ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે.

બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. ત્યાર બાદ તે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા છે.

આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાત પર રહેશે અને આગળ વધશે. સિસ્ટમ મજબૂત હોવાના કારણે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અસાધારણ ભારે વરસાદ નોંધાયો છે અને ઘણા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. એવું માનવામાં આવે છે કે આ વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાકને જીવતદાન મળશે. જોકે, બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થવાની પણ શક્યતા છે.

નોંધનીય છે કે હાલ ગુજરાતમાં ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલીય રહ્યો છે. જેના કારણે રાજ્યના ઘણા ડૅમોમાં પાણી ભારે આવક થઈ છે.

સ્થાનિક અહેવાલો અનુસાર ભારે વરસાદને કારણે નર્મદા, વડોદરા અને દાહોદના કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં છે.

અમદાવાદ-ગાંધીનગરમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે.

અહેવાલો અનુસાર નર્મદા ડૅમના 30માંથી 23 દરવાજા ખોલાતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હોવાની સમસ્યા પણ સર્જાઈ છે.

આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા અને પંચમહાલમાં વરસાદનું રેડ ઍલર્ટેય અપાયું છે.

મહીસાગર જિલ્લામાંય ગઈ કાલ રાતથી જ શરૂ થયેલો ભારે વરસાદ હજુ પણ ચાલુ છે.

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા વચ્ચે શરૂઆતના રાઉન્ડમાં જ સર્જાયેલી સ્થિતિને કારણે ચિંતાનો માહોલ ઊભો થાય એ સ્વાભાવિક છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો પરથી પસાર થવાની શક્યતા છે અને ત્યાર બાદ કચ્છ પરથી થઈને અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

જેના કારણે પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લા તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવે તેવી પણ શક્યતા છે.

દાહોદ, નર્મદા, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.

કચ્છ જિલ્લા પરથી જ્યારે સિસ્ટમ પસાર થશે ત્યારે ત્યાંના ઘણા વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કઈ તારીખ સુધી પડશે વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને કેટલાક વિસ્તારોમાં હવે વરસાદનું જોર વધી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાત પર આવશે તેમ રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 17-18ની વચ્ચે સપ્ટેમ્બરના રોજ પૂર્વ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની તથા કોઈ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

18-19 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાનું શરૂ થઈ જશે.

20 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

21 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના હાલની સ્થિતિએ દેખાઈ રહી છે.

ગુજરાતમાં લગભગ હજુ પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદની શક્યતા છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કેટલી ઝડપથી પવન ફૂંકાશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે ગુજરાતમાં અત્યંત ઝડપી પવન ફૂંકાવાની કોઈ શક્યતા નથી પરંતુ અનેક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો 18 અને 19 સપ્ટેમ્બરના રોજ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

પવનની ગતિ દરિયાકિનારાના વિસ્તારની આસપાસ થોડી વધારે રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. કપાસ જેવા પાકને વરસાદની સાથે આવતો પવન કદાચ નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં દોઢ મહિના બાદ ફરીથી વરસાદ થવા જઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં પાકને ફાયદો થશે જ્યારે ઘણા વિસ્તારોમાં ભારે કે અતિ ભારે વરસાદ પાકને નુકસાન પણ કરે તેવી આશંકા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી