયગાળા માટે વૈધાનિક દરજ્જો આપીને આ કમિશનની સ્થાપના કરી હતી.
કેન્દ્ર સરકારે 2025ની સાતમી ફેબ્રુઆરીએ આ કમિશનનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે. હકીકતમાં 2021-22 પછી આ કમિશનનો કોઈ અહેવાલ પ્રકાશિત થયો નથી. કમિશનની વેબસાઇટ પર તમામ પદાધિકારીઓની જગ્યાઓ ખાલી છે.
તેથી સવાલ થાય છે કે સફાઈ કામદારોએ ન્યાય માગવા કોની પાસે અને ક્યાં જવું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












